Pages

બુધવાર, 30 ઑગસ્ટ, 2023

કૈકશી નામની રાક્ષસી અને વિશ્વશ્રવા ઋષિનો પુત્ર હોવાથી રાવણ રાક્ષસ હોવા છતાં અવતાર તરીકે અદભૂત ચરિત્ર ધરાવતો હતો

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


 કૈકશી નામની રાક્ષસી અને વિશ્વશ્રવા ઋષિનો પુત્ર હોવાથી રાવણ રાક્ષસ હોવા છતાં અવતાર તરીકે  અદભૂત ચરિત્ર ધરાવતો હતો


હે મહાદેવ.

             આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સર્વ પ્રથમ તો આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, અને ચિંતનને કારણે મારો આ વૈશ્વિક પરિવાર રોજ વધતો જ જાય છે, તો એ નિમિત્તે મારા તમામ મોટા ભાઈઓને તેમની આ બેનીનાં હાર્દિક પ્રણામ, અને નાના ભાઈઓ ને ઘણી ખમ્મા. ઈશ્વર તમને સદાય સ્વસ્થ રાખે, જીવનની તમામ પરિસ્થિતિ સામે ઝઝુમવાનુ બળ આપે, અને આપના સમગ્ર પરિવાર ઉપર આનંદ વરસતો રહે એવી અભ્યર્થના. હવે  વિષય તરફ આગળ વધીએ, તો કળિયુગમાં આપણે દેવ અને દાનવ એમ બંન્નેને આસાનીથી છૂટા પાડી શકતા નથી. એટલે એમ કહી શકાય કે દેવ અને દાનવ વચ્ચેની શ્રેણીમાં માનવ આવે, એટલે પૃથ્વીલોકમાં દેવ જેવા પણ જીવ હોય અને દાનવ જેવા પણ જીવ વસે છે, એવો સ્પષ્ટ અર્થ થાય. પરંતુ ચિંતા ત્યાં જ છે એટલે કે બાહ્ય પરિવેશ પરથી કહી શકાતું નથી કે એ કંઈ શ્રેણીમાં આવે! કારણકે લોકોના મુખોટા એવા હોય છે કે દેવના વેશમાં દાનવ મળે છે. જોકે ઈશ્વરે જન્મ આપ્યો ત્યારથી  કોઈ ખરાબ નથી હોતું, પણ નિરંતર શ્રેષ્ઠની સ્પર્ધામાં ઈર્ષા, નિંદા, હિંસા, દ્વેષ વગેરે ભાવ એટલા વધી જાય છે કે ઇન્સાનિયત તેને પોતાને જ ભુલાતી જાય છે. જે છે એ અહીં છોડીને જવાનું છે, શરીર કાયમી નથી, છતાં નશ્વરનો મોહ શુ કામ? એ સૌથી મોટું સત્ય જાણવા છતાં, પણ તે તેનાથી અજાણ થઈ અને સૌ જીંદગી ગુજારે છે. સ્વર્ગ લોકમાં દેવ વસે છે, પરંતુ દેવો પૃથ્વીલોક જેવા ભોગ વિષયનો રસ લઈ શકતા નથી. કારણકે ત્યાં જળ છે પણ તરસ નથી, એના જેવું છે. સાધન બધા ઉપલબ્ધ છે, પણ ત્યાં વસનારાને કોઈ ઈચ્છા જ હોતી નથી, એવી વાતો આપણાં શાસ્ત્રોમાં લખી છે, પણ દેવ નારી માટે કરેલા છળ અને દ્રોહ કે યુદ્ધ એ પણ સત્ય છે, પણ એ આપણો અનુભવ નથી! એટલે કે એ બધી કહેવાયેલી વાત છે.પણ પાકી ગયેલા બુદ્ધ પુરુષ કે ભગત ના જીવન પરથી કહી શકાય કે, ભક્તિરસનું ફળ માગનાર હંમેશા મુક્તિ ન માગતા ફરી ફરીને જન્મ માંગે છે, અને ભૂતળ ભક્તિ પદારથ મોટું એની જેમ આ ધરા પર રહીને ધરા ધરેશ્વર નટરાજનું અનુસંધાન કેળવે છે. જેના ભૃકુટી વિલાસથી આખી સૃષ્ટિ ડામાડોળ થઈ જાય છે. એવા દેવોના દેવ મહા દેવ એ પણ સંસારી છે, અને આપણી જેવા સંસારીઓ માટે તે એક ઉત્તમ ઉદાહરણ છે કે, જીવનમાં સત્ય પ્રેમ કરુણા અને વૈરાગ્યનું મહત્વ જાણી તે પ્રમાણે જીવન જીવીએ, તો આપણે પણ શિવ જેવા સાર્થક અને સમર્થ બની શકીએ છીએ, એવું પણ તે દર્શાવે છે. ભોળોનાથ અત્યંત ભોળો અને કરુણાનો સાગર છે, તે દેવ, દાનવ અને માનવ જે કોઈ તેની ભક્તિ કરે તેની પર પ્રસન્ન થઈ વરદાન આપે છે. રાવણ પણ પરમ શિવ ભક્ત હતો, અને તેની ભક્તિની પરાકાષ્ઠા દેવ અને માનવ બંને કરતા ખૂબ જ ઊંચી હતી.આજની આ વિષમ પરિસ્થિતિમાં દેવ થઈ ને તારી આરાધના કરી, માનવ થઈને તો કરતા જ આવ્યા છીએ, અને હવે આ દાનવની સ્તુતિનું પણ ગાન કરી જોઈએ, કદાચ અમારી દાનવીય વૃત્તિને સ્વીકારી શરણાગત બનીએ તો એ અસર કરી જાય. અને તેથી જ ત્રેતા યુગના એ રાવણ રચિત શિવ તાંડવ સ્તુતિનો ગઈકાલે આપણે પ્રથમ ત્રણ શ્લોક નો અનુવાદ કર્યો, આજે બીજા ત્રણ શ્લોકનો અનુવાદ કરીશું. શિવ શંકરને મન કોઈ ભેદ નથી, માટે આપણે આત્મનિવેદન કરીને આપણી શ્રેણી આપણે પોતે જ નક્કી કરીએ.


**શિવ તાંડવ સ્તુતિ.**


જટા ભુજં ગપિંગલ સ્‍ફુરત્‍ફણામણિપ્રભા-

કદંબકુંકુમ દ્રવપ્રલિપ્ત દિગ્‍વધૂમુખે .

મદાંધ સિંધુ રસ્‍ફુરત્‍વગુત્તરીયમેદુરે

મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ 4


***જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના મણિયોંના પ્રકાશમાન પીળા પ્રભા-સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મતવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરવાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત રહે.


સહસ્ર લોચન પ્રભૃત્‍ય શેષલેખશેખર-

પ્રસૂન ધૂલિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ .

ભુજંગરાજ માલયા નિબદ્ધજાટજૂટકઃ

શ્રિયે ચિરાય જાયતાં ચકોર બંધુશેખરઃ 5


***ઇંદ્રાદિ સમસ્‍ત દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્‍પોંની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માલાળોથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સમ્‍પદા આપે.


લલાટ ચત્‍વરજ્‍વલદ્ધનંજયસ્‍ફુરિગભા-

નિપીતપંચસાયકં નિમન્નિલિંપનાયમ્‌ .

સુધા મયુખ લેખયા વિરાજમાનશેખરં

મહા કપાલિ સંપદે શિરોજયાલમસ્‍તૂ નઃ 6


***ઇંદ્રાદિ દેવતાઓંનો ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્‍તકની અગ્નિ જ્‍વાલાથી કામદેવને ભસ્‍મ કરી દિધા હતાં, તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નર મુંડધારી શિવજી અમને અક્ષય સમ્‍પત્તિ આપે.


         શિવ તાંડવ સ્તોત્રની રચના કરનાર રાવણ બહુ મોટો પંડિત પણ હતો, તે આપણને આ સ્તોત્ર ગાન કરતી વખતે ચોક્કસ પણે દેખાશે. કારણ કે તેમાં જે સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે કોઈ સામાન્ય સંસ્કૃત નથી. ઉચ્ચ અલંકાર યુક્ત સંસ્કૃત ભાષા જાણનારો એ કોઈ પંડિત જ હોઈ શકે. તેનું કારણ એ છે કે રાવણ કૈકશી નામની રાક્ષસીને વિશ્વશ્રવા ઋષિના પુત્ર હતા, સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે જ્યારે કૈકશી તેની પાસે જાય છે, ત્યારે ઋષિ તેને કહે છે કે તારા પુત્રો સમાજમાં અધર્મને અનીતિ ફેલાવનાર થશે, એ તને કબુલ છે? ત્યારે કૈકશી વિશ્વશ્રવા ઋષિને કહે છે કે મને તમારી પાસેથી એવી આશા નથી, ત્યારે ઋષિ તેને જણાવે છે કે તારો એક પુત્ર નીતિ અને ધર્મ અને અનુસરશે,દસ મસ્તક વાળો રાવણ, કુંભકર્ણ, સુર્પણખા, અને વિભીષણ, એમાંથી રાવણ અને કુંભકર્ણ અતિ દુષ્ટ સ્વભાવના હોય છે, જ્યારે વિભીષણ એ પરમ વૈષ્ણવ ધર્મ અદા કરનારો બ્રાહ્મણ હોય છે.રાવણમાં ગમે તેટલું રાક્ષસત્વ કેમ ન હોય, તેના ગુણોને અવગણી ન શકાય. રાવણ એક અતિ બુદ્ધિમાન બ્રાહ્મણ તથા‌ શંકર ભગવાનનો ખૂબ મોટો ભક્ત હતો. તે મહા તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી, રૂપવાન તથા વિદ્વાન હતો.વાલ્મીકિ કૃત રામાયણ અને તુલસીદાસ કૃત રામચરિત માનસમાં રાવણને એક અવતાર કહેવામાં આવ્યો છે. વાલ્મીકિ તેના ગુણોને નિષ્પક્ષતા સાથે સ્વીકાર કરતાં, તેને ચારે વેદોનો વિશ્વવિખ્યાત જ્ઞાતા અને મહાન વિદ્વાન બતાવે છે. વાલ્મીકિ રામાયણમાં હનુમાન જ્યારે રાવણના દરબારમાં પ્રવેશ થાય છે ત્યારે લખે છે.


"અહો રૂપમહો ધૈર્યમહોત્સવમહો દ્યુતિ:અહો રાક્ષસરાજસ્ય સર્વલક્ષણયુક્તતા"


અને તેઓ લખે છે "રાવણને જોતાં જ હનુમાન મુગ્ધ થઈ જાય છે, અને કહે છે કે રૂપ, સૌન્દર્ય, ધૈર્ય, કાન્તિ તથા સર્વલક્ષણયુક્ત હોવા છતાં પણ આ રાવણમાં અધર્મ બળવાન ન હોત તો આ દેવલોકનો પણ સ્વામી બની જાત" જ્યાં રાવણ દુષ્ટ અને પાપી હતો ત્યાં જ તેનામાં શિષ્ટાચાર અને ઊઁચા આદર્શોવાળી મર્યાદાઓ પણ હતી. રામના વિયોગમાં દુઃખી સીતાને રાવણે કહ્યું , "હે સીતે! જો તુ મારા પ્રતિ કામભાવ નથી રાખતી, તો હું તને સ્પર્શ ન કરી શકું" શાસ્ત્રો અનુસાર વન્ધ્યા, રજસ્વલા, અકામા, આદિ સ્ત્રીઓને સ્પર્શ કરવાનો નિષેધ છે. અતઃ પોતાના પ્રતિ અકામા સીતાને સ્પર્શ ન કરી, રાવણ મર્યાદાઓનું આચરણ કરતો હતો.વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસ બનેં ગ્રંથોમાં રાવણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાક્ષસી માતા અને ઋષિ પિતાનું સંતાન હોવાથી સદૈવ બે પરસ્પર વિરોધી તત્વ રાવણના અન્તઃકરણને વલોવતા રહેતાં.


   વિશ્વ અત્યારે કેટલી બધી સમસ્યાથી પીડાઈ રહ્યું છે, અને આપણે સૌ કોઈ જાણીએ છીએ, કે અંતે આ આપણી માનવતા ખત્મ થવાને કારણે જ થઈ રહ્યું છે. તો દરેકે દરેક જણ પોતાનું આત્મનિરીક્ષણ કરી અને માનવ જેવી અમૂલ્ય પોતાની શ્રેણી વિશે જ્ઞાત થઈ, અને પરસ્પર પ્રેમ ભાઈચારાથી જીવે એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી , હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું.  ફરી મળીશું નવા ચિંતન મનન સાથે,તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.