Pages

મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023

ચિંતનની ક્ષણે શ્રાવણ માસ સ્પેશિયલ લેખ

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


સંસાર એ સર્પ, મોર, ઉંદર, સિંહ, વાધ, જેવી વિચિત્રતાથી ભરેલો છે. તેમાં શંકરની જેમ તાલમેલ સાધીને જીવીએ, તો આપણાં જીવનના મૂલ્યનું ગાણું કોઇ ગાશે.


હે મહાદેવ.

          આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઓચિંતાની આવી પડેલી કોઈ પણ ઉપાધિનો ઉપાય શોધવા, અમે આપને શરણે આવતા હોઈએ છીએ. જીવન રહેતા એ જીવન વિશે કંઈ જ વિચાર્યું નહીં, અને હવે જ્યારે હાથથી છૂટતું દેખાય છે, ત્યારે જાણે એકાએક જાગી ગયાં હોય તેમ જે રસ્તો હાથ લાગે તે તરફ દોડવા લાગે છે! અને ત્યારે એને ખ્યાલ આવે છે, કે જો અહીં ટકવું હશે તો જીવનધોરણ બદલવું પડશે. ભોગવિલાસ અને આંધળું અનુકરણ કરનારી, રહેણી કરણીમાં હવે સુધાર લાવવો પડશે. માનવતાના મૂલ્યોનું ફરીથી સિંચન કરવું પડશે અને એટલે શિવ મહિમ્ન સ્તોત્ર આગળ..


 શિવ મહિમ્ન સ્તોત્ર.

🌹🌹🌹🌹🌹🌹


મન: પ્રત્યક્ ચિત્તે સવિધમવધાય: ત્તમરુત:

પ્રહૃષ્યેદ્રોણમાણ: પ્રમદસલિલોત્સં ગિતદશ: |

યદાલોક્યાહલાદં હૃદઈવ નિમજ્જયામૃતમયે

દધત્વં તરતત્વં કિમપિ યમિનસ્તત્કિલ ભવાન્ || 25 ||


અર્થ : હે દાતા ! સત્ય-બ્રહ્માને શોધવા માટે અંતમૂઢ થયેલા જે યોગીઓ છે, તેઓ મનને, હૃદયને રોકીને, યોગ-શાસ્ત્રમાં બતાવેલા, યમ, નિયમ, આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે. એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ, વળી ઈન્દ્રિયોને અગમ્ય, માત્ર અનુભવીએ જાણી શકનારા અવર્ણનીય એવાં તારા તત્વને, અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતાં હોય એવો આનંદ મેળવે છે.


ત્વમર્કત્સ્વ સોમત્સ્વમપિ પવનસ્ત્વં હુતવહ

સ્ત્વમાપસ્ત્વ વ્યોમ ત્વમુ ધરણિરાત્મા ત્વમિતિચ |

પરિચિછન્નામેવં ત્વયિ પરિજતા બિભ્રતુ ગિરં

ન વિદ્મસ્તત્તત્વં વયમહિ તુ યત્વં ન ભવસિ || 26 ||


અર્થ : ‘હે વિશ્વંભર ! તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જલ તથા આકાશ રૂપે છે. તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે. એમ જુદાં જુદાં સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે. પરંતુ હે પ્રભો ! તે બધાંનાં રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કર્તા, ભોક્તા અને નાશકર્તા બની રહેલો છે.


ત્રયી તિસ્ત્રો વૃત્તિસ્ત્રીભુવમથો ત્રીનપિ સુરા

નકરાર્વધણૈ સ્ત્રીભિરભિદધત્તીર્ણ વિકૃત્તિ |

તુરીયં તે ધામ ધ્વનિભિરવરુંધાનમયૂભિ:

સમસ્ત વ્યક્તં ત્વાં શરણદ ! ગૃણાત્યોમિતિ પદમ || 27 ||


અર્થ : હે અશરણશરણ ! ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરોના ને ભલા ૐકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને અકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂલસૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે. વળી, યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદિ સર્વ ઉપાધિઓથી રહિત અખંડ ચૈતન્ય સ્વરૂપાત્મા ૐકાર રૂપ સિદ્ધ કરે છે.


ભવ: શર્વો રુદ્ર: પશુપતિરથોગ્ર: સહ મહાં

સ્તથાં ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ |

અમુષ્મિનપ્રત્યેકં પ્રવિચરતિ દેવો શ્રુતિરપિ

પ્રિયા યાસ્મૈ ધામ્ને પ્રણિહિતનમ સ્યોસ્મિ ભવતે || 28 ||


અર્થ : હે દેવ ! તું જગતકર્તા ભક્તો માટે જન્મ લેનાર, સર્વ પશુઓના પાલક રૂપે પશુપતિ, પાપીઓના પાપ વિનાશન રૂપ રુદ્ર, અધર્મીઓને દંડ દેનારો ઉગ્ર, સર્વના સ્વત્વરૂપે સહમહાન વિષપાન, રાવણને દંડ, ત્રિપુરનાશ અને કામદહન જેવાં ભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેચ્છ અને યથાર્થ નિયમમાં રાખનાર ‘ઈશાન’ છે. આવી રીતે જેમ શ્રુતિ ‘પ્રણવ’ નો બોધ કરાવે છે. તેમ આ તમારા આઠ નામોનો પણ શ્રુતિ બોધ કરાવે છે. હે દેવ ! પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદશ્ય, સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નહિ જાણતો હોવાથી, હું માત્ર વાણી, મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું.



   આજે આપણે શંકરના પરિવાર વિશે વાત કરીશું.

ભગવાન શંકરના પરિવારમાં તેની પત્ની પાર્વતી, એટલે કે જગતજનની મા આદ્યશક્તિ પરા અંબા, બે પુત્રો કાર્તિકે અને ગણેશ. ભગવાન શંકરને એક પુત્રી ઓખા પણ હતી, પરંતુ શિવાલયમાં તેને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. ઉપરાંત તેના ગણોમાં નંદી અને કાચબો જેને શિવાલયમાં સ્થાન મળ્યું છે.


   માતા પાર્વતી એટલે કે આદ્યશક્તિનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ, કે તે પહેલા જન્મમાં એ દક્ષ પુત્રી સતી હતા, કુંભજ ઋષિના આશ્રમમાં, શંકર સાથે કથા સાંભળવા જાય છે, અને જે પરબ્રહ્મની કથા સાંભળીને આવ્યા તેને જ રસ્તામાં પોતાની પત્નીના વિલાપ કરતાં જોઈ તેના મનમાં શંકા જાય છે, અને તે ભગવાન ની પરીક્ષા કરે છે‌. તે આખી ઘટના આપણે જાણીએ છીએ, કે શિવજી તેનો ત્યાગ કરે છે, અને અંતે દક્ષ યજ્ઞમાં પોતાના સતી સ્વરૂપની આહુતિ આપે છે. પછી હિમાચલના ઘરે પાર્વતી તરીકે જન્મ લઇ, શિવ શંકર ને પામવા માટે કઠીન તપસ્યા કરે છે. ઉપરાંત પૃથ્વી પર ત્યારે રાક્ષસોનો પાપાચાર ખૂબ વધી ગયો હતો. દેવી-દેવતાઓને પૃથ્વી, નારાયણ પાસે સ્તુતિ કરે છે. ભગવાન નારાયણ શંકર સમાધિમાંથી જાગીને, હિમાચલ ની પુત્રી પાર્વતી સાથે લગ્ન કરે તો આ સમસ્યાનો અંત આવે એમ કહે. તેઓના દાંપત્યથી કાર્તિકેયનો જન્મ થાય, અને એ કાર્તિકેય તાડકાસુર અને અન્ય રાક્ષસોનો નાશ કરશે. આથી ભગવાન શંકર ને સમાધી માંથી ઉઠાડવા માટે કામદેવ ભસ્મીભૂત થઈ જાય છે. શિવ શંકર સમાધિમાંથી બહાર આવી, અને પાર્વતી સાથે લગ્ન કરવા આવે છે. 

   

શંકર પાર્વતીના ગૃહસ્થાશ્રમના પરિણામ સ્વરૂપ કાર્તિકેયનો જન્મ થાય છે, અને માત્ર છ વર્ષની કાર્તિકેયની ઉંમરમાં તે તાડકાસુરનો વધ કરે છે. આમ તે પોતાના જન્મનું કર્મ સિધ્ધ કરી પૃથ્વીને પાપાચાર થી મુક્ત કરે છે. કાર્તિકેયનું વાહન મોર બતાવાયું છે અને તે ખુબ જ શક્તિશાળી એટલે તાકાત ધરાવતા દેવ છે. શારીરિક અશક્તિ ધરાવતા લોકો કાર્તિકેયની પૂજા ઉપાસના કરી, અને શક્તિ પ્રાપ્ત કરે છે. કાર્તિકેયને પણ શિવાલયમાં સ્થાન નથી પરંતુ દક્ષિણ ભારતમાં તે મુરગન સ્વામીના નામે પ્રચલિત છે અને ત્યાં તેના ઘણા મંદિરો જોવા મળે છે.


   ગણેશ, ગણેશનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે શિવ શંકર સમાધિમાં હતા, અને તેને આ પોતાના બીજા પુત્રના જન્મ વિશે કોઈ જ્ઞાન કે જાણકારી હતી નહીં. આથી તે જ્યારે સમાધિમાંથી બહાર આવી, અને પોતાના નિવાસસ્થાને પાછા આવે છે, ત્યારે પાર્વતીજી સ્નાન કરવા ગયા હોય છે, અને ગણેશને ઘરની જવાબદારી સોંપી હોય છે. આથી ભગવાન શંકર આવે છે, ત્યારે ગણેશ તેને પોતાના ઘરમાં પ્રવેશવા દેતા નથી, અને આ રીતે બાપ-દીકરા વચ્ચે ત્યાં બોલાચાલી અને નાનકડું યુદ્ધ બતાવાયું છે. સર્વ સમર્થ એવા શિવ શંકર અત્યંત ક્રોધાયમાન થાય છે, અને ગણેશનું મસ્તક ઉડાવી દે છે.ત્યાં સુધીમાં માતા પાર્વતી આવી જાય છે અને અત્યંત વિલાપ કરે છે. પછી આપણે બધા જ જાણીએ છીએ કે શંકર ભગવાન હાથીનું મસ્તક તે ધડ પર રાખી અને ગણેશ ને પાછા જીવિત કરે છે આ દંતકથા શિવપુરાણમાં કહેવામાં આવી છે.


   શિવજી ના ગણ તેને અત્યંત પ્રિય છે, અને તેના ગણ તરીકે ભૂત ની ટોળી તેની સંગ રહે છે, એવું કહેવામાં આવે છે. એટલે જે કોઈ સાધક ભગવાન શંકરની ઉપાસના કરે, તેના ભૂતકાળને ભગવાન પોતાની પાસે રાખી, અને સાધકને તેના ભારમાંથી મુક્ત કરે છે. નંદી વિશે આપણે ગઈકાલે સ્વતંત્ર ચિંતન કર્યું.


   શિવ પરિવારમાં બધા જ વિલક્ષણ વેશભૂષાને, વિલક્ષણ વાહન ધરાવતા સભ્યો છે. હવે શિવ શંકરને ઘરના મુખિયા તરીકે જો જાણવામાં આવે, તો દરેક પરિવારમાં જુદી જુદી બુદ્ધિપ્રતિભા અને સ્વભાવ ધરાવતા લોકો વસે છે, છતાં તેની સાથે તાલમેલ કરી અને મુખિયા તેનું અનુશાસન કરતા હોય છે, તેવો એક ગુપ્ત સંદેશ પણ આ પરિવાર માંથી આપણને મળે છે. સૌથી પ્રથમ બુદ્ધિની અધિષ્ઠાત્રી એવા મા પાર્વતી, ગમે તેટલી પ્રખર બુદ્ધિ ધરાવતા હોવા છતાં, તે પોતાના પતિની સામાન્ય સ્ત્રીની જેમ સેવા ચાકરી કરતા બતાવાયા છે. આદર્શ સતીત્વ કે પતિવ્રતા સ્ત્રીનું ઉત્તમ ઉદાહરણ માતા પાર્વતીના ચરિત્ર માંથી ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત પોતે સ્ત્રી શક્તિ જાગૃતિના પણ હિમાયતી છે. એટલે બુદ્ધિની પ્રખરતા કે ચાતુર્યનું પરિવારના સંબંધમાં મહત્વ નથી હોતું. સમાજમાં કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે, આપણે તેનો ઉપયોગ કરવાનો હોય છે, પતિ ના ચરણોમાં તો સમર્પણ જ હોય એવો sandesh પાર્વતી ચરિત્ર આપે છે. કાર્તિકેય ચરિત્ર આપણને વીરતા બતાવે છે, તે શક્તિનો ઉપયોગ હંમેશા દૂષણનો નાશ કરવા માટે કરવો, નહીં કે કુપોષિત પર તે શક્તિથી અનુશાસન કરવુ. ગણેશ, ગણેશને વિવેકનાં દેવ તરીકે માનવામાં આવે છે. તેમનું શરીર એ બતાવે છે, કે અહંકારને ત્યાં કોઈ સ્થાન નથી. હાથીનું મસ્તક નાનકડા શરીર પર રાખી ભગવાને પણ એ સિદ્ધ કર્યું કે અહંકાર ન હોય તો મનુષ્ય હાથી જેવા મહાન કાર્ય કરી શકે. ઉપરાંત ગણેશનું વાહન ઉંદર બતાવાયુ છે, તો આટલો મોટો ભાર આવડા નાના વાહન પર કઈ રીતે, એ પ્રશ્નાર્થ પણ થાય. તો વિવેકથી અહંકારનો નાશ કરી, અને આપણું વજન ઘટાડી અને વિવેક વધારી નાનામાં નાના જીવ સુધી પહોંચવું.


    પાર્વતીનું વાહન સિંહ કે વાઘ માનવામાં આવે છે, ગણેશનું વાહન ઉંદર ,કાર્તિકેયનું વાહન મોર, શિવ શંકરના આભૂષણ તરીકે ભુજંગ. બધા જ વિવિધ અને વિરોધાભાષી પ્રકૃતિ ધરાવતા પ્રાણીઓ, અહીં એક થઈને રહે છે. કોઈ દિવસ સાંભળ્યું નથી કે શંકરના સર્પ એ ઉંદર ગળી ગયા, કે મોર એ સાપને મારી નાખ્યો, કે સિંહ વાઘ એ મોરને મારી નાખ્યો. તો આ વાત બતાવે છે, કે સંસાર એ વિચિત્રતા થી ભરેલો છે. તેમાં શંકરની જેમ તાલમેલ સાધી અને જીવન જીવીએ, તો આપણા જીવનના મૂલ્યનું ગાણું કોઇ ગાશે.શિવ શંકરને ભજતા ભજતા આપણે પણ, તેના પરિવારમાં ઓતપ્રોત થઈ, તે તમામ ગુણોને પણ અપનાવી આ શ્રાવણનું અનુષ્ઠાન પૂરું કરીએ, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું મારા શબ્દોને અહી વિરમું છું. તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.