માનવીય મૂલ્યોનું મહત્ત્વ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020

માનવીય મૂલ્યોનું મહત્ત્વ

 

આજે ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર વેગેરે જેવા ગુનાઓની ખબરોથી સમાચારપત્રો ઊભરાઈ રહ્યાં છે. વર્ષો પહેલાં હજારોમાં કહેવાતાં આ બધા ગુનાઓની સંખ્યા આજે લાખોમાં પહોંચી ગઈ છે. દર વર્ષે હત્યા, ચોરી, બળાત્કાર જેવા ગુનાઓના લાખો કેસ નોંધવામાં આવે છે. આ બધા ગુનાઓ ફૂલ્યાં ફાલ્યાં છે, કારણ કે ભ્રષ્ટાચાર નામનો રાક્ષસ આ બધાને છાવરે છે અને સમાજને અંદરથી ઉધઈની જેમ કોરી ખાય છે. વધતી જતી ગુનાખોરી એ માનવીની હેવાનિયત તરફની ગતિ દર્શાવે છે. કહેવાય છે કે પહેલાં માનવી વાનર હતો, સમય જતાં વાનરમાંથી માનવ બન્યો અને હવે એ જ માનવ માનવમાંથી હેવાન બનવા તરફ પૂરઝડપે ગતિ કરી રહ્યો છે. ગુનાખોરી અટકાવવા માટે અનેક કાયદાઓ ઘડવામાં આવ્યાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો અમલ કરવામાં કચાશ રહી જાય છે અને સમાજમાં આવા અસામાજિક તત્વોને પોતાની ગુનાકિય પ્રવુતિઓ ચાલુ રાખવા માટે બળ મળે છે. ભગવદ્ગીવતામાં ભગવાન શ્રી કૃષ્ણે અધ્યાય ૧૬ ના છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે કે,

" द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च | "

અર્થાત્ :- આ મનુષ્ય સમુદાયમાં બે પ્રકારના માણસો રહે છે.એક દૈવી પ્રકૃતિ ધરાવતા અને બીજા આસુરી પ્રકૃતિ ધરાવતા લોકો.



આજે આપણી આસપાસ માનવીય પ્રકૃતિ ધરાવતાં લોકો ઓછા અને આસુરી પ્રકૃતિ ધરાવતાં લોકો વધતાં જાય છે. આજે માનવ જેમ જેમ વિકાસ કરતો જાય છે તેમ તેમ માનવ મટીને રાક્ષસ બનતો જાય છે. સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, શાંતિ, દાન, પરોપકાર, સેવા, નૈતિકતા, પ્રમાણિકતા વગેરે માનવીનો સ્વાભાવિક ધર્મ અને નિયત કરેલું કર્મ છે, જ્યારે અસત્ય, નફરત, ક્રૂરતા, હિંસા, અશાંતિ, લૂંટફાટ, અપકાર, દગાખોરી, અનૈકતિકતા, અપ્રમાણિકતા વગેરે આસુરી પ્રકૃતિ ધરાવતાં લોકોના લક્ષણો છે. આ બધી માહિતી પરથી પરથી સમજી જવું કે આપણામાં ઊપર દર્શાવેલ લક્ષણોમાંથી કયાં લક્ષણો છે અને આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ તથા શક્ય હોય ત્યાં સુધી માનવ બનવાનો પ્રયત્ન કરવો. માનવના વેશમાં ફરતાં હેવાનો આપણી આસપાસ જ રહે છે અને પોતાનાં કાળા કરતુતોને અંજામ આપે છે. આજે સમાજમાં કેટલીય એવી ઘટનાઓ બને છે, કેટલીય એવી બર્બરતા આચરવામાં આવે છે. કેટલીય એવી હિચકારી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે કે તેને જોઈને હેવાનને પણ શરમ આવે! કુદરતમાં બધા પ્રાણીઓ પોતપોતાની સ્વભાવિક પ્રકૃતિ અનુસાર રહે છે જ્યારે માનવી એકલો જ એવો છે કે જે માનવતા ભૂલી રહ્યો છે અને તેને વારંવાર માનવધર્મ યાદ અપાવવો પડે છે.

રહે છે જંતુઓ જંતુની જેમ,
રહે છે પક્ષીઓ પક્ષીની જેમ,
રહે છે પશુઓ પશુની જેમ,
નથી રહેતો,
માત્ર માનવી માનવની જેમ... 



જેમ જેમ માનવી આધુનિક થતો ગયો છે તેમ તેમ એવું લાગે છે કે તે માનવીય મૂલ્યોથી દૂર થતો ગયો છે. સમાજની આ સ્થિતિ એ સમાજ માટે ખૂબજ ભયાનક સાબિત થશે. આપણે રોજ જે ઘટનાઓ સમાચારપત્રોમાં વાંચીને તેને રદ્દીમાં ફેંકી દઈએ છીએ તે ઘટના આપણા ઘર કે પરિવારના કોઈ પણ સભ્ય સાથે ઘટી શકે. કેટલાક તો એવા પણ મહાનુભાવો આ માનવસમાજમાં પડ્યાં છે કે તે દરેક ગુનાકીય ઘટના બાદ તે ઘટના જેના સાથે ઘટી છે એનો ધર્મ જોશે. જે છોકરી સાથે બળાત્કાર થયો તે કોણ હતી? તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી કે પછી કોઈ અન્ય ઘર્મની હતી? જો તે આપણા સમાજની હોય તો જ અવાજ ઉઠાવવાની? આ પ્રકારની માનસિકતા સમગ્ર માનવસમાજને તેના પતન તરફ દોરી જાય છે. કોઈ પણ ચોર, હત્યારો, બળાત્કારી તે કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાય જોઈને ઘટનાને અંજામ નથી આપતો. સમાજમાં જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે તો લોકો ટ્વીટર પર ટ્રેન્ડ ચલાવે છે. બે દિવસ કેન્ડલ માર્ચ કાઢશે અને સરકાર પર કડકમાં કડક કાયદો બનાવવાનું દબાણ લાવશે. સરકાર કાયદામાં ફેરફાર કરીને કાયદામાં મજબૂતાઇ લાવી પણ દેશે અને ફરી પાછી કોઈ નિર્ભયાની સાથે પહેલાં કરતાં પણ વધારે બર્બરતા આચરવામાં આવશે..આ ચક્ર ( સાયકલ ) ફરતું જ રહેતું હોય છે. અહીં હવે એ સમજવું પડશે કે માત્ર કાયદા કડક કરવાથી આ સાયકલ અટકવાની નથી. આના માટે હવે સમાજમાં માનવીય મૂલ્યોનું નિરૂપણ કરવું પડશે. લોકોને હાલ હું હિન્દુ, હું મુસ્લિમ, હું શીખ, હું ઈસાઈ વગેરે જ યાદ છે. લોકો ભૂલી ગયા છે કે તે એક માનવ પણ છે. હકીકતમાં તો વિશ્વનો દરેક ધર્મ માનવીય મૂલ્યોનું જ શિક્ષણ આપે છે, છતાં પણ માનવી હાલ તેનાથી દુર થઈ રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે.

મહાત્મા ગાંધી કહેતાં કે, " તમે જે બદલાવ સમાજમાં જોવા ઇચ્છો છો તે બદલાવ પહેલાં તમારામાં લાવો. " કોઈ પણ કાર્યની શરૂઆત પોતાનાં ઘરથી જ કરવી જોઈએ. તમે જ્યારે કોઈ ઘરમાં લૂંટફાટ કે કોઈ નજીવી બાબતમાં હત્યાનો કિસ્સો જોવો છો અને તમને નથી ગમતું તો તમારે એ પણ સુનિશ્ચિત કરવું જ રહ્યું કે શું તમારું બાળક તો એ માર્ગ પર નથી જઈ રહ્યું ને? બાળકની ભૂલો સુધારવાની જગ્યાએ તમે એને છાવરશો તો ઘરમાં દુર્યોધન જ પેદા થશે ને! જો તમે ઘરમાં જ મા-બહેનની ગાળો આપો છો અને તમારા કુમળાં બાળક માટે એવી આશા રાખો છો કે તે મોટો થઈને નારીજાતનું સમ્માન કરશે, તો એ તમારી ભૂલ છે. તમે પોતે તમાકુ, ગુટખા કે દારૂના વ્યસનમાં સપડાયેલાં છો અને એવી આશા રાખો છો કે તમારું બાળક મોટું થઈને કોઈ ખોટા રસ્તે ના જાય તો એ તમારી ભૂલ છે. તમે પોતાના સ્વાર્થ ખાતર બીજાને છેતરો છો તો તમારું બાળક પ્રમાણિકતાના પાઠ ક્યાંથી શીખશે! બાળક હંમેશા માતાપિતાને જોઈને જ શીખે છે. જો તમે એક સુશિક્ષિત અને સુસંસ્કારી સમાજની રચના કરવા માંગતા હોવ તો પહેલા પોતે સુધરવું જ રહ્યું. તમને જોઈને તમારું બાળક સુધરશે, તેની સાથેના મિત્રો સુધરશે અને ધીરે ધીરે નવો સુસંસ્કૃત સમાજ ઊભો થશે.


હાલની સ્થિતિ જોતાં લાગે છે કે શાળામાં ભણતરનાં વિષયોની સાથે સાથે માનવીય મુલ્યોનું શિક્ષણ આપતો એક વિષય ભણાવવો જ જોઇએ. સારું ભણેલું બાળક મોટું થઈને સારો જ વ્યક્તિ બનશે એમ માનવું એ ભૂલભરેલું છે. આજકાલ તો આતંકવાદીઓ પણ ડોક્ટર કે એન્જીનિયરીંગ કરેલા હોય છે; છતાં પણ માનવજાતનાં દુશ્મન બની જાય છે. બાળકને જો નાનપણથી જ માનવીય મૂલ્યોની સમજ આપવામાં આવે; સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, નૈતિકતા, પ્રમાણિકતા, સેવા વગેરે જેવા માનવીય મૂલ્યોનું તેનામાં નિરૂપણ કરવામાં આવે તો એ મોટો થઈને કોઈ ગુનો કરતાં અટકશે. તેના સંસ્કારો તેને અસત્ય બોલતાં અટકાવશે, બિનજરૂરી કોઈ પણ પશુ, પક્ષી કે માણસની હિંસા કરતાં અટકાવશે, કોઈ પણ ધર્મ કે સંપ્રદાય માટે તેનામાં નફરતનાં બીજ એટલી સરળતાથી નહિ રોપાય જેટલી સરળતાથી હાલમાં સોશિયલ મીડિયાના સંપર્કમાં આવવાથી તેના માનસપટલ પર રોપાય છે. તેનામાં નૈતિકતા આવશે, તેને પ્રમાણિકતાથી જીવન જીવવાની પ્રેરણા મળશે અને તે સેવાનું મૂલ્ય સમજશે. હાલની જે પેઢી હાથમાંથી સરકી ગઈ છે તેને સુધારતાં સુધરે તો ઠીક છે, નહિ તો કાયદો તેને તેના કર્મોની યોગ્ય સજા આપશે, પરંતુ હવે આગળની નવી પેઢી કે જે સમાજ અને દેશનું ભવિષ્ય છે એ સુશિક્ષિત, સારાં ખોટાંની સમજ ધરાવતી અને સુસંસ્કૃત તૈયાર થાય એ આપણી જવાબદારી છે. નવી પેઢી હેવાન બનવાનું છોડીને માનવ જ બની રહે એમાં જ આપણું, સમાજનું અને દેશનું હિત છે.

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

5 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...