વિષય : આપણી વચ્ચે હવે પહેલા જેવું કંઈ નથી રહ્યું
લેખિકા : કૃપા બોરીસાણીયા
સ્વર્ગની સમગ્ર વસંત ઋતુને એક જ વ્યક્તિમાં ઢાળીને ઈશ્વરે સર્જન કર્યું હોય તેવું સૌંદર્ય ધરાવતી અવની તેના જીવનની વસંત ઋતુમાંથી પસાર થઈ રહી હતી. 21 વર્ષની અવની કોલેજમાં સૌથી ચંચળ, સુંદર અને ટેલેન્ટેડ યુવતી હતી. પ્રિન્સિપલ, પ્રોફેસરો ની સાથે સાથે કોલેજના તમામ વિદ્યાર્થીઓમાં તે સૌથી વધારે લોકપ્રિય હતી. કેટલીક છોકરીઓ તેને જોઈને ઈર્ષ્યા કરતી હતી કે ઈશ્વરે તમામ વસ્તુઓ થી અવની ને નવાઝી છે. કોલેજ ના દરેક યુવક અવની સાથે પોતાનું જીવન વિતાવવાના સ્વપ્ન જોતા હતા. અને કેમ ન જોવે રૂપ, ગુણ, આવડત અને ચાતુર્યનો અનુપમ ખજાનો એટલે અવની જેના જીવનમાં જાય તેને તો રાતો રાત લોટરી લાગી જાય તેવી વાત હતી.
પણ અવનીના હૃદયમાં તો અવિનાશનું સામ્રાજ્ય બે વર્ષથી છવાયેલું હતું. ઈશ્વરે જાણે બંનેને 'મેડ ફોર ઈચ અધર' નું વરદાન આપીને જ જન્મ આપ્યો હોય તેવું લાગતું હતું. અવનીને દરેક બાબતમાં ટક્કર આપે તેવું વ્યક્તિત્વ અવિનાશ ધરાવતો હતો. બંનેના પરિવાર પણ વૈચારિક રીતે ખૂબ જ સ્વાતંત્ર્ય ધરાવતા હતા. બંનેની ઈચ્છાથી બેઉ ફેમીલીએ તે બંનેના લગ્ન કરાવી દીધા. બેઉ એકબીજા સાથે ખુબ ખુશ હતા. કારણ કે શોખ, વિચાર, જીવન-પદ્ધતિ, રંગ, રૂપ દેખાવ આ બધી બાબતમાં બંને એકબીજાથી ચડિયાતા હતા. અને વિચારો પણ ખૂબ મળતા આવતા હતા. તેથી, તેમની મેરીડ લાઈફ ખૂબ સારી ચાલી રહી હતી.
ત્રણ વર્ષનો પ્રેમ અને પાંચ વર્ષના લગ્ન જીવન પછી આજે અચાનક બંને વચ્ચે છૂટાછેડા લેવાની વાત થઈ હતી. અવારનવાર ચાલતા ઝઘડાથી પરેશાન થઈ બંનેએ એકબીજાથી છુટા થવાનો નિર્ણય લઇ લીધો હતો. બંનેની એકબીજાથી એક જ ફરિયાદ હતી, હવે આપણી વચ્ચે પહેલા જેવું કંઈ રહ્યું નથી. વિચારો મળતા નથી.શોખ જુદા જુદા છે.આદતો મળતી નથી. અને વાત વાતમાં એડજસ્ટમેન્ટ કરવું પડે છે. જ્યારે આ વાત અવનીની સહેલી આર્મી ને ખબર પડી, ત્યારે તેને ખૂબ જ અચરજ થયું કે જે એકબીજા વગર રહી નહોતા શકતા તે આજે એકબીજા સાથે રહેવા નથી માગતા.
આ પ્રશ્ન અવની અને અવિનાશનો જ નહિ પણ મોટાભાગના લવ મેરેજ કરનાર કપલનો છે.એકબીજા સાથે 7 જનમ રહેવાની કસમ ખાતા બે વ્યક્તિ વચ્ચે 7 મહિના કે 7 વર્ષમાં એવું તે શું થઇ જાય છે કે પહેલા જેવું કશું રહેતું નથી?
ખરા અર્થમાં આખી વાત જો પહેલેથી જોઈએ તો જ્યારે સંબંધની શરૂઆત થાય છે, ત્યારે બને પાત્ર એકબીજા સિવાય કોઈની વાત પર ધ્યાન નથી આપતા.અને આકર્ષણ ને પ્રેમ સમજી ખોટું પાત્ર પસંદ કરી લે છે.શરૂઆત માં તો બધું બરાબર ચાલે છે, કારણકે આકર્ષણ જ એટલું હોય. ધીમે ધીમે સાથે રેવાથી એકબીજાની જાણી અજાણી ઘણી આદતોથી અવગત થાય છે અને સ્વીકારી નથી શકતા. વળી, આજની પેઢી માં સહનશીલતા તો સાવ શૂન્ય હોય છે. તેથી વિચાર,વાણી અને વર્તનની ભિન્નતા સ્વીકારી નથી શકતા.. બસ ત્યારથી જ મતભેદ શરૂ થાય છે.
બીજી બાબત એ છે કે બંને પાત્ર એકબીજાની કેટકેલિયે આદતો બદલવાના સતત પ્રયાસો કરતા રહે છે.લગ્નના ટૂંકા ગાળા માં જ એકબીજાને સારું લગાડવા પોતાની આદતો એટલી હદે બદલી નાખે છે કે બંનેમાંથી કોઈ પેહલા જેવું રહેતું નથી. જે સ્વભાવથી એકબીજાની પસંદગી થય હોય અને સાથે રેહવાની કસમો ખાધી હોય એ તો રહેતું જ નથી.
એકબીજાને પોતાના સ્વભાવ અને પસંદગી મુજબ બદલવાની દોડ માં બંને માં પેહલા જેવું કઈ રહેતું નથી. એ કેટલા અંશે યોગ્ય છે કે આપડે જ સામેની વ્યક્તિને બદલવા મજબૂર કરીએ અને પછી કહીએ કે આપણી વચ્ચે હવે પહેલા જેવું રહ્યું નથી.
*બાહેંધરી: હું કૃપા બોરીસાણીયા બાહેંધરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.*
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.