આ મોબાઇલે તો ભારે કરી! - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 5 જાન્યુઆરી, 2025

આ મોબાઇલે તો ભારે કરી!


     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની સાથે અનિદ્રા, સ્ટ્રેસ અને ડિપ્રેશનની ભેટ પણ આપી રહ્યો છે. કોઈની ફેસબુક સ્ટોરી કે ઇન્ટાગ્રામ સ્ટોરી જોઈને તેમની ચકાચૌંધ કરી દેનારી લાઇફસ્ટાઇલ આપણી રાત્રીની ઊંઘ છીનવી લે છે. પણ જ્યારે તે જ ઇન્ફ્લુએન્સર કે એક્ટરના ડ્રગ્સ કેસમાં ઝડપાવાના કે આપઘાત કરીને મોતને વહાલું કરી દેવાના સમાચાર સાંભળીએ છીએ, ત્યારે સમજાય કે, હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ અલગ હોય છે. 

     સોશિયલ મીડિયા પરની ઝાકઝમાળ દુનિયાનું સત્ય અત્યંત કડવું હોય છે. મોંઢાંમાં આંગળાં નંખાવી દે એવી લોકોની લાઇફસ્ટાઇલ જોઈને આપણે આપણાં નાના પરંતુ સુખી જીવનને એ લોકોની હરોળમાં મૂકીએ છીએ. પણ જ્યારે ભાંડો ફૂટે છે અને એ ઝાકઝમાળ દુનિયાનું સત્ય ઉજાગર થાય છે, ત્યાં સુધીમાં આપણું સુખી જીવન સુખી નથી રહેતું, પરંતુ લોનના હપ્તા ભરતી ને ડચકાં ખાતી એક ઢંગઢાળ વગરની ગાડી જેવું બની જાય છે. 

     આ મોબાઇલની માયાજાળમાં આજે સૌથી વધારે જો કોઈનો ભોગ લેવાઈ રહ્યો હોય તો, એ બાળકો છે. આપણે ત્યાં બાળક જન્મે ત્યારે તેની નજર સૌથી પહેલાં તેના મા-બાપ કે સગાસંબધીઓ પર નહીં, પરંતુ મોબાઇલની ફ્લેશ લાઇટ પર જાય છે. આ ફ્લેશ લાઇટ તેની આંખોને એવી આંજી દે છે, કે તેને લાગે છે કે આ જ અસલી દુનિયા છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે, તેમ તેમ મોબાઇલ તેના માટે અન્ય દરેક વસ્તુઓ કરતાં કીમતી બનતો જાય છે. તે મોબાઇલ વગરનાં જીવનની કલ્પના પણ નથી કરી શકતું. પછી તેને મોબાઇલ ન આપો તો તે ચીડિયું, ગુસ્સાવાળું અને હિંસક બનતું જાય છે. 

     શરૂઆતમાં કાર્ટૂન જોઈને મજા માણતું બાળક થોડું મોટું થાય એટલે ઇન્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતું થઈ જાય છે. પહેલાં મા-બાપના એકાઉન્ટથી તે ઇન્સ્ટાગ્રામની મજા માણે છે, પછી તે પોતાનું એકાઉન્ટ બનાવી લે છે. વાત ગળે ઉતરે તેવી નથી, પણ જે લોકો રોજ છાપું વાંચતા હશે તેમને આ વાત જરૂર સમજાશે, કારણ કે સમાજનો અસલી અરીસો તો અખબારમાં જ છપાતો હોય છે. 

     હમણાં જ અરવલ્લીના એક નાનકડાં ગામમાં પાંચમા ધોરણમાં ભણતી બાળકીના રેપ અને અપહરણની ઘટના સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે બાળકી કોઈ અન્ય નહીં, પણ તેના મિત્ર સાથે હતી, જે તેને ઇન્સ્ટાગ્રામથી મળ્યો હતો. માત્ર દસ વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવે છે, કોઈ અન્ય યુવાન સાથે સંપર્કમાં આવે છે અને અંતે બળાત્કારનો ભોગ બને છે. અહીં ચોંકાવનારી વાત તો એ હતી કે, બળાત્કાર કરનાર કોઈ યુવાન ન હતો, પણ માત્ર 16 વર્ષની ઉંમરનો એક કિશોર હતો. બંને બાળકો હતાં અને બંને સોશિયલ મીડિયાનો ભોગ બન્યાં હતાં. 

     હવે થોડું વિચારો, શું વીતિ હશે એ મા-બાપ પર, જેમણે સપનાંમાં પણ નહીં વિચાર્યું હોય કે, જે મોબાઇલને તે માત્ર એક રમકડાંની જેમ બાળકને રમવા આપી દેતાં હતાં, તે જ મોબાઇલ એક દિવસ તેમના બાળકના ભવિષ્ય સાથે રમી જશે. 

     આ માત્ર એક સમાચાર નથી, પરંતુ સમાજ કંઈ દિશામાં જઈ રહ્યો છે, તેનું તાદૃશ્ય રજૂ કરતો અરીસો છે. વધું નહીં પણ છેલ્લાં એક મહિનાના છાપાંઓ વાંચી જાઓ, આવા તો ઢગલો સમાચાર મળશે, જે અનેક પરિવારોના વેરવિખેર થવાના સાક્ષી બન્યાં છે... 

     આજકાલ અસામાજિક તત્વો પણ મોબાઇલ દ્વારા જ ઝેર ઓંકી રહ્યાં છે. જાતિ અને ધર્મના નામે બાળકોને એકબીજાના કટ્ટર વિરોધી બનાવી રહ્યાં છે. બાળકોના કૂમળાં માનસપટલ પર એકબીજા પ્રત્યેની નફરત વધુને વધુ ધારદાર બની રહી છે, જે ફક્ત જે-તે બાળકનું ભવિષ્ય જ નહીં, પણ એક આખી પેઢીને અંધકાર તરફ ધકેલી રહી છે. 

     જ્યાંથી આ મોબાઇલ આવ્યો છે, તે પશ્ચિમના દેશો તો હવે આ વિષય પર વિચારવિમર્શ કરીને બાળકોના મોબાઇલના ઉપયોગને કેવી રીતે મર્યાદિત કરી શકાય, તે વિશે પગલાં પણ ભરી રહ્યાં છે. ફ્રાન્સમાં તો છેક વર્ષ 2018થી જ 15 વર્ષથી નાના બાળકોના મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ચીનમાં પણ બાળકોના મોબાઇલ વાપરવા માટે એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ દાહોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે એક સરાહનીય પહેલ છે. દરેક સમાજે તેમાંથી શીખ લેવાની જરૂર છે. 

     સવાલ છે કે, શું કાયદો અને સમાજ નક્કી કરે પછી જ આપણે જાગીશું? શું આપણે અત્યારથી જ આપણાં નિરંકુશ બાળકો પર લગામ ન લગાવી શકીએ? એક નિરંકુશ બાળક બ્રેક વગરની ગાડી જેવું છે, સમય પર બ્રેક ન લગાવો તો એક્સિડેન્ટ નક્કી જ છે. એટલે જ હવે જ્યારે બાળક રડે કે જીદ કરે ત્યારે તેને મોબાઇલ નહીં, પરંતુ તમારો વ્હાલ આપશો... 

લેખક :- પાર્થ પ્રજાપતિ (વિચારોનું વિશ્લેષણ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...