Pages

સોમવાર, 7 ઑગસ્ટ, 2023

વ્હુ ઈઝ રામ? ને વ્હુ ઈઝ રાવણ ? આવા સવાલો ના સાચાં જવાબ માટે રામાયણની ફરી નવા મુલ્યો સાથે મુલવણી કરવી પડશે.

 સદગુરુ કૃપા હી કેવલમ.

પરિચય- ફાલ્ગુની વસાવડા.

શીર્ષક- ચિંતનની ક્ષણે.


વ્હુ ઈઝ રામ? ને વ્હુ ઈઝ રાવણ ? આવા સવાલો ના સાચાં જવાબ માટે રામાયણની ફરી નવા મુલ્યો સાથે મુલવણી કરવી પડશે. 


હે ઈશ્વર.

        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. યુગ ગમે તે હોય પરંતુ માનવીની માનસિકતા બરાબર ન હોય તો, તેની બુદ્ધિ તેની પાસે ખોટા કામ કરાવે છે. દરેક વખતે એવું જરૂરી નથી હોતું કે કોઈ વસ્તુનો અભાવ કે વ્યક્તિના વિશ્વાસઘાતને કારણે જ માનવી વિકૃત બને છે. ઘણીવાર તો પુષ્કળ એશ્વર્ય અને અપાર પ્રેમ પણ ભૂલ કરાવે છે,જેમકે રામાયણમાં કૈકેયીને ક્યાં ધનની કમી હતી,કે પતિએ વિશ્વાસઘાત કર્યો હતો! રાજા દશરથ એક સૂર્યવંશી પ્રખર બુદ્ધિશાળી રાજા હતાં, અને છતાં તે એક સ્ત્રીની સુંદરતાનું હથિયાર બન્યા. જ્યારે કૌશલ્યા એક આદર્શ સ્ત્રી, માતા, અને પટરાણી તરીકે સંસ્કારનેં નામે પોતાની સાથે થયેલા અન્યાયને સહન કરી ગયાં. ઘણીવાર આ બધું ઉપરછલ્લું જોઈએ તો એવું લાગે કે 9000 વર્ષ પહેલા પણ સમાજની માનસિકતા આવી હતી, અને  આજે પણ આવી જ છે! એમાં કંઈ બહુ ફેર નથી પડ્યો. પરંતુ એક વાતની નોંધ લેવી પડે અને એ છે ભગવાન પ્રભુ શ્રી રામનું ચરિત્ર, કે જે માત્ર ને માત્ર લોકકલ્યાણ માટે જન્મ્યાં હતાં. આજે 9000 વર્ષ પછી પણ ભગવાન શ્રીરામની એટલી જ લોકપ્રિયતા છે, અને હિન્દુ રાષ્ટ્ર માટે જયશ્રીરામનો નારો પણ પ્રચલિત છે. કોઈપણ કહાની કે વાર્તા હોય એમાં જો કોઈની હીરોની ઈમેજ ઊભી કરવી હોય તો, કોઈને કોઈ વિલન દર્શાવવું પડે, માટે પ્રભુ શ્રી રામની બીજી માતા કૈકેયી વિશે થોડી વાત કરીશું.


      રાજા દશરથની માનીતી રાણી તરીકે સુપ્રસિદ્ધ એવાં કૈકેયી એ ખૂબ જ બુદ્ધિશાળી અને સારા યોદ્ધા હતાં, અને માટે જ એ માનીતી રાણી બન્યા એમ પણ કહી શકાય. આમ તો રાણી કૈકેયીનું ચરિત્ર રામાયણમાં વિલનની ભૂમિકા માટે પ્રખ્યાત છે, અને તેનું નામ પડતાં જ લોકોના મોઢા બગડે છે. સૌ કોઈ વિચારે છે કે આવી તે કોઈ મા હોય? કે પછી સ્ત્રી હોય? પરંતુ આ તો એક અવતાર લીલા છે, અને અહીં પ્રભુની લીલા માટે ભલભલાની બુદ્ધિ ભ્રમિત કરી અને લીલા કર્મ કરવા આવ્યા હતાં. પરંતુ રાજા દશરથના આ રાણીનો ઇતિહાસ પણ આની માટે થોડો કારણરૂપ છે. કૈકેયા દેશના રાજા અશ્વપતિની પુત્રી એટલે રાણી કૈકેયી. રાજા અશ્વપતિએ કૈકેયીના જન્મ પછી એની માતાનો પુત્રને જન્મ આપી શકી નહીં, માટે ત્યાગ કર્યો હતો, અને આ રીતે કૈકેયીનો ઉછેર મા વગર થયો હતો. રાજા અશ્વપતિએ તેના ઉછેર માટે મંથરા નામની દાસી રાખી હતી. એકવાર રાજા દશરથ અશ્વ પતિના મહેલમાં મહેમાન બન્યાં. સ્વાભાવિક રીતેજ દશરથની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ વધુ હોવાથી રાજા અશ્વપતિનાં મહેલમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને તેની સરભરામાં ખુદ કૈકેયી પણ સામેલ હતાં. રાજા દશરથ તેની બુદ્ધિ પ્રતિભા, તેમજ સુંદરતાથી આકર્ષિત થઈ ગયાં, અને તેમણે ત્યાં જ વિવાહનો પ્રસ્તાવ રાખ્યો. પરંતુ અશ્વપતિએ રાજા વિવાહિત હોવાથી લગ્નનો પ્રસ્તાવ નામંજૂર કર્યો, પરંતુ બાદમાં કહ્યું કે જો મારી પુત્રીના પુત્રને જ રાજગાદી મળે એવું વચન રાજા આપે, તો જ લગ્ન થઈ શકે. રાજા દશરથ એ પણ રાણી કૌશલ્યાને કોઈ પુત્ર ન હોવાથી વચન આપી દીધું, અને આમ કૈકેયી રાજા દશરથના માનીતી રાણી બન્યાં. પરંતુ વિધિના ખેલ જુઓ રાણી કૈકેયીને પણ પુત્ર થયો નહીં, અને રાજા દશરથ એ પુત્ર માટે સુમિત્રા સાથે ત્રીજા લગ્ન કર્યા, પણ અફસોસ તોય રાજા દશરથને પુત્ર પ્રાપ્તિ થઈ નહીં. પરબ્રહ્મ તરીકે શ્રી રામને ન જોઈએ તો રાજા દશરથની પુત્ર ઘેલછાને કારણે જ આવું બધું થયું એવું પણ કહી શકાય! ખેર રાણી કૈકેયી તો પતિની માનીતી રાણી બની પિતાનું આ વચન ભૂલી ગયા હતાં, તેને મન ભરત તથા રામમાં કોઈ ભેદ હતો નહીં, તે કૌશલ્યાના પુત્ર રામને પણ અતિ પ્રેમ કરતા હતાં, અને તેના રાજ્યાભિષેકથી અતિ પ્રસન્ન હતાં. પરંતુ રામનો રાજ્યાભિષેક થઈ જાય તો, એ સમયનાં સમાજના નાનામાં નાના માણસ સુધી ભગવાન કઈ રીતે પહોંચી શકે? માત્ર અયોધ્યાની પ્રજા પ્રભુ શ્રીરામના દર્શનનો લાભ લઇ શકે, અને રાવણ જેવા દાનવનું મૃત્યુ પણ કંઈ રીતે શક્ય બને??માટે મંથરાની બુદ્ધિ ભ્રમિત થઈ, અને તેણે રાણી કૈકેયીને ચડાવી. એકવાર સરભંગ નામના દાનવથી ઇન્દ્રલોક અસુરક્ષિત હતું, ત્યારે રાજા દશરથ ઈન્દ્રની સહાય કરવા યુદ્ધમાં ભાગ લીધો હતો, અને ત્યારે યુદ્ધમાં સાથે ગયેલા રાણી કૈકેયી એ રથનું પૈડું નીકળી જતા પોતાની આંગળી નાખી રથને તૂટતાં બચાવ્યો,અને રાજા દશરથ યુદ્ધમાં ‌વિજયી બન્યા,ત્યારે તેમની વ્યવહાર કુશળતાથી પ્રભાવિત થઈને એમણે બે વરદાન આપ્યા હતાં, જે રામના રાજ્યાભિષેક વખતે દાસી મંથરાની ચડામણીથી એમણે માગ્યા, કે પોતાના પુત્ર ભરતને રાજગાદી,અને કૌશલ્યા પુત્ર રામને ચૌદ વર્ષનો વનવાસ! જેને કારણે પ્રભુ શ્રી રામ પોતાનું અવતાર કાર્ય કરી શક્યા.


   આમ આ રામાયણના આખા કથાનકથી લગભગ સૌ કોઈ પરિચિત છે, પરંતુ રાણી કૈકેયી એ ભરત જેવા સંતની માતા પણ છે,એ પણ યાદ રાખવું ઘટે. પ્રભુ શ્રીરામ તો પિતાની આજ્ઞા અનુસાર ચૌદ વરસ વનમાં રહ્યા પરંતુ ભરત તો કોઈપણનાં વચનને કારણે બંધાયેલા નહોતાં, છતાં પણ તેમણે 14 વર્ષ સુધી નંદીગ્રામમાં તપસ્વી વેશે અને તપસ્વી જેવું જીવન વિતાવ્યું, એ ખરેખર બહુ મોટી વાત છે. આમ જુવો તો આ બે વરદાન માગવા સિવાય રાણી કૈકેયી વિરુદ્ધ એક પણ પુરાવો વિલનનો રામાયણ માંથી પ્રાપ્ત થતો નથી. પુત્ર પ્રેમ કે મમતા વશ થઈને આવું કેટલીયે સ્ત્રીઓ સમાજમાં કરતી હોય છે,એ બધાં વિશે કંઈ લખાતું નથી,કે સમાજ આજ સુધી યાદ કરે એવું થતું નથી. રાણી કૈકેયીને લોકો એના બીજા લક્ષણોથી પણ યાદ કરે છે, એટલે ચરિત્રની સિદ્ધતા ને શુદ્ધતા તો ખરી જ એમાં કેમ ના પાડી શકાય! પણ એક વાત બીજી પણ અહીં સ્પષ્ટ કરવી રહી કે, કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો સફળ સિદ્ધ અને બુદ્ધિશાળી કેમ ન હોય, જો બુદ્ધિ નિર્મળ ન હોય તો ગમે ત્યારે કોઈની વાતમાં આવી જઇને ગમે તે કાર્ય કરી શકે, એવું આ પરથી સ્પષ્ટ પણે ફલિત થાય છે.


   એટલે આમ જુઓ તો રાણી કૈકેયીનો કોઈ દોષ નથી, અને ખુદ એનો પુત્ર ભરત પણ તેની મમતાને સમજી શક્યો નહીં. પરંતુ પ્રભુ શ્રી રામ આ બંને વાત જાણતા હતા,એક તો પોતાના કાર્ય માટે આ ઘટના ઘટી,અને બીજું ‌કંઈ માતા એવું ન ઈચ્છે કે પોતાના પુત્રને બધું મળે! માટે એમણે તેને સદાય પ્રથમ માન સન્માન આપ્યું, અને આ રીતે તેણે પોતાની માતાનાં સંસ્કાર પણ દર્શાવ્યા. યુગ ગમે તે હોય પણ સંસ્કાર હોવા બહુ જરૂરી છે,જો સંસ્કાર ન હોય તો જીવન બરબાદ કરી નાખે છે. સંસ્કૃતિ ગત પ્રણાલી પેઢી દર પેઢી આગળ લઈ જાય તેને સંસ્કાર કહેવામાં આવે છે, અને એ રીતે જોઈએ તો આજે હિન્દુ સંસ્કૃતિનુ ધોવાણ થઈ રહ્યું છે, કોઈને પોતાની સંસ્કૃતિના મૂળ યાદ નથી. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનારા યુવકો તો વ્હુ ઈસ રામ? ને વ્હુ ઈસ રાવણ ? આવા સવાલો માંથી પણ હવે બહાર નીકળી ગયાં છે,એને મન એવાં વચનો ને કારણે જીવન બરબાદ કરનાર મૂર્ખ છે, અને કહે છે,એ જે હોય તે, મને તો ફૂલ ફ્રીડમ મળે એવી સંસ્કૃતિ જ પસંદ છે,એમ કરી દેશ છોડી છોડીને જવા લાગ્યાં છે. આપણી આ મહાન સંસ્કૃતિ કે જ્યાં પિતાનાં વચન પર ચૌદ વર્ષનો વનવાસ હસતે મોઢે પુત્ર એ સ્વીકાર્યો હતો, એને ફરી ઉજાગર કરવી હશે, તો આવનારી પેઢી પાસે રામાયણને અલગ રીતે રજૂ કરવું પડશે, અને એમાંથી આવી ગ્રે ભૂમિકા વાળા કૈકેયીના પણ સારાં ગુણ તેને દેખાડવા પડશે. તેમજ બુદ્ધિના સારાં ખરાબ પાસાં વિશે પણ સમજાવવું પડશે,યુગ ગમે તે હોય, દેશ ગમે તે હોય,પણ જો સંસ્કાર બરાબર હોય તો જ આ વિકારથી બચી શકાય છે,એ સમજાવવું પડશે. કારણકે વિદેશોમાં અત્યારે યુવાનો સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા ભોગવી રહ્યા છે. ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે તેની સાથે ઊઠવું બેસવું, અને એની સંસ્કૃતિમાં તો પુરુષ સ્ત્રીના સંબંધમાં કોઈ છોછ નથી,તો મર્યાદા ચૂકી પોતાનું જ લગ્ન જીવન બરબાદ થઈ શકે, એવું સમજાવવું પણ બહુ જરૂરી છે. તો આવનારી પેઢીની બાહ્ય ચકાચૌંધ જોઈ મતિ ભ્રમ ન થાય, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લેખિકા:-  ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

બાંહેધરી* :- આથી હું, 'ફાલ્ગુની વસાવડા' ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.



આ પણ વાંચો:- આજના ધૃતરાષ્ટ્રોનાં પાપે સમાજમાં દુર્યોધનો વધી રહ્યા છે


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.