ભારત-ચીન વિવાદ અને આત્મનિર્ભર ભારત - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 13 જૂન, 2020

ભારત-ચીન વિવાદ અને આત્મનિર્ભર ભારત


                                ચીન જે પૈસાના જોરે ભારતને વારંવાર હેરાન કરતું રહે છે તે પૈસા ચીનને ભારતીયો જ કમાઈને આપે છે. દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, રક્ષાબંધન વગેરે તહેવારો ભારતમાં ધામધૂમથી ઉજવાય છે પણ ચીનમાં એમાંથી કોઈ જ તહેવાર નથી ઉજવાતો; છતાં પણ દીવા, લાઈટની સિરીઝ, પતંગો, ચાઈનીઝ દોરી, રાખડીઓ, રમકડાં વગેરે ચીનમાંથી ભારતમાં આવે છે.ભારતે વર્ષ 2020 માં 65.26 બિલિયન ડોલરની ચીજવસ્તુઓ ખરીદી હતી.જ્યારે કુલ વ્યાપાર 81.60 બિલિયન ડોલરનો હતો. ભારત અને ચીન વચ્ચે વ્યાપાર ખાધ 48.66 બિલિયન ડોલરની છે ( 1 બિલિયન = 100 કરોડ ). અને એમાં ચીનનો વ્યાપાર વધારે છે એટલે કે ભારત ચીનમાં જેટલી નિકાસ કરે છે તેના કરતાં ચીન ભારતમાં 48.66 બિલિયન ડોલર ની વધુ ચીજવસ્તુઓ નિકાસ કરે છે. વર્લ્ડ બેંકના 2017 ના અહેવાલ પ્રમાણે ભારતીય અર્થતંત્ર 2.651 ટ્રિલિયન ડોલરનું હતું. ( 1 ટ્રિલિયન = 1 લાખ કરોડ ). જ્યારે ચીનનું અર્થતંત્ર તે જ વર્ષે 12.238 ટ્રિલિયન ડોલરનું હતું. આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે ચીન ભારત કરતાં આર્થિક રીતે દસ ગણું વધુ સશક્ત છે.પરંતુ તેને આટલું બધું સશક્ત બનાવવામાં ભારતીયોનો ફાળો ખુબ મોટો છે. એટલું જ નહિ ચીન પાસે ભારત કરતાં ચાર ગણી વધુ જમીન છે એટલે તેની પાસે સંસાધન પણ વધુ જ હોવાના.ચીન જે રૂપિયા કમાય છે તે રૂપિયાથી હથિયારો ખરીદે છે અને તે હથિયારોના જોરે ભારતને યુદ્ધની ધમકી આપતું રહે છે. પરંતુ આમાં નિર્દોષ ચીની પ્રજાનો કોઈ જ હાથ નથી.બધો જ વાંક ત્યાંની સામ્યવાદી સરકારનો છે.જ્યારે જ્યારે ચીનમાં અશાંતિ પ્રવર્તતી હોય છે ત્યારે ચીન પ્રજાનું ધ્યાન ભટકાવાં પાડોશી દેશો સાથે વિવાદ ઊભા કરતું હોય છે અને દુર્ભાગ્યે આપણે તેના એ પાડોશી છીએ. 1962ના યુદ્ધ વખતે પણ ચીન ચાર વર્ષના લાંબા દુકાળમાંથી પસાર થઈ રહ્યું હતું અને તેની પ્રજા સરકારથી ત્રાસી ગઈ હતી એટલે ચીને ભારત સાથે 1962 નું યુદ્ધ કર્યું હતું. હાલ પણ ચીનમાં અશાંતિ છે. લોકડાઉન ના કારણે ત્યાં બેરોજગારી વધી ગઈ છે. ચીન તિબેટ, હોંગકોંગ, તાઇવાન, અને વિયેતનામમાં પગદંડો જમાવી બેઠું છે અને ત્યાંની પ્રજા તેનાથી આઝાદીની માંગણી કરી રહી છે.ત્યાં આંદોલનો ચાલી રહ્યા છે. આ બધી બાબતોથી ધ્યાન ભટકાવાં ચીન સમય સમય પર ભારત સાથે વિવાદ ઊભા કરતું રહે છે અને હેરાન કર્યા કરે છે. પાકિસ્તાન પણ ચીનના જ પીઠબળના જોરે ઉછળકૂદ કર્યા કરે છે. FATF(ફાઈનનશિયલ એક્શન ટાસ્ક ફોર્સ ) ની યાદીમાં પણ ચીન જ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થતાં બચાવે છે અને UN ની સૌથી શક્તિશાળી પાંખ UNSC ( યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ ) માં ભારત કાયમી સભ્ય માટે બધી રીતે યોગ્ય હોવા છતાં પણ પોતાનો વિટો પાવર વાપરીને ભારતને કાયમી સભ્ય નથી બનવા દેતું. હવે 17 જૂન 2020 માં યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના અસ્થાયી સભ્ય પદ માટે ચુંટણી થવાની છે.જો ભારત તેમાં જીતે તો બે વર્ષ માટે સભ્ય બની શકે.એક રીતે જોઈએ તો ભારત કાયમી સભ્ય બનવાની બધી યોગ્યતાઓ ધરાવે છે છતાં પણ ચીન તેને કાયમી સભ્ય નથી બનવા દેતું. દુર્ભાગ્યવશ ચીન આપણું પાડોશી છે અને તેને આપણે બદલી નથી શકતા પણ તેને યોગ્ય પાઠ તો ભણાવી જ શકીએ છીએ.


ચીન માટે શું કરવું

                                ચીનની તાકાત તેનું અર્થતંત્ર છે જે આપણા કરતાં દસ ગણું વધુ મજબૂત છે.ચીનને પાઠ ભણાવવાનો એક જ રસ્તો છે કે ' MADE IN CHINA ' થી દુર રહો.જે વસ્તુઓ પહેલેથી ખરીદાઈ ગઈ છે તેને ફેંકી દેવાથી નુકસાન આપણને જ થશે, ચીનને નહિ. કારણ કે, એ વસ્તુઓના પૈસા તો ચીનમાં પહોંચી ગયા છે જે આપણી મહેનતના હતા અને હવે પાછા આવવાનાં નથી. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે હવે પછી ઘરમાં કોઈ પણ વસ્તુ ' MADE IN CHINA ' ની ના આવે.જે જરૂરી છે અને ચાલે તેમ નથી તેના માટે છૂટ મળી શકે પરંતુ કોઈ બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની ટાળો. પ્રાથમિકતા હંમેશા સ્વદેશી ને જ આપો.અર્થશાસ્ત્રનો નિયમ છે કે બજારમાં માંગ ઊભી થાય તો ઉત્પાદન આપોઆપ થવા માંડે.જેની જરૂર વર્તાય તેનું ઉત્પાદન કરવા માટે ઉદ્યોગો સ્થપાવા માંડે.એટલે આપણે બસ માંગ ઊભી કરવાની છે. આપણા ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહનની જરૂર છે. ' સ્વદેશી અપનાવો ' ના નારાથી એમનામાં પ્રાણ ફૂંકાઈ શકે છે. આ બધું એક વાત થી સમજી શકાય કે આપણા દેશમાં માત્ર સ્વદેશી અપનાવો અને ચીનની વસ્તુઓ ન ખરીદવાની માત્ર વાતો થઈ ત્યાં ચીનમાં હડકંપ મચી ગયો.ચીનના ઉદ્યોગો ' મેડ ઈન ચાઈના 'ના બદલે મેડ ઈન PRC છાપવા માંડ્યા. PRC એટલે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના. એના પરથી સમજી શકાય કે જે ભારતને ચીન વાત વાતમાં હેરાન કરે છે તેના માટે ભારત કેટલું જરૂરી છે.આજે એશિયામાં ચીન પછી જો કોઈ શક્તિશાળી દેશ હોય તો એ ભારત છે.ભારત આજે વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે એટલે કે ખુબ મોટું બજાર ધરાવે છે અને ભારતને નારાજ કરવાનું કોઈ દેશને પાલવે તેમ નથી.ચીન ગમે તે કરે પણ એ જાણે છે કે ભારતીય બજાર તેના માટે કેટલું ઉપયોગી છે અને એટલે જ તે #boycottchina જેવા સૂત્રોથી ગભરાઈ જાય છે.હમણાં માત્ર થોડા જ સમય માટે ચીનની વસ્તુઓ વાપરવાની ઓછી અને શક્ય હોય તો બંધ કરીએ તો ચીન સામેથી ભારત સાથે સંબંધો સુધારવા આવશે.

પડકારો અને ઉપાયો


                                 અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો જમાનો છે.વિશ્વના બધા દેશ એકબીજા સાથે વ્યાપારની દૃષ્ટિએ સંકળાયેલા છે. આ પરિસ્થિતિને ખુલ્લી અર્થવ્યવસ્થા કહે છે. દરેક દેશ એકબીજા પર નિર્ભર છે. દરેક દેશ વિદેશી હુંડીયામણને આકર્ષવા માટે લાલ જાજમ પાથરીને સ્વાગત કરે છે.ભારતે પણ મોટા ભાગના વિભાગોમાં 100 % FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) ની છૂટ આપી દીધી છે. ભારત બીજા દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત કરે છે તો સાથે સાથે નિકાસ પણ કરે જ છે..આ આયાત નિકાસ ઉપર દરેક દેશનો વિકાસ નિર્ભર છે. IMF ( ઇન્ટનેશનલ મોનેટરી ફંડ ) ના રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક 2018-19 પ્રમાણે ભારતે સમગ્ર વિશ્વમાંથી એપ્રિલ 2018 થી જાન્યુઆરી 2019 વચ્ચે 530.55 બિલિયન ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી હતી અને 439.98 બિલિયન ડોલરની ચીજવસ્તુઓ ની નિકાસ કરી હતી. રિપોર્ટ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ભારત નિકાસ કરતાં આયાત વધુ કરે છે એટલે કે જેટલું ઉત્પાદન દેશ બહાર વહેંચે છે તેના કરતાં વધુ તો ખરીદવું પડે છે. ટુંકમાં આવક કરતાં ખર્ચા વધુ છે.આને વેપાર ખાધ કહેવાય છે.જે 90.57 બિલિયન ડોલર જેટલી વધુ છે. આનું એક કારણ વસ્તીવધારો પણ છે.જેટલું ઉત્પાદન થાય છે એટલું આપણને ઓછું પડે છે એટલે નિકાસની જગ્યા એ આયાત કરવી પડે છે. ટુંકમાં આપણે જેટલું ઉત્પાદન કરીએ છીએ એ પૂરતું નથી ;માટે આપણે આયાત ચાલુ રાખવી પડે છે.જેટલા પણ વિકસિત દેશ છે તેમાં આયાત કરતાં નિકાસ વધુ છે અને એટલે જ તેઓ વિકસિત થતાં જ જાય છે.કારણ કે જેટલી વધુ નિકાસ એટલું જ અર્થતંત્ર મજબૂત બનતું જાય છે. આ જે 90.57 બિલિયન ડોલર ની વેપાર ખાધ સર્જાઈ તેને આપણે ઓછી કરી શકીએ છીએ. જો આપણે બિનજરૂરી ચીજવસ્તુઓનો ઘરમાં સંગ્રહ કરવાનું બંધ કરી દઈએ તો આપણા દેશને એટલી આયાત ઓછી કરવી પડે અને વેપાર ખાધ ઓછી થઈ શકે છે.આજે ભારતમાં સેંકડો વિદેશી કંપનીઓ કાર્યરત છે જે ભારતમાં જ ઉત્પાદન કરે છે અને ભારતના લાખો લોકોને રોજગારી આપે છે.આ કંપનીઓ દ્વારા થતું ઉત્પાદન પણ ભારતીય GDP  માં જ ગણાય છે.એટલે તે કંપનીઓ નું ધ્યાન રાખી  અને તે કંપનીઓને નુકસાન ન પહોચે એ રીતે આપણે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડે.. ભારતમાં કાર્યરત વિદેશી કંપનીઓ પોતાનો ઉત્પાદન ટેક્સ ભારતની જ તિજોરીમાં જમાં કરાવે છે.એટલે તે કંપનીનું રક્ષણ કરવાની જવાબદારી પણ ભારત સરકારની બની જાય છે. જ્યાં સુધી આપણા ઉદ્યોગો આત્મનિર્ભર ન બની શકે , જ્યાં સુધી આપણું ઉત્પાદન ન વધે ત્યાં સુધી આપણે બીજા દેશો પર નિર્ભર રહીશું.આપણે સંપૂર્ણ આયાત કે નિકાસ બંધ પણ ન કરી શકીએ કારણ કે, એમ કરવાથી વિશ્વને આપણી કોઈ જ જરૂરિયાત નહિ રહે અને આપણે વિશ્વથી વિખૂટા પડી જઇશું..એટલે વ્યવહારો તો ચાલુ જ રાખવા પડે...આપણે તો આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે જેથી વિશ્વને આપણી જરૂર જણાય...




                                આપણે વિદેશોમાં ખુબ ઓછી નિકાસ કરીએ છીએ તેનો અર્થ છે કે આપણે ઉત્પાદન ઓછું કરીએ છીએ.આજે આપણા દેશમાં લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે સરકારે હજુ નક્કર પગલાં ભરવાની જરૂર છે. આપણા દેશના ઉદ્યોગોનો જેટલો વિકાસ થશે તેટલું જ ઉત્પાદન વધશે સાથે સાથે નિકાસ પણ વધશે, આયાત માં ઘટાડો થશે અને દેશ આત્મનિર્ભર બનાવની દિશામાં આગળ વધશે.આ ઉદ્યોગોને કાચો માલ દેશના ખેડૂતો તેમજ ખાણ ખનીજ સંપદા પૂરો પાડે છે. દેશના ખેડૂતો આજે પણ સરકારની રાહત પર નિર્ભર છે.ખેતીમાં જોઈએ એટલો વિકાસ નથી થયો.હજુ પણ છેવાડાના ગામનો ખેડૂત વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાની બાબતથી અજાણ છે.જો ખેતીમાં ઈજરાયેલ જેવા દેશોનું અનુકરણ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ વળે ઉત્પાદન થાય, ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન મળે તો ખેડૂત ઓછી જમીનમાં તથા ઓછા પાણી દ્વારા પણ મબલક પાક મેળવી શકે છે અને તે આત્મનિર્ભર બની શકે છે.આ માટે હજુ પણ ખેડૂતોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.આ માટે કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓએ આગળ આવવાની જરૂર છે.એક જાગૃત ખેડૂત પોતાના દમ પર આત્મનિર્ભર બનશે તો દેશને પણ આત્મનિર્ભર બનતા વાર નહિ લાગે.જ્યારે દેશનો ગરીબ વર્ગ તથા ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે ત્યારે દેશ પણ આત્મનિર્ભર બની જશે.

 

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )


2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...