વિષય: એલર્ટ : ભારતનું ભાવિ નબળું પડી રહ્યું છે
લેખિકા: કૃપા બોરીસાણીયા
ભારતના ભવિષ્યના સંદર્ભમાં અહીંયા બાળ વર્ગની વાત કરવામાં આવી છે. ભારતનું ભવિષ્ય એ અત્યારના બાળકો છે. આવતીકાલે યુવા બનીને આવનારા ભારતનું ભવિષ્ય બનવાના છે. આજનું નાનું બાળક જે રીતે મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે એ જોતા પ્રથમ નજરે એવું લાગે છે કે બાળક ઉંમરના પ્રમાણમાં વધારે પડતું બુદ્ધિશાળી બની રહ્યું છે. એ બુદ્ધિશાળી નથી બની રહ્યું, માત્ર સ્માર્ટ બની રહ્યું છે. સ્માર્ટનેસ અને બુદ્ધિમત્તામાં ઘણો મોટો તફાવત છે. નવી પેઢીના બાળકોને જબરજસ્ત એક્સપોઝર મળે છે. તેઓ ટીવી જુએ છે, તેઓના માટે ઇન્ટરનેટનો ખજાનો ઉપલબ્ધ છે, મોલ્સમાં જાય છે, મલ્ટિપ્લેક્સ માં જાય છે. માહિતીનું ઓવરડોઝ તેમને સતત મળતો રહે છે. આપણે પણ એવું સ્વીકારી લઈએ છીએ કે આજની નવી પેઢી વધારે બુદ્ધિશાળી બની રહી છે. આ આપણા સૌનો એક ભ્રમ છે. મોબાઇલની સ્ક્રીન પરથી ઘણું શીખે છે. તેમના શબ્દ ભંડોળમાં ઘણો વધારો થાય છે. ત્યારે આપણે હરખાઈએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ. તેવો અંગ્રેજીમાં ગોખેલી કવિતા બોલે, કોઈની નકલ કરીને ડાન્સ કરે ત્યારે આસાનીથી "ઇન્ટેલિજન્ટ" નું સર્ટી આપી દઈએ છીએ. તો અહીં દરેક વાલીઓએ યાદ રાખવું જોઈએ કે આમાં કોઈ બુદ્ધિમત્તાનુ પ્રમાણ વચ્ચે આવતું નથી. આ એકમાત્ર નકલ છે. નકલ અને બુદ્ધિમત્તાને કોઈ સંબંધ નથી.
દરેક માતા પિતાએ યાદ રાખવું જરૂરી છે કે અપ્રત્ય પ્રેમ અદભુત ચીજ છે. દરેક મા બાપને સંતાનો પ્રત્યે આંધળો પ્રેમ હોય છે. એટલે જ નાની-નાની બાબતો ખૂબ મોટી લાગતી હોય છે. પણ ન સ્વીકારી શકાય એવી બાબત એ છે કે નવી પેઢી સંકુચિત અને નબળી મનોદશા વાળી બની રહી છે. વિશ્વભરના સંશોધકોના મત અનુસાર અમેરિકા અને યુરોપના દેશોમાં બાળકોની સર્જનાત્મકતા વિચાર ક્ષમતા અને લાગણીને કાબુમાં રાખવાની ક્ષમતા તીવ્રતાપૂર્વક ઘટી રહી છે. જે સ્થિતિ પાશ્ચાત્યના રાષ્ટ્રોમાં બની રહી છે તે સ્થિતિ કાલ સવારે આપણા આંગણે પણ આવીને ઉભી રહેવાની છે.
તાજેતરમાં જ બ્રિટનના મનોવૈજ્ઞાનિકોના સર્વે મુજબ નવી પેઢીની સર્જનાત્મક શક્તિનું પ્રમાણ ઘટી રહ્યું છે. અને આળસુ બની રહ્યા છે. આ સર્વેની પ્રતિક્રિયા આપનાર લોકોનું કહેવું છે કે બાળકો પર વધારે પડતું ધ્યાન આપવાથી બાળકોની બુદ્ધિનો સ્વતંત્ર વિકાસ થવો જોઈએ તે થતો નથી. આજની નવી પેઢીના બાળકો ઉપર સૌથી વધારે અસર આધુનિક ઉપકરણોની થઈ રહી છે. ઇન્ટરનેટ અને ગૂગલના માધ્યમ દ્વારા સેકન્ડ ના ચોથા ભાગમાં જ દુનિયાની કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકાતી હોવાથી બુદ્ધિનો ઉપયોગ કરવો પડતો નથી. એટલે બુદ્ધિમત્તાનું પ્રમાણ ઘટે એ સીધી સાદી બાબત છે. ઉપકરણોનો ઉપયોગ એ એક પ્રકારની ટેકનીક છે ખેતરમાં કામ કરતો મજૂર અને શાકભાજી વેચતા માણસો પણ નેટ અને ફેસબુકનો ઉપયોગ કરતા થયા છે. તેનો અર્થ એ પણ નથી કે તેઓમાં બુદ્ધિમત્તાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આજનું બાળક અને યુવા વર્ગ યંત્ર માનવ બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. તેઓ એટલા પરોપજીવી બની રહ્યા છે કે તેમને વિચારવાની જરૂર જ નથી રહેતી.
આ સાથે બૌદ્ધિક વિકાસ સાથે સંકળાયેલ બે ત્રણ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચવાનું યોગ્ય સમજુ છું. આજની નવી પેઢી ધીમે ધીમે સામાજીકતા પણ ગુમાવી રહી છે. જે સામાજિક બુદ્ધિમત્તા સાથે સીધો જ સંબંધ ધરાવે છે. તેઓને મમ્મી - પપ્પા સિવાય કોઈ સામાજિક સંબંધોમાં જરા પણ રસ નથી. દાદા - દાદી અને નજીકના સગા સંબંધીઓ પણ એટલા દૂર જઈ રહ્યા છે કે તેઓ જીવન જીવવાની ગુણવત્તા પણ ગુમાવી રહ્યા છે. માનવીનું સામાજિક માળખું - જીવન જટિલ બનતું જાય છે પરિણામે સમાજ જીવનમાં સુમેળ સાધી શકતા નથી. જે બાળક કે વ્યક્તિ પરિવર્તનશીલ સમાજ સાથે સુમેળ સાધી ન શકે તેઓ ઘણી વખત સામાજિક સમસ્યાઓના પડકારોનો સામનો કરી શકતા નથી. દુનિયાભરના સમાજશાસ્ત્રીઓ કહે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અને જીવનને સમૃદ્ધ બનાવવા સામાજિક સંબંધો કે માનવીય સંબંધો પણ વિકસાવવા એટલા જ જરૂરી છે. આજની નવી પેઢી સામાજિક સંબંધો કેળવવામાં સદંતર નિષ્ફળ જઈ રહી છે. એટલે જ અંતઃકરણની ચિંતા સાથે કહું છું કે એલર્ટ, આવનારા ભારતની ભૌતિક સંપદા સમાન બાળ વર્ગ સામાજિક, માનસિક અને બૌદ્ધિક રીતે નબળો પડી રહ્યો છે.
બાહેધરી : હું કૃપા બોરીસાણીયા બાંહેધરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.