Pages

રવિવાર, 29 ઑક્ટોબર, 2023

સપનું - વ્યાસવાણી

લ્યો આજે કરીએ સપનાની વાત             

                  "સપનું"


ભળતો ભેજ મળે તો લીલા 'સપના' વાવું,

વળતા છાયે હે......ય નિરાંતે હું લંબાવું.


તાણી તોડી ગબડાવું છું મારું ગાડું,

ઓછી આવક મોંઘા 'સપના' કેમ વસાવું?


'હદ કરશોમાં સખણા રે'જો' આમ કહીને,

મોડી રાતે 'સપનાને' હું રોજ સતાવું.


બેડો પાર કરી દેશે જો સાચું પડશે,

ફાવી ગ્યું છે અમને 'સપનાથી' ભરમાવું.


એ જ અમારી સમજણમાં કે સાચું કહેવું,

ખોટા 'સપના' દેખાડી કોને લલચાવું?


બજારમાં જાવાની થોડી ફુરસદ મળતા,

મને થયું કે એકાદું 'સપનું' લઇ આવું.


મોંઘા દામ થયા છે સાદા 'સપનાનાં' પણ,

દુષ્કર લાગ્યું ખાવું પીવું ને મલકાવું.


બીલ ઘણું ભરવાનું થાશે એમ વિચારી,

'સપનાનાં' સૂરજને ઠારી રાત વિતાવું.


'સપના' જેવું જીવન કે જીવન 'સપનાનું'? 

જે સમજો એ,પણ અંતે તો 'સપનું' થાવું. 


 "વ્યાસવાણી


બાંહેધરી:- આથી હું ભદ્રેશ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.