સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક ચિંતનની ક્ષણે
મિત્રો શુભ સવાર
સત્તાના મદમોહ ને લાલસામાં ફસાયેલ અને દસ-દસ જણાં જેટલા અહંકારનો સ્વામી હતો, એટલે જ તેનું નામ દશાનન પડ્યું
હે મહાદેવ.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમય જ એવો ચાલે છે કે કોઈ ગર્વ પૂર્વક કહીં શકે નહીં કે પોતે સાવ ચોખ્ખા છે, અને ઘણીવાર બહુ વિચારનારાની મનુષ્યની જીંદગી પોતે રાવણ કે રામ એ ભૂમિકા નક્કી કરવામાં જ જતી રહેતી હોય છે. એટલે કે એક જ મનુષ્યના બે ચહેરા ક્યારે તે સજ્જન દેખાય તો ક્યારેક દુર્જન એટલે આમાં મુખોટાની વાત નથી, દંભની વાત પણ નથી.સંજોગોનો શિકાર મનુષ્ય ઘણીવાર સજ્જન હોવા છતાં, કાળને હાથે દુર્જન બની જતો હોય છે, અને ઘણીવાર સંજોગોને કારણે દુર્જન પણ સજ્જન બની જતો દેખાય છે. નિયતિ પાસે આપણું કંઈ જ ચાલતું નથી, એ સત્ય જેટલું ઝડપથી સ્વીકારાઈ જાય તેટલી જિંદગી આસાન બને છે.નિખાલસતા હોવી જીવનમાં બહુ જ જરૂરી છે. એટલે કે આપણું જે સ્વરૂપ હોય તે, સ્વરૂપને સ્વીકારી લઈ, અને તેમાં થાય તેટલો સુધારો કરવો, બાકી દંભ ને લેશમાત્ર સ્થાન નથી. રાવણ પોતે અધર્મનું આચરણ કરી રહ્યો છે, છતાં તેણે પોતે સજ્જન હોવાનો કે ધાર્મિક હોવાનો ડોળ કર્યો નથી, આથી જ તે કદાચ પરમાત્માને હાથે મુક્તિ પામે છે.
શ્રાવણના દિવસો ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છે, અને તહેવારોના દિવસો નજીક આવ્યા. સંસારી જીવને ઉત્સવ ઉજવણીનો બહુ જ આનંદ હોય છે. રક્ષાબંધન પછી ત્રીજ, બળ ચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, અને જન્માષ્ટમી આટલા બધા તહેવારોની શૃંખલા આવશે, સમાજમાં બે પ્રકારના લોકો વસે છે એક કે જે સતત કોઈ ને કોઈ કારણે દહેશતમાં જીવે છે, અને વિચારે છે કે એવું શું કરું કે જેનાથી આ ડર ચાલ્યો જાય ! જ્યારે બીજા જીંદગી નો કોઈ ભરોસો નથી એટલે જીવાય એટલું મોજથી જીવી લેવું, આમ જુવો તો એ યોગ્ય છે, પણ ફક્ત ભોગને મોજ કહેવી એ યોગ્ય નથી, પણ લોકો શ્રાવણમાં પોતાનાથી થાય તેટલો ભક્તિ ભાવ કરે છે.આપણે પણ અત્યારે રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર નો પાઠ અને તેનો અર્થ જોઈ રહ્યા છીએ તો હવે આજે આગળ.
શિવ તાંડવ સ્તુતિ.
કરાલ ભાલ પટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનંજયા ધરીકૃતપ્રચંડપંચસાયકે .
ધરાધરેંદ્ર નંદિની કુચાગ્રચિત્રપત્રક-
પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને રતિર્મમ 7
***સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે.
નવીન મેઘ મંડલી નિરુદ્ધદુર્ધરસ્ફુર-
ત્કુહુ નિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ .
નિલિમ્પનિર્ઝરિ ધરસ્તનોતુ કૃત્તિ સિંધુરઃ
કલાનિધાનબંધુરઃ શ્રિયં જગંદ્ધુરંધરઃ 8
***નવીન મેઘોંની ઘટાઓંથી પરિપૂર્ણ અમાવસ્યાઓંની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાઓંના બોઝથી વિનમ, જગતના બોઝને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સમ્પત્તિ આપે.
પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચકાલિમચ્છટા-
વિડંબિ કંઠકંધ રારુચિ પ્રબંધકંધરમ્
સ્મરચ્છિદં પુરચ્છિંદ ભવચ્છિદં મખચ્છિદં
ગજચ્છિદાંધકચ્છિદં તમંતકચ્છિદં ભજે 9
***ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોંને કાપનારા, દક્ષયજ્ઞવિધ્વંસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.
સત્તાના મદ મોહ અને લાલસામાં ફસાયેલો ભયંકર દસ-દસ જણ જેટલા અહંકાર નો સ્વામી, એટલે જ તેનું નામ દશાનન પડ્યું હતું. એ રાવણ ની અત્યંત દુર્દશાનું કારણ તે પોતે જ હતો. ઋષિ પિતાનો પુત્ર હોવાથી તે પ્રખર જ્ઞાની, અને પંડીત હતો. શાસ્ત્રોના શાસ્ત્રો મોઢે રટણ કરવાની તેની બુદ્ધિ પ્રભાની વિલક્ષણતા હતી.રામેશ્વર ના જ્યોતિર્લિંગની સ્થાપના કરવા વખતે તે કર્મકાંડી બ્રાહ્મણ સ્વરૂપે, ત્યાં ગયા હતા. અને શ્રીરામ પોતાના દુશ્મન હોવા છતાં પણ તેણે શિવલિંગની સ્થાપના કરી, ત્યારે તેમની મદદ કરી હતી. સીતા કે જેની પાછળ તે મોહિત થઈ, અને તેનું અપહરણ કરીને લઈ આવ્યો હતો. એ સીતા પૂર્વજન્મમાં વિદ્યાવંતી નામની એક કન્યા હતી, ભગવાન વિષ્ણુને હાથે તેના પિતા માર્યા ગયા. આથી તેની માતા ના કહેવાથી તે વિષ્ણુ ની તપસ્યા કરતી હતી. એક દિવસ હિમાચલ પ્રદેશ તરફ પુષ્પક વિમાનમાં રાવણ ફરતો હતો, ત્યારે તેણે આ વિદ્યાવંતી ને જોઈ અને તે તેનાથી મોહીત થયો.તેની સાથે બળજબરીથી તેને પ્રાપ્ત કરવા તેણે વિદ્યાવંતી ના કેશ પકડી લીધા, વિદ્યાવંતી એ એક ઝાટકો મારી અને પોતાના વાળ કપાવી અને તેનાથી બચી ગઈ, પરંતુ તે બચી શકે એમ નથી એવું લાગતા, તેણે અગ્નિમાં પોતાની જાતને હોમી દીધી, અને રાવણને શ્રાપ આપ્યો કે આવતા જન્મે આ બદલો લઈશ. પછી નો જન્મ પણ તેનો જુદો રહ્યો, તે કમલ નામની એક સુંદરી થઈ, અને અત્યંત રૂપવંતી એ સ્ત્રીના મોહમાં પણ રાવણ ફસાયો, અને તેને પરાણે પોતાના મહેલમાં લઈ ગયો. ત્યાં આગળ ત્યાંના પ્રસિધ્ધ રાજ પુરોહિતે તેને કહ્યું કે આ સ્ત્રી થી તમારા કુળનો વિનાશ થશે, અને તે કમલ ને દરિયામાં ફેંકી દે છે. દરિયો એટલે ધરા, અને અંતે પછી ધરા એટલે કે પૃથ્વી માંથી રાજા જનક સીતા સ્વરૂપે તેને પ્રાપ્ત કરે છે. જનક ને ઘેર સીતાજી મોટા થાય છે, વિશ્વામિત્ર ઋષિ ની સાથે આવેલા રામ જનક રાજા ને શરત મુજબ શંકરના ધનુષ્યને તોડે છે, અને સીતાજી સાથે તેમના લગ્ન થાય છે, એ વાત સૌ કોઈ જાણે છે. માતા કૈકેયી ને દશરથ રાજા એ એક યુદ્ધમાં મદદ કરી હતી, અને એ મદદ રૂપે તે 2 વરદાન મેળવે છે, અને સમય થતાં તેનો ઉપયોગ કરી અને રામના રાજ્ય અભિષેક ને અટકાવી રામનો વનવાસ કરાવે છે. વનવાસ દરમિયાન રાવણ સીતાનું હરણ કરી જાય છે, અને સીતાને છોડાવવા માટે રામ લંકા પર સુગ્રીવ, અંગત, જાંબુવત, હનુમંત, વગેરે વાનરો સાથે ચઢાઈ કરે છે. સીતાજીનું અપહરણ કરી ને લઈ ગયા પછી રાવણે, એક પણ વાર સીતા સાથે બળજબરી કરી નથી, અને લંકામાં સીતાની આબરૂ સુરક્ષિત રહી તેનું કારણ પણ રાવણ છે તે માનવાનો આપણે ઇનકાર ન કરી શકીએ. આપણે ગઈકાલે જ વાત થઈ તે મુજબ રાક્ષસી માતા, અને ઋષિ પિતાનું સંતાન હોવાથી તે ક્યારેક દેવ જેવો તો ક્યારેય દાનવ જેવી મતિ ધરાવતો હોવાથી, આ રામાયણ નો ઉદ્ભવ થયો. રામાયણ ની અવતાર લીલા આપણને શીખ દેવા હતી. એટલે આ બધું જ પૂર્વ આધારિત નક્કી જ હતું, અને પાત્ર એ પોતાના ઉત્તમ કિરદાર નો અભિનય કર્યો, અને રામ જેટલા રાવણ પણ બધાને યાદ છે. અહીં આપણે રાવણને સારા સાબિત કરવાની વાત નથી, પરંતુ એક ભૂલને કારણે જીવન સમાપ્ત થતું હોય છે, તેની વાત કરી રહ્યા છીએ. કે માત્ર સીતા હરણ ન કર્યું હોત તો, કદાચ રાવણનો ત્યારે અંત ન હતો. જીવનમાં શુભ ને ગોતી ગોતીને ગ્રહણ કરવું હોય, તો આપણે રાવણ ચરિત્ર માંથી પણ શુભ તારવી શકીએ, એ માટે સવિસ્તૃત અહીં રાવણ ચરિત્રને રજૂ કરવામાં આવે છે. પરંતુ એ માટે માનસરોવરના હંસની દ્રષ્ટિ અને નીતિ જોઈએ. પરમ ધામ કૈલાશ પાસે માનસરોવર આવેલું છે. દંતકથા કહે છે કે ત્યાં આગળ પાર્વતી સ્નાન કરવા જતા. પાર્વતી એ શક્તિ અને સીતાએ ભક્તિ તો આપણે શક્તિ અને ભક્તિના તટ પર સ્નાન કરી, અને એ માનસરોવરના હંસ જેવી ગતિને પ્રાપ્ત કરી અને દરેકમાંથી શુભ મેળવવાની તેને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો સંસારમાં આવા રામાયણો થતા બચે.
દરેક જીવને આવી દોહરી ભૂમિકા એટલે રામ કે રાવણ માથી, સજ્જન એટલે રામ બનવાનો મોકો મળે, અને પોતાના સંસારમાં ખોટી રામાયણ ન થાય એવી, એક અનન્ય પ્રાર્થના સાથે હું આજે અહીં જ વિરમું છું. તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.