સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
રુદ્રાષ્ટકના રચયિતા તુલસીદાસજીનાં જન્મોત્સવની શુભ વેળાએ ચંદ્રાયન 3" એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું
હે મહાદેવ.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે તો ચિંતનની શરુઆત વંદેમાતરમ્ અને જય હિન્દ ના નારા સાથે કરીને આ ચિંતનના સમગ્ર પરિવાર ને તેમજ સમગ્ર દેશવાસીઓને આ ઐતિહાસિક ઘટના માટે ખૂબ ખૂબ વધાઈ દેવાનું મન થાય છે. આ ઘટના સફળતા પૂર્વક ઘટે એ માટે થઈને ઈસરોની આખી ટીમનો ખુબ ખુબ ધન્યવાદ. કારણકે અવકાશીય આ ઘટના કંઈ રીતે ઘટી એ આપણે સૌ લાઈવ જોઈ શક્યા એટલે કે આ ઐતિહાસિક ઘટના ના સાક્ષી બની શક્યા એનો આનંદ અનહદ છે. બસ આપણો દેશ હવે આમ જ હરણફાળ ભરતો રહે, અને સૌના દિલોમાં મેરા ભારત મહાનની ભાવના ઉચ્ચતમ રહે! તો ચાલો હવે મુખ્ય વિષય એટલે શ્રાવણે શિવ પર આગળ વધીએ.
શ્રાવણ મહિનામાં સોમવારનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે સોમવારને ભોળા શંભુના વાર તરીકે આપણે સૌ જાણીએ છીએ, પણ આજે આપણે સોમ એટલે કે ચંદ્ર એ રીતે આ વારને યાદ કરવાનો છે. આજે ભારતના એક એક નાગરિકને ચંદ્રયાન 3 ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ ની રાહ છે,અને કંઈ કેટલાય બુદ્ધ પુરુષો એ એની માટે યજ્ઞ પણ કર્યા છે. પુજ્ય બાપુ એ પણ કૈલાસ ગુરૂકુળ ખાતે તુલસી પર્વની સમાપ્તિ સમયે તુલસી જયંતિ એ જો આ ઘટના ઘટે તો! એવો અહોભાવ વ્યક્ત કર્યો. શ્રાવણમાં આમપણ લોકમાનસમાં ભક્તિ હિલોળા લેતી દેખાય છે, શ્રાવણ એટલે વ્રત ઉપવાસનો મહિમા તહેવારોનો મહિનો. એવ્રત, કાજળી, મછમણી, બળચોથ, નાગ પાંચમ, શીતળા સાતમ, અને જન્માષ્ટમી, અને ભાદરવી.આમ સળંગ આખું એક અઠવાડિયું લગભગ વ્રત તહેવાર રહે. દરેક જણ પોતાની આસ્થા અને બુદ્ધિ પ્રમાણે એનું મૂલ્યાંકન કરી, તેની ઉજવણી કરે. પરંતુ સૌથી સારી વાત તો અહીં એ આવી કે, શ્રાવણમાં મેઘલી રાતે જેલના સળિયા પાછળ કૃષ્ણ નો જન્મ, અને વાસુદેવ નું તેને ટોપલીમાં લઈ જઈ જમના પાર કરી ગોકુળ સુધી મુકવા જવું. મંદિરોમાં પણ જુદી જુદી જગ્યાએ આવા દ્રશ્યો બનાવી, અને એક કાળને, ઉપસ્થિત કરવાની કોશિશ કરવામાં આવે છે.
ટૂંકમાં કોઈ ને કોઈ રીતે શ્રાવણની આ ભક્તિભાવની ધારામાં સૌ કોઈ ભીંજાઈ રહ્યા છે. ધીરે ધીરે ભક્તિનો રંગ ઘેરો થતો જાય છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, સાથે શિવલિંગ પર શુદ્ધ જ્ઞાન, પ્રેમ, અને કરુણા રુપી ધારાથી અભિષેક થાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને તેથી જ કદાચ આંતર બાહ્ય પ્રકૃતિ માં ટકી રહેવા માટે કપરો કાળ આવ્યો છે, જે આપણને ભક્તિ કે પૂજનની પદ્ધતિમાં ફેરફાર કરવા કહે છે. આપણે તુલસીકૃત રુદ્રાષ્ટક ના 6 શ્લોક અને તેનો અનુવાદ જોયો હવે આજે આગળ..
न यावत् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ॥७॥
***જ્યાર સુધી, હે પાર્વતી પતિ, મનુષ્ય તમારા ચરણકમળોને નથી ભજતા, ત્યાર સુધી તેને ઇહલોક (પૃથ્વી) અને પરલોકમાં સુખ-શાંતિ નથી મળતી અને ન તો એના તાપોનો નાશ થાય છે. તેથી હે સમસ્ત જીવોની અંદર (હ્રદયમાં) નિવાસ કરનાર પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भु तुभ्यम् ।
जरा जन्म दुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ॥८॥
*** - હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા. હે શિવ શંભુ ! હું તો નિરંતર-હંમેશા આપને જ નમસ્કાર કરું છું. હે પ્રભુ! વૃદ્ધત્વ તથા જન્મ-મૃત્યુના દુઃખસમૂહોથી બળતા મુજ દુખીની દુઃખથી રક્ષા કરો. હે ઈશ્વર! હે શંભુ! હું આપને નમસ્કાર કરું છું.
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ।
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ॥
***બ્રાહ્મણો દ્વારા ભગવાન રુદ્રની આ સ્તુતિ એ શંકરજીની તુષ્ટિ એટલે કે પ્રસન્નતા માટે કહેવમાં આવી છે. જે મનુષ્ય આ સ્તુતિનો ભક્તિપૂર્વક પાઠ કરે છે, તેના પર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે.
॥ इति श्रीगोस्वामितुलसीदासकृतं श्रीरुद्राष्टकं संपूर्णम् ॥
શ્રી ગોસ્વામી તુલસીદાસ દ્વારા કૃત શ્રી રુદ્ર અષ્ટક સંપૂર્ણ થાય છે.
રામાયણમાં રુદ્રાષ્ટક કયા પ્રસંગને લઇને આવે છે, તે આપણે જોયું, રુદ્રા અભિષેકનો સ્થૂલ, સૂક્ષ્મ, અને કારણ શરીરનો ત્રિપરિમાણીય અર્થ પણ આપણે જાણ્યો. જાણકારીની વાત કરીએ તો, જીવ પ્રમાણમાં ઘણું જ જાણે છે, હવે જેટલું જાણે છે એટલું જીવન જીવવા માટે ઉપલબ્ધ છે. પરંતુ આજ સુધી જે માણ્યું નથી, એટલે કે ઈશ્વરત્વને અનુભવ્યું નથી, ફક્ત દેખાદેખી અને હુંસાતુંસી જ્યાં જીવનના વ્યવહાર બની ગયા છે, તે વિશે કંઇક વિચારવું અવશ્ય ઘટે, અને કદાચ એટલે જ આવા શ્રાવણ આવતા રહે છે, કે જેથી કરીને લોકો પોતાના વાણી, વિચાર, અને વર્તનનું મૂલ્યાંકન કરી અને ભીતરથી ભીંજાઈને જીવન જીવે. પછી તે વ્રત નિયમથી કરે, સંયમથી કરે, પૂજા અર્ચાના અનુષ્ઠાનથી કરે, કે કંઈ જ ના કરે અને માત્ર સ્વાધ્યાય કે હરિ નામ સ્મરણના વ્રતથી કરે, પણ કરવું હવે બહુ જરૂરી દેખાય છે, નહીં તો આવા કોરોના રૂપી કાળ આવશે, અને આપણી બુદ્ધિ પ્રમાણે, આપણે તેને માત્ર મુલવતા રહીને આ મનુષ્ય જન્મ વેડફતા રહીશું. સમય રૂપી કાળ તો ક્ષણે ક્ષણે ચેતવી રહ્યો છે, કે જીવ તું ભજી લે, જીવ તું સ્મરી લે, જીવ તું કોઈને કોઈ રૂપે સત્ય પ્રેમ અને કરુણા નું અનુસંધાન કેળવી લે, પરંતુ આંખો પરના આ મોહ માયા રૂપી મોતિયા લાગ્યા હોય, બીજું કેમનું દેખાય!! પરંતુ આપણે તો લગભગ બેથી અઢી વર્ષ સુધી આત્મા ચિંતન કર્યું છે, અને ખુબ જ ઝીણું ઝીણું દર્શન કરી આપણી બુદ્ધિને સ્થિત પ્રજ્ઞ તરફ લઈ ગયા છીએ. એટલે આ શ્રાવણ તો આપણા જીવનનો સૌથી યાદગાર શ્રાવણ રહેશે, અને સૌ ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે, તે રીતે આ શ્રાવણની ઉજવણી કરીએ. જેથી કરીને શિવશંકરને ચોક્કસ આપણી સઘળી સમસ્યાનું નિરાકરણ કરવું પડે. સમસ્યા તો જાણે જીવન બની ગયું હોય, તેમ દરેક ના જીવન સાથે કેટકેટલી જોડાયેલી હોય છે, અને જીવ બિચારો એકનું નિવારણ કરે ત્યાં બીજી ઊભી થાય. ક્યારેક આર્થિક, તો ક્યારેક માનસિક, તો ક્યારેક શારીરિક, અને ક્યારેક સંબંધોની બલી પણ ચડતી દેખાય. પરંતુ અવતાર ચરિત્રો એટલે કે ઈશ્વર એ જ્યારે, જ્યારે અહીં જન્મ લીધો એ બતાવે છે, કે તેઓ પણ આમાંથી મુક્ત નથી રહી શક્યા, અથવા તો જીવને બતાવે છે કે આવું બધું તો થાય, પણ આપણે આપણી આસ્થા ને ડગવા દેવાની નથી. કળિયુગમાં તો આમ પણ ઈશ્વરપ્રાપ્તિ નું સાધન નામ સ્મરણ ને બતાવવામાં આવ્યું છે, તો આપણે સીધી-સાદી નામ સ્મરણ સાધના કરી, અને ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છે. કાળ એટલે સમય સંજોગ રુપે સમસ્યા તો જેમ ચૂપચાપ આવી છે, તેમજ ચૂપચાપ ચાલી જવાની છે, પણ તેનો હકારાત્મક અભિગમ લઈએ, તો તે આપણને જગાડવા આવે છે. શારીરિક જાગૃતિ એટલે કે આરોગ્ય વિશે પણ આજકાલ મોટાભાગના લોકો આંધળું જીવન જીવી રહ્યા છે, તો તેની પર કાપ મુકવો, એટલે પોતાના વિશે વિચારી અને માનસિક આરોગ્ય વિશે પણ જાગૃત થવું અને શારીરિક અને માનસિક રીતે જ્યારે જીવ સ્વસ્થ બને, ત્યારે અવશ્ય તેનું કારણ શરીર પણ પુષ્ટ બનશે. આમ કોઈ પણ સમસ્યા હોય તે આપણને ત્રિગુણાતીત તરફની યાત્રા કરાવવા આવે છે! એવો એક હકારાત્મક અભિગમ કેળવી અને હવે આ ભાવ કાયમ રહે તે માટે શ્રાવણિય અનુષ્ઠાન કરવું બહુ જરૂરી છે.
જીવન રાયનું હોય કે રંક નું, બધાને એટલું જ પ્યારું છે, અને અંતિમ સમયમાં તો સૌ કોઈ જાણે છે કે, રૂપિયા પૈસા ગમે તેટલા હોય, પણ જ્યાં સુધી ભક્તિરૂપી ભવનું ભાથું પ્રાપ્ત કર્યું ન્હોય, ત્યાં સુધી બધું જ નકામું છે. સૌના જીવન ને આ શ્રાવણ બાહ્ય અને આંતરિક પ્રકૃતિમાં ભીની ભીની લાગણીઓથી ભરેલા બનાવે, અને સૌ પોતાની રીતે ચિંતન કરી, શ્રાવણમાં ભક્તિ કેમ વધે તે વિશે વિચારી, અને એ ભાવ કાયમ મન-બુદ્ધિ-ચિત્ત માં અંકિત રહે, તેવી ભક્તિને પ્રાપ્ત કરાવે એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવ ને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.