Pages

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

શિવાલયનો મહિમા ભાગ-- ૯ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શિવાલયનો મહિમા


વૈજુ નામનો એ ગોપબાળ વાસ્તવમાં શ્રીહરિ વિષ્ણુ જ હતાં ! જેમણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું, અને એટલે વૈજનાથ કહેવાયા! 


    ભગવાન શિવ શંકરનાં સાકાર સ્વરૂપનું નિવાસ્થાન કૈલાસ પર્વત છે, જ્યારે નિરાકાર રુપે તે સ્મશાન માં અને કલ્યાણ ની ભાવના રાખનાર સૌમાં રહે છે. પરંતુ આપણે ત્યાં શ્રાવણ મહિનામાં ભગવાન શંકર કૈલાસ પરથી શિવાલયમાં આવીને વસે છે, એવી એક અતિ પ્રાચીન માન્યતા છે, અને એ કારણે શ્રાવણમાં શંકરનું ખૂબ જ મહત્વ હોય છે. અન્ય દેવ દેવીઓ કરતાં શંકરને ભજવો સહેલો છે, એને આમ તો ભોળા ભાવ સિવાય બીજી કોઈ વસ્તુનો ખપ હોતો નથી, પરંતુ ભાવિકો તેને પૂજનવિધીમાં બીલીપત્ર દૂધ-પાણી ધતુરો વગેરે દ્રવ્યનો ઉપયોગ કરે છે, અને રૂદ્રાભિષેક વગેરે કરી શંકરને આરાધતા હોય છે. શંકરની સ્તુતિ ઓમ નમઃ શિવાય, અને સીધાસાદા બીજા પણ નાના મંત્રો ભાવપૂર્વક સ્મરણ કરતા તે અતિ પ્રસન્ન થઈ જાય છે. એકદમ ભોળાભાવે શંકરને ભજો તો ભવસાગર પાર છે, શંકર ભગવાને દેવ અને દાનવ કે માનવ એવો ભેદ ક્યારેય જોયો નથી. ભજનારા પછી દાનવ સ્વરૂપે હોય તોપણ પ્રસન્ન થઈ અને વરદાન માગવાનું કહેતાં. આ બીલીપત્ર ચઢાવવા પાછળ એક નાનું એવું કારણ છે, કે જે કોઈ વ્યક્તિ શંકરને આરાધે અને બીલીપત્ર તેના શિવલિંગ પર અર્પણ કરે અથવા તો ચડાવે તેને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ મહાદેવ ને સમર્પિત કરી હવે નિશ્ચિંત થઈ જાઉં છું, એવું કહેવા માંગે છે. હકીકત મા સંસારી જીવ એટલું ઝડપથી નિશ્ચિત થઈ શકતો નથી, પરંતુ જે કંઇ થાય છે તે સારા માટે જ થતું હોય, એમ સમજી શકવાની ક્ષમતા તેનામાં આવી જાય છે. આજે આપણે આવા જ એક જ્યોતિર્લિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ઇતિહાસમાં એક દાનવ પણ સ્થાન ધરાવે છે.


  ભારતની ભૂમિ એ તો દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનની ભૂમિ છે. અને આ બાર જ્યોતિર્લિંગમાં પાંચમું સ્થાન ધરાવે છે બાબા વૈદ્યનાથ. બાબા વૈદ્યનાથને ભક્તો વૈદ્યનાથેશ્વર, બૈદ્યનાથ તેમજ વૈજનાથ જેવાં નામોથી પણ સંબોધે છે. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર મહેશ્વરનું આ વૈદ્યનાથ સ્વરૂપ એ તો દર્શન માત્રથી ભક્તોના તમામ પાપકર્મનું હરણ કરી લેનારું છે. એટલું જ નહીં, તે તો દર્શન માત્રથી સંપૂર્ણ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર શિવલિંગ છે, અને એટલે જ તો તેને કામના લિંગ પણ કહે છે.

          

     ભોળાનાથનું જ્યોતિર્મય વૈદ્યનાથ સ્વરૂપ ઝારખંડમાં દેવઘર નામના સ્થાન પર શોભાયમાન છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં “પરલ્યાં વૈદ્યનાથં ચ” તરીકે વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સ્થાનનો ઉલ્લેખ મળે છે. તે સ્થાન મૂળે તો ઝારખંડનું દેવઘર જ હોવાનું મનાય છે. અલબત્, મહારાષ્ટ્રના પરલીમાં તેમજ હિમાચલ પ્રદેશના કાંગડામાં આ જ્યોતિર્લિંગ સ્થિત હોવાના દાવા થતાં રહ્યા છે, પણ, દેવતાઓનું ઘર મનાતું દેવઘર જ મુખ્ય હોવાની માન્યતા વધુ પ્રચલિત છે. એ જ કારણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે. અને બાબા વૈદ્યનાથના આશીર્વાદ મેળવી પરમશાંતિની અનુભૂતિ કરે છે.  

         

  ‌      શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 27-28માં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્ય સંબંધી કથાનું વર્ણન છે. કથા અનુસાર રાક્ષસરાજ રાવણે ભગવાન ભોળાનાથ મહાદેવ ને કે મહેશ્વરને પ્રસન્ન કરવા કૈલાસ પર્વત પર  જઈ ને કેટલાય વર્ષો સુધી દુષ્કર તપ કર્યું. પણ, રાક્ષસરાજના મનોભાવોને જાણનારા શિવજી ઝડપથી પ્રસન્ન ન થયા,તો રાવણ એ બીજી રીતે ભગવાન શંકરને મનાવવા કોશિશ કરી પણ ભગવાન તો પણ પ્રસન્ન ન થયાં ત્યારે આખરે, રાવણે એક પછી એક પોતાનું મસ્તક કાપી શિવજીને અર્પણ કરવાનું શરૂ કર્યું. જ્યારે દસમું અને અંતિમ મસ્તક કાપવા રાવણ તૈયાર થયો ત્યારે મહાદેવે પ્રગટ થઈ તેને રોક્યો. કરુણાનિધાને રાવણને તેના બધાં મસ્તક પાછા આપી તેની ઈચ્છા અનુસાર તેને પરમ બળની પ્રાપ્તિના આશિષ આપ્યા.


     મહાદેવના વરદાનથી પ્રસન્ન થઈ રાવણ સ્વયં તેમને જ લંકા લઈ જવા હઠાગ્રહ કરી બેઠો. ત્યારે શિવજીએ તેને લંકા લઈ જવા પોતાના અંશ રૂપી એક શિવલિંગ આપ્યું. સાથે જ કહ્યું કે, “તુ તેને જમીન પર જ્યાં મુકીશ ત્યાં જ તે સ્થાપિત થઈ જશે !” રાવણ હર્ષ સાથે લંકા જવા નીકળ્યો. પરંતુ, માર્ગમાં શિવજીની જ માયાથી રાવણને લઘુશંકાની ઈચ્છા થઈ. કહે છે કે દેવઘરની આ ભૂમિ પર રાવણે એક ગોપબાળને જોયો. વૈજુ નામના તે બાળકના હાથમાં રાવણે શિવલિંગ મૂકી દીધું.


દંતકથા એવી છે કે, વૈજુ નામનો તે ગોપબાળ વાસ્તવમાં શ્રીહરિ વિષ્ણુ જ હતા ! જેમણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું, અને પછી શિવજીના વરદાન અનુસાર તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણે પૃથ્વી પરથી શિવલિંગને ઊંચકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે હલ્યું સુદ્ધા નહીં. આખરે, તે નિરાશ થઈ પરત ફર્યો. ત્યારબાદ સર્વ દેવતા અને ઋષિમુનિઓએ મળી મહાદેવના આ દિવ્ય રૂપની પૂજા કરી અને તેને વૈદ્યનાથ નામ આપ્યું. એક માન્યતા અનુસાર શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા. કે જેમના દર્શન માત્ર ભક્તોના સર્વ મનોરથોની પૂર્તિ કરનારા મનાય છે.


   રાવણ તો ભગવાન આશુતોષના દિવ્ય સ્વરૂપને મનમાં રાખી અને લંકા તરફ આગળ ચાલ્યો ગયો, પરંતુ દેવતાઓના મનમાં શંકા થઇ કે ભગવાન શંકરને અહીં સુધી લાવનાર રાવણ આગળ જઈને આ શક્તિનો કોઈ દુરુપયોગ પણ કરી શકે છે, એટલે તેમણે નારદ મુનિને લંકા મોકલ્યા અને રાવણને કહ્યું કે તે કૈલાસ પર્વત ને ઊંચકી ને તારી શક્તિનો સામર્થ્ય બતાવો તો હજી મહાદેવ વરદાનના પારખાં થઈ જાય. રાવણે કૈલાશને ઊંચો કર્યો ત્યારે ભગવાન શંકર કૈલાસમાં નિવાસ કરતા હતાં, તેથી તેઓ ક્રોધાયમાન થઈ ગયાં, અને રાવણને શ્રાપ આપ્યો કે એ દુષ્ટ તારી આ હિંમત!જા, ઝડપથી કોઈ દિવ્ય પુરુષ આ ધરતી પર આવશે અને તેના હાથે તારું મૃત્યુ નિશ્ચિત છે. આમ દેવતાઓના ષડયંત્રથી એ રાવણ કે જે વરદાનનો અધિકારી હતો એ જ રાવણ મહાદેવનાં હાથે શાપિત થયો.


   શિવપુરાણ અનુસાર આ જગ્યા સીતા ભૂમિ નજીક છે, અને સીતા ભૂમિમાં દક્ષયજ્ઞ પછી તેના અર્ધ બળેલાં શરીર માંથી સતીનું હૃદય પડયું હોવાથી, 51 શક્તિપીઠોમાં એક મુખ્ય શક્તિપીઠ એટલે કે હાર્દ પીઠ અહીં નજીકમાં સ્થિત છે.


    આ ઉપરાંત મંદિરના હિતિહાસમાં મંદિરના સ્થાન અને તેના કળશને લઈને પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે, મંદિરના શિખરનો મુખ્ય કળશ અત્યારે સોનાનો છે,જે અંગ્રેજોના સમયમાં આ કળશ ત્રાંબા ધાતુનો હતો, અને એકવાર સંથાળ જાતિના કેટલાક લોકો આ મંદિર પાસે આવી પહોંચ્યાં, અને તેઓ પૂર્ણપણે નાસ્તિક હતાં. તેમણે મંદિરના ધ્વંશ માટે થઈને તાંબાના કળશમાં તીરથી છેદ કર્યો, અને  કહેવાય છે કે આ કળશમાંથી અસંખ્ય ભ્રમર બહાર નીકળ્યાં, અને સંથાળ લોકોને કરડવા લાગ્યાં, ઇજાગ્રસ્ત બનેલા આ લોકો બાબા વૈજનાથ ના શરણે આવ્યાં, અને ત્યારથી તેઓ પૂર્ણ શિવ ભક્ત થઈ ગયાં. ગિધોર નરેશની રાજમાતા ને ભગવાન વૈજનાથ એ સ્વપ્નમાં આવીને કહ્યું કે, મારો કળશ જીર્ણ થઇ ગયો છે અને તેનો જીર્ણોદ્ધાર કરો, આથી ત્યારથી મંદિરમાં સોનાના કળશની સ્થાપના કરવામાં આવી. આમ આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતા યુગમાં થઈ હોય તેવું જાણવા મળે છે. ભગવાન શંકર કણકણમાં વ્યાપ્ત છે, અને આપણે આસપાસના કોઈપણ શિવાલયમાં જઇ અને જ્યોતિર્લિંગનો ભાવ ધરી તેને ભજીયે તો પણ તે ભોળાનાથ પ્રસન્ન થાય છે. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે,હર હર ભોલે.


      લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.