ઓવરપેરેન્ટિંગ : બાળકોનો રુંધાતો જતો વિકાસ - કૃપા બોરીસાણીયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2023

ઓવરપેરેન્ટિંગ : બાળકોનો રુંધાતો જતો વિકાસ - કૃપા બોરીસાણીયા

વિષય-ઓવરપેરેન્ટિંગ : બાળકોનો રુંધાતો જતો વિકાસ

 લેખકનું નામ - કૃપા બોરીસાણીયા

 ➖➖➖➖➖➖➖➖➖➖➖



            સ્નેહા અને સમીરની આ 15મી એનિવર્સરી હતી. આ 15 વર્ષમાં સ્નેહાએ તમામ વ્યક્તિઓના દિલ જીતી લીધા હતા. સ્નેહા અને સમીરના પોતાના સંબંધો પણ ખૂબ સારા હતા. ઘર પરિવાર કુટુંબમાં એ એક શ્રેષ્ઠ દંપતી ગણાતું હતું.


             પરંતુ આજે બંને વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે વાત ખૂબ આગળ વધી ગઈ. આ ઝઘડાનું કારણ હતું તેનો એકનો એક દીકરો શ્રેય. શ્રેયને પોતાના પિતા સમીરની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું. તે પોતે ક્યારેય પણ કોઈ પણ વસ્તુ નબળી ચલાવી લેતો નહોતો. અને મિત્ર વર્તુળ અને પરિવારમાં હંમેશા પોતાના પિતાની સંપત્તિનો ધનદોલતનો દંભ કરતો રહેતો હતો. તેના આવા સ્વભાવ પાછળ પણ તેના પિતા સમીર જ જવાબદાર હતા. અને આજે એ જ બાબતે બંને પતિ પત્ની સ્નેહા અને સમીર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. સ્નેહા હંમેશા સમીરને સમજાવતી કે શ્રેયની આદતો બગડતી જાય છે. તે કોઈ નબળી વસ્તુ ચલાવી લેતો નથી. તેને મોંઘાદાટ ફોન અને સ્માર્ટ વોચ જ જોઈએ છે. રોજ શાળાએ જવામાં તેને નવી - નવી કાર અને નવા - નવા ડ્રાઇવર જોઈએ છે. સ્કૂલની વસ્તુ, ઘરની વસ્તુ, કપડા, કોઈપણ વસ્તુ તે હંમેશા બ્રાન્ડેડ જ વાપરે છે. ક્યારેય કોઈ વસ્તુ તે નબળી ચલાવી લેતો નથી. સમીર તારે આ બાબતે ધ્યાન દેવું જોઈએ. હું હંમેશા તેને ટોકું છું તો તું કહેતો રહે છે કે, જવા દે પૈસા છે તો આપી દે ને! તને બાળકને આપવામાં શું થાય છે? અને તેની શાળામાંથી પણ ફરિયાદ આવે તો તું હંમેશા શ્રેયની જ સાઈડ લે છે. તેના પ્રત્યે આપણું પેરેન્ટિંગ ખૂબ વધી ગયું છે. નાની નાની બાબતોમાં આપણે તેને પેમ્પર કરીએ છીએ. જેના કારણે તેની આદતો બગડતી જાય છે પરંતુ, સમીર તેની કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. અને બંને એકબીજાથી ગુસ્સે થઈને છૂટા પડી જાય છે.


                  આ પ્રશ્ન ફક્ત સમીર અને સ્નેહાના ઘરનો જ નથી પરંતુ, આજના સમાજમાં તમામ ધનવાન અને મધ્યમ વર્ગીય ફેમિલી નો છે. માતા પિતા બાળકોને નાની નાની બાબતોમાં ખૂબ જ વધારે પ્રેમ કરે છે. તેની વધારે પડતી કાળજી રાખે છે. બાળકને જ્યાં મુશ્કેલીનો હલ પોતાની જાતે શોધવાની કોશિશ કરવી જોઈએ.ત્યાં માતા-પિતા જ તેને તૈયાર બધું પીરસી દે છે. જેના કારણે બાળક ક્યારેય કોઈપણ પ્રકારની તસ્દી લેતું નથી. અને તે માનસિક રીતે નબળું પડતું જાય છે. આજકાલ શાળાઓની અંદર પણ શિક્ષકોના હાથ બાંધી દેવામાં આવ્યા છે. શિક્ષકો દ્વારા કરાતી અનૈતિક સજાના વિરોધમાં તો હું પણ છું પરંતુ, શિક્ષક દ્વારા ઠપકો આપવો કે કોઈ બાબતમાં સમજાવવું કે ગુસ્સો કરવો આ બાબત જે છે તે વાલીઓ વધારે ગંભીરતાથી લઈ લે છે. અને પોતાના બાળકને સમજાવવા કરતા શાળા અને શિક્ષકો પર આરોપ મૂકે છે.જેના કારણે બાળકના મનમાં એક માનસિકતા બેસી જાય છે. કે મારા મમ્મી પપ્પા મને હંમેશા પ્રોટેક્ટ કરશે. બાળકની ભૂલ માટે તેને ખીજાવા કરતા જ્યારે તમે સામેની વ્યક્તિ સાથે પોતાના બાળકને પ્રોટેક્ટ કરીને લડો છો ત્યારે બાળકમાં એક નકારાત્મક સંદેશ જાય છે. જેની વિપરીત અસર યુવાવસ્થામાં થાય છે. અને આપણે જોઈએ જ છીએ કે આજકાલ આપણી આસપાસ કેટ - કેટલાય એવા બનાવો બને છે કે એક વ્યક્તિની ભૂલની સજા ઘણા બધા નિર્દોષ લોકો ભોગવે છે.


              નાની નાની બાબતમાં બાળકની સાઈડ લેવી, બાળકની ભૂલ માટે તેને ઠપકો ન આપવો કે બાળક દ્વારા થયેલી કોઈ ગંભીર ભૂલને ગંભીરતાથી ન લેવી.જરૂરિયાત કરતા વધારે બાળકની કાળજી કરવી એટલે કે ઓવરપેરેન્ટિંગ કરવું તે બાળકોનો વિકાસ રૂંધે છે.


             જે ઘરમાં આવું થાય છે, જે ઘરના માતા-પિતાનું વલણ આવું જોવા મળે છે, તેના બાળકો માનસિક અને સામાજિક રીતે ખૂબ જ નબળા હોય છે. તે પોતાના જીવનમાં આવનારી નાની નાની મુશ્કેલીઓનો સામનો પણ કરી શકતા નથી. અને હતાશ થઈ જાય છે. આ જ પરિણામે છેલ્લા પાંચ વર્ષની અંદર ડિપ્રેશનના કેસમાં વધારો થયો છે. લોકો વધારે ને વધારે માનસિક તણાવ અનુભવે છે.બાળક જ્યારે કોઈ નવી જગ્યાએ જાય છે, અને કંઈક નવું શીખવાની કોશિશ કરે છે, ત્યારે હંમેશા તેને સંઘર્ષ કરવો પડે છે. થોડી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ, આજના પેરેન્ટ્સ તેના બાળકને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થવા દેતા જ નથી. જેના કારણે શું થાય છે? જે સંઘર્ષના કારણે બાળકનો આત્મવિશ્વાસ વધવો જોઈએ, બાળકનું માનસિક મનોબળ મજબૂત બનવું જોઈએ, તે બનતું નથી. અને બાળક માનસિક રીતે નબળુ પડતું જાય છે. અને માનસિક તણાવનો અનુભવ કરે છે. જેના કારણે જીવનમાં આવનારી તમામ તકલીફો તે ફેસ કરી શકતું નથી.


              તમારા બાળકને ઉડવા માટે ખુલ્લુ આકાશ છે. ચાલવા માટે જમીન છે. ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક સ્પીડ બ્રેકર તો આવતા જ રહેશે, પથ્થરો તો આવતા જ રહેશે. ઠેસ લાગશે તો જ બાળકને સમજમાં આવશે કે આપણે વ્યવસ્થિત ચાલવું જોઈએ. તેવી જ રીતે જીવનમાં આવનારી નાની નાની તકલીફો નો સામનો બાળકને જાતે કરતા શીખશે. ઓવરપેરેન્ટિંગ ન કરતા ફક્ત તમે તમારા બાળક નું ધ્યાન રાખો. તેને માનસિક અને સંવેદનાત્મક સહકાર પૂરો પાડો. જેથી કરીને તમારું બાળક જીવનના તમામ પહેલુંઓમાં ખરું ઉતરે. અને ખુલ્લા આકાશમાં આત્મવિશ્વાસથી અને માનસિક મજબૂતાઈથી ઉડી શકે.


લેખિકાનું નામ:- કૃપા બોરીસાણીયા


બાંહેધરી :- આથી હું, કૃપા બોરીસાણીયા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...