Pages

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

ૐ કારનો અનાહત નાદ એટલે શૂન્યનું સંગીત - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- વાંચન વિશેષ


ૐ કારનો અનાહત નાદ એટલે શૂન્યનું સંગીત! અને એ અનાહત નાદની અનુભૂતિ જીવને સમાધિ સુધી દોરી જાય છે. 


  આમ તો આજે ચિંતનનો લેખ નથી છતાં 20 ઓગસ્ટ એ એક એવો દિવસ છે કે, જ્યારે પપ્પા આ દુનિયામાંથી વિદાય થયાં હતાં અને આજે એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા. ચિંતનમાં રોજ લખાય છે કે જન્મ સાથે જ મૃત્યુ નિશ્ચિત છે. છતાં સ્વજનોનું અને એમાં પણ ખાસ કરીને માતા પિતાનું મૃત્યુ એટલું સહજતાથી સ્વીકારી શકાતું નથી, આ પણ એક ઈશ્વરની એક માયા છે. પરંતુ આજે અહીં એ વાતનો ઉલ્લેખ કરવાનું એક કારણ એ છે કે જનેતા થકી આધ્યાત્મિક જ્ઞાનનો વારસો અને માતા થકી  ભજન ભક્તિનો વારસો મળ્યો છે. આજે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિનો મુખ્ય બીજ મંત્ર ઓમકાર વિશે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાના છીએ, અને આ ઓમકારની એક વૈજ્ઞાનિક સિદ્ધિ ધરાવતી છબી અમારા ઘરની ભીત પર હતી કે, જેમાં એની ચારે બાજુથી ઉર્જા કિરણ નીકળતા અને એ દસે દિશા તરફ ગતિ કરી અને એમાંથી એક શક્તિ કવચનું નિર્માણ થતું. જે છબી અમે નાનપણથી જોઈ હતી, અને ત્યારે પણ મમ્મી પપ્પા ને પુછતા કે શું સાચે જ આ સત્ય છે? એટલે કે માત્ર ૐ કાર જેવો નાનકડો શબ્દ બોલવાથી આવું થાય?તો પપ્પા માત્ર નાનો જવાબ આપતાં અને કહેતા તું પોતે ૐ કાર મંત્રનું સ્મરણ કરી જો, એટલે તને સમજાય જશે! ત્યારે તો એટલું ન સમજાયું, અને હવે કોઈ એ રીતે સમજાવવા વાળું નથી. ખેર છોડો. 

   

    હિન્દુ સનાતન સંસ્કૃતિમાં મંત્રનું ખૂબ જ મહત્વ છે. અને દરેક દેવી દેવતાઓનાં અલગ અલગ મંત્રનું પણ મહાત્મય રહેલું છે. પરંતુ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને ભગવાન શંકર માટે કહેવાય છે કે ૐ કારના બીજ મંત્રની ઉત્પત્તિ સાથે એનો સીધો સંબંધ છે, અને એટલે જ આપણે ૐ નમઃ શિવાય એમ બોલીએ છીએ. તો ૐ કાર એ માત્ર મંત્ર નથી, પણ ત્યાંથી મંત્ર વિજ્ઞાન શરૂ થાય છે, અને એને એટલે તેને બીજ મંત્ર પણ કહેવામાં આવે છે. તો આ શ્રાવણ માસમાં ભગવાન શંકરને વધું સારી રીતે સમર્પિત થવા આ ૐ કારના બીજ મંત્રનું વિજ્ઞાન સમજીએ.


    પહેલા આપણે ઓમકાર નાદ વિશે થોડુંક જોઈએ. હિંદુ સનાતન ધારામાં ઓમકાર નાદને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને તેને પ્રણવ મંત્ર, અને બીજ મંત્ર પણ કહેવામાં આવે છે. પ્રણવ એટલે કે સૃષ્ટિનું સર્જન કરનાર, અને એટલે જ ભગવાન શંકરનુ એક નામ પ્રણવ પણ છે. ઓમકાર નાદનો સીધો અર્થ કરીએ તો અનાહત નાદ, કે જે અધ્યાત્મ સાથે સાંકળનાર છે, એટલે કે ઈશ્વરનો નાદ, પોતાનામાં સંભળાય એવી સાધના કરાવનાર આ મંત્ર છે. આ મંત્રના રટણથી પરમાત્મા સાથેનો નાતો આપણો દ્રઢ અને અતૂટ બને છે‌. અ, ઉ ને મ, એ ત્રણ અક્ષરથી બનતો ૐ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેનું એક સ્વરૂપ છે. કહેવાય છે કે સૃષ્ટિની ઉત્પત્તિ એ ઓમકાર નાદ માંથી થઈ હતી. આપણે ત્યાં એટલે જ, જુદા જુદા વિવિધ ભાવની વાત આવી. ત્રિદેવ, ત્રિગુણ, ત્રિકાળ. મુખ્ય જાતિ નર, નારી, અને નાન્યતર. મુખ્ય ત્રણ ભાવ સત્ય પ્રેમ અને કરુણા. ઉષ્મા, ઉર્જા અને પ્રાણ શક્તિ, આથી જ અધ્યાત્મને પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. મુખ્ય ત્રણ ધર્મ હિન્દુ જૈન અને બૌદ્ધ, આ બધામાં ઓમકારનું ખૂબ જ મહત્વ છે. ઓમકારના સતત રટણ કરવાથી અનાહત નાદ ઉત્પન્ન થાય છે, અને અનાહત નાદથી સમાધિ સૂચક અવસ્થા પ્રાપ્ત થાય છે.


“અ”, “ઉ” અને “મ” થી ૐ  મંત્ર બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.


 અ નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા, ઉ નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને મ નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે. આમ ૐ માં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાવિષ્ટ છે.


 ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં “અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે, “ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને “મ” સુષુપ્ત અવસ્થાનો  સંકેત કરે છે. સુષુપ્ત અવસ્થામાં મન અને બુધ્ધિ શાંત થઈ જાય છે. આમ અ, ઉ, મ્ અર્ધચંદ્રાકાર અને બિન્દુથી બનતો ૐ  ચોથી અવસ્થાની સ્થિતિ છે. આ ચોથી અવસ્થાને સમાધિની સ્થિતિ કહેવાય છે. અ ની જાગૃત અવસ્થા, ઉ ની સ્વપ્ન અવસ્થા અને મ ની સુષુપ્ત અવસ્થા માંથી પસાર થતાં એટલે કે ઓમ નો નાદ બંધ થતાં એક અગાઢ શાંતિની અવસ્થા આવે છે જેને તુરીયા અવસ્થા કે સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં બધું જ શાત થઈ જાય છે, અને ભગવાન શંકર લગભગ આ ચોથી અવસ્થામાં જ રહેનારા છે એટલે સમાધિસ્થ રહે છે.


 “અ” ને વાણી, “ઉ” ને મન અને “મ” ને જીવનના ધબકારા- પ્રાણ પણ કહી શકાય. અને અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્મા નો એક ભાગ છે.


 અ, ઉ, મ એ અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ Divinity છે અને તે આકાર, અને કૃતિથી પર છે.


 અ, ઉ, મ એ ઈચ્છા, ભય અને ક્રોધ રહિત છે તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ પૂર્ણ પુરુષ છે અને આ પૂર્ણ પુરુષ પરમ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે.


અ, ઉ, મ એ નર, નારી અને નાન્યતર જાતિ દર્શાવે છે જ્યારે અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ એ કૃતિ અને તેના કર્તાનું એક જ સ્વરુપ છે.


સત્યનું નામ એ જ ઓમકાર છે. ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ઓમકાર એ એક અનુભૂતીનો વિષય છે. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ – ધવ્નિ છે.


 ઓમનો જાપ તો આપણા કંઠની ટકરાહટ છે, આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે. અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહા મંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.


 ભારતીય આધ્યાત્મિક જગત મનને મટાડવાની વાત કરી છે. અને જ્યારે મન મટી જાય છે, ત્યારે ઓમકારનો અનાહદ નાદ પેદા થાય છે, ઓમકાર ધ્વનિ સંભળાય છે. ઓમકાર મૂળ સ્તોત્ર છે, જેનાથી બધા સ્વર પેદા થાય છે. તમામ અસ્તિત્વ ઓમકારથી જોડાયેલું છે. ઓમકારનો અનાહત નાદ એટલે શૂન્યનું સંગીત.


 વિજ્ઞાનની શોધ વિદ્યુત છે, તેમાં ઉષ્મા, ઉર્જા સમાવિષ્ઠ છે. આજ રીતે ઓમકારને જો વિદ્યુત સમજીએ તો તેમાં ઉષ્મા, ઉર્જા અને પ્રાણનું સ્પંદન સમાવિષ્ઠ છે. આના દ્વારા જ સત્યને પામી શકાય. એક ઓમકારની ધૂનમાં લીન થઈ જઇએ તો બીજું બધું જ શાન્ત થઇ જશે, બહારની દુનિયા શૂન્યમાં પરિવર્તિત થઇ જશે.


    ઓમ કાર વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે, કારણ કે જેનાથી સૃષ્ટિની ઉત્પત્તિ છે, તેનો કોઈ અંત નથી, અને અનંત ગુણો ધરાવતા આ ઓમ કારની મેં સદગુરુ કૃપાથી બુદ્ધિ પ્રમાણે અહીં વ્યાખ્યા લખી છે. પરંતુ આસ્થા માટે આટલું પર્યાપ્ત છે, તો આપણે એ બીજ મંત્રની ઉત્પત્તિ છે, અને એ જ બીજ મંત્રમાં જ સૃષ્ટિ સમાહિત થઈ જાય છે. તો એ સમાહિત થાય તે પહેલા, તેનું રટણ કરી અને ઈશ્વરને પ્રાપ્ત કરીએ, તેવી એક અનન્ય પ્રાર્થના સાથે હું આજે અહીં જ વિરમું છું. તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)


બાંહેધરી :- આથી હું, ફાલ્ગુની વસાવડા' ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.