શું મહાદેવ માત્ર મંદિરોમાં જ છે? - શિવાલયનો મહિમા ભાગ- ૬ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 23 ઑગસ્ટ, 2023

શું મહાદેવ માત્ર મંદિરોમાં જ છે? - શિવાલયનો મહિમા ભાગ- ૬

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શિવાલયનો મહિમા


 શું મહાદેવ માત્ર મંદિરોમાં જ છે? માનવ મહેરામણ વાળા આ મહામંદિરમાં પણ ક્યાંક કોઈ અવધૂત મળી જાય, મળે જ, શું કામ ન મળે!સવાલ માત્ર આપણી ઉત્કંઠાનો છે.


  હિન્દુ સંસ્કૃતિમાં કેટલાય દેવ દેવીના સ્વરૂપોની વાત કરવામાં આવી છે, અને લોકો એને શ્રદ્ધાથી પૂજતા પણ હોય છે. પરંતુ ભગવાન શંકર ને આરાધવા માટે આખો એક મહિનો શું કામ આપ્યો? એવો કોઈ પ્રશ્ન થાય તો લગભગ સૌનો મત એવો પડે કે, ભગવાન શંકર અન્ય દેવ કરતા ભોળો છે, અને એને આસાનીથી પ્રસન્ન કરી  શકાય છે. પણ હમણાં થોડા વર્ષોથી શિવ શંકરને આરાધવામાં ક્યાંક ખોટ રહી ગઈ લાગે છે, કારણ કે ક્યાંક દુષ્કાળતો ક્યાંક અતિવૃષ્ટિ, તો ક્યાંક રોગચાળો અને મોંઘવારીના પડઘમ વાગી રહ્યા છે, ક્યાંક વરસાદ પ્રમાણમાં જોઈએ તેટલો થયો નથી, તો ક્યાંક ઉભા મોલ પાણી પાણી થઈ જતાં પાક બળી ગયો છે. પહોંચતા અને મધ્યમ વર્ગના માણસો સિવાયના બધા ને કારમી મોંઘવારીની થપાટ લાગશે, અને મુંગા પશુઓનું બેલી કોણ થશે ! શ્રાવણે શંકર રૂઠે તો પછી બીજા કોને કહેવા જવું!! પરંતુ હજી પણ કાંઈ મોડું થયું નથી, હજી થોડા દિવસો બચ્યા છે, એમાં શિવ શંકરને  મનથી ભજી લઈએ, તો કદાચ આપણી સમસ્યાનો ઉકેલ આવી જાય મંદિરોમાં દીપમાળ તો આપણે સદીઓથી કરતા આવ્યા છીએ,, હવે આત્મ દીપ પ્રગટાવીને શિવને આરાધીયે.  શિવલિંગ પર અભિષેક પણ ઘણા સમયથી કરતા આવ્યા છીએ, ચંદનનું ત્રિપુંડ  ધતુરાના ફૂલ બિલીપત્ર ચડાવ્યાં, પરંતુ તેમના ગળામાં ધારણ કરેલું નાગ નામનું ઘરેણું સમસ્યા બની આપણા જીવનમાં આળોટે છે. ઝેર બહાર હોય કે અંદર, નજરમાં આવે તો સમસ્યા છે. તો નવતર પ્રયોગ તરીકે આપણે શંકરને શુદ્ધ મનથી માત્ર યાદ કરી અને માનસિક રીતે તમામ પૂજાપાઠ કરી જોઈએ, આપણાં મનની શુદ્ધતા જોઈ તેને જરૂર મંદાકિનીની અનૂભૂતિ થશે, અને તે આપણી પોકાર જરૂર સાંભળશે. આમ પણ શું માત્ર મંદિરોમાં જ મહાદેવ છે? માનવીના મહેરામણ વાળા આ મહામંદિર પણ નજર કરી જોઈએ તો ક્યાંક કોઈ અવધૂત મળી જાય, મળે જ શું કામ ન મળે!સવાલ માત્ર આપણી ઉત્કંઠાનો છે.આજે આપણે આવી જ રીતે જાબાલિ ઋષિ એ પોતાની ઉત્કંઠા વડે શિવને પ્રસન્ન કર્યા હતાં ,એ ખેડા જિલ્લાના દહેગામ નજીક આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવની વાત કરીશું.


આ ઉત્કંઠેશ્વર મહાદેવ વાત્રક નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે .આ મંદિર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મુખ્ય મથક એટલે કે કપડવંજથી અઢાર કિલોમીટર અને આંતરસુંબા ગામથી આઠ કિલોમીટર દૂર આવેલું છે. મહાદેવના મંદિરની બાજુમાં આવેલ પગથિયાં ઊતરતાં સીધા વાત્રક નદીના પટમાં પહોંચી જવાય છે. અહીં નદીના પટમાં ઊંટની સવારી થાય છે, તેથી જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવનાં મંદિરે બાળકોની મુંડન વિધિ થાય છે, તેથી ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળા ઓ આવેલી છે. પૌરાણિક કથા મુજબ વાત્રક નદીના કાંઠે આવેલ આ મહાદેવનું મંદિર આશરે બે હજાર વર્ષ જૂનું માનવામાં આવે છે.આ મંદિરની પૌરાણિક કથાની વાત કરીએ તો , અહીં જાંબાલી નામના ઋષિનો આશ્રમ હતો, જ્યાં ઋષિએ ધર્મ પરિષદ ભરી હતી.આ પરિષદ દરમિયાન આમંત્રિત તમામ ઋષિઓએ ફક્ત ચોખા રાંધીને ખાવાનો આગ્રહ રાખ્યો હતો, જાંબાલી ઋષિએ તે જ સમયે પોતાના તપબળથી ઝાંઝરીમાં ડાંગરનો પાક તૈયાર કરી અને ચોખા રાંધીને ઋષિગણને ભોજન પીરસ્યું હતું . માનવામાં આવે છે કે જાંબાલી ઋષિની ઉત્કાંઠાથી અહીં ભોળાનાથ પ્રગટ થયા હતા,આથી મંદિરને ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવામાં આવે છે.બીજી એક કથા અનુસાર , જાંબાલી ઋષિએ મહંતોને જમવાનું આમંત્રણ આપ્યું હતું , તેઓએ જમતાં પહેલાં કહ્યું કે તેઓ શિવજીના દર્શન કરીને જ ભોજન ગ્રહણ કરે છે, તેથી જાંબાલી ઋષિએ તપ કરીને પોતાની ઉત્કૃષ્ઠ દ્વારા શિવજીનું આહવાન કરીને શિવલિંગનું નિર્માણ કર્યું . જાંબાલી ઋષિ અને મહંતોએ વાત્રક નદીના જળથી શિવલિંગ પર જળ અભિષેક કર્યો, ત્યારબાદ મહંતોએ ભોજન ગ્રહણ કર્યું . આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ઋષિમુનિ કાશીથી આ શિવલિંગ લાવ્યાં છે.


     લિંગનો દેખાવ ઊંટના તળિયા જેવો હતો , તેથી તેને ઊંટડિયા મહાદેવ પણ કહેવામાં આવે છે . તથા એક લોકવાયકા મુજબ પાંડવોએ આ શિવલિંગનું નિર્માણ કર્યું હતું . મંદિરનું બંધારણ પણ દાદ માગી લે તેવું છે, ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર પ્રથમ દ્રષ્ટિએ જ ભવ્ય વિશાળ અને આકર્ષણ છે. શિવાલયની ઊંચાઈ ૮૦ થી ૮૫ ફૂટ જેટલી છે. સાંપ્રત સમયમાં જોવા મળતું પૌરાણિક અને ભવ્ય શિવાલય કોણે અને ક્યારે બંધાવ્યું તેની આજ સુધી કોઈ માહિતી મળતી નથી. ખેડાની પાસે એક તરફ પિત્તળના વિશાળ મહાદેવ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે . અહીં યાત્રાળુઓ, પૂજારીઓ શિવજીની પૂજા અભિષેક વગેરે કરે છે.મંદિરની પાસે નીચે નદી તરફ જવા માટે અંદાજે ૧૨૫ થી વધારે નાના મોટા પગથિયાં પાસે જ એક ઝરણું વહે છે . આ ઝરણું ‘ શાલિઝરણ'ના નામે ઓળખાય છે . મંદિરની વિશેષતા તથા આકર્ષણ • આ મંદિર વાત્રક નદીના કાંઠે આવેલું છે, તથા બે હજાર વર્ષ કરતાં પ્રાચીન માનવામાં આવે છે.વાત્રક નદીમાં ઊંટ સવારી કરવાનો લહાવો અહીં મળે છે, દર વર્ષે મહાવદ ચૌદશના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે .


   શ્રાવણ માસમાં દર સોમવાર અને રવિવાર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરની મુલાકાતે આવે છે.શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળો ભરાય છે.આ મંદિરની ખાસ વાત છે કે અહીં શિવલિંગ જમીનમાં આડું છે , જે ગુજરાતમાં માત્ર ઉત્કંઠેશ્વર ખાતે આવેલું છે . મંદિરના દર્શનનો સમય સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજના ૭.૩૦ વાગ્યા સુધી. આરતીનો સમય સવારે ૬.૦૦ વાગે સાંજે ૭.૦૦ વાગે થાય છે.ઉતકઠેશ્વર કેવી રીતે જવું ?  એવો પ્રશ્ન થાય તો ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર દહેગામથી ૨૦ કિલોમીટર અને કપડવંજથી ૨૦ કિલોમીટર દૂર છે.ઉત્કંઠેશ્વર મંદિરના દર્શને જવા માટે તમને અમદાવાદ ,વડોદરા, સુરત , રાજકોટ જેવાં શહેરોથી કપડવંજ અને દહેગામ જતી બસ મળી રહેશે.આ મંદિર અમદાવાદથી ૫૪ કિલોમીટર , નડિયાદથી ૫૬ કિલોમીટરનું અંતર તેથી જો તમે રેલવે માર્ગે જવા ઈચ્છતા હોવ તો તમારે નડિયાદ અને અમદાવાદનાં રેલવે સ્ટેશન પર પહોંચીને ત્યાંથી બસમાં આવું પડે . ઉત્કંઠેશ્વર મહાદેવ આવવા માટે દહેગામ અને કપડવંજથી ગાડી અને રિક્ષા પણ મળી રહે છે.આસપાસના ફરવાના સ્થળો, અક્ષરધામ મંદિર ગાંધીનગર, રણછોડ રાય મંદિર ડાકોર, ઝાંઝરી ધોધ કેદારેશ્વર, ડભોડા હનુમાન મંદિર , વગેરે જોવાલાયક સ્થળો પણ આસપાસ માં આવેલ છે.


   આદિ-અનાદિ કાળથી ભક્ત અને ભગવાનનો મહિમા આપણે જોતા આવ્યા છીએ, અને એમાં પણ શિવ શંકર સાથે તો સંસારી ભક્તોનો અનન્ય સંબંધ છે, ભક્ત જરા પણ તકલીફમાં આવે, અને ભોળાનાથનું શુદ્ધ અંતર મનથી સ્મરણ કરે, એટલે ભગવાન મહાદેવ આવી તેની તમામ સમસ્યાઓનું વિષ પી જાય છે, અને તેની જિંદગી ખુશહાલ કરે છે. આપણે પણ આ શ્રાવણ એ જુદી જુદી રીતે શંકરનું મહિમાગાન કરી રહ્યા છીએ, પરંતુ એ ભાવનાના ભૂખ્યા ભગવાનને કોઈ સાધનની જરૂર નથી, તે તો માત્ર ઓમ નમઃ શિવાયના સ્મરણમાત્રથી રીજી જાય છે. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.


        લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...