Pages

બુધવાર, 23 ઑગસ્ટ, 2023

નિર્મળ બુદ્ધિ એ ગંગધારા સમાન છે, તો આપણે આપણી નિર્મળ મતિનો આત્મલિંગ પર અભિષેક કરી, તેને પ્રસન્ન કરવાના છે

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


નિર્મળ બુદ્ધિ એ ગંગધારા સમાન છે, તો આપણે આપણી નિર્મળ મતિનો આત્મલિંગ પર અભિષેક કરી, તેને પ્રસન્ન કરવાના છે.

      

     પવિત્ર શ્રાવણના દિવસો ટપોટપ જવા લાગ્યા, દિવસ પર દિવસ પૂરા થતા જાય છે. ધીરે-ધીરે ભક્તિ ભાવ ઘેરો થતો જાય છે,  વ્રત, ઉપવાસ, એકટાણા, કરીને પણ વિષય ભોગ માટે ભોગી જીવ સતત ઝઝૂમી રહ્યો છે, તો યોગી સંસારમાં સત્વની વહેંચણી કરવા માટે જીવવા માંગે છે, અને રોગી તો પહેલા પણ જીજીવિષાથી તડપે છે. પરંતુ આ મહિનો તો જોગીનો છે, એટલે કે શંકર જોગીને ભજવાનો છે. શંકર એ આ ત્રણે શ્રેણીથી પર છે. સંસારી હોવા છતાં પણ તે ત્રિગુણાતીત અને ત્રિકાળને વશ કરનારા છે. આ પૃથ્વીલોકને તારનાર અને સ્વર્ગ લોકને પણ બચાવનારા, એ શિવ એકમાત્ર આપણો સહારો છે. સીધીસાદી નામ સાધના, અને દૂધ કે પાણીનો અભિષેક એ તેને પ્રસન્ના કરનારા છે, કોઈ બિલ્વ ચડાવે, કોઈ ધતુરો ચડાવે, કોઈ ચંદન લગાડે,બધાથી જ તે નીર્લેપ અને અસંગ છે. સહ પરિવાર શિવ શંકર જ્યાં બિરાજમાન છે, તે સ્થાને કદી કાળ જતો નથી. તો મૃત્યુ રૂપી કાળને દૂર રાખવો હોય તો શંકરને આરાધવો પડે. ગઈ કાલે આપણે તુલસીદાસ કૃત રુદ્રાષ્ટકના ત્રણ શ્લોકનો ભાવાર્થ સમજ્યા, આજે હવે આગળ...


ચલત્કુડંલં ભ્રુ સુનેત્ર વિશાલં,

પ્રસનનાનનં નીલકંઠં દયાલં,

મૃગાધીશચર્મામ્બરં મુંડમાલં,

પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ.


***જેમના કાનોમાં કુંડળ ઝૂમી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્ર છે; જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળું છે; સિંહચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે અને મુંડમાળા પહેરી છે, સૌના પ્રિય અને સૌના નાથ, કલ્યાણ કરનાર, શ્રી શિવજીને હું ભજુ છું.


 પ્રચંડં પ્રકૃષ્ઠં પ્રગલ્ભ પરેશં,

અખંડ અજં ભાનુકોટીપ્રકાશં,

ત્રયશૂલ નિર્મૂલમં શૂલપાણિ,

ભજેહમ ભવાનિપતિ ભાવગમ્ય.


*"**પ્રચંડ (રુદ્રરૂપ), શ્રેષ્ઠ, તેજસ્વી, પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડોં સૂર્યો સમાન પ્રકાશ વાળા, ત્રણે પ્રકારના શૂળો (દુઃખો) ને નિર્મૂળ કરનાર, હાથમાં ત્રિશૂલ ધારણ કરેલ, ભાવ-પ્રેમ દ્વારા પ્રાપ્ત થવાવાળા, હે ભવાનીપતિ શ્રી શિવ શંકર, હું આપને ભજુ છું.


કલાતિત કલ્યાણ કલ્પાનંતકારી,

સદા સજ્જનાનંદ  દાતા પુરારી,

ચિદાનંદ સંદોહ મોહાપરિ,

પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી.


***કલાઓથી શ્રેષ્ઠ, કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત એટલે કે પ્રલય કરનાર, સજ્જનોને સદા આનંદ આપનાર, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનન્દઘન, મોહને હરનાર, મનને મથનાર કામદેવના શત્રુ, હે પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.



         રુદ્રાભિષેક શબ્દની સંધિ છૂટી પાડી એ તો રુદ્ર + અભિષેક, એટલે કે રુદ્ર પર થતો અભિષેક એને રુદ્રાભિષેક કહેવામાં આવે છે. ગઈકાલે વાત થઈ તેમ રુદ્રાષ્ટક નું ગાન કાગભુષંડીના ગુરુએ મહાકાલ ના મંદિરમાં કર્યું હતું. પોતાના ગુરુની અવગણના કરવા બદલ મહાકાલે કાગભુષંડીને  કાગડો થઈ જવાનો શાપ આપ્યો, અને ભગવાન મહાકાલના એ રુદ્ર સ્વરૂપને શાંત કરવા માટે તેના ગુરુએ આ સ્તુતિનું ગાન કર્યું, તેથી તેનું નામ રુદ્રાષ્ટક છે. આ ઉપરાંત ઋગ્વેદની સંહિતામાં રુદ્રી પાઠ આવેલો છે અને તેમાં સૃષ્ટિના સંહારક દેવ ભગવાન શિવ શંકરનું એક નામ રુદ્ર પણ છે, જો કે શિવ સર્જન સંહારક અને વિસર્જન ના દેવ છે, વિસર્જન એટલે કે ફરી સર્જન અથવા નવ સર્જન! કોઈ એક આકાર લય પામે તો નવો આકાર નિર્માણ પામે! બસ આ જ શિવ તત્વને સમજાવતું સત્ય છે. ત્રિનેત્ર ધરાવતા ભોળાશંકર તેની ત્રીજી આંખ ખોલે ત્યારે પૃથ્વી પર પ્રલય વર્તાય છે, અને એને કારણે તેનું રુદ્ર સ્વરૂપ વરતાય છે, આથી તેનું નામ રુદ્ર પડ્યું.  આપણે સંસારની દ્રષ્ટિએ એને સમજીએ તો કોઈ કોપાયમાન ક્યારે થાય ! જ્યારે તેનું કીધું ન કરીએ! જ્યારે તેની અવગણના કરીએ! અથવા તો એની ઉપેક્ષા કરીએ તો, એટલે સામાન્ય રીતે શિવ શંકરને તેનું ત્રીજું નેત્ર ખોલવું ન પડે, એ કોપાયમાન થાય નહીં,એ માટે થઈને આ અભિષેકની પવિત્ર ધારા તેના મસ્ત કે સદાય થતી રહે છે, અને શિવલિંગ ઉપર જળાધારી માંથી ધીરે ધીરે પાણી દૂધ વગેરેનો અભિષેક થયા રાખે છે. આ અભિષેકની એક સ્થૂળ વ્યાખ્યા થઈ, કે ભગવાન શિવ શંકરની પરિકલ્પના કરાવતા શિવલિંગ પર આ રીતે જળાધારી માંથી દૂધ કે પાણીનો અભિષેક સતત થયા રાખે. દરેક જીવમાં એક આત્મલિંગ છે, અને તેની આ શ્રાવણે આપણે પૂજા કરવાની છે, તો એ આત્મલિંગ પર આપણે શેનો અભિષેક કરીને શંકરને પ્રસન્ન કરવા? નિર્મળ બુદ્ધિ એ ગંગધારા સમાન છે, તો આપણે આપણી મતિનો આત્મલિંગ પર અભિષેક કરી, તેને પ્રસન્ન કરવાના છે, અને આપણી બુદ્ધિમાં જેટલી નિર્મળતા હશે, એટલા શંકર પ્રસન્ન રહેશે.બીજું દ્રવ્ય છે પ્રેમ, દેહ પ્રત્યે નહીં દેહી પ્રત્યે પ્રેમ દાખવી અને અનન્ય એ પરમ પ્રેમ તત્વથી આત્મલિંગનો અભિષેક કરવાનો છે. બુદ્ધિની નિર્મળતા અને પરમ પ્રેમ તત્વનો સંયોગ થાય, એટલે કરુણાનો ભાવ માનસમાં પ્રગટ થાય, અને આ ભાવ આપણી જેમ અન્યમાં પણ એ જ આત્મલિંગ સ્વરૂપે શિવ વસી રહ્યો છે, તેની પ્રતીતિ કરાવે. એટલે લોક માનસમાં વસેલા એ શિવનો અભિષેક કરવા લોક કલ્યાણના કાર્યો થાય, ત્યારે એ રુદ્રા અભિષેકની પરાકાષ્ઠા અનુભવાય, અને આ રીતે શિવ શંકરનો કરૂણારૂપી ભાવથી પણ અભિષેક થાય. તો આમ સત્ય પ્રેમ અને કરુણા રૂપે આપણે આત્મલિંગનો અભિષેક કરી શિવને પ્રસન્ન રાખીએ અને તેને રુદ્ર બનતા અટકાવી એ. મૃત્યુ એ દરેક જીવ માટે અંતિમ અને સનાતન સત્ય છે, છતાં પણ જીવ તેની કલ્પના માત્રથી જીવ વ્યથિત થાય છે. કારણ પ્રકૃતિમાં કોઈને મોહ હોય છે, કોઈને પોતાના દેહ પ્રત્યે મોહ હોય છે, તો કોઈને આ સમાજમાં કે સંસારમાં જીવવાનો મોહ હોય છે, પુત્ર પરિવારની માયા મમતાને વશ પણ કોઈ અહીંથી જવા માંગતું નથી. ભગવાન શિવ શંકર વિધાતા ના લખેલા લેખ પણ બદલવા સમર્થ છે, અને આવું, તે પોતાના ભોળા ભાવને કારણે ઘણીવાર કરી ચૂક્યા છે. માટે સૌ તેને જુદા જુદા દ્રવ્યોથી, જુદી જુદી રીત, પદ્ધતિથી, અને જુદા-જુદા કારણોથી, ભજી અને તેને પ્રસન્ન રાખે છે. આપણે ત્યાં શ્રાવણમાં શંકરના એટલે જ કેટલા બધા વ્રત, ઉપવાસનો, મહિમા છે, અને દરેક સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. તો આમ સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ, શરીરના અભિષેકના, આપણે ત્રણ અર્થ જોયા. તો ચાલો હવે આપણે રુદ્રાભિષેકનું મહત્વ સમજી ગયા પછી, દરેક પોતપોતાની રીતે અભિષેક કરી અને આ પ્રલયને રોકીએ.


   ચોર્યાસી લાખ યોનીમાં ફર્યા પછી જીવને મહામુલો મનુષ્ય અવતાર મળ્યો છે, તો આ અવતાર એળે ન જાય અને સૌ તેમાં સાચી રીતે શિવને આરાધી જીવન મુક્તિ પામે, એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવ ને ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.