પ્રેમ ગામડાનો - હરેશ ભટ્ટ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2023

પ્રેમ ગામડાનો - હરેશ ભટ્ટ

શીર્ષક --- "પ્રેમ ગામડાનો"

લેખક -- હરેશ ભટ્ટ

-----------------------------------


આજે ગામના ચોરે મોટા ઉપાડે રાડા રાડ થઇ ગઈ શિવો ચોરા પર ઉપર ચડીને મોટે મોટેથી કહેતો હતો કે આજે તો ભારે થઇ ગઈ જમનાએ બે ચાર જણાની પીટાઈ કરી નાખી જલ્દી જાઓ એને છોડાવો નહિ તો આજે ગામના એ આબરૂદાર માણસોનું તો આવી બનવાનું છે. ગામના લોકો તો અંદર અંદર વાતુ કરવા માંડ્યા એક જણ કહે " આ જમનાડી શીદને આવું કરતી હશે? અરે આમેય ઈ મગજની ફાટેલ છે કાંઈ કહેવાતું તો છે નહિ ઈને , એણે વરહ પહેલા આંઈ આ ચોરા ઉપર જ મગનાને ધીબી નાઈખોતો કેવું બોલતી'તી "મારા ધણી માટે તું બોઈલો જ કેમ? તારી હિંમત કેવી રીતે થઇ, અરે પીટીયા મારે ને મારા ધણીને કાંઈ પણ થાય ઈમાં તું ડાહ્યો શુકામને થાશ? ખબરદાર જો હવે બોઈલો છો તો" અને વરહ થી તો પિયરમાં ગુડાણી છે અને આજે પાછું શું થ્યું , ન્યા જ શાંતા બા બોલ્યા કે "અરે એની કયાં માંડશ તને યાદ નથી હમણાં છ મહિના પહેલા જ ચતુરને માઈરો તો ઈ , અરે ચતુરે જમનાના ધણી બાલાને સમજાઈવો કે ભાઈ તું કાં તારી બાઈડીને હાથે પગે જોડીને ઘેર લઇ આવ અને કાં તું ઇના બાપને ઘેર રહેવા વયો જા , આ તારો છોકરોય ઈની હારે છે , ઈ એના મગજમાં તારી વિરુદ્ધ ઝેર ભરતી હશે છોકરો મોટો થાશે તો ઇયે ય તે તારી સામે થઇ જાશે , આ તે કાંઈ તારું જીવન છે? આ વાત ઓલી જમનાડીને ખબર પડી ને ઓલી તો ધુઆં પુઆ થાતી આઈવી ને સરપંચની ઓફિસમાં જ લીધો ચતુરને " કેમ એલા મારા વર ને શું ઉઠા ભણાવસ હેં , હું અમારા છોકરાના મગજમાં ઈની વિરુદ્ધ ઝેર ભરું, મારો ધણી મારા બાપને ઘેર રહેવા આવી જાય ઈમ , એલા એય, મારા ધણી માટે બીજા કોઈ ભૂંડું બોલે તો મારાથી નથી ખમાતું અને હું ઇના વિરુદ્ધ મારા દીકરાના મગજમાં ઝેર ભરું ? અરે મારો ધણી તો લાખોમાં એક છે, ઈની તોલે કોઈ નો આવે , હું તો મારા દીકરાને ઇના બાપના ગુણ જ બતાડું, કાલ એનેય માન થાય , ફરી વાર બોલતા દસ વાર વિચારજે,


આ જમનાનું મગજ કોઈને સમજાતું નથી, હાળું એક બાજુથી એને એના ધણી હારે રહેવા જાવું નથી એને એની હારે વાંધો છે અને બીજી બાજુ કોઈ એની કે એના ધણીની વાત કરે તો ખમાતું નથી , ગામના મુખીએય કહે કે આનું કરવું શું? અને આમાં તકલીફ એક જ છે જમનાનો ધણી બાલો સાવ શાંત માણસ એને શાંતિથી જીવવા જોઈએ , એને પારકી પંચાત, કારણ વગરની માથાકૂટ ફાવે જ નહિ, એ ભલો ને એનું કામ ભલું, આમ તો એની જમીન મોટી વીસ વીઘા , એમાં પાક પણ સારો ઉતારે, દરેક ઋતુના પાક ઉતારે બાલાનું કામ સીધું એ શાંત ખરો પણ ચાલાક અને હોંશિયાર પણ એટલો કોઈ એને છેતરી ના શકે. પાક ઉતારી બજારમાં વેચવા જાય ત્યારે એને ખબર હોય કે ભાવ શું ચાલે છે અને કેટલા પૈસા લેવાના છે, કોઈ વેપારી એને ફોસલાવી ના શકે , એનો પાક હોય સોના જેવો સોળ આની એટલે પૈસા તો મળે જ , એ બિયારણ, ખાતર , દવા લેવા જાય ત્યારેય ભાવ કરીને લ્યે અને વાપરતા તકલીફ લાગે તો પાછો જાય અને હક્ક થી બદલાઈ આવે, આવો પાકો બાલો પત્ની જમના ની બાબતમાં ચુપ,


જમનાની જો વાત કરીએ તો દેખાવમાં ઠસ્સાદાર બાલા જેટલીજ ઉંચી પાંચ ફૂટ આઠ ઇંચ મજબુત બાંધો જાણે કસરતી શરીર પણ સ્વભાવે બાલાથી બિલકુલ વિપરીત શાંતિથી ફાવે જ નહિ તડ ને ફડ અરે બાલો ય ઝપટમાં આવી જાય, જમના વાત વાતમાં કહે કે " કેટલા ઢીલા છો અરે ખેતરમાં સાથીઓને પપલાવવા ના શું? આડો અવળો થાય શીનો ? તમે ઇના ખેતરે કામ કરો છો કે ઈ તમારા ખેતરે? બાલો જવાબ જ ના આપે, એ વિચારે આ એવી કાંઈ ધ્યાન દેવા જેવી અગત્યની વાત નથી, આ જમના ને કાંઈ સમજણ પડે નહિ, ઈ લોકોને હું સાચવું અને ઈ લોકો મને અને મારા પાકને સાચવે ઈમાં હું એને સાચવું, ઈ લોકો હારે રોટલો ખાવા બેસું ઈમાં બીજાને તકલીફ શું? ભાઈ તમે તમારું તમારું જુવોને , આ મારી રીત છે. અને ઓલી જમના બાળાને વાત વાતમાં ટોકે ક્યારેક તો પાંચ જણા વચ્ચે ઉતારી પણ પાડે તોય બાલો કાંઈ ના બોલે, એ તો એવું કહે બધા એને અને મને બેયને ઓળખે છે દમ વગરની વાતમાં શું સમય બગાડવાનો ? પણ જમના સંપૂર્ણ પતિવ્રતા એના બાલાને પોતે ગમે તે કહે પણ બીજું કોઈ જો બોલ્યું તો એનો ઘડો લાડવો થઇ જાય. એક વાર શહેરમાં ભણતા સરપંચના છોકરાએ કહેલું કે "તું બાલો છે કે બાયલો?" ત્યારે સરપંચને ઘેર જઈ ઈ છોકરાના વાળ ખેંચી ફળિયામાં લાવી ધીબેડ્યોતો અને કીધુતું કે "મારા ધણીને બાયલો કીધો? એય સરપંચ બાપાનો દીકરો છો ને એટલે જાવા દીધો બાકી મારા ધણીને કામ અને વેપારમાં તું પુગી નહિ શક અને એય આ દીકરો અમારો પોતાનો છે એટલામાં સમજી જા ઈ બાલો છે બાયલો નહિ ", આટલું બોલ્યા પછી કાંઠલો છોડ્યો અને હાલતી થઇ, લોકોએ એ છોકરાને જ કીધું કે ઈની સામે શીંગડા ભરાવાય? ભારાડી છે ભલે ધણી હારે બાખડતી હોય તલવારની જેમ જીભ ચલાવતી હોય બાકી ઈ તો ઇના ધણીની ઢાલ છે.


આ બાલો જમનાની કોઈ વાત ના માને એ કહે કે જમના તું અમુક વાતમાં ખોટી માથા કુટસ જે વાત આપણને અડતી ના હોય એને મગજને અડાડવાની કાંઈ જરૂર ખરી? ત્યારે જમના કહે કે તમે આવા ઢીલા જ રહેવાના, લોકો તમારો લાભ લઇ જાશે અને તમે "હશે કાંઈ વાંધો નહિ તું રાજી રહે " કરીને ઉભા રહેશો. આવી ચણભણ માં એક દી જમના દીકરાને લઇ પોતાના પિયર વઈ ગઈ, ત્યારેય બાલાએ ટાઢો પ્રતિભાવ આપ્યો " જેમ ગઈ છે એમ જ પાછી આવશે, કોક દિ જઈને કહેજો બાલો માંદો પઇડો છે, ,મુંઠીયું વાળીને દોડશે , અને એક દિવસ એવું થયેલું બાલાને તાવ આવ્યો હતો ત્યારે એને ખબર પડી એટલે બાપને ઘેર થી ભાત લઈને આવી હતી અને બે દિવસ પછી પાછી પણ ગઈ,


એક વાત તો છે જ ગામડાની ધરતીની કે ગામડાની ગોરી એ જેને પતિ તરીકે માન્યો , જેની સાથે સંસાર માંડ્યો એને ભગવાન જ માને એને કાંઈ કહેવાય નહિ એવું જ આ જમનાનું હતું, આ આજે ધીંગાણું શેનું થ્યુ ? ઓલા ઈ જ સરપંચના છોકરા ચતુરે કહ્યું કે બાલા છુટું કરી દે આવી તે કેવી જીંદગી, છતી બાયડીએ વિધુર ની જેમ રહેવાનું આજે મારો વકીલ ભાઈબંધ અહીં જ છે બોલ કાગળીયા તૈયાર કરાવી દઉં ? અને છુટું થાય એટલે તારા માટે બીજી કન્યા તો તૈયાર હશે જ , જોકે બાલાએ કહ્યું "જમના જેવી છે એવી મારી છે ઇનાથી છૂટો નો થાઉં ઈ પાછી આવશે જ ઈનો ગુસ્સો દુધના ઉભરા અને પાણીના રેલા જેવો છે પછી મનમાં કાંઈ નહીં , અને ઇના જેવો પ્રેમ કોઈ નો કરે." હવે આ વાત જમનાને ખબર પડી અને વાવાજોડાની જેમ આવી અને આજ તો ચતુર અને ઓલો વકીલ ભાઈબંધ બેય પર ડંગોરો લઈને ફરી વળી. એણે તો ઓલા વકીલને કીધું કે "હાલ એય સાંભળી લે આ લગન એટલે ઢીંગલા ઢીંગલીના ખેલ તમારા શહેરમાં, શરૂઆતમાં ફાવે એટલે જલસા કરે પછી નો ફાઈવું એટલે નથી રમતા છુટ્ટા ઈમ કહી છુટા પડી જાય.ઈ બધું બીજે હાલતું હઈશે, અમારા ગામડા ગામમાં નહિ , મારા અને મારા ઘણી બાલા વચ્ચે મત ભેદ હોય મન ભેદ નહિ, ઈ મારો ધણી છે, મારો છે અને મારો જ રહેશે કોઈનો નો થાય ઈ મનેય ખબર છે " આટલું બોલી ધ્રુસકે ચડી ગઈ, ત્યાં શાંતા બાઈ એના વાંસા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે " જમના આ રોજની માથાકૂટ શુકામ ? તું બાલા હારે આવી જા બેય એક બીજાના છો જ તો હારે રયોને , જમના બેટા તું જ કહેશ ને કે પાંચેય આંગળીએ દેવ પૂજ્યા એટલે બાલો મળ્યો , સ્વભાવ બદલ જીવન બદલાઈ જાશે , આપણને શહેરની હવા નો લાગે છુટા ના થાઇએ આપણો પ્રેમ ગામડાનો , ભલે ગામડાના, પણ માણસો સાચી લાગણીના , દંભ, દેખાડો, બનાવટ બધું શહેરમાં આપણી આવભગત સાચી હોય દંભ દેખાડાની નહિ. એટલે જ પ્રેમ ગામડાનો.


એ ઘટના પછી જમના બદલાઈ એટલે લોકો પણ બદલાયા ગામડામાં કોઈ મનમાં ના રાખે પાછા એક થઇ જાય કારણ એ મતભેદ હોય મન ભેદ નહિ. એક વાર જાજો ગામડે, જોજો ગામડાના માણસોની દિલની લાગણી તમને થાશે કે પ્રેમ તો ગામડાનો .

--------------------------------

બાંહેધરી-આ વાર્તા મારી પોતાની લખેલી છે, કોઈની રચનાની નકલ નથી.કોઈને એવું કાંઈ લાગે તો પગલાં લઇ શકે છે. -- હરેશ ભટ્ટ

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- 

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...