સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
નિરસતા જીવનમાં રણ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે, પણ ક્યારેક નિરસતા માત્રને માત્ર આપણા અસંતોષનું કારણ છે
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે અધિકમાસની અમાસ છે અને આવતીકાલથી શ્રાવણનો આરંભ. બધા જુદી જુદી રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કંઈક ને કંઈક વ્રત ઉપવાસ કે અનુષ્ઠાન કરશે, અને પછી ભગવાનને કહેશે કે હે ભગવાન શિવ! તમે મને આ આપો ! તે આપો અથવા કંઈ પણ! ઘણીવાર એવું થાય કે આપણી પાસે શું નથી! ઈશ્વરે ખૂબ આપ્યું છે, અને હજી જો એની ઈચ્છા કરીએ, તો એને પણ એમ થઈ જાય કે હજી તને કેટલું જોઈએ છે? એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે, કે કોઈ એક ચોક્કસ સીમારેખા નક્કી કરવી પડશે, અને બસ કહેવું પડશે, ત્યાં આગળ સંતોષને મૂકવો પડશે. સંતોષી નર સદા સુખી એવું પણ આપણે ત્યાં એટલે જ એક સૂત્ર છે, પછી તે વસ્તુનો સંતોષ હોય, વ્યક્તિના વ્યવહારનો સંતોષ હોય, કે અન્ય કોઈ રીતે પણ જીવનમાં સંતોષ આવે, નહીં તો ત્યાં સુધી તો વૃત્તિના અતિરેકમાં માનવી જ્યાં ત્યાં ભટકે રાખે છે. અમુક સમય કે ઉમરના આ મુકામ સુધી આ બધું ચલાવી પણ શકાય. દાખલા તરીકે યાદ કરીએ નાનાં હતા ત્યારે, કોઈ જગ્યાએ પ્રસાદ રૂપે કંઈ વહેચાતું હોય, ત્યારે લગભગ બધાએ એકને બદલે બે કે ત્રણવાર પ્રસાદ લીધો હશે, અને એ બાળ સહજ રીતે બહુ સામાન્ય વાત છે. પરંતુ આ વૃત્તિ જો કાયમ માટે ઘર કરી જાય તો ત્યાંથી જ તકલીફ શરૂ થઇ જાય છે, અને દેખાદેખીનો દાહક ભાવની શરૂઆત થાય છે. પછી તેને જીવનમાં ક્યારેય સંતોષ મળે નહીં. થાળીમાં શિખંડ પુરી પીરસવામાં આવે તો, એને એમ થાય રસ કેમ નહીં! શીરો કેમ નહીં! બસ આ રીતે અસંતોષ કરવાનું કોઈ જ કારણ ન હોવા છતાં, પણ જે અસંતોષ કરે તે, આમ તો મૂર્ખ છે, અને આપણે બધા જ આજે એ મૂર્ખની કેટેગરીમાં છીએ. કારણ ઈશ્વર જોતો હતો કે આપણે બસ કહીએ છીએ કે નહીં! અને આપણે બસ હવે!! એવું કહેવાનું હતું, પરંતુ એવું આપણાથી થઈ શક્યું નહીં. કારણ ગમે તે હોય, પરંતુ સૌના જીવન આજે નિરસતાથી ભરાઈ ગયા છે, કોશિશ કરવા છતાં જીવનમાં જોઈએ તે પ્રમાણમાં હકારાત્મકતા આવતી નથી, ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતું હોય એવું લાગે છે. નિરસતા જીવનમાં રણ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે, રણ એટલે એવો પ્રદેશ કે, જ્યાં તમે કોઈપણ હરિયાળી વસ્તુની કલ્પના પણ ન કરી શકો. ભારતમાં ઘણાં બધાં એવા રણ છે, એમાં રાજસ્થાન રણ તરીકે સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત આપણે ત્યાં સ્વર્ગની પરિકલ્પનામાં કામધેનું ગાય, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, એ બધાં દ્રવ્ય કે અમુલ્ય વસ્તુઓ સ્વર્ગમાં જોવા મળે છે, અને સદીઓથી માનવીની એ મેળવવાની ઝંખના છે. તો હકીકતમાં કલ્પ વૃક્ષ મળે તો માનવી શું કરે? એ વિશેની એક બોધકથા જોઈએ. કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે, એની નીચે તમે બેસી અને જે કંઈ વિચાર કરો એ વિચારની પૂર્તિ થાય. એટલે કે ત્યાં તમને તમે વિચારેલ દરેક વિચારનું તાત્કાલિક પરિણામ મળે, અને આવી જ એક વાત પંચતંત્રની બોધ કથામાં મેં ગઈકાલે વાંચી.
પહેલા તો પગપાળા મુસાફરી થતી, અને રાજસ્થાનના રણ પ્રદેશમાં એક મુસાફર મુસાફરી કરતો હતો, અને કેટલોયે લાંબો પ્રવાસ ખેડ્યો છતાં, પણ ક્યાંય કોઈ હરિયાળી જોવા મળી નહીં. જાતજાતના વિચારો કરતો હતો, કે આમ હોત તો કેવું સારું! તેમ હોત તો કેવું સારું! એમાં ઓચિંતાની એની નજર થોડે દૂર રહેલા એક હરિયાળા વૃક્ષ પર પડી, તેણે વિચાર્યું કે શું રણ પૂરું થયું! પણ લાંબે સુધી નજર દોડાવી તો હજી તો એવું જ બધે હતું. આ એક વૃક્ષ સિવાય ક્યાંય હરિયાળી હતી નહીં, અને તેને એ વૃક્ષ નીચે આરામ કરવાનું મન થયું. શીતળ છાયામાં બેસીને એનાં શીતળ પવનમાં મનને ખુબ સારુ લાગ્યું. એટલે તેણે વિચાર્યું કે જગ્યા તો સરસ છે, પણ જો ઠંડું પાણી મળી જાય તો કેટલું સારું!! અને એ જ સમયે ઠંડા પાણીનું માટલું ત્યાં આવી ગયું, એક-બે ગ્લાસ જેટલું ઠંડું પાણી પી લીધું અને હાશ કર્યું, પણ તરત જ વળતો વિચાર કર્યો કે જમવાનું મળી જાય તો કેવું સારું, અને ભાતભાતના સ્વાદિષ્ટ પકવાન વાળુ ભોજન ભરેલો થાળ આવ્યો. નિરાંતે જમી લીધું પછી થયું, કે થોડો અહીં જ આરામ કરી લઉં, આગળ ક્યાંય આવી જગ્યા મળે કે ના મળે, એટલે નિરાંતે સોડ તાણીને સૂઈ ગયો. થોડી વારે જાગ્યો એટલે બહુ સ્વાભાવિક રીતે જ શંકા-કુશંકાથી મન ઘેરાયું કે આખા આટલા મોટા રણપ્રદેશમાં આ એક જ ઝાડ કેમ છે? અને એમાં પણ દરેક પ્રકારની ઇચ્છા પૂર્તિ કરે એવું! મુસાફર બુદ્ધીશાળી હતો, એટલે મનમાં સમજી ગયો કે આ વિચાર ને કારણે થયું, એટલે વિચાર આવ્યો કે, સારું થયું કે સારા જ વિચાર કર્યા છે, નહીં તો એવું વિચાર્યું હોત કે, કોઈ રાક્ષસ આવી અને મને મારી નાખે તો હું સાચે જ મરી ગયો હોત, અને એ જ સેકન્ડે એક કદાવર રાક્ષસ સામે અટ્ટહાસ્ય કરતો ઊભો હતો. મુસાફરને થયું હવે તો મૃત્યુ નક્કી છે, અને એ ડરથી થર-થર કાંપવા લાગ્યો, અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે, આ રાક્ષસ અહીંથી અદ્રશ્ય થઈ જાય તો એવું કરો, અને એ અદ્રશ્ય થઈ ગયો. પછી પેલો મુસાફર એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એ ઝાડ નીચેથી ઊઠીને ભાગ્યો, પાછું વળીને જોયું પણ નહીં. આપણી સ્થિતિ બિલકુલ આ મુસાફર જેવી છે, પ્રકૃતિએ આપવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું, છતાં પણ આ જોઈએ છે, આ મળ્યું હોત તો સારું, એમ કરી કરીને માંગતા જ રહ્યાં, અને આવતીકાલે આવું નહીં મળે તો, એવો કોઈ વિપરીત સમય રૂપી રાક્ષસ આવશે તો! એવું કંઇક પણ બધાએ વિચાર્યું હશે, અને સાચે જ અશાંતિ રૂપે રાક્ષસ આવ્યો સમય છે, એ મુસાફરની જેમ ભગવાનને પ્રાર્થના કરવાનો, કે હે ઈશ્વર આ રાક્ષસને અદ્રશ્ય કરી દે. પરંતુ હવે આપણાથી એ થતું નથી, અથવા તો થાય છે તો પણ એટલી એ શરણાગતિથી થતું નથી. બીજી માનસિકતા આપણી એ છે કે કલ્પવૃક્ષ સમાન પ્રકૃતિ મળી હોવા છતાં, પણ ભોગની જ લાલસા રહી, જેણે કદી સંતોષ થવા જ દીધો નહીં, એક પછી એક વિચારો રૂપી ઇચ્છાઓ મૂકતાં ગયાં, અને ઈશ્વર તેને પૂરી કરતો રહ્યો, પણ આપણે ક્યારેય હવે બસ એવું કહ્યું નહીં. કોઈના જીવનમાં અભાવ હોય એટલે કે પરિવાર જનો શાંતિથી રહી શકે એટલી આવક ધરાવતા ન હોય, તો કદાચ એ હજી વધુની વૃત્તિ ક્ષમ્ય છે. પરંતુ આપણી સ્થિતિ તો સાધન સંપન્ન છે, મને મારા ભાગ્યનું મળ્યું અને એમાં મને સંતોષ છે, એવી વાત આવે નહીં, ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આ પૃથ્વી પર માનવ તરીકે જન્મ આપીને ઈશ્વરે આપણને સ્વર્ગમાં જ મુક્યા હતાં. બાળપણમાં નાદાનીમાં કઈ કેટલુ એ કર્યું. મોટા થયા યુવાનીના જોશ જુસ્સામાં પણ કંઈક એટલે એ સાચું ખોટું કર્યું, અને સતત કંઈકને કંઈક મેળવવાની ખેવના કે ઝંખના રાખી, અને મેળવ્યું પણ ખરું! સારી કારકિર્દી ઘડી, જીવનસાથી તરીકે પણ સારું પાત્ર મેળવ્યું, સુખ સુવિધા વાળું ઘર પ્રાપ્ત થયું, સંતાન પણ મેળવ્યા, પછી હવે તો બસ કહેવું જોઈએ ને? પણ ચક્ર આગળ ચાલતું જ રહ્યું મને હજી, અથવા તો આને છે એટલું મને કેમ નહીં! એવા સતત અસંતોષના ભાવને કારણે કલ્પવૃક્ષ નીચે ખરાબ વિચાર થઈ ગયાં, જેને કારણે આ સમય અટ્ટહાસ્ય કરી રહ્યો છે, અને કાળ સતત ડંખી રહ્યો છે.
સૌથી પહેલા તો એ ભોગવાદી વિચારોના કલ્પ વૃક્ષ માંથી બહાર આવવું પડશે, કે જ્યાં સતત સ્વ અને સ્વકેન્દ્રી વિચારોનુ જ મહત્વ છે. મને આ મળે! મને તે મળે! અથવા મને પેલા જેવું મળે, એને ઘેર બે ગાડી છે, તો મારે ઘેર ચાર હોય, અને એ ચાર ગાડી મેળવવા માટે કંઈ કેટલુંય કર્યું, અને તે પુરુષાર્થ કરીને મેળવીએ તો હજી પણ કંઈક યોગ્ય છે, પણ બધાને અહીં ઓછી મહેનતે મેળવી લેવું, એની સતત પેરવીમાં આજનો માનવ દેખાય છે. સમય સતત ચેતવી રહ્યો હતો, પરંતુ આપણને એ કંઈ જ દેખાયું નહીં, આજે હવે એ બધું વિચારવાનો સમય મળ્યો, અને વિચાર્યું પણ ખરું છતાં, અમલમાં મૂકી શકાતું નથી. કારણ કે મનની અંદરથી એ ભોગવવાની વૃત્તિ જતી નથી. જે થયું તે થઈ ગયું, પરંતુ અત્યાર સુધીની જિંદગીમાંથી કંઈક સારુ તારવી શકાય, એવું કંઈક કર્યું હોય તો, એને ગોતી અને એ ભાવ પાછો આવે એવું જીવીએ, જ્યાં કોઈને હેરાન કરવાની વૃત્તિ ન હોય, હજી વધુની ઝંખના ન હોય, અને મને કેમના આપ્યું એની ફરિયાદ ન હોય, તો એ ત્રણે વૃત્તિનાં ભાવનો સરવાળો જ અંતે સંતોષ છે. જે સારું કર્મ કરવાથી આપોઆપ આપણા જીવનમાં આવી જશે, અને પછી કોઈ જ અસંતોષ ટકી શકશે નહીં. સૌના જીવનમાંથી રણ જેવી નિરસતા ચાલી જાય, અને સૌનાં જીવન હર્યાભર્યા થઈ જાય, ક્યાંય કોઈને કોઈ વાતનો અસંતોષ ન રહે, ઈશ્વર એવી સૌ પર કૃપા કરે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.