Pages

મંગળવાર, 24 ઑક્ટોબર, 2023

દશેરા - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક પ્રાસંગિક


આજે રાવણ બહાર નથી, દરેકમાં ભીતર જ એક રામ અને એક રાવણ બંને વસે છે, એને ઓળખવો પડશે


    શક્રાદયા સૂરગણાં નિહતે તિવિર્ય તસ્મિન દુરાત્મનિ સૂરારિ બલે ચ દેવ્યામ, ... નોમ નાં પણ યજ્ઞ કાર્ય સંપન્ન થયા. વિશ્વંભરી, જય આદ્યા શક્તિની આરતી, તેમજ આંખડી અધીર મારી આંખડી અધીર.. અંબા અભય પદ દાયની રે.. ડુંગર માંથી પ્રગટ્યા છો મા હરસિદ્ધા જયકારી હો.. છેટાં રહોને સૌ છેટાં રહો અંબે બહુચરને રમવા દ્યો... આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આતો મારાં માજીના રથનો રણકાર... દર્શન ક્યારે દેશો દયાળી મા.. આ બધું જ હવે નવરાત્રી પૂરી થતાં પુરું! નવ નવ દિવસથી ચાલતું આ ભક્તિ ભાવનું પર્વ કાળીયુગી માનસિકતા પ્રમાણે પૂર્ણ થયું, એટલે કે કોઈ એ સાત્વિક શ્રદ્ધાથી આ ઉપાસના કરી, તો કોઈએ તામસી સાધનાથી કંઈક મેળવવા માટે મા જગદંબાની ઉપાસના કરી, બહાર તો બધું સરખું કર્યું, પરંતુ અંદર હજી એક બહુ મોટો વિકાર એટલે કે આ અહંકાર રહી ગયો છે, અને એને પણ ખત્મ કરવો પડશે. આપણે ત્યાં રાવણને અહંકારનાં અવતાર‌ તરીકે ઓળખવામાં આવે છે,તો આજે આપણે દશેરા એ લંકા પતિ રાવણ નરેશનાં અહંકાર વિશે વાત કરીશું.



   આજે આસો સુદ દશમ એટલે કે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર છે, અને આપણે આ તહેવાર રામરૂપી સત્યના વિજયની યાદમાં ઉજવીએ છીએ. ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને જાનકી પિતાનું વચન નિભાવવા માટે જ્યારે 14 વર્ષનો વનવાસ ભોગવી રહ્યા છે, ત્યારે લંકાપતિ રાવણ સીતા માતાનું અપહરણ કરે છે, અને પોતાના દેશમાં લઈ જઈ તેને કેદ કરે છે. ભગવાન રામ ત્યારે સુગ્રીવ હનુમંત, અંગદ, જામવંત, નલ નીલ વગેરે જેવા રીંછ અને વાનરની સેના સાથે લંકા પર આક્રમણ કરે છે, અને રાવણનો વધ કરી સીતાજીને તેની કેદમાંથી છોડાવે છે. આટલી પ્રાથમિક માહિતી લગભગ દરેક ભારતીયને છે, અને ન હોય તો હોવી પણ જોઈએ. સતયુગ પછી ત્રેતાયુગ, ત્રેતા પછી દ્વાપર, અને દ્વાપર પછી અત્યારે કળિયુગ એની અસીમતા વટાવતો જાય છે. એટલે કે સમાજની બેન દીકરીઓની ઈજ્જત સરેઆમ ઉછળે છે, અને છતાં આરોપી આઝાદ ફરે છે. એટલે એવું લાગે કે આપણે આ દશેરાનો તહેવાર ઉજવીને રાવણને દંડ કરી રહ્યા છીએ! સમય બદલાય એમ સંદર્ભ પણ બદલાય, એટલે એ રીતે રાવણ આપણને ઘણો સજ્જન લાગે, કારણ કે એણે લંકામાં લઈ જવા છતાં સીતાજીનો સ્પર્શ પણ કર્યો નથી. આ ઉપરાંત યુદ્ધમાં પણ ક્યાંય અનીતિ થઈ હોય એવું નોંધાયું નથી, રાવણના પુત્ર ઇન્દ્રજીત કે મેઘનાદે વિજય માટે યજ્ઞ કર્યો હતો, એવી વાત નોંધાઈ છે, પણ રાવણે પોતાની જીત માટે કંઈ કર્યું હોય એવું નોંધાયું નથી. એટલે કે મંત્ર તંત્રનો પ્રયોગ તેણે કર્યો નહોતો! કારણ કે એ જાણતો હતો કે, પોતે આ ખોટું કરી રહ્યો છે, પણ એને પ્રભુ શ્રીરામના હાથે મૃત્યુ જોઈતું હતું, એટલે તેને બગાવત કરી એવો પણ અર્થ કાઢી શકાય, અથવા તુલસીદાસજી લખે છે તેમ રાવણ પણ અવતાર હતો.


    કાળ ગણના પ્રમાણે અત્યારે દાનવ શ્રેણી દેખીતી રીતે લુપ્ત થઈ ગઈ છે, એટલે કે એક કરતાં વધુ મસ્તક હોવા માથે શિંગડા, લાંબા લાંબા હાથ, લાંબા લાંબા નખ,જેવો વિકૃત ચહેરો અને બીજું પણ કેટલુંય એવું બધું દેખાવની રીતે જોવા મળતું નથી. વિજ્ઞાનની રીતે કહીએ તો ઉત્ક્રાંતિવાદને કારણે આજે મનુષ્યનું એકદમ સુંદર સ્વચ્છ અને શિક્ષિત સ્વરૂપ આપણને મળી ગયું છે, પણ એમાં ધીરે ધીરે સંસ્કૃતિના સંસ્કારનું જે ભૂષણ હતું, એ લુપ્ત થતું જાય છે, અને એને કારણે ક્યાંક ક્યાંક આજનો માનવી રાવણ કરતા પણ વધુ વિકૃત છે, એ આપણે સૌ જાણીએ છીએ. આંતરિક રીતે પ્રવેશી ગયેલી વિકૃતિનું નિવારણ એમ એટલું સહેલું પણ નથી. એટલે કે કોઈ ઈચ્છે તો ન થાય, પરંતુ સ્વયંની ઈચ્છા હોય તો જ સ્વમાં સુધારો થાય, અને અન્ય ખરાબ છે એવું છે જ નહીં! પોતે જ ખરાબ છે, એવી માનસિકતા પર જ્યારે આજનો માનવી આવશે, ત્યારે સુધારો શક્ય છે, અને એની માટે આપણે આપણા ગુણ દોષનું નિત્ય ચિંતન મનન કરવું પડશે, શુદ્ધ અને સ્વચ્છ ચરિત્રોના જીવન ચરિત્રનું અધ્યયન કરવું પડશે. 

  ‌


    આપણે નવ નવ દિવસથી મા જગત જનની જગદંબા આદ્યશક્તિની આરાધના કરી રહ્યા છીએ, અને એ સર્વોપરી શક્તિ છે જેની આગળ ત્રિદેવ નત મસ્તક હતાં, અથવા પોતાના કાર્ય માટે વિનવતા પણ દરશાવાયા છે. તો પ્રશ્ન એ થાય કે જ્યારે અવતાર તરીકે જન્મ લીધો ત્યારે નારી શક્તિનું મહાત્મ્ય જેટલું થવું જોઈએ એટલું થયું ખરું! ઈશ્વર કાર્ય કારણ સિધ્ધાંતથી પર હોય છે, એટલે એ જે કરે તે અવતાર લીલા કહેવાય! પરંતુ એક જીવ તરીકે એને મુલાવવામાં આવે તો એમાં પણ ત્રૂટી હતી. માતા સીતા જ નહીં રાણી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, ઉર્મિલા, માંડવી, શ્રુતિકીર્તિ! બધાંએ જે તે સમય પ્રમાણે વગર કારણે દંડ ભોગવ્યો. દ્વાપરયુગની વાત કરીએ તો, પણ કુંતી, માદરી, દ્રોપદી, ઉત્તરા, ગાંધારી, અને બધા જ! શું કૌરવોની પત્નીઓ દ્રૌપદીનું ચીર હરણ ઇચ્છતી હતી?; પણ કેમ સૌ મૌન રહ્યા? એ રીતે જોઈએ તો આજનો કાળ ઘણો ઉત્તમ લાગે કારણ કે સમાજના 25% ને બાદ કરતા બાકીના પ્રમાણમાં નારી શક્તિનું અનુમોદન કરી રહ્યા છે, અને તેની ઈચ્છાઓને માન પણ આપી રહ્યા છે તેને ઉડવા માટે આકાશ પણ આપ્યું છે અને ઘરગૃહસ્થિની જંજાળમાંથી થોડી મુક્ત પણ કરી છે. 


  ચૈત્ર સુદ નોમના દિવસે એટલે કે ચૈત્ર નવરાત્રની શક્તિની ઉપાસનાના અંતિમ દિવસે સત્યનો જન્મ થાય છે, અને આસો સુદ દશેરાએ એ રામ રાવણનો વધ કરે છે, ત્રેતા કાળ વીતી ગયાને આજે ઘણો સમય થઈ ગયો, એ પછી આખા યુગનો એટલે કે દ્વાપર યુગનો પણ અસ્ત થઈ ગયો. રાવણનો વધ કરવો, એટલે એનું આજના સમયમાં ચિંતન કરીએ તો, આજે રાવણ બહાર નથી. દરેકમાં ભીતર જ એક રામ અને એક રાવણ બંને વસે છે. સમય સમયે એક પાત્ર બીજા પાત્ર પર હાવી થાય છે, અને કર્મ કે કાર્ય કરાવી જાય છે. રાવણ પર રામ તત્વ હાવી થાય, ત્યારે ધર્મ કર્મ થાય અને રામપર રાવણ તત્વ હાવી થાય ત્યારે અધર્મ કાર્ય અથવા અધમ કૃત્ય થાય. શક્તિની નવ નવ દિવસની ઉપાસના કરી, અને જો આપણને રાવણ ન દેખાય તો, આપણી આ ઉપાસના નિષ્ફળ રહી છે, તેવું કહી શકાય. આત્મ વિશ્લેષણને અંતે રામ રાવણ બંને તત્વતઃ અવતાર જ છે. જો એ સ્ત્રી શક્તિ કે અસ્મિતાનું રક્ષણ કરનાર હતો એટલે સામે જ મૃત્યુ ઉભું છે, એ ખબર હોવા છતાં પણ પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર તેણે કર્યો નહીં. કારણ કે અન્તે તો રાવણ પણ અવતાર હતો, અને લીલા માત્ર કરી રહ્યો હતો. સમાજને શીખ દેવા માટે અવતારો આ રીતે લીલા કરતા,આપણે સૌ રામ અને રાવણ બંને પાત્રોમાંથી શીખ ગ્રહણ કરી, અને આગળનું જીવન પૂર્ણ કરીએ, તથા મા ભગવતીની અનંત ને અખંડ સાધના કરી તેના ચરણોમાં નિત્ય સ્થાન પામીએ, જીવનની દરેક પરિસ્થિતિમાં રામ બનવાનો પ્રયત્ન કરીએ, તેમજ સમાજ કે યુગ નિર્માણનું કાર્ય આગળ વધે ને સાચા શબ્દમાં રામ રાજ્ય સ્થાપાય એવું કંઈક વિશેષ કર્મ કરીને આ દુનિયામાંથી જવું છે એવો એક સંકલ્પ કરીએ તો મા જગદંબા એ સંકલ્પ પૂરો કરવા અવશ્ય શક્તિ પ્રદાન કરશે.


  લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.