Pages

શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2023

બારહાક (બારસાખ) - નેન્સી અગ્રાવત

રચનાનું નામ - બારહાક (બારસાખ)

લેખકનું નામ: નેન્સી અગ્રાવત 


     અચાનક પવન જોરથી ફૂંકાતા બારી બારહાક ((બારસાખ)) સાથે ધડામ દઈને ભટકાઈ.. વેગ વધતા પાછી ફરી અને પાછી ભટકાઈ....


"બસ હવે તું પણ એક બાકી હતી...ધડ ધડ તું પણ કરી લે એટલે તારા મનનો ઉમળકો મારી ઉપર ઠલવાય જાય"


હસતા હસતા યોગેન્દ્રએ બારીને પકડી સ્ટોપર બંધ કરવાનું વિચાર્યું.લાઈટ નથી તો અંધારું પડશે.લખવાની મજા નહિ આવે.શું કરું ...!??શું કરું..? ત્યાં જ પોતાના ટેબલ પાસે પડેલા કાગળનો નાનો ડૂચો બનાવી બારી અને બારસાખ વચ્ચે મૂકી પોતાનો નિજાનંદ માણવા લાગ્યા.એ આનંદ બીજો કોઈ નહિ પણ પોતાના હાથમાં રહેલી પેનને લઈ નવલકથામાં ધારાવાહિકનો આગળનો ભાગ એકાગ્રતાથી લખવા બેસી ગયા.લખવું એ યોગેન્દ્ર માટે માત્ર લખાણ જ નહતું પરંતુ,ભક્તિ હતી.ભકતને ભગવાન મળ્યાની જેટલી ખુશી થાય એટલી ખુશી યોગેન્દ્રને જો લખવા માટે સમય મળે તેની હતી.પોતાના જર્જરિત રૂમમાં બારીની પાસે એક જૂનું ટેબલ અને ખુરશી રાખેલા.ચોવીસ કલાકમાં અઢાર કલાક તો પોતાનીએ દુનિયામાં જ વિતાવે ક્યારેક વીસ પણ થઈ જાય. અડધી રાતે મનમાં ઊભરકો ઉભરાય તો ત્યારે નિજાનંદ નજરાણું લખવા બેસી જાય.બારી એકમાત્ર એની  દોસ્તી જેની સાથે મનની વાત કરે જ્યાં શબ્દોની કોઈ જરૂર નહી..!! એકાગ્રતાથી લખતા લખતા યોગેન્દ્રને કેટલા વાગ્યા અને કેટલાને વાગ્યા એની કોઈ ભાન ન રહેતી...!!


      ત્યાં જ રસોડામાંથી તીખા મરચા વઘારવાની ખુશ્બુ આવી. તીખાશ મરચાની હતી કે પત્નીનાં ગુસ્સાની એ સમજાતું ન હતું. મધ્યમવર્ગનો નિયમ જે શાક વઘારવા તેલ મૂક્યું હોય એમાં જ મરચા તળી લેવાના અલગથી તેલ પણ ન બગડે અને તીખાશ શાકમાં ભળી જાય. બસ આવી પરિસ્થિતિમાં જીવતો પરિવાર એક લેખક પાસે અન્ય કામધંધાની અપેક્ષા રાખે એમાં ખોટું શું છે...?? બે શબ્દો બોલે એમાં ખોટું કંઈ નથી. આવી મોંઘવારીમાં નવલકથામાં ધારાવાહીક છાપી છાપીને ૧૦૦રૂપિયા કમાવા કરતા કારખાને ૩૦૦રોજ મળે શું ખોટું..??પત્નીના ગઈ રાતના ઝઘડાનું મૂળ કારણ બસ આજ એમાં ખોટું શું..??પોતાનો વાંક હતો શું કામ સામુ બોલવાનું? ચૂપ ચાપ સાંભળી લેતો યોગેન્દ્ર મુખ ઉપર હાસ્ય રેલાવી પોતાની ૧૮૦ની સ્પીડમાં ચાલતી પેનને અટકાવવા ના દેતો કારણ નિજાનંદ.... આનંદ.....!!!!


ત્યાં જ ફરી જોરથી પવન ફૂંકાયો અને  આ વખતે કાગળનો ડૂચો જે બારી અને બારસાખ વચ્ચે રાખેલો એ ઉડીને નીચે પડી ગયો અને ફરી ધડામ કરતી બારી અથડાઈ અને પેનને થંભાવી ગઈ.  ત્યાં પત્ની વીણા હાથમાં પથ્થર લઈ આવી અને ટેબલ પર ધડામ કરતો મૂક્યો.  


"આ  પાણો ભરાવો,બારી ભટકાઈ ભટકાઈ બારહાકને તોડી નાખશે અને હવે એના રિપેરના પૈસા નથી. હો."!


"તને ખબર વીણા,બારી અને બારહાક કેવા નહી.!બંને એકબીજા વગર અધૂરા ન એકલી બારી કામની ના એકલો બારહાક.જોડાય તો સંપૂર્ણ...."'


"મારી પાહે તમારી આવી વાતો હંભળવનો સમય નથી. હું જાઉં તમને પાણો દેવામાં મારા તેલમાં નાખેલા તીખા મરચા પણ બળી ગયા.કોઈ કામધંધો કરવો નહિ અને ઉલટાના નુકશાન કરો.. બડ બડ.!"



હાથમાં પથ્થરને ગોળ ગોળ ફેરવતા ઉતાવળિયા  પગલે જતી વીણાને જોઈ ચેહરા ઉપર મૃદ હાસ્ય સાથે  યોગેન્દ્ર વિચારવા લાગ્યા,


"પથ્થર તને ખબર છે,તું કેટલો કામનો છે બારીને તૂટવા નહી દે..અને સાથે  કેટલો અડચણરૂપ  પણ છે,આં બારી અને બારહાકના મિલનમાં,જેવી રીતે મારું આ લખાણ...!!""

 

                          

લેખકનું નામ:- નેન્સી અગ્રાવત


બાંહેધરી :- આથી હું,*નેન્સી અગ્રાવત *ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.