ચિંતનની ક્ષણે - શિવ મહિમા - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2023

ચિંતનની ક્ષણે - શિવ મહિમા - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


હે મહાદેવ! ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો.


હે મહાદેવ.

        આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. એકધારી ચાલી જતી આ જિંદગીમાં જો અવરોધ ન આવ્યો હોય તો દરેકની જીંદગીમાં લગભગ કોઇ જ ફેરફાર થાય નહીં. બધાની એ જ સ્ટ્રેસ ભરી દુનિયા, અને એ જ દાંભિક વ્યવહારો. સંબંધોમાં પણ સતત કડવાશ, અને બધા ને મોઢે એક જ વાત સમયની મારામારી છે. કારણ આયોજન વગરના કાર્યો, હંમેશા સમયની ખેંચ ઉત્પન્ન કરે છે. અથવા તો કોઈ પણ કાર્યમાં વધુ પડતો વાણી અને વિચારનો વિનિમય પણ થકવી દેતો હોય છે. તહેવારો નાં સમયમાં પોતાની માટેનો થોડો સમય મળ્યો, પરિવાર સાથે રહેવાનો થોડો સમય મળ્યો, અરસ-પરસ પ્રેમથી વાત કરવાનો સમય મળ્યો. વૈજ્ઞાનિક શોધોને કારણે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ બધા ફ્રેન્ડ્સ બન્યા, અને અંદરો-અંદર આત્મીય સંબંધો પણ થયા. આ બધું જ આધુનિકતા ને કારણે છે, તેને પણ નકારી શકાય નહીં. એટલે એવું કહી શકાય કે ક્યારેક સંજોગ કે સમસ્યા આવશે આવશે એવાં ડર ને કારણે જીવને અંતર્મુખ થવામાં પણ ફાયદો થાય. એકધારી થકવી દેતી આ જિંદગીમાં સૌને બ્રેક મળે તો! આવું વિચારીને કયારેક પરિસ્થિતિ નો ચોક્કસ પણે આભાર માનવો રહ્યો.


    મહાદેવ કેટલા નામ છે તમારાં !દેહના વિશેષ શણગાર કે અંગના મહત્વ પરથી, દરેક નામ સાથે કોઈ ને કોઈ કોઈને કોઈ સંબંધ, કે કોઈને કોઈ વિશેષ જગ્યાનું મહત્વ જોડાયેલું છે.કાશીમાં રાજા ચિત્રરથનું રાજ્ય હતું, અને તે બહુ મોટા શિવ ભક્ત થઈ ગયા, તે નિત્ય ષડસોપ્ચાર વિધિથી પૂજન કરતા, અને તેના બગીચા ના પુષ્પો, પુષ્પદંત નામના એક ગંધર્વ ચોરી જતા હતા.પુષ્પદંતનુ નો નામ પણ તેના આ સ્વભાવને કારણે પડ્યું હતું, કે તેને પુષ્પ અતિશય પ્રિય હતા. તેઓ તેની ખુશ્બુથી સ્વર્ગ પરથી ધરતી સુધીનું અંતર કાપી શકતા,એટલી તેની ઘ્રાણેન્દ્રિય તીવ્ર હતી,અને એને કારણે તેનું નામ પુષ્પદંત પડ્યું હતું આવા પ્રખર વિદ્વાન સ્વર્ગલોક ના સંગીતકાર ગંધર્વરાજ પુષ્પદંત રચિત મહિમ્ન સ્તોત્રનો આપણે ગાન અને ભાવાર્થ કરી રહ્યા છીએ.


**શિવ મહિમ્ન સ્તોત્ર**.


વિયદવ્યાપી તારાગણ ગુણિત તેનાન્દ્રરૂચિ:

પ્રવાહો વારાં ય: પૃષતલઘુડદ્રષ્ટ શિરસિ તે |

જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ

ત્વનેનંનોન્નેર્યું ધૃતમહિમ ! દિવ્યં તવ વપુ: || 17 ||


અર્થ : હે જગદાધાર ! આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીણી ફરફરની પેઠે વરસતો દેખાય છે. તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે. આ જળ પ્રવાહના આકાશવત્ વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે. જેમ નગરની પાછળ ચોતરફ ખાઈ હોય છે તેમ જ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચોતરફ સર્વ જગતને આવરણ કર્યું છે, એથી આપના વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે, આપનું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે.


રથ ક્ષોણિ યંતા શતધતિરંગેંદ્રો ધનુરથો

રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિ: શિર ઈતિ |

દિઘક્ષોસ્તે કોડ્યં ત્રિપુરતૃણમાંડબર વિધિ -

વિધેયૌ: ક્રોડન્ત્યો ન ખલુ પર તંત્રા: પ્રભુધિય: || 18 ||


અર્થ : હે દેવ ! જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મરૂપી સારથી, હિમાચળ પર્વતરૂપી ધનુષ, સૂર્ય તથા ચંદ્રરૂપી રથનાં પૈંડાં, જળરૂપી રથચરણ એટલે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો. હે પ્રભુ ! બળ, વીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતાં, તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે.


હરિસ્તે સહસ્ત્રં કમલબલિમા ધાય પદયો –

ર્યદેકોનં તસ્મિન્નિજમુદહરન્નેત્રકમલમ્ |

ગતો ભક્ત્યુદ્રેક: પારિણતિમસૌ ચક્રવપુષા

ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર ! જાગર્તિ જગતામ્ || 19 ||


અર્થ : હે ત્રિપુરહર ! આપની ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા ! તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈપણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા. આવી દઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ – એ ત્રણે લોકનં રક્ષણ આપ જ કરો છો. એ રીતે સુદર્શનચક્રની શક્તિ વિષ્ણુને આપે જ આપેલી છે.


ક્રતૌ સુપ્તે જાગ્રત્વમસિ ફલયોગે ઋતુમત્તાં

કવ કર્મ પ્રધ્વસ્તં ફલતિં પુરુષારાધનમૃતે |

અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ઋતુષુ ફલદાનપ્રતિભૂવં

શ્રુતૌ શ્રદ્ધાંબદ્ધાંકૃતપરિકર: કર્મ સુજન: || 20 ||


અર્થ : હે ત્રિલોકના સ્વામી ! યજ્ઞાદિ ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી, ઘણે વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે જ સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદિ ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશાં જાગ્રત રહે છે. ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેને પ્રસન્ના કર્યાથી યજ્ઞનાં બધાં ફળો મળે છે. હે પ્રભો ! તું સર્વવ્યાપી છે. તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી. આથી યજ્ઞાદિ કર્યોનાં ફળ આપવામાં તેમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે.


        શિવની આરાધના માટે તો કોઈ સાધન કે દ્રવ્ય ની જરૂર નથી, પરંતુ ભક્ત તેને યથાશક્તિ પૂજન કરી, અને ભોળી ભાવનાનો અભિષેક કરી તેને પામી શકે છે. શિવ તત્વ નો અર્થ આપણે જોયું તેમ કલ્યાણ છે. તો આ કલ્યાણની ભાવના ને વધુ ને વધુ પ્રબળ બનાવી ને, પણ આપણે શિવ તત્વને જાણી શકીએ છીએ, અને શિવ તત્ત્વને જાણવા આપણે શિવપુરાણ નો આશરો પણ લઈ શકીએ.


       શિવ શંકરની ભક્તિ માટે આ શ્રાવણે શિવ પુરાણ નું શ્રવણ, અદભુત સંયોગ થયો હોય તો જ સાંપડે. શિવ પુરાણ સમજવું પણ અઘરું છે, અને શિવને પણ સમજવા અઘરા છે. ભોળો ભંડારી કરુણા સાગર છે. પરંતુ તેનો દેખાવ, તેનો પરિવાર, બધું જ આપણને અસમંજસતા માં મૂકી દે છે. સર્જન અને વિસર્જન નો એ દેવ છે. મહા કાળ તરીકે પણ તે જગતમાં પ્રસિદ્ધ છે. સ્મશાન માં રહેનારો, એ પરમ વૈરાગી પણ છે. સમુદ્ર મંથનમાં હળાહળ વીષ પિનારો પણ એ જ શિવ શંકર મહાદેવ છે. જ્યારે જ્યારે દેવ, દાનવ, કિન્નર, ગંધર્વ, યક્ષ, કે પછી પૃથ્વી લોકનો માનવી જેને પણ કોઈ સમસ્યા હોય, ત્યારે તે શિવને જ પોકારે છે, તેનું કારણ પણ કંઈક હશે જ.સીધું સાદુ ગણિત માંડીએ તો જીવ અને શિવ માં ઘણી સામ્યતાઓ છે, સૌથી મોટી સામ્યતા તે પણ‌ સંસારી છે તેને કારણે કદાચ જીવ શિવ પર વધુ વિશ્વાસ કરી શકે.


       શિવ પુરાણ ના રચયિતા શિવ શંકર પોતે જ છે અને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ ભગવાન વેદ વ્યાસે આપ્યું છે.શિવપુરાણમાં 24000 શ્લોક છે, તથા તે સાત સંહિતામાં વિભાજિત છે. આ ગ્રંથમાં ભગવાન શિવની મહાનતા, તથા તેમના સાથે સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. આ ગ્રંથને વાયુ પુરાણ પણ કહે છે. તેમાં કૈલાસ પર્વત, શિવલિંગ તથા રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વ કહેવામાં આવ્યું છે, સપ્તાહના એટલે કે અઠવાડિયા ના દિવસોના નામોની રચના પણ શિવ પુરાણ પરથી થઇ છે, પ્રજાપતિ તથા કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તેની સાથેનું છેક સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. સપ્તાહના દિવસોના નામ આપણા સૌર મંડળના ગ્રંથો ઉપર આધારિત છે, અને આજે પણ લગભગ સમસ્ત વિશ્વમાં તેનો જ પ્રયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કંદ પુરાણ અને લિંગ પુરાણમાં પણ શિવ સંબંધિત કથાઓ પ્રાપ્ત થાય છે.હાટકેશ્વર સ્તોત્ર નો જ્યારે આપણે આજના ચિંતનમાં અભ્યાસ કર્યો, ત્યારે સ્કંધ પુરાણ ની વાત નો ઉલ્લેખ થયો હતો.


     શિવ શંકરને આપણે જેટલા જાણીએ તેટલા, તે દિવસે ને દિવસે વધુ ભોળા આપણને દેખાતા જાય છે. અને સૌ કોઈને તેના તમામ ગુણો નો પરિચય થાય, અને તેઓની સમસ્યાનું સમાધાન તેને આ શ્રાવણિય અનુષ્ઠાનમાં મળી જાય, તેવી એક અનન્ય પ્રાર્થના સાથે હું મારા શબ્દોને અહીં જ વિરમું છું. તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


   લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...