Pages

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

બાળકને વિચારશીલ બનાવો નહીં કે ગોખણીયું - કૃપા બોરીસાણીયા

રચનાનું નામ : બાળકને વિચારશીલ બનાવો નહીં કે ગોખણીયું

લેખિકાનું નામ: કૃપા બોરીસાણીયા


          માણસનો જન્મ એક બાળક સ્વરૂપે થાય છે. પરંતુ તેને સાચા અર્થમાં માણસ બનાવનાર જો કોઈ માધ્યમ હોય તો તે શિક્ષણ છે. ઈશ્વર એ દરેક બાળકમાં અનેક ગુણો અને ઘણી બધી વિશેષતાઓ ભેટ સ્વરૂપે પ્રદાન કરતો હોય છે. આ ભીતરની તમામ શક્તિઓની ઓળખ કરાવી તેમને ખીલવીને આવનાર સમયની સાથે તાલ પુરાવીને અડીખમ ઊભા રહેવાનું કૌશલ્ય શિક્ષણ થકી પ્રાપ્ત થતું હોય છે. એક સારો શિક્ષક આ માધ્યમ થકી બાળકોના ભીતરના કૌશલ્યો ને ખીલવીને માણસનું નિર્માણ કરે છે. ત્યારે આ કાર્ય સાચા અર્થમાં સાર્થક થયું ગણાય.

        

           શિક્ષણનું કામ જ બાળકનું સર્વાંગીય વિકાસ કરવાનું છે. શાળા અને શિક્ષકોએ આ માધ્યમ થકી વર્ગમાં વિષયની સાથે સાથે અનેક યુક્તિ પ્રયુક્તિઓ થકી બાળકની ભીતરની શક્તિનો વિકાસ થાય એવા વાતાવરણનું નિર્માણ કરવાનુ કામ કરવાનું હોય છે. હાલ સમયની જરૂરિયાત કહો કે કરુણતા! માર્કસની પાછળ રેસની જેમ દોડતું બાળક અને તેના નિમિત્ત બનતા વાલીઓ એ ભૂલી જાય છે કે જીવનની રેસમાં એ પાછળ રહી જાય છે. ન કોઈ તર્ક કરવાનો કે ન કલ્પના કરવાની, ન કોઈ મુદ્દા પર જાતે જ વિચાર કરીને જવાબ આપવાનો, બસ, કોઈએ લખેલ વિચારને અક્ષરસ:  મગજમાં ટાઈપ કરીને યંત્રની જેમ રજૂ કરી દેવાનું! બાળકની મનોસ્થિતિ કેવી હશે એ કલ્પના કરવી અશક્ય છે. આ જ કારણ હશે કે જ્યારે કોઈ વિષય પર પોતાના વિચારો રજૂ કરવાના હોય કે અભિવ્યક્ત કરવાના હોય ત્યારે તે રજુ કરી શકતું નથી. વ્યવહારિક જીવનમાં અનેક સત્યો, અને અનેક ઊભી થતી પરિસ્થિતિઓ સામે નિર્ણય લેવામાં તે ઉણુ ઊતરે છે. ગોખણીયા જ્ઞાનના રથ પર સવાર બાળક લાંબા સમય સુધી ટકી શકતું નથી. સમય આવ્યે અટકીને ઉભો રહી જ જાય છે.


          શાળા અને શિક્ષકની સાથે વાલી એ પણ આ બાબતમાં ચોક્કસ વિચારતો થવું પડશે કે માર્કસના મોહની સાથે બાળકને વૈચારિક દ્રષ્ટિ ખીલે. હાલ વર્ગમાં બાળક પોતે રજૂ થાય એવા માધ્યમોને બદલે મોટેભાગે કોર્સ પૂર્ણ થાય ગોખણપટ્ટીના અસવારે ચડીને યંત્રની જેમ અક્ષરસઃ રજૂ કરી દેવાનું મગજ ફાટી જાય, મગજ ચકરાવે ચડે છતાં પણ આ જ કરવાનું! પરિણામ તો શૂન્ય જ! માર્ગની રેસ પણ કેવી! જોઈને દયા આવવાની સાથે ક્યારેક તો ગુસ્સો પણ આવી જાય.


              સાચું શિક્ષણ એ બાળકનો ભાર હળવો કરે. પોતાને વિચારવાની તક મળે તેવું માધ્યમ આપે.પોતાને અભિવ્યક્ત થવાનો રાહ ચિંધે, પોતાની કલ્પના થકી વિજ્ઞાનના સત્ય સુધી પહોંચવાનો માર્ગ બતાવે, તર્કને ખીલવે, ભીતરની વિશેષતાઓ નો પરિચય કરાવે, ધીરજ, કુશળતા, સ્થિરતા, ચીવટતા, આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ કરે. જે તેમને જીવનના યુદ્ધમાં શસ્ત્ર રૂપ સાબિત થવાના છે. માર્ક્સ જરૂરી છે, પણ સાથે સાથે આ ગુણોનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. વ્યવહારિક જીવનમાં તો તેને આ જ કૌશલ્યો કામે લાગવાના છે. જેના થકી જ તે આવનારી પરિસ્થિતિઓ સામે અડીખમ ઉભો રહેવાનો.


             એવા અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ. જો શાળાની પરીક્ષામાં ઓછા માર્કસ સાથે ઉત્તીર્ણ થયા હોય પણ હિંમત ન હારી પોતાના ગુણો થકી, પોતાના ભીતરના કૌશલ્ય થકી આ દુનિયામાં પોતાનું નામ અંકિત કરી આપ્યું હોય. એવા અનેક ઉદાહરણો આપી શકીએ જેમના માર્ક્સની વાત તો દૂર રહી જેમનો અભ્યાસ જ ઓછો છતાં આજે તેમના શક્તિને તેમની સફળતાને આખી દુનિયા મસ્તક નમાવે છે. કારણ કે તેમણે પોતાની ભીતરની શક્તિને ઓળખીને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે કૌશલ્ય કેળવી લીધું હતું. જીવનમાં ભણવાની સાથે ગણવાની વાત પણ એટલી જ છે. માર્ક્સની રેસમાં ઘોડાની જેમ દોડવતા બાળકની પરિસ્થિતિને ન સમજનાર અને એના ભયંકર પરિણામ ના અનેક ઉદાહરણો આપની સામે છે જ. ત્યારે થોડીક સમજની જરૂર છે. જો આ સાથે ભીતરના ગુણોના વિકાસને પણ ધ્યાન આપીએ તો આ પરિસ્થિતિ ક્યારેય નિર્માણ નહીં થાય. સોનામાં સુગંધ મળે એવી વાત બને. માર્ક્સની રેસમાં દોડતું આજનું બાળક પ્રથમ નંબર લાવવાના મોહમાં ભીતરમાં રહેલ નાવિન્યને પોતાની શક્તિને પોતાના રહેલ સારાપણાને ઓળખવાની શક્તિ જ જો ગુમાવી દેશે તો આવનાર સમય કેવો હશે તે કહેવું અશક્ય છે. વ્યવહારિક જીવનની સફળ અભિવ્યક્તિ તો ભીતરની શક્તિ થકી જ કરી શકવાનો. આપણે જોઈએ છીએ કે ઘણા કિસ્સામાં વધારે ટકાથી પાસ થયેલ બાળક વ્યવહારિક અભિવ્યક્તિ કરવામાં મુશ્કેલી અનુભવે છે.


            શિક્ષણનું કામ તો બાળકની શક્તિનો વિકાસ કરવાનો છે. બીજાના વિચારોને ગોખીને તે જ સ્વરૂપે રજુ કરી દેવાથી બાળકની વૈચારિક પ્રક્રિયા તો અટકી જવાની એ નક્કી છે. શાળામાં પણ બાળક કોઈ વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કરે તો માર્ક્સ કાપી લેવામાં આવતા હોય છે. એ બાબત પણ વિચારવા જેવી છે જેના કારણે બાળકો પોતાના વિચારો રજૂ કરવાના બદલે જે છે તે રજૂ કરી દેતો હોય છે. છેલ્લે એટલું કહીશ કે વાલી હોય એ પણ આ માનસિકતા બદલવાની સાથે શાળા અને શિક્ષકોએ પણ બાળકને વ્યક્ત અને તકો ચોક્કસ પૂરી પાડવી જોઈએ જેથી બાળક સારા ગુણની સાથે પોતાનો ભીતરથી વિકાસ કરતો પણ થાય.


બાહેંધરી : હું કૃપા બોરીસાણીયા બાહેંધરી આપું છું કે આ રચના મારો મૌલિક સર્જન છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.