ભારત સદીઓથી પોતાની કલા અને પોતાના સાંસ્કૃતિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં પંકાતો રહ્યો છે. ભારતની કલામાં એટલું વૈવિધ્ય છે કે આજે પણ સમગ્ર વિશ્વ ભારતની કલા અને તેના સાંસ્કૃતિક વારસા પ્રત્યે નતમસ્તક થઈ જાય છે. ભારતનું માન સમગ્ર વિશ્વમાં આમ જ જળવાઈ રહે તે માટે કલાનું સતત સંવર્ધન અતિ આવશ્યક છે. આજે કેટલીક કલાઓ એવી છે કે જે લુપ્તપ્રાય થવાની એરણે આવીને ઊભી છે. આવી જ એક મરણ પથારીએ પડેલી કલા એટલે ' પેપર મેશી આર્ટ વર્ક ' અને આ કલામાં પ્રાણ પૂરવાનું કામ કરી રહી છે ગુજરાતની એક સાહસિક અને કલાપ્રેમી દીકરી નીલુ પટેલ.
પેપર મેશી કલા આજે ભારતમાં ફક્ત કશ્મીર અને દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યો સુધી જ સીમિત રહી ગઈ છે અને ગુજરાતમાં તો આ કલા લગભગ લુપ્ત થઈ ગઈ હતી પરંતુ નીલુ પટેલના અથાગ પ્રયત્નોએ તેને ફરીથી જીવંત કરી છે. પેપર મેશી આર્ટ વર્કમાં પોતાના અતુલ્ય યોગદાન બદલ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માનોથી સુશોભિત થયાં છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, વન્ડર બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, એવરેસ્ટ વર્લ્ડ રેકોર્ડ, સુપર્બ વર્લ્ડ રેકોર્ડ્સ, જિનિયસ બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ, રેકોર્ડ હોલ્ડર્સ રીપબ્લિક – યુકે, સ્પેન, ઇન્ડિયા જેવી અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બુકમાં ગૌરવવંતુ સ્થાન ધરાવનાર નીલુ પટેલ પેપર મેશી કલામાં છેલ્લાં ૨૫ વર્ષથી કાર્યરત છે.
પેપર મેશી આર્ટ વર્ક એટલે ' વેસ્ટમાંથી બેસ્ટ ' બનાવતી કલા. કચરાને પણ પોતાના સ્પર્શ માત્રથી મૂલ્યવાન સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં નીલુ પટેલને અદ્ભુત મહારથ હાંસલ છે. જૂના છાપાં અને રદ્દીમાંથી આ પેપર મેશી આર્ટ તૈયાર થાય છે. નીલુબેને આ કલાકારી પર એક પુસ્તક પણ લખ્યું છે. તેમણે પસ્તીમાં આપી દેવાયેલાં છાપાંઓનાં કાગળનાં માવા, ગુંદર, માટીનાં મિશ્રણથી ૨૦૦૦થી પણ વધુ નયનરમ્ય અને મનોહર કલાકૃતિઓ બનાવી છે. આ કલાકૃતિઓમાં ગાંધીજીનો ચરખો, લાર્જેસ્ટ પોટ, ફલાવર વાઝ, લેમ્પ શેડ, ઘડિયાળ, ફોટોફ્રેમ, બાજઠ, ઝરૂખા, કચ્છી ઘોડી, શોપિંગ બેગ, કી-ચેઈન, જ્વેલરી, લેટરબોક્સ તેમજ વિવિધ પ્રકારના માસ્ક વગેરેનો સમાવેશ થાય છે. નીલુ પટેલે કચરાના કાગળને સુંદર કલાકૃતિમાં રૂપાંતરિત કરીને અનેક આર્ટ પીસ તૈયાર કર્યાં છે, જેનું પ્રદર્શન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારનાં અનેક પ્રતિષ્ઠિત પ્રદર્શનોમાં થઈ ચૂક્યું છે.
પેપર મેશી ક્રાફ્ટમાં ૨૦૧૪માં ઓનરરી ડૉક્ટરેટની ડિગ્રી મેળવનાર નીલુ પટેલને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ‘લાર્જેસ્ટ પોટ’ દ્વારા મળી હતી. યુનિવર્સિટી રેકોર્ડ ફોરમ, ગોલ્ડન બુક રેકોર્ડ, ઈન્ડિયન વર્લ્ડ રેકોર્ડ વગેરે ૧૩ જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડસ બુકમાં સ્થાન મેળવનાર આ લાર્જેસ્ટ પોટ ૧૬.૬ ફૂટ ઊંચાઈ અને ૮.૬ ફૂટનો ઘેરાવો ધરાવે છે. આ પોટ વેસ્ટ ન્યૂસપેપર્સના પેજની સ્ટિક તૈયાર કરીને ૨૯ દિવસમાં બનાવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૧૫ દરમિયાન નીલુબેને ૫૯૫૦ ન્યુઝપેપર્સનાં પેજની ૫૯૫૦ જેટલી સ્ટિક્સ બનાવી હતી અને તે સ્ટિક્સને ઝાડના ગુંદર વડે ચોટાડીને ૨૯ દિવસમાં ૪૯ કિલો વજન ધરાવતો આ મહાકાય પોટ બનાવ્યો હતો. તેમની આ અદ્ભુત કલાકૃતિને દેશ- વિદેશમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. વિશ્વની ઘણી સંસ્થાઓએ તેમનાં આ ઈકો ફ્રેન્ડલી કાર્યને ખોબલે ને ખોબલે વધાવ્યું હતું. આ ભવ્ય પોટ તેમણે અમદાવાદ મહાનગર પાલિકાને ભેટમાં આપી દીધો હતો.
તેમનું અત્યારસુધીનું સૌથી સુંદર સર્જન જો કોઈ હોય તો તે ' સીદી સૈયદની જાળી ' છે. અમદાવાદની શાન એવી સીદી સૈયદની જાળીને જોવા દેશ વિદેશથી સહેલાણીઓ આવતાં હોય છે. તેથી નીલુબેનને પોતે પણ પેપર મેશીમાં સીદી સૈયદની જાળી બનાવવાનો વિચાર આવ્યો. સીદી સૈયદની જાળીને પેપર મેશીમાં ઢાળવા માટે તેમણે તનતોડ મહેનત કરી હતી. પોતાના વિચારને સાકાર કરવા માટે તેમણે ૪૦-૪૦ દિવસ સુધી આ ઐતિહાસિક સ્થાપત્યની સામે સતત બે-બે કલાક બેસીને તેનું કાગળ ઉપર અને હૃદયમાં ચિત્રાંકન કર્યું હતું. સીદી સૈયદની જાળીનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ તેને પેપર મેશીમાં ઢાળવાનું કામ કર્યું. આ કામ માટે જથ્થાબંધ છાપાંઓને પાણી ભરેલી ડોલમાં ૨૦-૨૦ દિવસ સુધી પલાળી રાખવા પડે છે અને દર બે દિવસે પાણી બદલતાં રહેવું પડે છે. ૨૦ દિવસના અંતે છાપાંના કાગળનો માવો થઈ જાય પછી તેને લસોટીને પલ્પ તરીકે તૈયાર કરવામાં આવે છે. પછી તેને સૂકવીને પાઉડર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગુંદર, માટી અને કુદરતી રંગોનું મિશ્રણ કરીને એક લોટ જેવું પડ બનાવવામાં આવે છે. આ કલામાં રંગોનું અનેરું મહત્ત્વ હોય છે. રંગો માટે કેમિકલની જગ્યાએ કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ કલાની એક આગવી વિશેષતા છે. અહીં નીલુબેને રંગ બનાવવા માટે બીટ, હળદર અને પારિજાતનાં ફૂલોનો ઉપયોગ કર્યો હતો. આખરે આ રંગમિશ્રિત લોટને ૩×૪ ફૂટની નમૂનારૂપ બનાવેલી સીદી સૈયદની લાકડાની મોલ્ડિંગ કરેલી જાળીવાળી ક્રેન પર વળાંકો અને નકશીકામ પ્રમાણે ગોઠવીને આ કલાકૃતિ તૈયાર થઈ હતી. નીલુબેનને આ અદ્ભુત કલાકૃતિના નિર્માણમાં નવ મહિના જેટલો સમય લાગ્યો હતો. જોયુંને? કેટલી ખંત અને ધીરજ માગી લે એવું કામ છે !
નીલુબેનનું આ એક સ્વપ્ન આખરે નવ મહિનાની મહેનત પછી સાકાર થયું હતું. ખૂબજ ધીરજ, ખંત અને એકાગ્રતા માગી લે એવી તેમની આ કલા આખરે રંગ લાવી અને પેપર મેશીમાં સીદી સૈયદની જાળી બનાવવા બદલ તેમને નેશનલ એવોર્ડ મળ્યો અને ગુજરાતને આ ક્ષેત્રે ઐતિહાસિક ગૌરવ મળ્યું. મોટાભાગે આ કલાક્ષેત્રે કશ્મીર અને ઓડિશાની જ ઈજારાશાહી જોવા મળે છે. આ રાજ્યના કલાકારો જ નેશનલ એવોર્ડ લઈ જતા હોય છે. નીલુ પટેલે બીજા રાજ્યોના કલાકારોની આ ઈજારાશાહી તોડી અને પોતે પણ પેપર મેશીના એક ઉત્કૃષ્ટ કલાકાર તરીકે નામના મેળવી છે. નીલુબેનને પોતાની અદ્ભુત કલાકૃતિ બદલ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શુભહસ્તે ગુજરાત સ્ટેટ એવોર્ડ (૨૦૧૨) મળ્યો હતો અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ‘મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ’ દ્વારા ‘ સીદી સૈયદની જાળી ’ના આર્ટ પીસને નેશનલ એવોર્ડ (૨૦૧૫) મળ્યો હતો.
અમદાવાદના વતની એવા નીલુ પટેલને આ કલા વારસો તેમના માતાશ્રી કોકિલાબેન તરફથી ભેટમાં મળ્યો છે. કોકિલાબેનને ક્રાફ્ટ, કેલિગ્રાફી, પેઇન્ટિંગનો ઘણો શોખ છે. તેઓ ખૂબ સારાં પેઇન્ટર અને કલાકૃતિઓના વિચારશીલ સર્જક છે. આજે પણ નીલુબેનની કલાનું જ્યાં પણ પ્રદર્શન હોય ત્યાં તેઓ સતત તેમની સાથે હોય છે અને પ્રોત્સાહિત કરતા રહે છે. નીલુબેનની વિવિધ કલાકૃતિઓનું પ્રદર્શન અમદાવાદની લલિત કલા આર્ટ ગેલરી, રવિશંકર કલાભવન, અમદાવાદ હાટ વગેરે સ્થળોએ તો થયું જ છે, તદુપરાંત ઉદેપુરની કલાવિધિ આર્ટ ગેલેરી, મુંબઈ અને દિલ્લીની આર્ટ ગેલેરીમાં પણ પ્રદર્શન યોજાયું હતું. પર્યાવરણનું જતન કરતી સર્જનાત્મક પ્રવૃત્તિ હોવાથી નીલુબેનને ગુજરાત સરકારની વાઈબ્રન્ટ સમિટ ૧૫ અને ૧૭માં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બધી જગ્યાઓએ શું પ્રદર્શિત કરવું? કેવી રીતે પ્રદર્શિત કરવું? એ બધી જવાબદારી તેમનાં માતાશ્રી કોકિલાબેને સારી રીતે સંભાળી હતી.
નીલુબેનને નાનપણથી જ ક્રાફ્ટ, પેઇન્ટિંગ અને ડિઝાઈનનો શોખ હોવાથી તેમણે ડિપ્લોમા ઈન ટેક્સટાઈલ ડિઝાઈનિંગ, મલ્ટિમીડિયા એન્ડ ઓટોકેડ ડિઝાઇનિંગ, ગવર્નમેન્ટ સર્ટિફિકેટ કોર્સ ઇન પેપર મેશી અને અને સી.એન.ફાઈન આર્ટ્સમાંથી ફાઈન આર્ટસનો કોર્સ કર્યો છે. તેમના પિતાશ્રી સ્વ. શ્રી ગુણવંતભાઈએ પણ દીકરી નીલુના કલા પ્રત્યે રહેલાં પ્રેમને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. ગુણવંતભાઈ ડેન્ટલ કૉલેજમાં લાઇબ્રેરિયન હોવાથી તેમને વાંચવાનો, નવું નવું જાણવાનો તથા ટેબલ-ટેનિસ ખૂબ રમવાનો શોખ હતો. તેઓ પ્રકૃતિ પ્રેમી પણ હતા. તેમના આ બધા ગુણો આજે નીલુબેનનાં વ્યક્તિત્વમાં છલકી રહ્યાં છે. નીલુબેન પણ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે અબોલ પશુપક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમની લાગણી ધરાવે છે. તેમણે બે પેટ ડોગ પણ રાખ્યાં છે, જે તેમની નવરાશની પળોના સાથી છે. આજે પણ નીલુબેન પોતાની કલાકારી વડે જે પણ હસ્તકલાનું સર્જન કરે છે, એ કૃતિના દર્શનનું સૌભાગ્ય સૌપ્રથમ તેમના માતાશ્રી અને આ બે શ્વાનને પ્રાપ્ત થાય છે.
( નીલુ પટેલ દ્વારા નિર્મિત અદ્ભુત પેઇન્ટિંગ )
નીલુ પટેલ પેપર મેશી આર્ટ વર્કમાં ખૂબ સરસ પેઇન્ટિંગ કરી જાણે છે. પ્રથમ નજરે કોઈ પણ તેમની પેઇન્ટિંગ જુએ તો કહી જ ન શકે કે આ પેપર મેશી દ્વારા નિર્મિત પેઇન્ટિંગ છે. તે કેનવાસ પેઇન્ટિંગ જેવી જ ભાસે છે. તેમનું ગ્વાલ સ્વરૂપ પિછવાઈ પેઇન્ટિંગ અદ્ભુત છે. આ ૪×૩ ફૂટનું પિછવાઈ પેઇન્ટિંગ પણ ૧૨થી ૧૫ કિલો છાપાની પસ્તીને પલાળીને તેમાંથી બનાવેલા પલ્પ દ્વારા બનાવવામાં આવ્યું છે. ‘ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ’માં સ્થાન પામેલી આ નયનરમ્ય રંગદર્શી પિછવાઈ પેઇન્ટિંગ છ મહિનામાં અથાક પરિશ્રમ બાદ સાકાર થયું હતું. અહીં પણ પલ્પ, ગુંદર, માટી અને રંગોના ઉપયોગથી એક ભવ્ય કલાકૃતિનું સર્જન થયું હતું. પિછવાઈ પેઇન્ટિંગ એક રીલીફ આર્ટ છે, જેનાં નિર્માણમાં તેઓ વિશેષ આનંદ અનુભવે છે. નીલુબેનનો કલા પ્રેમ દેશના સીમાડા વટાવીને વિદેશની ધરતી પર પણ પહોંચ્યો છે. તેમનાં પેઇન્ટિંગ પ્રદર્શનો લંડનમાં ' Music From the Silent Flute ( મૂંગી વાસળીઓના સૂર ) ' શીર્ષક હેઠળ ૨૪ જુલાઈથી ૬ ઑગસ્ટ ૨૦૧૭ દરમિયાન બ્રેન્ટ એરીયાની વીસ્ડન ગેલેરી અને નહેરુ આર્ટ સેન્ટરમાં યોજાયાં હતાં. આ પ્રદર્શનોને બ્રિટનની જનતાનો અદ્ભુત પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
પોતાની કલાના સંવર્ધન માટે સદાય સજાગ રહેનાર નીલુબેન ' મુખૌટે ક્રીએટિવ આર્ટ ફાઉન્ડેશન ' નામની સંસ્થા ચલાવે છે. લોકોને કલા પ્રત્યે સજાગ કરવા માટે આ સંસ્થા વિવિધ શાળા-કૉલેજો અને સામાજિક સંસ્થાઓમાં તેમના વર્કશોપ યોજે છે. સ્લમ એરિયા, અનાથ આશ્રમ અને અંધજન મંડળમાં વર્કશોપ યોજીને લોકોને આર્થિક રીતે પગભર થવા પ્રોત્સાહિત કરે છે. હાલમાં પણ 20 જરૂરિયાતમંદ ભાઈબહેનો આ સંસ્થા તાલીમ આપી રહી છે. આ સંસ્થા દ્વારા તૈયાર થયેલાં કલાકારો પોતાની કલાકૃતિઓ અનેક હાટ પ્રદર્શનોમાં વેચીને આર્થિક રીતે પગભર થઈ શકે છે. પેપર પલ્પ, પેપર રોલ સ્ટિક અને પેપર પીસ જેવી પદ્ધતિથી તેઓ આ કલાને જીવંત રાખવા અથાક પ્રયત્નો કરી રહ્યાં છે.
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
નોંધ :- આપના પ્રતિભાવો લેખની નીચે કૉમેન્ટમાં અથવા નીચે આપેલા મોબાઇલ નંબર પર વ્હોટ્સએપ કરી શકો છો.
પાર્થ પ્રજાપતિ :- ૯૬૮૭૮૦૯૯૭૭
નીલુ પટેલ :- ૯૮૨૫૭૫૨૬૩૩
nice post !!! LATEST EDUCATION UPDATE
જવાબ આપોકાઢી નાખોThanks 😊
કાઢી નાખો