Pages

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2023

શિવાલયનો મહિમા :- ભવનાથ મંદિર

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શિવાલયનો મહિમા


ભવનાથ મંદિર એટલે જ્યાં સ્વયં શિવજી એ અહીં સમાધિ લીધી હતી તો, આ મંદિર આશરે સતયુગનું એટલે કે ઘણું એટલે ઘણું પ્રાચીન છે. 


   શ્રાવણ ભક્તિભાવથી ભરપૂર લોકમાનસમાં હિલોળા લેતો અંત તરફ આગળ વધી રહ્યો છે, અને માત્ર ગણતરીનાં દિવસોમાં શ્રાવણ પૂરો થશે! ભક્તિને નામે કંઈ જ એવું ન કરવાં છતાં લોકો પોતે એક એક મહિનાથી આમ કર્યું! તેમ કર્યું! એવાં ગાણાં ગાશે. મહાદેવ ભોળાનાથ સૌ કોઈની મનોકામના પૂરી કરે છે, માટે અહીં અભણ થી અભણ, ગમાર ભક્તો પણ આવે છે, અને સાક્ષર ભક્તો પણ આવે છે. આજે તો હવે લોકોની બૌદ્ધિકતાનો અંક બહુ જ ઉપર ગયો છે, એમાં પણ ખાસ કરીને ચતુરાઈ અને હોશિયારીનો આ યુગ હોવાથી સૌ કોઈ સાક્ષર છે. પરંતુ ભગવાન પાસે પ્રાર્થના કરવાની હોય તો આપણું તમામ પ્રકારનું અભિમાન મૂકી, અને રંક ભાવે પ્રાર્થના કરવામાં આવે તો એ વધુ ઝડપથી સાંભળે છે. આજે આપણે સૌરાષ્ટ્ર ના જૂનાગઢના પ્રસિદ્ધ મહાદેવ ભવનાથની વાત કરવા જઈ રહ્યા છીએ. લગભગ આ નામથી તો સૌ કોઈ પરિચિત હશે, કારણકે જુનાગઢનું ભવનાથનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે, અને અહીં શિવરાત્રીના મેળામાં તેમજ લીલી પરિક્રમા વખતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે,ત્યારે આ મંદિર પર ધ્વજારોહણ થતું હોવાથી બધાં જ આ મંદિરથી પરિચિત હશે.


    જૂનાગઢનું નામ આવે એટલે એક તો ગિરનાર યાદ આવે, અને બીજું ભક્ત કવિ નરસિંહ યાદ આવે. ગિરિ તળેટીમાં આજે પણ તેની ચેતના અમર રીતે ફરી રહી છે, અને આપણી ચેતના સાથે તેનું જોડાણ પણ આપણે અનુભવી શકીએ છીએ. કરતાલનો મધુર અવાજ પણ સંભળાતો હોય એવી અનુભૂતિ, આજે ૬૦૦ વર્ષ પછી પણ આપણને થાય છે. ગિરનાર એ એક અત્યંત પવિત્ર ધામ છે, અને આધ્યાત્મિક સાધના કરવા માટે અતિ ઉત્તમ છે.  કોઈ જટાળો જોગી આરામ ફરમાવતો હોય એ રીતની તેની ભૌગોલિક રચના પણ છે. કહેવાય છે કે આજે પણ ગિરનારમાં 9 નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનો મુકામ કાયમ છે,અને એટલે જ અતિ પ્રાચીન હોવા છતાં આજે પણ અડીખમ ઉભો‌ છે, સંસ્કૃતિ પ્રમાણે તો એ હિમાલયનાં પણ દાદા છે એવું કહેવાય છે. જુનાગઢ પોતે ગિરનાર, મૃગીકુંડ, અને નરસિંહ મહેતા,અને ભવનાથ જેવા કેટલાય સ્વયંભૂ શિવલિંગ માટે જાણીતું છે,તેમજ કાર્તિક શુક્લમાં લીલી પરિક્રમા તેમજ શિવરાત્રીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે.


    ભવનાથમાં બે શિવલિંગ આવેલાં છે, અને નાનાં સ્વયંભૂ એક શિવલિંગમાં નાના-નાના દાણા જેવા ઉપસી આવેલા ભાગ છે, અને પ્રત્યેક ભાગ પર ઓમકાર લખેલું છે. જ્યારે બીજું મોટું શિવલિંગ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા એ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા માટે તેની પ્રતિષ્ઠા કરી હતી. તળેટીમાં આવેલું ભવનાથનું મંદિર જુનાગઢ શહેરથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે, અને રેલવે સ્ટેશનથી આશરે 5 કિલોમીટરનો રસ્તો થાય છે. અહીંથી પછી ગિરનાર ચડવાવાળા ભવનાથના દર્શન કરી આગળ જાય છે. ભવનાથના મંદિર સાથે પણ પૌરાણિક કથા જોડાયેલી છે.


    એકવાર ભગવાન શંકર પૃથ્વી પર સમાધિ સ્થળ શોધી રહ્યા હતા, અને તેમને ગિરનાર પસંદ આવી જતા તેઓ અહીં સમાધિમાં બેસી ગયાં. પાર્વતીજીને આ વાતની જાણ ન હતી કેટલાય વર્ષો રાહ જોઈ, છતાં ભગવાન આવ્યાં નહીં, આથી નારદ મુનિને શિવજીની તપાસ માટે પૃથ્વી પર મોકલ્યાં, નારદ મુનિએ માતા પાર્વતીને ગિરનાર પંથકમાં મહાદેવ બિરાજમાન છે, તેની જાણકારી માં પાર્વતી ને આપે છે, અને પાર્વતી સ્વયં પોતે આવે છે, અને ભગવાનને પાછા આવવા માટે ખૂબ જ સ્તુતિ પ્રાર્થના કરે છે. પરંતુ સમાધિ છૂટતી નથી, આથી તેત્રીસ કરોડ દેવતા આવીને ભગવાનની સમાધી છૂટે એ માટે પ્રયત્ન કરે છે, અંતે ભગવાન ભવનાથ સ્વરૂપે પ્રગટ થાય છે, અને શિવ-પાર્વતીનું મિલન થાય છે.


     મહાભારત કાળની વાત કરીએ તો તે આજ થી 5000 વર્ષ પૂર્વેની વાત છે, એટલે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા એ આ શિવલિંગની સ્થાપના કરી હોય તો, એ લીંગ પણ આશરે 5000 વર્ષ પ્રાચીન છે એમ કહી શકાય. આ ઉપરાંત મૃગી કુંડનો પણ ઇતિહાસ બતાવવામાં આવ્યો છે કે, શિવ પાર્વતી ફરતા-ફરતા ગિરનાર પાસેથી પસાર થાય છે, ત્યારે પોતાના વસ્ત્રો ફેંકે છે, અને અહીં સુવર્ણ રેખા નદી મધ્ય આવેલ આ મૃગીકુંડની રચના થાય છે. શિવરાત્રિના મેળામાં આવતા અઘોરીઓ તેમજ નાગાબાવાઓ મૃગીકુંડમાં સ્નાન કરી પછી જ શિવરાત્રીનાં મેળામાં પ્રવેશ કરે છે, તેમજ પાછા ફરતી વખતે મૃગીકુંડમાં ડૂબકી મારીને અલોપ થઈ જાય છે. એટલે આ પણ એક રહસ્યમય ઘટના છે કે, ક્યાંથી આવ્યા અને ક્યાં ગયાં? તે કોઈ કહી શકતું નથી. કહેવાય છે કે ભગવાન શંકર સ્વયં પોતે શિવરાત્રીના મેળામાં પ્રત્યક્ષ હાજરી આપે છે.શિવરાત્રિએ રાત્રે 12 વાગ્યે નાગા બાવા સાધુઓનું સરઘસ નીકળે છે.આ સરઘસમાં પહેલી પાલખી ભગવાન ગુરૂ દતાત્રેયની હોય છે.ત્યારબાદ અન્ય અખાડાઓની પાલખી ઓ સાથે જુદા જુદા સ્થળોએથી આવેલા સાધુઓ જોડાય છે.નાગા સાધુઓ તલવાર,લાકડી, ભાલા ઓ સાથે વિવિધ કરતબો કરતાં દ્રશ્યમાન થાય છે.છેલ્લે સરઘસ ભવનાથ મંદિરના પટાંગણમાં દાખલ થઈને મૃગીકુંડ સુધી આવે છે. નિયત કરેલા સમય મુજબ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારબાદ સૌ ભવનાથ મહાદેવની મહાઆરતી તેમજ પુજાઅર્ચના કરે છે.નાથસંપ્રદાયના સાધુઓ હાથમાં મશાલ લઈને નીકળે છે, ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાય છે.


      સુવર્ણરેખા નદીની મધ્યમાં આવેલા પુરાણ પ્રસિધ્ધ મૃગીકુંડના કિનારે આવેલ આ શિવલિંગનો ઇતિહાસ રાજા ભોજના સમય સુધી જાય છે. થોડા વર્ષ પહેલા જ્યારે આ મંદિરનો જીર્ણોધ્ધાર થતો હતો, ત્યારે તેના પાયા નજીકથી 8-10 ફૂટ ઊંડે સુંદર અને સૂક્ષ્મ કોતરણી વાળા શિલાખંડો મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે ભૂતકાળમાં આ મંદિર ભવ્ય જાહોજહાલી ધરાવતું હશે.કાળક્રમે કુદરતી હોનારત કે આક્રમણનો ભોગ બનીને મંદિર કદાચ ધ્વસ્ત થયું હશે.


    હાલમાં આવેલું ભવનાથ મંદિરનો જીણોદ્ધાર 2001 ના ધરતી કંપ પછી થયો છે,એ જીર્ણોદ્ધાર થયેલું સ્વરૂપ આપણે દર્શન અર્થે જઈએ ત્યારે જોવા મળે છે, પરંતુ તેના ઇતિહાસના છેડાઓ કઈ કેટલાય પ્રાચીન છે, તે આપણે જોયું. સ્વયં શિવજી એ અહીં સમાધિ લીધી હોય તો, આ મંદિર આશરે સતયુગનું એટલે કે ઘણું એટલે ઘણું પ્રાચીન છે. આપણે સૌ કેટલા ભાગ્યશાળી કે આવા પ્રાચીન મંદિરનાં ઇતિહાસ સાથે આપણે સંકળાયેલા છીએ, અને આપણે તેના દર્શન પણ કરી શકીએ છીએ. આમ તો ગિરનાર પોતે જ એક શિવલિંગ કે શંકરનું સ્વરૂપ છે, અને તેના ભૂગર્ભમાં પણ શિવની જેમ આપણી માટે સદાય કલ્યાણની ધારા વહે છે. જે કેટલાય કુદરતી સંકટોનો સામનો ખુદ કરી આપણને તેનાથી બચાવે છે.


    આ ઉપરાંત ભગવાન દત્તાત્રેયની વાત પણ ગિરનાર સાથે જોડાયેલી છે, અને દત્તાત્રેયની ટૂંક પણ ગિરનારમાં આવેલી છે. કહેવાય છે કે ભગવાન દત્તાત્રેય પાંચ કે છ દિવસ અહીં રહ્યા હતા, અને તેઓ ગિરનાર આસપાસ ફર્યા હતા, એટલે ભકતો ભગવાન દત્તાત્રેયની સ્મૃતિમાં લીલી પરિક્રમાનો ઉત્સવ ઊજવે છે. શિવરાત્રીના મેળાનો પ્રારંભ મહા વદ નોમથી શરૂ થાય છે અને ભવનાથ પર ધ્વજા રોહણ કર્યા પછી, શિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય છે તે મહાશિવરાત્રી સુધી આ ઉત્સવ ચાલે છે અને કઈ કેટલાય અખાડાઓમાં શિવ પ્રેમીઓ આવે છે અને ભાવિક ભક્તો પણ આ મેળાનો લાભ તેમજ આ બધું નજરે નિહાળવાનો લ્હાવો લેવા આવતા હોય છે. આ મંદિરમાં કોઈ રહેઠાણની વ્યવસ્થા નથી, પરંતુ આ મંદિર આસપાસ ૬૦ જેટલી ધર્મશાળાઓ આવેલી છે, અને ત્યાં આગળ રોકાણ કરી શકાય તેવી વ્યવસ્થા પણ છે, અને બે વાર ભોજનની પણ વ્યવસ્થા આ આશ્રમો કે ધર્મશાળાઓમાં કરવામાં આવી છે. આપણે સૌ આવા પ્રાચીન મંદિરના દર્શને જઈ શકીએ, એ માટે કાળ રૂપી રાક્ષસનો મહાકાળ જ ખાત્મો કરી શકે તેમ છે. તેના ચરણોમાં નિત્ય શુભ મંગલની પ્રાર્થના કરીએ, બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


     લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.