Pages

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2023

ઘર ઘર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક ચિંતનની ક્ષણે

મિત્રો શુભ સવાર


હે મહાદેવ.


 ઘર ઘર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. જય રણછોડ માખણ ચોર, ના નારા લાગ્યા પણ શ્રીકૃષ્ણ તત્વતઃ પ્રેમ સ્વરૂપે હવે ક્યાં દેખાય છે?


         આપના શ્રીચરણોમાં અમારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હે દેવોના દેવ મહાદેવ શ્રાવણનાં ટપટપ કરતાં દિવસો આગળ ચાલે છે ઉત્તરાર્ધના પણ આઠ દિવસ ચાલ્યા ગયા આજે શ્રાવણ વદ નોમ છે વિશ્વ આખા એ  જન્માષ્ટમીનો તહેવાર મનાવ્યો. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. જય રણછોડ માખણ ચોર, ના નારા સાથે તમામ સનાતની ઓએ ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રાગટ્ય સાચે જ થયું એમ ઉત્સવ મનાવ્યો! એ પરમ પ્રેમ અવતાર કૃષ્ણનો જન્મ થયો, લોકોએ પણ ઘેર ઘેર પ્રેમનું પ્રાગટ્ય કર્યું, પરંતુ તે ફક્ત મંદિર સુધી જ સીમિત રહેતું હોવાથી, જીવનો કે સમાજનો વિકાસ થતો નથી, એ અમે જાણીએ છીએ.  પરંતુ દ્વાપર ના એ કાળમાં જઈને જરા કૃષ્ણ તત્વ વિશે થોડું ચિંતન કરીએ તો કૃષ્ણ માટે કાળ બનીને કંસ રાહ જોઈને ઉભો હતો પરંતુ કંસનો કાળ શ્રીકૃષ્ણ છે એવી એક આકાશવાણી થઈ હતી માટે એણે આવો કૃત્ય કરવાનું વિચાર્યું હતું નહીં તો એ તેની બેન અને બનેવીને ખૂબ જ પ્રેમ કરતો હતો એવા પુરાવા પણ આપણને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કંસ જાણી ગયો હતો અને કૃષ્ણ પણ જાણતા હતા કે કંસ તેનો કાળ બનીને મથુરામાં રાહ જોઈ રહ્યો છે માટે અવતાર લીલા કરવા અથવા તો જન્મતા જ ગોકુળ પહોંચી ગયા!: એટલે જન્માષ્ટમી એ ઘર ઘરમાં જન્મેલા બાળ નંદ ગોપાલ ને સુરક્ષિત રાખવો હશે તો કંસ જેવા કાળથી બચાવવો પડશે! અને કંસ એટલે કોણ? પ્રલોભન આપતો સમય! અને આપણને તો પ્રલોભન તરત લલચાવે! એટલે બાળ ગોપાલનું જે થવું હોય તે થાય! અને એટલે જ આજે સુખ સગવડતાની રીતે ખૂબ જ ઉત્તમ કાળ ચાલી રહ્યો છે, અને દર અઠવાડિયે કોઈને કોઈ નવી શોધ થાય છે, આપણે તેનો ઉપયોગ પણ કરવા લાગીએ છીએ, અને એ નહોતું ત્યારની આપણી પરિસ્થિતિ ને સહજ ભૂલી પણ જઈએ છીએ! અને પેલાની પાસે છે એ મારે કયારે નસીબ થશે! એ વિચારમાં અથવા તો એ મેળવવાનાં ત્રાગાંમાં બાકીનું બધું જ ભૂલી જઈએ છીએ, કે હું એક સનાતની સંસ્કૃતિનો વારસદાર છું. મારે મારી સંસ્કૃતિ ને આગળ ધપાવવાની છે! અને આ ભોગ વિષયની વિલાસી વસ્તુ પ્રત્યે મોહ માયા દાખવીને જન્મોજન્મ આ પાપ પુણ્ય ના પોટલાં બાંધવાના નથી. પણ આપણે પ્રલોભન ના ચક્કર માં બધું જ ભૂલી જઈએ છીએ,અને એવી જ રીતે આપણે કૃષ્ણ તત્વને જાણતા હોવા છતાં માણી શકતા નથી, અને એટલે જ શ્રીકૃષ્ણ તત્વતઃ પ્રેમ સ્વરૂપે આપણે અનુભવી શકતા નથી. 


    શંકરાચાર્ય ને ભારતીય હિન્દુ પરંપરાના સ્ત્રોત ગણવામાં આવે છે, તેમણે ચાર શંકર મઠની સ્થાપના કરી તેમાનો એક મઠ દ્વારકામાં પણ છે, અને દ્વારકામા ખૂબ જ ધામધૂમથી કૃષ્ણ જન્મ થયો. શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર પણ થયા પણ એ બધું જ માત્ર ને માત્ર મંદિર પૂરતું જ સીમિત જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી કૃષ્ણ અવતાર એટલે કે કૃષ્ણ જન્મ કરવો વ્યર્થ છે. પરંતુ જો આપની કૃપા થાય તો અમારા મન મંદિરમાં પ્રેમ રૂપે કૃષ્ણનો જન્મ થાય, અને એ ચરિત્રને ઊજાગર કરીએ એવું જીવન અમારે હવે જીવવું છે. એવા વિશ્વના બધા જ જીવને આજે ઓરતા જાગ્યા છે, અને ભક્ત પોતાની ઇચ્છા લઇને ભગવાન પાસે ના આવે, તો ક્યાં જાય?? એ ન્યાયે અમે તમારા દર પર આવીને ઉભા છીએ. હે ભોળા શંભુ ક્રિષ્ના ને તો જગતનો નાથ કહેવાયો છે, જગતગુરુ કહેવાય છે, અને તેના જીવન ચરિત્રથી પ્રભાવિત થઇ અમે આ જન્માષ્ટમીએ તેના જેવું જીવન જીવવાના સંકલ્પ લઈએ છીએ. આમ તો આજ સુધી અમે આવા કંઈક સંકલ્પો લઈ લીધા અને તેમનો કદાચ એક પણ પૂર્ણ ન થયો હોય, તમે અમારી મદદ શું કામ કરો? એ પણ પ્રશ્ન છે. પરંતુ મૃત્યુને સમયે જીવ સત્ય બોલે છે, તેવી વાત પણ પુરાણોમાં કહેવાઈ છે, તો અત્યારે અમારી સામે હરપળ કોઈને કોઈ કાળ નાચી રહ્યો છે. અમારી આ વાતને તમે સત્ય માની અને અમારી મદદ કરો. કૃષ્ણ એ પ્રેમની સ્થાપના જગતમાં થાય તે માટે થઈને સામ,દામ,દંડ,ભેદ, બધી જ નીતિઓ અપનાવી હતી, અને અમે અમારા અહંકાર અને આગ્રહનું સ્થાપન થાય એ માટે સામ, દામ, દંડ, ભેદની, નીતિ અપનાવતા આવ્યા છીએ. ફક્ત એટલો જ ફેર અમારા અને એના ચરિત્ર વચ્ચે છે. તેમણે કાળી નાગ નામના નાગનો અહંકાર ઉતારી, તેની ફણા પર ઊભા રહી, અને જગત ને અહંકાર ન કરવા સંદેશ આપ્યો હતો.પરંતુ અમે એને ફક્ત ચિત્ર કે તસવીર સમજી ભૂલી ગયા. તેમણે એક એક ગોપી સાથે મહારાસ રચીને, દરેકમાં હું જ વસું છું, એવો પરમ પ્રેમ નો સંદેશ આપ્યો પરંતુ અમે તેને પણ માત્ર પરિકલ્પના બનાવી ભૂલી ગયા. કુરુક્ષેત્રના યુદ્ધમાં, અર્જુનના સારથી બની ગીતા નામે એક મહાન ગ્રંથની ભેટ આપી, કે જેમાં  મનુષ્યે કઈ રીતે જીવવું જોઇએ. મોહ, માયા, મમતા, બધું ત્યાગી અને પરમના સાનિધ્યનું સતત અનુસંધાન કેળવવાનું બતાવ્યું, પણ અમે તેને ફક્ત એક સદગ્રંથ અને અમારી સંસ્કૃતિની મહાનતા સમજી બધે પ્રચાર જ કર્યો અથવા ઘરના હરિ મંદિરમા સજાવીને રાખ્યો. અવતાર ચરિત્ર જગતમાં એટલે જ જન્મ લેતા હોય છે, કે મનુષ્ય ને તેને આદર્શ બનાવી જીવન કેમ જીવવું! પરંતુ અમે તેને ભગવાન બનાવી અને ફક્ત પૂજતા રહ્યા, જાણીએ છીએ કે અસંખ્ય ભૂલો રહેલી છે અમારા જીવનમાં, પરંતુ આખરે અમે તમારા જ સંતાન છીએ, અને તમે પણ સંસારી રહી ચૂક્યા છો. માટે અમારા વ્યવહાર ધર્મને પણ મનમાં રાખી અમારી સાથે યોગ્ય ન્યાય કરો. ભગવાન શ્રીકૃષ્ણે તો પરમ પ્રેમની વાત કરી હતી, અને અમે ફક્ત શરીર પ્રેમમાં એટલે કે રૂપના અનુસંધાનથી સ્વ કેન્દ્રિત જીવન જીવતા રહ્યા. પરમ તત્વ સ્વરૂપે જે આત્મ અંશ દરેકમાં બિરાજમાન છે, તેને એક બાજુ કરી અને વંશની મોહમાયામાં અટવાતાં રહ્યાં. ખબર છે અમને કે અમે નથી તમારી જેમ જીવી શકવાનાં , કે ત્રેતા કાળના એ પરમ સત્ય સમાન શ્રીરામ જેવું અમારૂ જીવન જવાનું,કે નથી દ્વાપરના એ પરમ પ્રેમી શ્રી કૃષ્ણથી પ્રેરાઈ ને પ્રેમપૂર્વક જીવવાના. કળિયુગમાં તો તમને પામવાનું કેટલું સરળ સાધન બતાવાયું છે છતાં અમારાથી થતું નથી અમારી આ માનસિકતાને ધ્યાનમાં લઇને, હે ભોલેનાથ અમારું માર્ગદર્શન કરો અમારી મદદ કરો.


અલખ નિરંજન અલખનિરંજન કરતો,

           એક રૂખડ બાવો આવ્યો.

ભસ્મને ભુજંગ સાથે છે જેનો નિત્ય નાતો,

          એવો ભોળો નાથ આવ્યો.

ત્રિકાળનું ત્રિપુંડ લલાટે ને,ત્રિલોચનનું સ્વરૂપ,

           એવો ત્રિગુણાતીત આવ્યો.

સ્મશાન જેવી શાંતિ ને કંઠે છે હળાહળ વિષ,

               એવો નીલકંઠ આવ્યો.

બાળ રામના દર્શન કરવા કાગ ભૂષંડી ને લઈ,

        એક બ્રાહ્મણ અયોધ્યા આવ્યો.

રામાવતારે લંકામા રામનામ ની ધૂમ મચાવતો,

        ‌    રુદ્રવતાર હનુમાન આવ્યો.

સતીનો પરિત્યાગ કરી, સમાધિસ્થ થયા શંકર,

      કથા કરવા આદ્ય ગુરુ શંકર આવ્યા.

સારી સૃષ્ટી ઝૂમી રહી જેના નૃત્ય,લય,તાલ થકી,

      ‌     એવો એક નટરાજ આવ્યો.

 ભક્તિ રૂપી નિર્મળ ગંગાને સમાવીને જટામાં,

         એક ગંગાધર વિશ્વેશ્વર આવ્યો


હે મહાદેવ, હે પ્રથમેશ્વર સારી સૃષ્ટિના ઉદભવનું તમે જ કારણ છો, અને અમારા જન્મમરણનું કારણ પણ તમે જ છો. તો આ સંસ્કૃતિ ને બચાવવા ના સંકટ સમયે આવીને અમારી વહારે આવો એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

         

    લી. ફાલ્ગુની વસાવડા ( ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.