અંધકારના ગર્તમાં ધકેલાતું યુવાધન - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 19 ફેબ્રુઆરી, 2022

અંધકારના ગર્તમાં ધકેલાતું યુવાધન

 

                    સમગ્ર વિશ્વમાં ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની મોટાભાગની વસ્તી હવે વૃદ્ધ થવા આવી છે. તેની પાસે યુવાનોની કમી છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન આજે ભારત પાસે છે. આ યુવાધનને યોગ્ય દિશા આપવામાં આવે તો ભારત વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી શકે તેમાં જરાય નવાઈ નથી. પરંતુ જો આ યુવાધન દિશાવિહીન થઈ જાય તો ખેતરમાં ઘૂસેલા આખલાની પેઠે બધું જ ખેદાન-મેદાન કરી મૂકે એમ છે.


                    આજનો યુવાન ગરીબી, બેકારી, વ્યસન, હિંસા, ધાર્મિક કટ્ટરતા અને બીજા પ્રત્યેની નફરતથી પીડાઈ રહ્યો છે. જે પોતે પીડિત હોય તેની પાસે દેશના ઉદ્ધારની આશા રાખવી એ નરી મૂર્ખામી છે. અત્યાર સુધી યુવાનોને ફક્ત બીડી, તમાકુ, સિગારેટ અને દારૂનું વ્યસન હતું, પરંતુ હવે કેટલાક યુવાનોને આ બધાં વ્યસનમાં કિક નથી મળતી. તેમને તો ડ્રગ્સ, ગાંજો, હેરોઇન, કોકેઇન અને અફીણનો નશો કરવો છે. દારૂ કે તમાકુનાં વ્યસનથી તો ફક્ત કૅન્સર થાય છે અને કૅન્સરનો ભય તો આજના યુવાનોમાં છે જ ક્યાં!!! તેઓ તો ખુલ્લે આમ સિગારેટના કશ ખેંચે જાય છે. કૅન્સરથી તો ફક્ત વ્યસન કરનારનો પરિવાર બરબાદ થાય છે, પરંતુ ડ્રગ્સનો નશો? ડ્રગ્સના નશાથી જે રોગ થાય છે, એ આખી જનરેશનને ખોખલી કરી નાખે છે. યુવાનીના ઉંબરે ઉભેલાં નવલોહિયાઓ ડ્રગ્સની લતમાં બીજા અનેક ગુનાઓ કરતાં થઈ જાય છે. કેટલાક યુવાનોને ડ્રગ્સ ન મળે તો પોતાનાં પરિવારજનોની હત્યા કરતાં પણ ખચકાટ અનુભવતાં નથી, એવા કિસ્સા પણ નજરમાં આવ્યા છે. કૉલેજમાં એડમિશન લેતાં પહેલાં જેઓ સુંદર પિચાઈ, સત્ય નડેલા અને ડૉ. અબ્દુલ કલામ જેવા બનવાનું સપનું જોતાં હોય છે, તેઓ ડ્રગ્સના નશામાં ક્યારે ગુનેગાર બની જાય છે, તેની તેમને પોતે પણ જાણ નથી હોતી. પહેલાં યુવાનોને ડ્રગ્સની લત લગાડવામાં આવે છે અને પછી આ જ લતનો ગેરલાભ ઉઠાવીને પોતાના ખરાબ મનસૂબા પાર પાડવામાં આવે છે. કેટલાય એવા યુવાનો છે જે આ લતને કારણે કૉલેજકાળમાં જ ડિપ્રેશનને કારણે દુનિયા છોડી જાય છે.

                કૉલેજમાં ભણતાં યુવાનો માટે કૉલેજનો સમય એ કોઈ ગોલ્ડન પીરિયડ કરતાં ઓછો નથી હોતો. આ જ સમયગાળામાં તેમની આગળની કારકિર્દી અને તેમનો જીવનપથ નક્કી થાય છે. આ જ સમયગાળામાં તેમનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલે છે અને આ જ સમયગાળામાં તેમનું ભવિષ્ય ઘડાય છે, પણ કૉલેજના ઉંબરે ઉભેલો યુવાન કાંઈ સમજે એ પહેલાં જ તેના હાથમાં ડ્રગ્સ પકડાવી દેવામાં આવે છે. તેના કારણે કેટલાય યુવાનોનું ભવિષ્ય ઘોર અંધકારમાં ધકેલાઈ જાય છે, જેમાંથી તેઓ ક્યારેય બહાર આવી શકતા નથી. પહેલાં ફક્ત ફિલ્મોમાં જોયેલું ડ્રગ્સ આજે શાળા અને કૉલેજના દરવાજા સુધી પહોંચી ગયું છે. યુવાનો હોંશે હોંશે ડ્રગ્સનો નશો કરે છે. તેમને કોઈની પરવા નથી. આજે દેશમાં અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. આ ડ્રગ્સનો કારોબાર કોઈ સમાજસેવી બિઝનેસમેન નથી ચલાવતા. આ કારોબાર આતંકી સંગઠનો ચલાવે છે. આ સંગઠનોને બંને તરફ લાભ મળી રહ્યો છે. એક તરફ દેશમાં ડ્રગ્સ ઘૂસાડી દેશનું યુવાધન ખોખલું કરી રહ્યાં છે અને બીજી બાજુ તે જ ડ્રગ્સના રૂપિયાથી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યાં છે.


                કેટલાક યુવાનો પોતાના હિંસાત્મક અભિગમથી પીડાઈ રહ્યા છે. તેઓ વાતવાતમાં હિંસા આચરવા પર ઉતરી આવે છે. આજે બાળકોને એવી વિડિયો ગેમ્સનું ઘેલું લાગ્યું છે કે જેમાં માત્ર હિંસા આચરવાનું શીખવવામાં આવે છે. મા-બાપ પણ હોંશે હોંશે આવી ગેમ્સ બાળકોને રમવા આપી દેતાં હોય છે. ફિલ્મ કે વેબ સીરિઝમાં જ્યારે હિંસાત્મક દૃશ્યોની ભરમાર હોય છે, ત્યારે શરૂઆતમાં જ સૂચના આપવામાં આવે છે કે, ' ૧૮ વર્ષથી નાની વયના બાળકો અને તરુણોએ આ ફિલ્મ કે વેબ સીરિઝ જોવી હિતાવહ નથી.' તે ફિલ્મ કે વેબ સીરિઝ બનાવનારને પણ કદાચ ખબર હોય છે કે નાના ભૂલકાઓનાં મગજ પર હિંસાત્મક દૃશ્યોની કેવી ખરાબ અસર થાય છે, પણ એક બાળકના મા-બાપ હોવાને નાતે તમે શું કરો છો? તમે ક્યારેય તે સૂચના વાંચવાની તસદી પણ લેતા નથી. અંતે જ્યારે બાળકનો હિંસાત્મક અભિગમ અપનાવે છે ત્યારે વિચારતાં હોય છે કે અમે તો આવા સંસ્કાર આપ્યા જ નથી. યાદ રાખો, જ્યારે પણ કોઈ તરુણ કે યુવાન ગુનો આચરે છે ત્યારે તેનો પરિવાર પહેલાં તો એ વાત સ્વીકારી જ નથી શકતો કે તેમનો છોકરો કે છોકરી આવું કૃત્ય કરી શકે. જ્યારે તેમના છોકરાનો ફોટો કોઈ ગુના બદલ ન્યૂઝમાં ચમકે છે ત્યારે મોઢું છુપાવવાની પણ જગ્યા નથી મળતી.

                સુરતમાં એક છોકરીને એક છોકરાએ જાહેરમાં રહેંસી નાખી. લોકો પ્રમાણે તે છોકરો આ છોકરીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. કોઈને ગળે ટૂંપો દઈ દેવો, કોઈને છરો મારી હત્યા કરી દેવી, કોઈ છોકરી પર ઍસિડ ફેંકીને તેનું જીવન નર્ક બનાવી દેવું વગેરે જેવી અનેક ઘટનાઓ સમાજમાં છાશવારે બનતી જોવા મળે છે. આ બધી ઘટનાઓને એકતરફી પ્રેમનું નામ આપીને ખરેખર તો પ્રેમ જેવા મહાન શબ્દનું અપમાન થાય છે. પ્રેમમાં પોતાના સાથીની ખુશીથી વિશેષ બીજી કોઈ લાગણી ન હોય. આવી ઘટનાઓને પ્રેમનું નામ આપીને ખરેખર તો લોકો પોતાની સમાજ પ્રત્યેની જવાબદારીથી હાથ ખંખેરી નાખતાં હોય છે. અહીં જે કાંઈ થયું તે પ્રેમ નહિ પણ વિકૃતિ છે અને આવી માનસિક વિકૃતિ કોઈ વ્યક્તિમાં અચાનક નથી આવતી. ઘણા વર્ષોની અનેક ઘટનાઓની અસર હોય છે, ત્યારે વ્યક્તિ આવી રીતે ધીરે ધીરે માનસિક રીતે વિકૃત બનતી જાય છે. બાળકને જે જોઈએ તે તરત જ લાવી આપવાની મા-બાપની આદતો ધીરે ધીરે બાળકને જિદ્દી બનાવી દે છે. જે રમકડું પોતે જોઈતું હોય તે ન મળે અને જો તે કોઈ બીજા પાસે હોય તો તેને તોડી નાખવાની વિકૃતિ બાળકમાં બાળપણમાં જ આવી જાય છે. આવી માનસિકતા ધીરે ધીરે ફૂલે ફાલે છે અને છેવટે કોઈનો ભોગ લઈને જપે છે. જે મને નથી મળ્યું તે બીજાને પણ ન મળવું જોઈએ,’ આવી વિકૃતિ સમાજના યુવાનોમાં પેદા થઈ રહી છે. આજના યુવાનને ' ના ' સાંભળવાનું નથી ગમતું. તેને બસ ' હા ' જ સાંભળવી છે. જો કોઈ વાતમાં ' ના ' સંભળાય તો તે આક્રમક બની જાય છે. તેને નિષ્ફળતા પચાવતાં પણ નથી આવડતી. મળેલી નિષ્ફળતાથી બોધ લેવાને બદલે તે ક્યાંક પોતાની નસો કાપી નાખે છે અથવા બીજાનું ગળું. શું આજના યુવાનોમાં તેમનો પરિવાર એટલાં પણ ગુણ ન રોપી શકે કે તેઓ નિષ્ફળતાઓને પચાવી શકે? કોઈ વ્યક્તિની ઈચ્છા કે અનિચ્છાનું માન રાખી શકે? કોઈ સ્ત્રીનું સન્માન જાળવી શકે? સમાજે હવે ચિંતા કરવા જેવું છે કે, યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે. તેને યોગ્ય દિશા આપવી તે પણ સમાજના અને તેના પરિવારના હાથમાં જ છે. જો તેને યોગ્ય દિશા નહિ મળે તો આખો સમાજ બરબાદ થઈ જશે.



                આજનો યુવાન પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વધુ વ્યતીત કરે છે. વ્હોટ્સએપ અને ફેસબુક પર જે કાંઈ આવે છે તેને સાચું માનીને આંખો મીચીને ફોરવર્ડ કર્યા કરે છે. ક્યાંયની ઘટનાને ક્યાંયની બતાવીને પોતાની આસપાસના લોકો પ્રત્યે નફરતનું ઝેર પોતાની નસોમાં ભર્યા કરે છે. તે તેની પાસે આવેલાં કોઈ પણ મેસેજ કે ફેસબુક પોસ્ટનું સત્ય ચકાસવાનો શ્રમ કરવા તૈયાર નથી. તે વ્હોટ્સએપ પર આવતાં કેટલાક ઇતિહાસને લગતાં મેસેજને વાંચીને પોતાને ઇતિહાસવિદ્‍ સમજી બેઠો છે. તે રાજનીતિક દાવપેચનું પ્યાદું બનીને રહી ગયો છે. એની લાગણીઓ એટલી હદે નબળી પડી ગઈ છે કે કોઈ મામૂલી ફેસબુક પોસ્ટથી ઘવાઈ જાય છે. એનો ધર્મ એટલો નબળો પડી ગયો છે કે કોઈ પણ વ્યક્તિના એલફેલ નિવેદનથી કે કોઈ પણ અણસમજુ વ્યક્તિની માત્ર ફેસબુક કે વ્હોટ્સએપ પોસ્ટથી તેનો ધર્મ ખતરામાં આવી જાય છે. તે સતત પોતાના ધર્મને લઈને ભયમાં જીવે છે. તેને એ પણ સમજાતું નથી કે આવું બધું ચૂંટણી ટાણે જ કેમ થાય છે. પોતાના પરિવાર કે ધંધા રોજગારની ચિંતા કરવાની જગ્યાએ એ ધર્મનો ઠેકેદાર બનીને સોશિયલ મીડિયા પર નફરત ફેલાવે છે. આ બધું કરવામાં તે એ પણ ભૂલી જાય છે કે તે કોઈનો પુત્ર છે, કોઈનો ભાઈ છે. તેનો પણ કોઈ પરિવાર છે, કે જે તેના પર ઘણી અપેક્ષાઓ રાખીને બેઠો છે. એ બધું તેને કાંઈ દેખાતું નથી. આવા યુવાનો પાસેથી શું અપેક્ષા રાખી શકાય? શું આવી રીતે ભારત સુપર પાવર બનશે? અંધકારના ગર્તમાં ડૂબેલું યુવાધન દેશને પણ લઈ ડૂબે તો એમાં કોઈ નવાઈ નથી.

                જ્યારથી દેશના યુવાને પુસ્તક મૂકીને મોબાઇલ હાથમાં લીધો છે ત્યારથી દેશમાં ક્રાંતિકારી વિચારકોનો દુકાળ પ્રવર્તી રહ્યો છે. મોબાઇલ આજની જરૂરિયાત છે અને ટેકનોલોજીની કદર થવી જ જોઈએ પણ પોતાની સમજશક્તિના ભોગે કદીયે નહિ. હાથમાં મોબાઇલ રાખો વાંધો નહિ, પણ સાથે બીજા હાથમાં એક પુસ્તક પણ રાખો, જેથી બુદ્ધિ બહેર ના મારી જાય. ટેકનોલોજીનો દુરુપયોગ કરવાનો શીખવાડવો નથી પડતો, પણ તેનો સદુપયોગ કઈ રીતે કરવો તે દરેક વ્યક્તિએ જરૂર શીખવું પડશે.

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

4 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...