Pages

ગુરુવાર, 31 ઑગસ્ટ, 2023

રામેશ્વરમ જ્યોતિર્લિંગ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક શિવાલયનો મહિમા



રામેશ્વરના જયોર્તિલિંગને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને અજન્મા આશુતોષ મહાદેવની અરસ-પરસની ઉભય ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે


     હિન્દુ ધર્મમાં કેટલાય દેવી દેવતાઓ છે અને દરેકને પૂજન વિધિનો એક અલગ મહિમા છે, અને તેની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી તેની પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ શંકર એક એવો દેવ છે, જેને તેની મૂર્તિ કરતા વધારે શિવલિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે, અને આ શિવલિંગ પર અભિષેક કરવાનો એક અપરંપાર મહિમા છે. વેદોક્ત વિધિ પ્રમાણે રુદ્રી લઘુરુદ્ર અને મહારુદ્ર પણ કરવામાં આવે છે, શંકર તો બિલકુલ ભોળો દેવ છે, તેને કોઈ ક્રિયાકાંડની જરૂર નથી. પરંતુ જીવ પોતાના સંતોષ માટે થઈને, તેની લાંબી લાંબી આરાધના કરતો હોય છે. સૃષ્ટિની શરૂઆતમાં એટલે કે સતયુગમાં પણ શિવનું પ્રાધાન્ય શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે, અને ત્રેતા કાળમાં તેમજ દ્વાપરમાં પણ શિવની આરાધના બતાવવામાં આવી છે. એટલે એ પરથી સાબિત થાય કે જ્યારથી જીવ આ ધરા પર આવ્યો, ત્યારથી તેને શિવની આરાધના સૌથી સહેલી પડી છે, અને ભગવાન શિવને તો બધા જ આરાધી શકે. એટલે કે દેવ, દાનવ, યક્ષ, કિન્નર, ગાંધર્વ, નાગ, અને માનવ, આ બધાને આરાધના સ્વીકારનાર ઓ ભોળો નાથ મહાદેવ જન્મો જન્મોજન્મના આપણા કષ્ટ નિવારણ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ત્રેતા કાળમાં ભગવાન શિવનો પરમ ભક્ત એવો રાવણ જ્યારે પંચવટી માંથી માતા સીતાનું હરણ કરી ગયો, ત્યારે તેને બચાવવા નીકળેલા શ્રી રામએ પણ રામેશ્વર જયોર્તિલિંગની સ્થાપના કરી હતી. 


  રામેશ્વર મંદિર એ એક એવું મંદિર છે જે ભારતના મુખ્ય ચાર તીર્થોમાંનું એક તીર્થધામ પણ માનવામાં આવે છે, અને સાતમાં જ્યોતિર્લિંગ તરીકે પણ જેને પ્રસિદ્ધિ મળી છે, એવાં રામેશ્વરનું મંદિર એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને અજન્મા આશુતોષ મહાદેવની અરસ-પરસની ઉભય ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ઋગ્વેદમાં કોટિ કંદર્પ સંહિતામાં આજના પ્રખ્યાત એવા રામેશ્વરના મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે,એ બતાવે છે કે, આ મંદિર કેટલું પૌરાણિક છે, શ્રી રામેશ્વર મહાદેવ સાતમું જ્યોતિર્લીંગ છે. આ તીર્થ ને સેતુબંધ તીર્થ કહેવાય છે. એ તમિલનાડુમાં સમુદ્ર કિનારે રામનાથપુર જિલ્લામાં આવેલું છે. રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. રામેશ્વર મંદિરની એક બાજુ બંગાળની ખાડી અને બીજી તરફ હિન્દ મહાસાગર આવેલો હોવાથી, આ તીર્થ સ્થળ સૌંદર્ય અને આકર્ષક લાગે છે.


      તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વરમ હિન્દુ ધર્મનાં મહત્ત્વનાં તીર્થ સ્થળોમાંનું એક છે. નારાયણના સ્વરૂપ એવા શ્રીરામ અને શિવજીનો વસવાટ આ તીર્થમાં છે. ભગવાન શ્રી રામ એ રાવણ પર વિજય મેળવવા આ શિવલિંગની સ્થાપના કરી હોવાથી, શ્રી રામેશ્ર્વરમનાં દર્શનથી યશ અને વિજયપ્રાપ્તિનું ફળ મળે છે.


  રામેશ્વર જયોર્તિલિંગ વિશેની પૌરાણિક કથા મુજબ સીતાની શોધમાં ભટકતા રામજીની સુગ્રીવથી મિત્રતા થઈ, અને તેના વિશેષ દૂત શ્રી હનુમાનજીની મદદથી સીતાની ખબર મળી,અને સીતાની શોધમાં અહીં-તહીં ભટકતાં શ્રીરામ એ હનુમાનજીની મદદથી જાણવાં મળ્યું કે સીતા માતા લંકાના અશોકવાટિકામાં છે, અને શ્રી રામ પોતાની સાથે વાનરોની સેના લઈને સીતા ને રાવણની કેદમાંથી છોડાવવા નીકળે છે. અહીં સુધી આવ્યાં પછી આ સમુદ્ર કેમ પાર કરવો, એ દ્વિધામાં શ્રીરામ હતાં, ત્યારે નલ અને નીલ નામના બે વાનરને તેવો શ્રાપ હતો કે તે જે કોઈ વસ્તુ પાણીમાં નાખે તે ડૂબે નહીં, અને આ શ્રાપ ત્યારે વરદાન બન્યો,અને લંકા સુધી પહોંચવા માટે સેતુનું નિર્માણ થયું. અત્યારના ધનુષકોટી સુધી રામે સેતુ બંધની રચના કરી. હવે શ્રી રામ રાવણ ઉપર ચઢાઈ કરવા વાનર સેનાનું સંગઠન કરી દક્ષિણના ખારા સમુદ્ર તટ ઉપરથી સેતુ બાંધી લંકા પહોંચ્યા, પરંતુ યુદ્ધમાં તો કેટલીય હિંસા થશે, આવી ચિંતા કરવા લાગ્યા. શિવ ભકત રામજીને ચિંતિત જોઈને લક્ષ્મણ તથા સુગ્રીવાદિ એ તેમને ઘણા સમજાવ્યાં, પણ શિવજી દ્વારા પ્રાપ્ત બળ વાળા રાવણના સંબંધમાં તેઓ નિશ્ચિત ન થયા. આ વચ્ચે તેમને તરસ લાગી અને તેમણે પાણી માંગ્યું, પણ જેમ તે પાણી પીવા લાગ્યા, તેમજ તેમને શિવ પૂજન કરવાની સ્મૃતિ જાગી ઉઠી, કારણકે શ્રી રામના ઈષ્ટદેવ મહાદેવ હતાં, અને આજે એમનું પૂજન અર્ચન કરવાનું રહી ગયું હતું, એટલે તેમણે પાર્થિવ લિંગ બનાવીને ષોડશોપચારથી વિધિવત શિવજીની આરાધના કરી. કહેવાય છે કે અહીં લિંગની પ્રતિષ્ઠા સ્વયં રાવણે કરાવી હતી, કારણ કે રાવણ પોતે પંડિત હતો, અને શાસ્ત્રોક્ત વિધિનું તેને પૂર્ણ જ્ઞાન હતું. વેદ ઉપનિષદનો તે જ્ઞાતા હતો, માત્ર એક અહંકાર ન હોત તો, રાવણ કોઈ દેવથી કમ ન હતો.


      રામજી એ ઘણીજ આર્તવાણીમાં શ્રદ્ધાપૂર્વક શિવજીથી પ્રાર્થના કરી, અને તેમનો ઉચ્ચ સ્વરથી જય જયકાર કરતા નૃત્ય તથા ગલ્લનાદ એટલે કે  મોઢાથી અગડ બમ બમ શબ્દ નિકળ્યો,અને એનું સ્મરણ કર્યું તો શિવજી પ્રસન્ન થઈ તેમના સામે પ્રકટ થઈ ગયાં, અને તેમને વ૨દાન માંગવાનું કહેવા લાગ્યા. રામજી એ તેમની ધણા જ પ્રેમપૂર્વક પૂજન અર્ચન અને વંદના કરી અને કહ્યું કે, જો તમે મારા પર પ્રસન્ન છો, તો આ સંસાર ને પવિત્ર કરવાં, અને બીજાના ઉપકાર માટે અહીયા નિવાસ કરો. શિવજી એ "તથાસ્તુ" કહીને લિંગરૂપ સ્થિત થઈ ને રામેશ્વર નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. શિવની કૃપાથી રામ રાવણ આદિ રાક્ષસોં ને મારીને વિજયી થયા. રામેશ્વર મહાદેવનું જે પણ વ્યકિત દર્શન - પૂજન કરે છે, રામેશ્વર શિવલિંગ ઉપર દિવ્ય ગંગાજળ ચઢાવે છે તે જીવનથી મુકત થઈ જાય છે અને અંત માં કેવલ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.


  રામેશ્વર જવા માટે દરિયામાંથી રસ્તો પસાર થાય છે.રામેશ્વર ચેન્નઈથી લગભગ 425 માઈલ દક્ષિણ-પૂર્વમાં છે. તે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીની ચારેય બાજુ ઘેરાયેલો એક સુંદર શંખના આકારનો એક ટાપુ છે. ઘણાં સમય પહેલાં આ ટાપુ ભારતની જમીન સાથે જોડાયેલો હતો, પરંતુ પછી દરિયાના મોજા ભારત અને ટાપુના જમીન રસ્તાને ઓળંગી ગયા, જેથી તે ચારેય બાજુથી પાણીથી ઘેરાઇને ટાપુ બની ગયો. રામેશ્વર મંદિર જવા માટે કંક્રીટના 145 થાંભલા ઉપર ટકેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે. રામેશ્વર જવા માટે આ પુલ ઉપરથી પસાર થવું પડે છે. દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનું દૃશ્ય ખૂબ જ રોમાંચક હોય છે. આ પુલ સિવાય રસ્તાના માર્ગે જવા માટે એક અન્ય પુલ બનાવવામાં આવ્યો છે. અહીં દર્શન માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિરનું નિર્માણ કળા અને શિલ્પ કળાની સુંદરતાનું પ્રતીક છે.


     સત્યયુગ હોય કે કળિયુગનો હોય શંકર અને શિવલિંગ બંને યથાવત આજ સુધી રહ્યા છે, એટલે કે તેમના મૂળ ગુણમાં કોઈ જ ફેરફાર થયો નથી. શંકર એટલે કલ્યાણ અને કલ્યાણ એટલે જ શંકર એ સૌથી જૂની શંકરની વ્યાખ્યા છે, અને આપણે પણ શિવતત્વ ગ્રહણ કરતા જઈએ, તેમ કલ્યાણની ભાવના વધે તો સમજવું કે સાચા શંકરની આરાધના છીએ. શ્રાવણ ધીરે-ધીરે પૂર્વાર્ધ તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ ભક્તોના મનની ભાવના ઉત્તરોત્તર વધતી જ જાય છે, અને લોકો એના નાદ બ્રહ્મનું સ્મરણ કરી પોતાની જાતને ધન્ય બનાવે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.



       લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.