કેડીગઢ તીર્થ મધ્ય
ગુજરાતના મહીસાગર જિલ્લાનાં બાલાસિનોર તાલુકાનાં પરબિયા ગામ નજીક આવેલું છે. એક
નાનકડી ટેકરી પર આવેલાં આ તીર્થ સ્થળ સુધી જવા માટે કેડીમાર્ગ બનેલો છે.
કેડીમાર્ગને કારણે આ સ્થળ કેડીગઢ તરીકે ઓળખાય છે. અહીં શ્રદ્ધાપૂર્વક માથું
ટેકવનાર તમામ ભક્તોની મન:કામનાઓ પૂર્ણ થાય છે. માતાજીએ અનેક પરચા પૂર્યાની
લોકવાયકાઓ પણ છે.
આ મંદિર વર્ષો પુરાણું છે. કહેવાય છે કે એક સમયે જ્યારે
બાલાસિનોરમાં નવાબશાહી હતી, ત્યારે નવાબે બાલાસિનોરથી વીરપુરનો રસ્તો બનાવવા એક વ્યક્તિને કૉન્ટ્રાક્ટ
આપ્યો હતો. રસ્તો બનાવવામાં અડચણરૂપ એવી કાળિયા ઘાટી ટેકરીને કાપીને સીધો રસ્તો
બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ખોદકામ દરમિયાન વિસ્મયકારક ઘટના ઘટી
રહી હતી. ખોદકામ દરમિયાન વિસ્ફોટથી તૂટતાં પથ્થરો આશ્ચર્યજનક રીતે પૂર્વ દિશા તરફ
ફંગોળાઈને મજૂરોને વાગતા હતા. કામ કરતાં મજૂરો ઘાયલ થતાં કામ રોકી દેવામાં આવ્યું.
તે જ દિવસે કૉન્ટ્રાક્ટરને સ્વપ્નમાં આવીને મહાકાળીમાતાએ કહ્યું કે, " આ જગ્યાથી ઉગમણી
બાજુ તરફ ખોદકામ કરાવીશ નહીં, ત્યાં મારું દેવિત્વ છે. " પરંતુ કૉન્ટ્રાક્ટરે આ વાતને ધ્યાનમાં ન લીધી
અને બીજા દિવસે મજૂરોને મદિરાપાન કરાવીને કામ ફરીથી શરૂ કરાવ્યું. પછીના દિવસે
ફરીથી મહાકાળીમાતા તેના સ્વપ્નમાં આવ્યાં અને કોપાયમાન થઈને બોલ્યાં કે, " જો તું ત્યાં ખોદકામ
ચાલું રાખીશ તો હું તારું નિકંદન કાઢી નાખીશ. " મહાકાળીમાતાએ કૉન્ટ્રાક્ટરની
સાત વર્ષની દીકરીને પોતાનો પરચો આપ્યો. આ જોઈને ગભરાયેલાં કૉન્ટ્રાક્ટરે ખોદકામ
બંધ કરાવ્યું. તેણે માતાજીની માફી માગી અને તે જગ્યાએ માતાજીનું નાની દેરી જેવું
મંદિર બનાવડાવ્યું. હાલમાં મુખ્ય મંદિરની પાછળની બાજુએ આવેલું નાનું મંદિર
માતાજીનું મૂળ મંદિર છે જે કૉન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યું હતું. આજે પણ
અહીં ટેકરી પાસે સીધો રસ્તો નથી પરંતુ મંદિરથી થોડો વળાંક લઈને રસ્તો નીકળે છે. જે
આ વાતની સાક્ષી પૂરે છે.
એક કથા પ્રમાણે માતાજીએ અનેક લોકોને પોતાની હાજરીનો પરચો
આપ્યો છે અને અનેક લોકોની મદદ કરી છે. આ જગ્યાએ એક સમયે ભયંકર જંગલ હતું. આ
જંગલમાં ભૂલી પડેલી એક નિઃસહાય સ્ત્રીને માતાજીએ વૃદ્ધ ડોશીનાં સ્વરૂપે આવીને મદદ
કરી હતી. આવા તો અનેક પરચા માતાજીએ પૂર્યા છે. માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા
વધતાં પરાબિયા ગામનાં રામાપીર આખ્યાન મંડળના સભ્યોએ અહીં મંદિર બનાવવાનો સંકલ્પ
કર્યો. પરંતુ સભ્યોએ માતાજી પાસે આગ્રહ રાખ્યો કે જો માતાજી મંડળના કોઈપણ સભ્યનાં
સ્વપ્નમાં આવીને કહે, તો જ મંદિર બનાવવું છે. આ મંડળમાં માતાજીના એક પરમભક્ત બકોરભાઈ પટેલ હતા .
તેમને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, આ જગ્યા પર મારું દેવિત્વ છે. તમે અહીં મંદિર જરૂર બનાવજો.
માતાજીના આદેશ પ્રમાણે અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને સર્વ સંમતિથી
માતાજીના પરમભક્ત એવા બકોરભાઈ પટેલને મંદિરના પૂજારી તરીકે નીમવામાં આવ્યાં. આજે
પણ મંદિર પરિસરમાં મંદિરના મહંતશ્રી બકોરદાસ મહારાજની સમાધિ આવેલી છે.
લોકોની શ્રદ્ધા પ્રમાણે અહીં મહાકાળીમાતા હાજરાહજૂર છે, તેથી આ સ્થળ અનેક લોકો માટે શ્રદ્ધાધામ બન્યું છે. એક વખતનું જંગલ અને
બિહામણું સ્થળ આજે ભક્તોની અવરજવરને કારણે ખૂબજ નયનરમ્ય બની ગયું છે. અહીં
મહાકાળીમાતા એક અદ્ભુત પ્રતિમા સ્વરૂપે બિરાજે છે. માતાજીનું મૂળ સ્થાનક હાલના
મંદિરની પાછળ આવેલું છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ મૂળ સ્થાનકના દર્શન કરી ધન્યતા
અનુભવે છે. શ્રદ્ધાળુઓના મત પ્રમાણે માતાજીની માત્ર એક શ્રીફળની માનતા રાખવાથી ભક્તની બધી
મનઃકામનાઓ પૂર્ણ થાય છે. કોઈ પણ નિઃસંતાન દંપતી જ્યારે માતાજીની માનતા રાખે છે
ત્યારે તેમને ચોક્કસપણે સંતાન પ્રાપ્તિ થાય છે. જેમને પણ માતાજીના આશીર્વાદથી
સંતાન પ્રાપ્તિ થાય છે તેઓ પોતાના સંતાનની તસવીર મંદિરમાં લગાવી જાય છે. આજે પણ
મંદિરની અંદર પહોચતાં જ અનેક નાનાં નાનાં બાળકોની તસવીરો જોવા મળે છે, જે મહાકાળી માતાના
પરચાઓની સાક્ષી પૂરે છે.
મહાકાળીમાતાનાં મંદિરની બાજુમાં શિવાલય આવેલું છે. મંદિર
પરિસરમાં ભાથીજી મહારાજનું મંદિર પણ આવેલું છે. મંદિર પરિસર અદ્ભુત કુદરતી
સૌંદર્યથી શોભે છે. શ્રદ્ધાળુઓના મત પ્રમાણે પાવાગઢનાં મહાકાળીમાતાનાં દર્શનથી જે
પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્યફળ કેડીગઢનાં મહાકાળીમાતાનાં દર્શનથી પ્રાપ્ત
થાય છે. અહીં ગુરુપૂર્ણિમા, શ્રાવણ વદ અમાસ, આસો સુદ આઠમ, ચૈત્ર
સુદ આઠમ, સંતશ્રી
બકોરદાસ મહારાજની પુણ્યતિથિ અને મહાશિવરાત્રિનો ભંડારો, એમ વર્ષમાં છ વખત
મહાભંડારાનું આયોજન થાય છે. દર મંગળવાર, રવિવાર અને પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને
માથું ટેકવે છે.
વીરપુર -બાલાસિનોર રોડ પર આવેલું કેડીગઢ મંદિર વીરપુરથી ૨૨
કિમી અને બાલાશિનોરથી ૨૦ કિમીના અંતરે આવેલું છે. અમદાવાદથી ૧૦૭ કિમીના અંતરે
આવેલા આ શ્રદ્ધાધામ સુધી પહોંચવા માટે અમદાવાદથી બાલાસિનોર થઈને જઈ શકાય છે અને
અમદાવાદથી બાયડ- સાઠંબા અને ત્યાંથી ધોળીડુંગરી થઈને પણ જઈ શકાય છે.
( વિચારોનું વિશ્લેષણ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.