આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 7 ઑગસ્ટ, 2023

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?

 



       આજકાલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જેટલી બોલબાલા છે, એટલી ભૂતકાળમાં ભાગ્યે જ કોઈ નવીન ટેક્નોલોજીની થઈ હશે. જે લોકો અજાણ છે એમને જણાવી દઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે માનવજાત દ્વારા મશીનોને આપવામાં આવેલી એવી શક્તિ, જેમાં મશીનો જાતે વિચારે અને નિર્ણયો લઈ શકે કે શું કરવું અને શું ન કરવું. ઉદાહરણ તરીકે ડ્રાઇવરલેસ કાર. જેમાં કાર ડ્રાઇવર વગર રોડ પર ભરચક ટ્રાફિકમાં પણ નિર્ભય થઈને ફરી શકે છે, અને એ પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વગર!

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) એટલે મશીનોની પોતાની બુદ્ધીથી નિર્ણય લેવાની ક્ષમતા. એટલે જ આ ટેક્નોલોજી કૃત્રિમ બુદ્ધિ તરીકે ઓળખાય છે. આજે આપણી પાસે એનાં ઘણાં ઉદાહરણ છે, જેમકે સોફિયા નામનો રોબોટ, AI કોમ્પ્યુટર, ગુગલનું ચેટબોટ ‘બાર્ડ’, માઇક્રોસોફ્ટનું ચેટબોટ ChatGpt વગેરે... જે લોકો ChatGpt વિશે નથી જાણતાં એમને ટૂંકમાં સમજાવી દઈએ કે પેહેલાં તમે ગુગલ પર કંઈ પણ સર્ચ કરતાં હતાં ત્યારે તમારી પાસે અનેક જવાબો આવી જતાં હતાં. એ બધાં ચેક કરીને આપણે નક્કી કરવાનું થતું કે આપણા કામનો જવાબ કયો છે. એની જગ્યાએ ChatGpt AI ટેક્નોલોજી ધરાવે છે. તમે ChatGptને કંઈ પણ પ્રશ્ન કરો તો એ તમને એનો સચોટ જવાબ આપે છે.
  

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI‌)નો ઇતિહાસ

    આમ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિચાર વૈજ્ઞાનિકોને વર્ષ ૧૯૫૦માં જ આવી ગયો હતો. વર્ષ ૧૯૫૦માં પ્રકાશિત થયેલાં એલન ટ્યુરિંગના માઇલસ્ટોન રીસર્ચ પેપર ‘કમ્પ્યુટિંગ મશીનરી ઍન્ડ ઇન્ટેલિજન્સ’ દ્વારા એવો વિચાર ઉદ્‍ભવ્યો કે શું માનવીની જેમ મશીનોને પણ પોતાની બુદ્ધિ હોઈ શકે? શું મશીન પણ કોઈ પણ જાતની મદદ વગર પોતાની બુદ્ધિથી કામ કરી શકશે? ત્યારબાદ જહૉન મેક્કાર્થીએ સૌપ્રથમ Artificial Intelligence - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI શબ્દનો ઉપયોગ કર્યો. આથી તેઓ ફાધર ઑફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાયા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવજાતને શો ફાયદો થશે?

· આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવીનું કામ અતિ સરળ અને ઝડપી બનાવી દેશે એ નક્કી છે.

· આ ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો સ્વાસ્થ્ય ક્ષેત્રે થવાનો છે. મેડિકલ ક્ષેત્રે AI‌ના ઉપયોગથી રોગોનું નિદાન અને તેની સારવાર ખૂબ ઝડપી થઈ જશે. તેના લીધે અનેક જિંદગીઓને બચાવી શકાશે. તથા અનેક નવા વાઇરસનું નિદાન કરીને તેનો ફેલાવો અટકાવી શકાશે.

· કેન્સર જેવા ભયાનક રોગો માટે અસરકારક ઉપાય મળી શકશે તેવી આશા AI‌ ટેક્નોલોજીને કારણે બંધાઈ છે. મેડિકલ ક્ષેત્રે અપાર ક્રાંતિની સંભાવના છે.

· કેટલીક અણધારી દુર્ઘટનાઓ જેવી કે ભોપાલ ગેસ દુર્ઘટના, ચેર્નોબલ પરમાણુ દુર્ઘટના વગેરે જેવી પરિસ્થિતિમાં AI‌ ટેક્નોલોજી ઝડપથી કાબુ મેળવીને મોટું નુકસાન નિવારી શકે છે.

· કુદરતી આફતો જેવી કે, અતિવૃષ્ટિ, વાવાઝોડું વગેરેની સચોટ આગાહી કરી શકાય છે. અત્યારે આપણી પાસે જે ટેક્નોલોજી છે, એની મદદથી ભુકંપની આગાહી શક્ય નથી. વૈજ્ઞાનિકોને આશા છે કે AI‌ ટેક્નોલોજીના આવવાથી ભુકંપની પણ આગાહી કરી શકાશે.

· આ સિવાય પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence)ના કારણે અવકાશ, નિર્માણ, ઉદ્યોગ, સ્વાસ્થ્ય, સાયબર, સંરક્ષણ, પર્યાવરણ, બૅન્કિંગ, મોબાઇલ, ન્યુઝ, રમતગમત, ઉડ્ડયન, શિક્ષણ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં અપાર ક્રાંતિ આવી શકે એમ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદાઓ જોતાં હાલ તો એમ જ લાગે છે કે તે માનવજાત માટે વરદાનરૂપ સાબિત થશે, પણ સિક્કાની બીજી બાજુની જેમ, તેના ગેરફાયદાઓ પણ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence)ના નામે માનવજાત પર તોળાતું સંકટ

· આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIના લીધે સૌથી મોટું સંકટ રોજગારી પર ઊભું થયું છે. ભારત સહિત અનેક વિકાસશીલ દેશોમાં આજે પણ રોજગારી એક સળગતો મુદ્દો છે. એક તરફ રોજગારી ઓછી છે અને બીજી બાજુ એક એવી ટેક્નોલોજી આવી રહી છે, જે માનવો કરતાં પણ વધુ સારું કામ પોતાની બુદ્ધિથી કરશે. એના કારણે ઘણા કારીગરો અને મજૂરી કરતાં લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય પેદા થયો છે.

· બેરોજગારી વધે તો ગરીબી પણ વધે છે. વધતી જતી બેરોજગારી અને ગરીબીની સમસ્યામાં ફસડાયેલાં આ દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIના કારણે ક્યાંક અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ ન બની જાય એ ચિંતાનો વિષય છે.

· આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI હાલ સામાન્ય જનતાને પોસાય તેમ નથી. અમીરો તેનો આરામથી ઉપયોગ કરી શકે છે. જેમકે, તમારે ડ્રાઇવરલેસ કાર ખરીદવી હોય તો તમે એ ખરીદી શકતા નથી, પણ અમીર લોકો એને આરામથી ખરીદી શકે છે.

· આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે માનવજગત પર તોળાતો સૌથી મોટો ખતરો એ છે કે આ ટેક્નોલોજી આતંકી પ્રવૃત્તિઓ કરતાં તથા અસામાજિક લોકોના હાથોમાં ન આવી જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આતંકવાદીઓ પોતાની જાતે જ નવા ભયાનક હથિયારો અને વાઈરસ વિકસાવીને કરીને માનવજાત પર હુમલાઓ કરી શકે છે અને માનવજાતને ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે છે.

· સાયબર ગઠિયાઓ અને હેકરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ હેક કરીને બૅન્ક ખાતુ ખાલી કરી શકે છે, તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને બ્લેકમેઇલ કરી શકે છે.

· આમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI બે ધારી તલવારની જેમ એક તરફ વરદાન તો બીજી તરફ માનવજાત માટે શ્રાપ પણ સાબિત થઈ શકે છે.
  

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) મુદ્દે શું કરવું જોઈએ

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા કે નુકસાન જે હોય તે પણ હવે તેના વગર ચાલવાનું નથી. આપણે એનો ઉપયોગ કરવો જ પડશે અને તેની સાથે જ જીવવાનું છે. રોજગારની વાત કરીએ તો માનવીએ હવે પરંપરાગત રોજગાર છોડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો પડશે. રોજગાર નિષ્ણાતોનું કહેવું છે કે AI પરંપરાગત નોકરીઓ છીનવી લેશે તો બીજી તરફ AIની દુનિયામાં પુષ્કળ નોકરીઓ પણ આપશે. એટલે હવે રોજગારને પણ AI સાથે જોડીને જ જોવો પડશે.

    વિશ્વના દેશોની સરકારોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ના મુદ્દે એટલું ધ્યાન રાખવું પડશે કે આ ટેક્નોલોજી અસામાજીક લોકોના હાથોમાં ન આવી જાય. લોકો આ ટેક્નોલોજીનો મર્યાદિત ઉપયોગ કરે અને સમાજના હિતમાં ઉપયોગ કરે. સરકારે કેટલાંક કડક નિયંત્રણો લાદવા પડશે કે પછી કેટલાંક કાયદા પણ ઘડવા પડશે, જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ નિવારી શકાય અને તે માનવજાત માટે સાચા અર્થમાં વરદાન સાબિત થઈ શકે.

લેખક:- પાર્થ પ્રજાપતિ

(વિચારોનું વિશ્લેષણ)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...