સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક શિવાલયનો મહિમા
મૂળેશ્વર મહાદેવનુ મંદિર છેક સરહદ સાથે જોડાયેલું, અને રણની કાંધીને અડેલું છે. જ્યારે બીજી બાજુ તળાવ નો કિનારો છે.
પુરાણ કાળથી જીવ કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વરને ભજતો હોય છે. કાયમ તો એ સમયની તંગીને કારણે પૂજન કાર્યમાં પણ પતાવવાની ભાવના દરેકને સહજ આવી જાય! પણ ભગવાન ભોલેનાથનો મહિમા ગાવાનો માસ એટલે શ્રાવણ માસ. ભગવાન શિવના પવિત્ર મહિનામાં લોકો જુદી જુદી રીતે શિવની આરાધના કરતાં હોય છે, પણ શિવાલયોમાં વહેલી પરોઢથી મોડી રાત સુધી શિવ આરાધના, રૂપે, બમ બમ ભોલેનાથના નાદથી, અને ભજન-કીર્તનથી વાતાવરણ શિવમય બની રહે છે. આસપડોશમાં જ્યાં શિવાલય હોય ત્યાં બધે જ શિવ આરાધના કેન્દ્રમાં અને બાકી બીજા દેવદેવીઓની પૂજા અર્ચના ગૌણ થઈ જાય છે. શિવપૂજન કોઈપણ રીતે થાય પરંતુ સાચે જ તેનું ખૂબ અનેરૂં મહત્વ છે. કોઈ ભોળાભાવે માત્ર ઓમ નમઃ શિવાયનો મંત્ર રટણ કરે, કોઈ ભોળાભાવે બીલીપત્ર ચઢાવે, કોઈ દૂધ પાણીના અભિષેક કરે, કોઈ ષડસોપચાર વિધિથી પૂજન કરે, તો કોઈ ધતુરા ના પુષ્પ અર્પણ કરી પોતાનો ભાવ વ્યક્ત કરે, તો કોઈ એકટાણા કરે, કોઈ ઉપવાસ કરે ,કોઈ મૌન વ્રત રાખે,ને કોઈ દાન ધર્મ કરે, વગેરે વગેરે રીતે પોતાની શ્રદ્ધાનું પુષ્પ શિવશંકર ના ચરણોમાં અર્પણ કરતા હોય છે. તો આ પવિત્ર માસમાં કેટલાક શિવમંદિરોમાં યજ્ઞ, ચાર ભૂજા આરતી, યજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ સાથે અનેક સ્થળે મેળા ભરાતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાતાળેશ્વર, કોટેશ્વર, મુકતેશ્વર, મૂળેશ્વર, કપિલેશ્વર, જાગેશ્વર, કાશી વિશ્વનાથ, વિશ્વેશ્વર, મોકેશ્વર, ગંગેશ્વર સહિત અગ્રણ્ય શિવમંદિરોમાં દિવસભર ભક્તોની દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બનાસકાંઠા વિસ્તારમાં આવેલા મૂળેશ્વર મહાદેવની.
બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાના પાડણ ગામમાં ભવ્ય મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનું નિર્માણ આશરે દસમા સૈકામાં એટલે કે આજથી 1000 વર્ષ પહેલાં રાજા મૂળરાજ સોલંકી એ કરાવતાં રાજાને યુદ્ધમાં વિજય મળ્યો હતો. વાત છે પાટણના સોલંકીવંશના સ્થાપક મૂળરાજ સોલંકી અને તેમણે બંધાવેલ મંદિર મૂળેશ્વર મહાદેવની. સોલંકી એટલે કે ચાલુક્ય વંશના મુળપુરુષ એવા મૂળરાજ સોલંકીએ સૂઈગામ તાલુકાના પાડણ ગામમાં મૂળેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યુ હતું. આ મંદિરે એક વાર એક માણસે "કમળપુજા" કરી હતી. સોલંકીઓના આરાધ્ય દેવતા શ્રી સોમનાથ મહાદેવ ગણાય છે. તેમના આશીર્વાદથી જ સાંચોર મંડલ અને પછી સારસ્વત મંડલની જીત મૂળરાજે મેળવી હતી. તે વખતે મૂળરાજ સોલંકીને કચ્છના લાખા ફુલાણી સામેના યુદ્ધમાં છ-છ વાર નિષ્ફળતા મળેલી. અનેક પ્રયાસ કરવા છતાં સફળતા મળતી ન હતી.
આ મંદિર સાથે જોડાયેલી દંતકથા મુજબ કહેવાય છે કે કચ્છના રાજા લાખો ફુલાણી સામે મૂળરાજ સોલંકીની છ વાર હાર થઈ ચૂકી હતી, અને કેમે કરીને વિજય પ્રાપ્ત થતો ન હતો. સોલંકી વંશના વંશજ એવા મૂળરાજ સોલંકી પોતે વીર અને શૌર્યવાન હતાં, છતાં કેમ વિજય મળતો નથી? એમ વિચારી ચિંતિત હતાં, આથી તેમણે એક વિદ્વાન સંત મહાત્માં ને આનું કારણ પૂછ્યું. એ સંત મહાત્મા એ મૂળરાજ સોલંકીને જણાવ્યું કે, કોઈ અપૂજ શિવલિંગનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવશે, તો યુદ્ધમાં અવશ્ય વિજય થશે. રાજાએ ગામમાં જાહેરાત કરાવી કે આવું અપૂજ શિવલિંગ મળે તો દરબારમાં જાણ કરવી. સૂઈ તાલુકામાં પાડણ ગામ નજીક લીલી વનરાજી અને જંગલની ખીણ જેવા વિસ્તારમાં પશુપાલકો પોતાના ઢોર ઢાંખર ચરવા છોડી, અને નિરાંતનો દમ લેતા હતાં, એવામાં એક ગૌપાલકની ગાયનું દૂધ રોજ કોઈ દોહી લેતું હોય તેવું તેને લાગ્યું. આથી એ ગોવાળે ગાયનો પીછો કરતા એ ગાય એક ટેકરા પર રોજ પોતાના આચળથી દૂધનો અભિષેક કરી રહી હતી, અને પ્રજાજનોએ રાજાના દરબારમાં આ વાતની જાણ કરી. ટેકરાને ખોદતાં તેમાંથી સાત ફૂટ ઊંડેથી સ્વયંભૂ શિવલિંગ નીકળે છે. રાજાએ અપૂજ શિવલિંગની પૂજા કરી અને તેઓ એ લાખો ફુલાણી સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત રાજાએ એ પછી પણ ઘણા યુદ્ધો જીત્યાં, મૂળ ચાલુક્ય વંશના રાજાનાં ઇષ્ટદેવ ભગવાન સોમનાથ મનાય છે, આથી તેમણે આ મંદિરમાં પણ શંકરને આરાધ્યા,અને પરિણામ સ્વરૂપ તેમણે સંચોર મંડલ અને સારસ્વત મંડલ પર પણ જીત મેળવી.
આ મંદિર સાથે એક બીજી વાત પણ જોડાયેલી છે અને એ છે રાજા રાયસિંગજી ચૌહાણ ના પૂર્વજન્મની. કહેવાય છે કે, સુઇ ગામ નજીક પાડણ ગામના રાજાનાં વહીવટદારોના ત્રાસથી કંટાળીને એક વાર રાજા પટેલ નામના ખેડૂતે અહીં કમળ પૂજા કરી હતી, અને ભગવાન પ્રસન્ન થતાં, તેથી તેનો આગલો જન્મ રાયસીંગજી ચૌહાણ તરીકે રાજ ઘરનામાં થયો, અને ૧૧ વર્ષે તેઓએ પોતાના પૂર્વજન્મની ઓળખ ના પૂરાવા પણ આપ્યા, અને તેઓએ આજીવન મૂળશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી. ગુજરાતના દરેક શિવલિંગ સાથે જેમ બને છે તેમ, અહીં પણ વિધર્મીઓ એ આક્રમણ કર્યા હતાં, પરંતુ વિધર્મી સૈનિકો જેવા મંદિર પર આક્રમણ કરવા આવે ત્યારે, શિવલિંગ પાડાનું રૂપ ધારણ કરી અને સૈનિકોનો ખાત્મો બોલાવી દેતાં હતાં આથી આ ગામનું નામ પાડણ પાડવામાં આવ્યું છે. ભક્તોના કહેવા અનુસાર મૂળેશ્વર મહાદેવ ના કેટલાય પરચાઓ છે. તાજેતરમાં જ મંદિરના રંગાર્થે એક કારીગર મંદિર પર ચડ્યો હતો, અને ત્યાંથી નીચે પટકાયો છતાં પણ તેને કોઈ ઈજા થઈ ન હોતી. છેક સરહદ સાથે જોડાયેલું અને રણની કાંધીને અડેલું, અને બીજી બાજુ એટલે કે પશ્ચિમમાં તળાવને કિનારે આવેલું આ મૂળેશ્વર મહાદેવ નું રમણિય મંદિર ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, અને શ્રાવણ માસમાં તો અહીં ખૂબ ભક્તોની ભીડ જોવા મળે છે.
આ મંદિરનો એકવાર જીર્ણોદ્ધાર કરેલો છે. મંદિરના મંડોવરની રચના સાદી છે, પરંતુ શિખરરચના ખૂબ જ મહત્વની છે. સોલંકીઓએ અપનાવેલ ગાંધાર શૈલીમાં આ મંદિરમાં દર્શન થાય છે. શિવના આશીર્વાદથી મૂળરાજ સોલંકીએ સાંચોરમંડલની જીત મેળવી હતી. તત્કાલીન સમયમાં વાવ-થરાદનો સમાવેશ અણહિલપુર પાટણમાં થતો હતો,પણ હાલ આ ગામ પાડણ તરીકે ઓળખાય છે. ગુજરાતી પ્રબંધ ચિંતામણી - ૧૯૯૧માં દર્શાવ્યા મૂજબ મૂળરાજે મૂળરાજ વસહિકા અને મૂળેશ્વર સ્વામી મંદિર પણ બંધાવ્યું હતું. દર સોમવારના દિવસે મૂળરાજ સોલંકી પોતે પણ આ મૂળેશ્વર શિવલિંગના દર્શનાર્થે પાડણ આવતા હતા.
મૂળેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હનુમાન અને ગણેશજીની મુર્તિઓ છે. મંદિરના ગર્ભગૃહની અંદર મોટું શિવલિંગ છે. મંદિરનુ પ્રવેશદ્વાર આબેહુબ, કલાત્મક અને પ્રાચીન કોતરણીઓથી ભરપૂર છે. મૂળેશ્વર મહાદેવ મંદિરની ડાબી બાજુ વિષ્ણુ લક્ષ્મી મંદિર આવેલુ છે. આ મંદિરની દીવાલ પર એક શિલાલેખ છે. સ્થાનિક ઈતિહાસ સંશોધક પ્રો. પ્રકાશકુમાર સુથારના જણાવ્યા અનુસાર, આ લેખ હજૂ સુધી ઉકેલાયો નથી. મંદિરની અંદરની અને બહારની મુર્તીઓ કલાત્મક, ભવ્ય અને પ્રાચીન છે. મૂળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીનો તેમજ શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિર ગમે તે હોય,સ્થાન ને કાળ ગમે તે હોય, પરંતુ ભક્ત માટે ભગવાનનો મહિમા અજોડ છે. બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.