Pages

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2020

સમાજ અને રાજનીતિ

 

                સમાજ અને રાજનીતિ, આ શબ્દો જ જોમ અને જુસ્સાથી ભરેલાં છે અને આ ક્ષેત્રે કામ કરતાં લોકો પણ જોમ અને જુસ્સાથી ભરેલાં હોવા જોઈએ, પરંતુ દુર્ભાગ્યવશ આ જોમ અને જુસ્સો સમાજને આગળ લાવવા માટે નહિ, પરંતુ પોતાના વ્યક્તિગત લાભ પૂરતો જ રહી જાય છે. એક વખત પોતાની પદ અને પ્રતિષ્ઠાની મહેચ્છા સંતોષાઈ જાય પછી સમાજ ક્યાંય પાછળ રહી જાય તેની ખબર જ નથી પડતી. સમાજને સીડી બનાવીને આગળ આવેલા ઘણાં લોકો હોય છે જે પાછળથી આ સમાજરૂપી સીડીને ધક્કો મારી દેતાં હોય છે. આવા લોકોને પણ જ્યારે આગળથી ધક્કો પડે ત્યારે ફરી પાછો સમાજ યાદ આવી જાય છે, પણ અફસોસ કે હવે તેમને ઝીલવા માટે સમાજરૂપી સીડી નથી હોતી, કારણ કે એ સીડીને તો તેઓ પહેલેથી જ હડધૂત કરી ચૂક્યાં હોય છે.

                રાજનીતિમાં સમાજ અને સમાજમાં રાજનીતિ, એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક હોય છે. રાજનીતિમાં આપણો સમાજ હોય તો સમાજનો વિકાસ થાય, સમાજના પ્રશ્નો ત્વરાથી ઉકેલાય, મોટાં મોટાં પદો પર સમાજની વ્યક્તિ શોભતી હોય જે સમાજનું સાંભળે અને આમ સમાજનો આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજનીતિક વિકાસ થાય. પરંતુ જ્યારે સમાજમાં રાજનીતિ આવે છે ત્યારે લોકો એકબીજાને વિપક્ષની દૃષ્ટિએ જોતાં થાય છે અને એકબીજાને નીચા પાડીને પોતે ઉપર આવવાની મથામણ કરતાં હોય છે. કૂવામાં પડ્યાં હોઈએ તો બહાર આવવા માટે પહેલાં જે યોગ્ય હોય એને ખભા ઉપર બેસાડી, ટેકો આપીને બહાર કાઢવો જોઈએ. જેથી એ બહાર નીકળીને યોગ્ય વ્યવસ્થા ગોઠવીને બાકીનાને પણ બહાર કાઢે. પરંતુ જ્યાં એક બીજાના પગ ખેંચાતા હોય ત્યાં કોઈ પણ બહાર નથી નીકળી શકતું અને આખરે એ બધા લોકોનો ભૂખ અને તરસથી કરુણ અંત આવે છે. સમાજમાં પણ એવું જ છે જ્યાં એકબીજાના હાથ ખેંચીને ઉપર લાવવાની ભાવના હોય તે સમાજ પોતે ઉપર આવે છે અને એનો ઉદ્ધાર થાય છે, પરંતુ જ્યાં એકબીજાના પગ ખેંચાતા હોય તે સમાજનું પતન નિશ્ચિત જ હોય છે. સમાજમાં રાજનીતિ આવે ત્યારે ભાઈ ભાઈનો દુશ્મન બની જતો હોય છે અને ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી જ્યાં જ્યાં ફૂટ પડી છે ત્યાં ત્યાં પતન જ થયું છે અને જ્યાં જ્યાં એકતા સ્થપાઈ છે ત્યાં ત્યાં વિકાસ અને ઉન્નતિ થઈ છે.



                સમાજ એ શું છે? સમાજ એ વ્યક્તિ માટે છે. એક સમાજના વ્યક્તિ માટે કે જ્યાં વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવી શકે. તેને વિશ્વાસ હોય છે કે ગમે તેવી તકલીફો પડે પણ હું એકલો નથી. મારી પડખે મારો આખો સમાજ ઊભો છે જે મને પડવા નહિ દે. પરંતુ જ્યારે પોતાનો ભાઈ જ પગ ખેંચવામાં લાગેલો હોય તો એ વ્યક્તિ વગર દુશ્મને હિંમત હારી જાય છે. સમાજમાં એકતા હશે તો જ સમાજમાં મજબૂતાઇ આવશે. સમાજમાં એકબીજાના સહકારની ભાવના જગાવવાની જરૂર છે. એકબીજાના સહકારથી આગળ વધનાર સમાજ ઉન્નતિના શિખરો સર કરે છે. પરંતુ આજે બે વાનરના ઝઘડામાં બિલાડો ફાવી જાય છે. તમે બે સિંહને લડતાં જરૂર જોયા હશે પણ જ્યારે કોઈ એક સિંહ પર જંગલી કૂતરાઓનું ટોળું હુમલો કરે ત્યારે બીજો સિંહ જોઈ નથી રહેતો. તે તેના જ્ઞાતિ ભાઈને બચાવવા એ કૂતરાઓનાં ટોળાં પર તૂટી પડે છે. જંગલી જાનવર પણ સમય આવે વ્યક્તિગત મતભેદ ભૂલીને એકબીજાની મદદે આવે છે. એક કૂતરાને કે બિલાડીને પથ્થર મારશો તો એ તરત જ ભાગી જશે, કારણ કે તે પ્રાણી એકલું હોય છે પણ કોઈ મધમાખીના ઝુંડ પર પથ્થર મારવાની હિંમત નથી કરતું. લોકો પણ અત્યારે જે એકલા હોય છે એમને જ સતાવે છે. જેમનું સંગઠન મજબૂત હોય એની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ નથી શકતું.

                આજે સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિ સમાજ ૬૫ લાખથી પણ વધુ  જનસંખ્યા ધરાવનારો સમાજ છે, પરંતુ પેટા જ્ઞાતિઓમાં વિભાજીત થયેલો હોવાને લીધે તે રાજકીય સ્તરે પોતાનો કોઈ પ્રભાવ પાડી નથી શકતો. તેથી જ તેની ગણતરી ક્યાં તો પરચુરણ તરીકે કરવામાં આવે છે અથવા તો ગણતરી જ નથી થતી. સમાજના યુવાનો આજે પોતાના પૈસાનું ઈન્ટરનેટ વાપરીને રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર કરે છે પણ જ્યારે તે પક્ષ ચુંટણી જીતી જાય ત્યારે આપણા સમાજના યોગદાનને ભૂલી જાય છે તેથી જ આજે કોઈ પણ ઊંચા રાજકીય પદ પર દૂર દૂર સુધી કોઈ જ પ્રજાપતિ યુવાન દેખાતો નથી જે આપણા સમાજ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આજના યુવાનો જેટલા રૂપિયા અને સમય રાજકીય પક્ષો માટે ખર્ચે છે તેના ૧૦ ટકા પણ જો સમાજ માટે ખર્ચે તો સમાજ મજબૂત થાય. સમાજ મજબૂત અને સંગઠીત હશે તો તેની નોંધ લેવાશે અને તેને આપોઆપ રાજકીય સ્તરે જગ્યા મળશે. સમાજ માટે કામ કરો, ના કરી શકો તો બીજાને પ્રોત્સાહિત કરવા માટે લખો, લખી ના શકો તો વાંચો, વાંચી ના શકો તો બીજાને વંચાવો અને તે પણ ના કરી શકો તો જે કાંઈ કરે છે તેના માટે અડચણરૂપ ના બનો તે પણ સમાજની મોટી સેવા જ સાબિત થશે. દીકરીઓના શિક્ષણમાં વધારો થવો જોઈએ, યુવાનોને રોજગારી મળવી જોઈએ, સમાજનો કોઈ ભાઈ ગરીબી અને કુપોષણથી હિમંત ન હારવો જોઈએ. આ બધું આપણે બધા ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે એક હોઈએ અને આપનું રાજકીય સ્તરે વજન હોય. શું આપણે માત્ર વોટ આપવા માટે જ બંધાયેલા છીએ? શું આપણા સમાજનો કોઈ વ્યક્તિ રાજકીય ક્ષેત્રે ઊંચા પદ પર ન હોવો જોઈએ? આ બધું જ શક્ય છે જો આપણે વ્યક્તિગત મતભેદ ભૂલીને સમાજ માટે આગળ આવીએ.

                હાલ જે લોકો કોઈ પણ રાજકીય પદ પર બેઠેલા છે તેમાંથી ઘણા લોકો ફક્ત પોતપોતાનું જ કરે છે અને સમાજનું વિચારતાં નથી જે એક કડવી વાસ્તવિકતા છે. જ્યારે પણ કોઈ કાર્યક્રમનું આયોજન થાય ત્યારે મુખ્ય અતિથિ તરીકે સમાજનો કોઈ યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ જેની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ આવી જાય છે અને સમાજનો વ્યક્તિ પાછલી હરોળમાં જ રહી જાય છે. પોતાની વયમર્યાદા પૂર્ણ થયે સમાજના કોઈ યોગ્ય વ્યક્તિ માટે તે જગ્યા ખાલી કરવાની ભાવના વિકસાવો. સમાજના યોગ્ય લોકોને સન્માનિત કરો, તેમને આગળ લાવો, સમાજમાં કલા, સાહિત્ય, ગીત સંગીત, રમત ગમત, બિઝનેસમેન વગેરે ક્ષેત્રે જોડાયેલાં વ્યક્તિઓને આગળ લાવો. તેમને યોગ્ય સહકાર આપો અને તેમની મદદ કરો. જેથી તેઓ આગળ જતાં પોતાની સાથે સાથે આપણા સમાજની ખ્યાતી પણ દેશ વિદેશમાં ફેલાવી શકે. કલા, ગીત સંગીત, સાહિત્યકારો જેમ કે લેખકો અને કવિઓ, સંતો, રમત ગમત, શિક્ષણવિદો બિઝનેસમેન, રાજકારણીઓ વગેરે જેવા મહાનુભાવોથી મહેકતો આપણો સમાજ આ દેશમાં એક સુંદર બગીચાની જેમ તેની શોભામાં વધારો કરશે અને આવું મહાન કાર્ય આપણે જ કરી શકીએ છીએ...

 

   પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.