ૐ નમઃ શિવાય એ સીધાસાદા પંચાક્ષર મંત્રનું રટણ કરી આ જીવનને શિવત્વ એટલે કલ્યાણનાં માર્ગે વાળીએ. - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

ૐ નમઃ શિવાય એ સીધાસાદા પંચાક્ષર મંત્રનું રટણ કરી આ જીવનને શિવત્વ એટલે કલ્યાણનાં માર્ગે વાળીએ.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


ૐ નમઃ શિવાય એ સીધાસાદા પંચાક્ષર મંત્રનું રટણ કરી આ જીવનને શિવત્વ એટલે કલ્યાણનાં માર્ગે વાળીએ.


હે મહાદેવ.

    આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ‌.શ્રાવણ આવતા ઋતુ અનુસાર ભીતરી ધરા પણ ભીની હોવાથી ભક્તિનું અંકુર ફૂટે છે,અને જીવ કંઈ કેટલીય ભૂલોનો એકરાર કરે છે. જેમ કે અડધી સદીની આ જીવનયાત્રાનો થાક ઉતારવા હું તારે ચરણે આવી છું. સમાજ, સંસાર, અને સંબંધોની આ ત્રીવેણીમાં અટવાયેલું મારુ આ જીવન આજે અંધકારમય ભાસી રહ્યું છે. સદગુરુ એ જ્ઞાનનો આત્મ દીપ પ્રગટાવ્યો, અને ભક્તિના ભાવનું બીજ રોપ્યું છે. આજ સુધી અહમનાં બળે સાચા-ખોટા કંઈક નિર્ણયો અમે કર્યા, અને હંમેશા જીતને ખુમારીનું નામ આપતાં રહ્યાં. સ્વચ્છંદતાને સ્વભાવ બનાવી સ્વતંત્ર પણે ભટકતા રહ્યા. નિરંતરની આ દોડ હવે થકવી રહી છે, ત્યારે અંતે હે આશુતોષ તમારું સ્મરણ થયું, જન્મો જન્મ આપના ચરણે આ મસ્તક હવે નમેલું રહેશે! 


   ઈષ્ટ દેવ સ્વરૂપે નાનપણથી હાટકેશ્વરને પૂજ્યા છે, એટલે કે પછી કારણ ગમે તે હોય હે ત્રિનેત્રી, ત્રિશુલ ધારી કરુણાના સાગર, આપનું સ્મરણ થતાં જ કલ્યાણના ભાવ મનની અંદર ઉમટે છે, અને આપના શરીર પર લપેટાયેલા ભુજંગ જાણે કે શરીર પર યજ્ઞો પવિત ધારણ કર્યું હોય એવું લાગે છે. સંસારીઓ માટે યજ્ઞોપવિત એક સન્યાસ દંડ છે, તેની પ્રતીતિ કરાવી જાય છે. સ્મશાન વૈરાગ્ય ધારણ કર્યો છે, એવા દેવાધિદેવ મહાદેવ હું આપને શરણે આવી છું. સામાન્ય રીતે શિવની ઉપાસનામાં બોલાતા ૐ નમઃ શિવાય, એ શિવ પંચાક્ષર સ્તોત્રના શ્લોકનો આજે આપણે શબ્દાર્થ સમજીશું. આ શિવ પંચાક્ષર સ્તોત્ર પણ ભગવાન આદિદેવ શંકરાચાર્ય નિર્મિત છે.તેઓ સંસ્કૃતના બહુ મોટા ઉપાસક રહી ચૂક્યા છે એ આપણે સૌ જાણીએ છીએ. માત્ર ૩૯ વર્ષ સુધીની તેની આયુ રહી, પરંતુ આપણે માટે એટલો વધુ જ્ઞાન આ સ્તુતિ સ્તવન રૂપે મૂકી ગયા છે, કે તેનો કોઇ પાર પમાય તેમ નથી.


નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ,

ભસ્માંગરાગાય મહેશ્વરાય,

નિત્યાય શુદ્ધાય દિગંબરાય,

તસ્મૈ ન કારાય  નમઃ શિવાય.


મંદાકિની સલિલચંદનચર્ચિતાય,

નદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય,

મંદાર પુષ્પ બહું સુપુજિતાય,

તસ્મૈ 'મ' કારાય નમઃ શિવાય....


  સર્પો જેમનું ભૂષણ છે,જે ત્રિલોચન ધરાવે છે, ભસ્મ જ જેનું અનુલેપન છે, દિશાઓ જ જેનું વસ્ત્રો છે, એટલે કે દિગંબર છે. એવા શુદ્ધ અવિનાશી મહેશ્વર "ન" કાર સ્વરૂપ ને નમું છું.


  ગંગા જળ અને સુગંધી યુક્ત ચંદન થી જેની પૂજા અર્ચના થાય છે, અને મન્દાર પુષ્પો અને અન્યોન્ય બીજા કુસુમ જેને ચડે છે, નંદીના તે અધિપતિ મહેશ્વર ના 'મ 'કાર સ્વરૂપને હું નમું છું. મંદાર પુષ્પ એટલે મંદાર નામના પર્વત ઉપર એક વિશેષ વનસ્પતિનું પુષ્પ છે, તો તેમાં પણ મતમતાંતર છે, કોઈ કહે છે કે સ્વર્ગમાં ઉગતા પાંચ વૃક્ષમાં આ એક વૃક્ષ છે, જેના પુષ્પને મંદાર કહેવામાં આવે છે. પરંતુ આપણે પૃથ્વી લોક ના માનવી માટે ધતુરો એ મન્દાર પુષ્પ સમાન પુષ્પ છે.


     ઓમ નમઃ શિવાય બિલકુલ સીધો સાદો પંચ અક્ષરનો આ મંત્ર એ શિવ શંકરને પ્રસન્ન કરનારો છે.તેના શરીરે કોઈ જ શણગાર નથી, ગળામાં સર્પોનો હાર છે, એ યજ્ઞોપવિત સંસ્કાર જેવો દિસે છે, ઉપરાંત આ વિષેલા ભુજંગ સમાન અહંકારને નાથી, અને તેના જ આભૂષણ બનાવ્યા છે, ભસ્મ જેવા વૈરાગથી તેનો દેહ કાંતિ કરે છે, એટલે કે તેજસ્વી દેખાઈ રહ્યો છે. મંદાકિની જેવા જળ કે પવિત્ર બુદ્ધિના ઉપચારથી જેનો અભિષેક થાય, તેવું સંસારી પાત્ર એટલે શિવ.શિવ બનવું શું સહેલું છે? એવો કોઈ પ્રશ્ન થાય અને તેનું વિશ્લેષણ થાય તો, નિષ્કર્ષ રૂપે આપણને એવું સમજાય કે સમય સંજોગોને કારણે આવતી સમસ્યાઓનું વીષ આનાકાની કર્યા વગર પીવું, એટલે કે સ્વીકારી લેવું, ઉપરાંત ભોગ વિલાસની વૃત્તિ ઈત્યાદિમાં વૈરાગ્યને ગ્રહણ કરવો, બાકી આત્મા સ્વરૂપે તો શિવ તત્વ આપણી અંદર છે જ, તો એને સાંભળીને થોડું જીવવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ શિવ બની ના શકાય તો કંઈ નહી, પણ શિવ ને સમજી તો અવશ્ય શકાય. શંકર એ પૃથ્વી અને સ્વર્ગ લોકને જોડતી કડી સમાન છે, અને એટલે જ કદાચ તેનું કૈલાસ પર સ્થાન નિશ્ચિત થયું છે. આપણે ત્યાં ઊંચાઈ પર સ્વર્ગ છે, એટલે લગભગ આકાશ સામે જોઈ ને આપણે તેની પરિકલ્પના કરીએ છીએ,તો એ ઉંચાઈ શું દર્શાવે છે? જીવ અને શિવમાં ઘણી સમાનતા છે, એ આપણે કાલે જોયું, કે શંકર પણ આપણી જેમ સંસારી છે, અને બાળ બચ્ચા વાળા છે. જીવ જ્યારે શિવ બનવાની કોશિશ કરે, ત્યારે તે માત્ર ને માત્ર અંહકારને પ્રાપ્ત કરે છે. શિવ બનવું એટલે કે ઊંચાઈને પ્રાપ્ત કરવી પદ-પ્રતિષ્ઠા રૂપિયા પૈસાનું એશ્વર્ય પ્રાપ્ત થતા ભલભલા જીવના માનસમાં અહંકાર રૂપી, ભુજંગ પ્રવેશી જાય છે અને પછી તેનું મહત્વ ન જળવાય તો એ ભુજંગ ફૂંફાડો મારે છે. પરંતુ જે અભણ રહી ને એટલે કે આવી કોઈ જીવન વ્યવહારની હુંસાતુંસીની સ્પર્ધાઓમાં ભાગ લીધા વગર આવનારી પરિસ્થિતિનો સામનો કરે, અથવા એ સમસ્યાને સ્વીકારી તેનું નિરાકરણ કરે, તેનામાં ધીરે-ધીરે શિવના લક્ષણો આવતા જાય છે. કર્મ તેનું પાકે છે, તેનો દેહ કાંતિ કરે છે, એટલે કે બુદ્ધિ મેઘા, પ્રભા, આભા તરફ ગતિ કરે છે, અને ધીરે ધીરે સંસારી વૃત્તિમાં વૈરાગ્ય આવે છે. વિકાર ભાવ ધરાવતી વૃત્તિઓને આભૂષણ બનાવીને પહેરવું એ સહેલું નથી, છતાં એવું કરી દેખાડે એ શિવ એવો સીધો સાદો આપણે અર્થ કરી શકીએ. ભગવાન આદિદેવ શંકરાચાર્ય એ સંસ્કૃતના પ્રખંડ જ્ઞાતા હતા, અને તેમણે શિવની ઘણી બધી સ્તુતિઓ લખી છે. ભાષા તો બધી જ પોતપોતાની રીતે અલગ-અલગ મહત્વ ધરાવે છે, પરંતુ આપણી મૂળ ભાષા સંસ્કૃત છે અને તેના શુદ્ધ ઉચ્ચારથી જીવ જ્યારે શિવ સાથે જોડાય, ત્યારે તેણે તે સાંભળવું જ પડે.તો આપણે સૌ આ શ્રાવણે આવી વિવિધ સ્તુતિ સ્તવનના પાઠનો શબ્દાર્થ સમજી અને તેને આરાધીએ, અને ભવોભવ એ કલ્યાણ તત્વનું અંતર મનમાં સ્મરણ કરી, અને શિવત્વને ગ્રહણ કરીએ. આ શ્રાવણીય અનુષ્ઠાન સૌનાં જીવનને ભક્તિભાવથી દિવસે દિવસે ભરે, આંતર બાહ્ય પ્રકૃતિમાં ભીનાશ રહે,  સંસાર સંન્યાસ બંને પલ્લા સૌના સમાન રહે, ને સૌથી મહત્વનું કે આ માનવ દેહ ફક્ત ભોગ-વિલાસ માટે નથી, એવી બુદ્ધિમાં સ્થિરતા આવે, અને માનસિક પૂજામાં જેમ વર્ણવાયું છે, તેમ સૌની દિનચર્યા જ એવી બની જાય કે, જે શિવની આરાધના ગણી શકાય. બસ તો પછી સ્મરી લઈએ, શિવ પંચાક્ષર મંત્ર, ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય,હરહર મહાદેવ!હરહર મહાદેવ!,હરહર મહાદેવ!બમબમ ભોલે!બમબમ ભોલે!બમબમ ભોલે!


    પરમાત્મા એ જ્યારે જન્મ આપ્યો ત્યારે તો જીવન સરળ અને મધુર જ હતું, આપણી આ આંટીઘૂંટીઓથી આપણે તેને મુશ્કેલ બનાવ્યું છે, તો હવે તેનો આ સીધો સાદો ઉપાય કરીને નિરાકરણ લાવીએ,અને તારું મારુ ભૂલી જઈને આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા સમર્થ બનીએ, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું અહીં જ વિરમું છું, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...