Pages

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

શિવ અને શક્તિ બંને અભિન્ન છે, એટલે એકને આરાધવાથી બીજું એની મેળે પ્રાપ્ત થાય છે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


શિવ અને શક્તિ બંને અભિન્ન છે, એટલે એકને આરાધવાથી બીજું એની મેળે પ્રાપ્ત થાય છે.


હે મહાદેવ.

       આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. એકધારી થકવી દેતી આ જિંદગીમાં બધું એકસરખું જ લાગે છે, રોજ દિવસને રોજ રાત્રી, રોજ અજવાળાં ને રોજ અંધારા, ક્યારેક ઉમંગ ઉત્સાહ તો ક્યારેક ભારરૂપ આ જિંદગી બસ આવું બધું ચાલે જાય છે. એમાં હવે આ વધતો જતો કાળ કોપ, એટલે ડર અંતરમાં વ્યાપી ગયો છે કે લોકમાનસમાં હતાશા ધીરે ધીરે વધતી જાય છે, અને અંતે ડૂબતાને તણખલાનો સહારો, એમ અમે અખંડ વિશ્વાસના સહારે હે મહાદેવ, તમારે શરણે આવ્યા છીએ તો આ અંધકારમય જીવનમાં આસ્થાનો દીપ પ્રગટાવી અમારા જીવન રોશન કરો.


હે દેવાધિદેવ કૈલાશ પતિ મહાદેવ આપના સીધાસાદા મંત્ર ઓમ નમઃ શિવાયનું સ્મરણ, આંતર નાદને જગાવે છે. ત્રણે લોકમાં જેની કરુણાનો કોઈ પાર નથી, એવા હે ભોળાનાથ આજે વિશ્વ આખું તારા શરણે આવ્યું છે. બાહ્ય પ્રકૃતિમાં શ્રાવણ ઝરમર ઝરમર વરસી રહ્યો છે, અને આંતર પ્રકૃતિમાં દુઃખ અને ભયનાં વાદળ ગડગડી રહ્યા છે, એવા સમયે અમને માત્ર તમારો સહારો દેખાય છે. જ્યારે જ્યારે અસ્તિત્વ કે વિધાતા કઠિન કૃપા કરે, ત્યારે આપ આવી અને કલ્યાણ કરી અમને ઉગારો છો. સદગુરુ કૃપા નિરંતર આવા અંધકાર સમયે રાહ ચીંધી રહી છે, અને આ અંધકાર મીટાવવા શ્રાવણ ની ધારા વહી રહી છે. અજન્મા આશુતોષના તો કેટકેટલા ગુણ આપણે ગાઈશું! આજે શિવ પંચાક્ષર ના બાકીના ત્રણ શ્લોક નો  ભાવાર્થ સમજાવીએ.


શિવાય ગૌરી વદનામ્બજ વૃંદ,

સૂર્યાય દક્ષાધ્વર નાશકાય,

શ્રી નીલકંઠાય વૃષધ્વજાય,

તસ્મૈ  "શિ" કારાય નમઃ.


**જે પાર્વતીના મુખ કમળ ને પ્રસન્ન કરનાર સૂર્ય સમાન છે, દક્ષ યજ્ઞનો નાશ કરનાર છે, તેની ધજામાં વૃષભ એટલે કે આખલાનું ચિન્હ છે, એવા દેવાધિદેવ મહાદેવના "વ" કાર સ્વરૂપને હું નમું છું.


વસિષ્ઠ કુંભોભદ્ર ગૌતમાય,

મુનીદ્ર દેવાચિર્ત શેખરાય,

ચંદ્રાક વૈશ્વાનર લોચનાય,

તસ્મૈ "વ"કારાય નમઃ શિવાય.


**વસિષ્ઠ, કુંભ, એટલે કે અગસ્ત્ય, અને ગૌતમ જેવા આદિ શ્રેષ્ઠ મુનિ તથા ઇન્દ્ર અને અન્ય દેવતાઓ જેના મસ્તકની પૂજા કરે છે,ચંદ્રમા, સૂર્ય, અને અગ્નિ જેના ત્રણ નેત્રો છે, એવા મહાદેવના "વ" કાર સ્વરૂપને હું નમું છું.


યક્ષ સ્વરૂપાય જટા ધરાય,

પિનાક હસ્તાય સનાતનાય,

દિવ્યાય દેવાય દિગંબરાય,

તસ્મૈ ય કારાય નમઃ શિવાય.


**જેણે યક્ષ સ્વરૂપ ધારણ કર્યું છે, માથે જટા રાખે છે, હાથમાં પિનાક નામનું ધનુષ રાખે છે, એ દિવ્ય સનાતન પુરુષ છે, એવા દિગંબર ધારી શિવ કે મહાદેવના "ય" કાર સ્વરૂપ ને નમું છું.


પંચાક્ષર મિદં પુણ્ય,

 યઃ પઠેત્ શિવ સંન્નિધો,

શિવલોકમવાપ્નોતિ,

શિવેન સહ મોદતે.


**જે શિવજી ની સમિપે આ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરે છે તે શિવ લોક પ્રાપ્ત કરે છે અને શિવજીની સાથે આનંદિત થાય છે.


        મહાદેવની જેને  ઉપાધી મળી છે એવા દેવોના દેવ મહાદેવનું સ્મરણ થતાં આંખો સામે જે ચિત્ર આવે છે, તેનાથી કોણ અજાણ છે. મસ્તકે જટામાં ગંગાજી વહે, ભાલે શંશાક શોભીતમ્ એટલે કે ચંદ્રમાં શોભે ગળામાં મુંડ માળ અને ભુજંગ, આખા શરીરે સ્મશાનની ભસ્મનું લેપન, હાથમાં ડમરું અને ત્રિશુલ, એક પણ પ્રકારની વૃત્તિનું વસ્ત્ર જેણે ધારણ નથી કર્યું એવા દિગંબર, મૃગચર્મ પર પદ્માસનમાં સમાધિસ્થ મુદ્રા. બિલકુલ નિર્લેપ અને અસંગ જીવન જીવનારા મહાદેવ લગભગ બધાંના પ્રિય છે. સતી સ્વરૂપને દક્ષના યજ્ઞમાં પોતાની યજ્ઞાગ્નિથી સ્વાહા કરી દીધા પછી, પાર્વતી સ્વરૂપે હિમાચલ રાજને ત્યાં સતી જન્મ લે છે, અને શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા તે ખૂબ કઠિન વ્રત કરે છે. ત્યારે તેમણે જંગલમાં વેણુ નું શિવલિંગ બનાવી તેની પૂજા કરી હતી, ત્યારથી એ સ્વરૂપને શિવલિંગ નામ આપવામાં આવ્યું, અને ત્યારથી બધા લોકો શંકરનો જેમાં સતત વાશ છે એવા શિવલિંગને પૂજવા લાગ્યા, અને દેશકાળ પ્રમાણે શંકરે પણ તેમાં પોતાના અસ્તિત્વને સ્થાપ્યું, એટલે સ્વયંભૂ અને જ્યોતિર્લિંગ પ્રકારના આ શિવલિંગો આપણે ત્યાં પ્રચલિત થયા. સ્વયંભૂ એટલે કોઈ જગ્યાએ આવા આકારનું લિંગ, એની મેળે જ પ્રાપ્ત થાય, કોઈ જગ્યાએ જમીન ખોદવા થી અંદરથી શિવલિંગ નીકળે, તો ક્યાંક સીમમાં,કે ખેતરમાં, જંગલમાં એ રીતે આવા લિંગ પ્રાપ્ત થતા, અને તેને સ્વયંભૂ નામ આપી ત્યાં આગળ પછી મંદિરના નિર્માણ થતા. એવી રીતે ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે.સ્વયંભૂ અને જ્યોતિર્લિંગમાં એટલો ફેર કે જ્યોતિર્લિંગમાં ભગવાન પોતે સમાયા છે એવી કોઈ કથા પણ તેની સાથે જોડાયેલી હોય છે, અને તેણે પોતાનું જ્યોતિસ્વરૂપ એમાં સ્થાપિત કર્યું છે. લિંગનો સીધો સાદો અર્થ કરીએ તો જાતિ, એટલે કે સ્ત્રીલિંગ, પુલિંગ, નાન્યેતર, અને એ ન્યાય એ આપણે ત્યાં અર્ધ નારેશ્વરની પણ સ્થાપના થઈ. શિવ અને શક્તિ બંને અભિન્ન છે, એકને આરાધવાથી બીજું પ્રાપ્ત એની મેળે થાય છે.

એટલે શિવની ભક્તિ પૂજા અર્ચના ઇત્યાદિ કરનાર શક્તિથી સંપન્ન હોય છે, શક્તિ હોય ત્યાં એશ્વર્ય પણ હોય છે, આપણે ત્યાં શાસ્ત્રમાં છ પ્રકારના એશ્વર્ય વાળા ને ભગવાનના ગુણ બતાવ્યા છે, એટલે કે આ છ ભગ અથવા છ એશ્વર્ય જેનામાં વાસ કરે, એ ઈશ્વરની વિભૂતિ છે. ભગવાન સદાશિવ મહાદેવ એ સર્જન, વિસર્જન, અને કલ્યાણના, ઉત્તમ ભાવના સ્થાપક છે, તેથી તેની આરાધના કરવા વાળાને તે સર્જન કલાના દાન આપે છે. તો આપણે પણ આ શ્રાવણે તેનું આ ભક્તિ ભાવથી સ્મરણ કરી, અને ઈશ્વરની વિભૂતિ બનીને એશ્વર્યાને પ્રાપ્ત કરીએ, અને કંઈક વિશેષ કર્મ એટલે કે સર્જનને નામે કંઈક અર્જિત કરી, આપણો આ જન્મ ફેરો સફળ બનાવીએ.


     સુખ દુખ એ નરસિંહે ગાયું છે, તેમ ઘટ સાથે જોડાયેલા છે, તેને મહત્વ આપ્યા વગર સમય મળ્યો છે, તો આ જીવથી એ શિવનું અનુસંધાન કરી, ઉત્તમ ભાવને પામી, અને આ જન્મ સફળ કરવો રહ્યો. આ શ્રાવણે સૌ પોતાના જીવનમાં શિવત્વને પ્રાપ્ત કરે, અને આશા નિરાશા ના આ ઘોર અંધકારમાંથી બહાર નીકળીશું, એવી અટલ શ્રદ્ધાનો દીપક પ્રજ્જવલિત કરી, પોતાનું જીવન રોશન કરે, એવી પ્રભુના ચરણે એક અનન્ય પ્રાર્થના કરી, હું મારા શબ્દોને અહીં જ વિરમુ છું. ભગવાન ને ભજવાથી ભક્તિ વધે અને ભક્તિ વધે એટલે નરસિંહ ના શબ્દમાં કહીએ તો વૈશ્નવ બનીએ , એટલે કે સજ્જનતા વધે, બસ એ જ ભાવથી સૌનાં અંતર નિરંતર ભર્યા રહે એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.