Pages

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023

શિવ મહિમા :- ચિંતનની ક્ષણે

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


હે ભગવન ! આપનું ઐશ્વર્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ, તમસ એ ત્રણે ગુણો વડે પ્રતિત થાય છે. 


હે મહાદેવ.

        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સારો હોય કે ખરાબ પણ સમયને જતા ક્યાં વાર લાગે છે! શ્રાવણનો ઉતરાર્ધ શરૂ થઈ ગયો, અને ધીરે-ધીરે કરતા હમણાં બાકીના દિવસો પણ પૂરા થઈ જશે. જીવ વળી પાછો જેવો હતો તેવો પોતાના મૂળ સ્વભાવમાં આવી જશે. ભક્તિનું છોગું તે એક બાજુ મૂકી, અને પોતાના કાર્યમાં પોરવાઈ જશે. જીવન આમ જુઓ તો માનવી એ પોતે જ જટિલ બનાવી દીધું છે, બાકી તો ઈશ્વરે આપ્યું ત્યારે તો એકદમ સરળ હતું. માતાના ગર્ભમાં તે નાળ સાથે જ્યારે જોડાયેલો હતો, ત્યારે તેને આ ધરતી પર આવવું ન્હોતું. ઘણીવાર બાળક વગર કારણે નીંદરમાં કંઈક જોઈને જાણે ડરી ગયો હોય, તેમ એકદમ રડવા લાગે છે. ત્યારે ડાહ્યા માણસો એવું કહેતા હોય છે, કે પૂર્વજન્મની સ્મૃતિ આવતા તે ડરી ગયું. હકીકત એમ હોય છે કે તે હજી આ જન્મ-મૃત્યુના બંધનમાં બંધાઈ ગયો છે, તેનો ખ્યાલ આવતાં તે રડે છે,

અથવા પૃર્વજન્મની સ્મૃતિ પણ હોઈ શકે.આમ જીવ અને શિવ, શિવ અને જીવ એ સદીઓથી એક સાથે જોડાયેલા હતા, જોડાયેલા છે, જોડાયેલા રહેશે.


  આ શ્રાવણમાં શંકરને આપણે માનસિક પૂજા કરીને આરાધી રહ્યા છીએ, જેમાં ન બિલ્વ, ન દૂધ, ન  પાણી, ન આરતી, ન દીવા છતાં શંકરને રીઝાવાનો છે. હવે આપણે શિવ મહિમ્ન સ્તોત્ર કે જે શિવ આરાધનાનું મુખ્ય અંગ કહી શકાય, એવા સ્તોત્રનું થોડા દિવસ ગાન કરીશું. શિવ મહિમ્ન સ્તોત્રની રચના ગંધર્વરાજ પુષ્પદંતે કરી છે. ફુલ 44 શ્લોકોમાં રજૂ થતું આ સ્તોત્ર લગભગ શિવના સ્તોત્રમાં સૌથી મોટું અને અતિશય પ્રિય પણ છે. તો પ્રસ્તુત છે પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર.


** શિવ મહિમ્ન સ્તોત્ર.**



શ્રી ગણેશાય નમ: ||

પુષ્પદંત ઉવાચ ||

મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો

સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |

અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્

મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||


અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મન વાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.


અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –

રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ

સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:

પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: || 2 ||


અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.


મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્

સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ |

મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:

પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: || 3 ||


અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.


તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત

ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ |

અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી

વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય || 4 ||


***અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.



        શાસ્ત્ર અને પુરાણમાં કહેવાયા અનુસાર, સ્વર્ગ એટલે કે આકાશમાં પાંચ પ્રકારની જાતિઓનો વાસ હતો. એમાં દેવ, દાનવ, યક્ષ, કિન્નર, અને ગાંધર્વ, નો સમાવેશ થતો હતો. તેમાં પુષ્પદંત એ ગંધર્વરાજ હતા, દેવતા ઓનું મનોરંજન કરવું એ ગંધર્વ ઓનું કાર્ય હતું. એટલે સીધા સાદા શબ્દોમાં કહીએ તો પુષ્પદંત એ આકાશી સંગીતકાર હતા, તે બહુ મોટા શિવ ભક્ત પણ હતા. આ ઉપરાંત તે ફૂલોના બહુ શોખીન હતા. તેમની પાસે અદ્રશ્ય થઈ જવાની અદભૂત શક્તિ પણ હતી. આ બધી જ જાતિ માનવ કરતા ઉચ્ચતમ દર્શાવાઈ છે. એક દિવસ સે સ્વર્ગ પરથી ફરતા-ફરતા ધરતી એ આવે છે અને કાશી નગરીમાં શિવ શંકરનું અધિક મહત્વ છે ત્યાં પ્રવેશ કરે છે. ત્યારે કાશીમાં ચિત્રરથ નામના રાજાનું રાજ્ય હતું, અને તે બહુ મોટા શિવભક્ત હતા. વિધિવિધાન અનુસાર તે નિત્ય શિવનું પૂજન કરતા, અને તેની માટે થઈને તેણે પોતાની નગરીમાં એક સુંદર બગીચો બનાવ્યો હતો. તેમાં પુષ્કળ પ્રમાણમાં રોજ ફૂલ ખીલતા હતા. પુષ્પદંત આ ફૂલોથી ભરેલા બગીચામાં પ્રવેશ કરે છે અને પોતાની જાતને રોકી શકતા નથી. તે ફુલ લઈ લે છે, રાજાને શિવપૂજા માટે એક પણ પુષ્પ બગીચામાંથી મળતું નથી. આવું સતત થવા લાગે છે પુષ્પદંત રોજ આવી અને પુષ્પની ચોરી કરી જાય છે. એક દિવસ રાજા ચિત્રરથ પોતાના બગીચામાં શિવ પૂજામાં નિર્માલ્ય તરીકે પડેલા બિલિપત્ર પથરાવી દે છે, પુષ્પદંત પોતાના નિત્ય નિયમ મુજબ બગીચામાં પ્રવેશ કરે છે, અને તેને ખ્યાલ રહેતો નથી કે નીચે બિલ્વપત્ર પડેલા છે, એટલે તેની પર તેનો પગ આવી જાય છે. બિલ્વ પત્ર પર પુષ્પદંત નો પગ આવતા ભગવાન શંકર ક્રોધિત થઈ જાય છે ,અને શાપ આપે છે. આથી ગાંધર્વ રાજ પુષ્પદંત પોતાની તમામ શક્તિ એટલે, કે અદ્રશ્ય થઈ જવાની શક્તિ ગુમાવી દે છે.પરંતુ પોતાના જ્ઞાનથી તે સમજી જાય છે કે આ શિવ અપરાધનુ કારણ છે. આથી તે શિવ શંકર ને મનાવવા માટે, તે આ સ્તુતિ રચી તેનું નિત્ય ગાન કરે છે. ભગવાન શંકર તો ભોળાનાથ છે, એટલે તે અપરાધીને પણ ક્ષમા કરી દે છે .એ રીતે ગંધર્વ રાજ પુષ્પદંત ને પણ ક્ષમા કરી, તેની પર પ્રસન્ન થાય છે અને પોતે લીધેલી તેને તમામ શક્તિઓ તેને પાછી આપે છે. આ રીતે આ શિવ મહિમ્ન સ્તોત્રની રચના થઈ. ત્યારથી તે જગતમાં અતિશય પ્રસિદ્ધિ પામી.


        આપણી પાસે નથી પુષ્પદંતે જેવી સ્તોત્ર રચવાની શક્તિ, કે નથી એટલું જ્ઞાન,પરંતુ તેનું ગાન અવશ્ય કરી શકીએ, અને આ શ્રાવણે શિવને એ રીતે પણ રીઝાવી જોવાનો પ્રયત્ન કરી શકાય. તો સૌ આ શ્રાવણે પોતાની શ્રેષ્ઠતમ શક્તિનો ભક્તિમાં ઉપયોગ કરી, અને શિવ શંકરને પ્રસન્ન કરવા ની કોશિશ કરે, તેવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે,તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


        લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.