સૌરાષ્ટ્રની જ્યારે વાત આવે ત્યારે તેના કવિઓ, લેખકો અને કલાકારોની વાત પણ અચૂકપણે થતી હોય છે. પૃથ્વી પર સૌરાષ્ટ્રની ભૂમિ જેટલાં કલાકારો ભાગ્યે જ કોઈ એક ભૂમિએ આપ્યા હશે. આ ભૂમિ પર અનેક સંઘર્ષગાથાઓ લખાયેલી છે અને આગળ પણ લખાતી રહેશે. અહીં અનેક કલાકારોએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની કલાના જોરે ઘોર અંધકારમાં પણ પ્રકાશ પાથર્યો છે. આજે એવા જ એક કલાકારની વાત કરવી છે કે જેમની કલમે ગુજરાતને અનેક ગીતોની ભેટ આપી છે. તેઓ એક ગીતકાર હોવાની સાથે એક સારા ગાયિકા અને લેખિકા પણ છે. તે મહાન કલાકાર એટલે હિરલ પ્રજાપતિ.
કવિ શ્રી ' શૂન્ય ' પાલનપુરીના શબ્દોમાં કહીએ તો " જેમણે વેઠ્યો નથી અંધકાર કાળી રાતનો, એ કદી સૂરજનાં હૈયામાં વસી શક્યાં નથી." હિરલબેનની સંઘર્ષગાથા પણ કંઈક આવી જ છે. રાજકોટ જિલ્લાના લાલાવદર ગામના અત્યંત ગરીબ પરિવારમાં ૨૬ માર્ચ, ૧૯૯૧ ના રોજ જન્મેલા હિરલ પ્રજાપતિના પિતા નાનજીભાઈ ટપુભાઈ પ્રજાપતિ સુરતમાં માસિક ૫૦૦૦ રૂપિયાના ધોરણે હીરાના કારખાનામાં કામ કરતા હતા. ઓછા રૂપિયામાં પરિવારનું ભરણપોષણ દુષ્કર લાગતાં પોતાના જ ગામ લાલાવદરમાં કરિયાણાંની દુકાન શરૂ કરી. દેશી નળીયાંવાળાં જર્જરિત મકાનમાં હિરલબેનની સાથે તેમના પિતા નાનજીભાઈ, માતા મંગુબેન, નાનાં બહેન કિરણબેન, બે નાના ભાઈઓ દીપક અને સંજય તથા તેમના સુરદાસ ( અંધ ) દાદાશ્રી ટપુભાઈ રહેતાં હતાં.
હિરલબેનના નાનાં બહેન કિરણ પ્રજાપતિ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર છે. તેમના ઘણાં ગીતો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તેમના આલબમ સોંગ્સ આજે પણ સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવે છે. અહીં રોમાંચકારી વાત તો એ છે કે કિરણબેનનાં ગાયેલાં મોટાભાગનાં ગીતોના ગીતકાર હિરલબેન પોતે છે. મોટાં બહેન હિરલબેનની કલમ અને નાના બહેન કિરણબેનનો સ્વર, આ બંને જ્યારે એક મંચ પર ભેગા થઈ જાય છે, ત્યારે ભલભલાનાં મન મોહી લે છે. ઘણાં પ્રોગ્રામ તો એવા હોય છે, જ્યારે હિરલબેન અને કિરણબેન બંને સાથે સ્ટેજ શેર કરે છે. બંનેને એક જ સ્ટેજ પર જોવાનો લહાવો ખરેખર ઘણો અદ્ભુત હોય છે. ખરેખર! તેમના પરિવાર પર મા સરસ્વતીની વિશેષ કૃપા ઉતરી છે. તેમના પિતા તેમજ દાદા પણ ભજન ગાવાનો શોખ ધરાવતાં હતાં. પીપળી ધામ, રામદેવજી મહારાજની જગ્યાના સંત સવારામ બાપા લાલાવદર મુકામે જ્યારે પણ પધારતા, તેઓ હિરલબેનના ઘરે અચૂક આવતા. હિરલબેનના દાદા અને સંત સવારામ બાપા વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. બંને મિત્રોના મળતાં જ આખા પંથકમાં ભક્તિની સુવાસ ફેલાઈ જતી. તંતુ વાદ્ય રામસાગરના તાર જ્યારે પણ સવારામ બાપા અને ટપુદાદા વડે છંછેડાતા ત્યારે સૂર અને તાલની એવી તો રંગત જામતી કે લોકો મંત્રમુગ્ધ બની જતાં. આજે પણ હિરલબેન દ્વારા એ રામસાગર સાચવી રખાયો છે.
બાળપણથી જ ભજન સાંભળીને મોટાં થયેલાં હિરલબેનનાં મન પર તેમના દાદા દ્વારા ગાવાયેલા ભજનોની એવી ગાઢ અસર થઈ કે એક દિવસ તેઓ પોતે પણ ભજન લખતાં થઈ ગયાં. તેમણે પોતાની કલમ દ્વારા અનેક ભજનો રચ્યાં છે. તેમના દ્વારા લખાયેલાં ભજનોમાં, ' હું તો જઈશ ગિરિધર જોવા ( જૂનાગઢ ટાઇટલ હેઠળ ૮ ગીતો રચ્યાં છે ), ખોડીયાર માના પરચા, રામાપીરનો વરઘોડો ટાઇટલ હેઠળ બીજા ૮ ગીતો, લખું લખું કાગળિયાંને પેન ( શ્રી સ્વામિનારાયણ કીર્તન ) ' તથા અશોક સાઉન્ડ દ્વારા પ્રકાશિત ' વાલીડાની મૂર્તિ ' અને ' આવો આવો સુંદર શ્રી ઘનશ્યામ ' જેવા સુપ્રસિદ્ધ ભજનોની ભેટ આપી છે. તેમનું શ્રી સ્વામિનારયણ ભગવાનનું ભજન ' આવો આવો સુંદર શ્રી ઘનશ્યામ 'ને એક મિલિયન વ્યૂ મળ્યાં હતાં અને આજે પણ તે ધૂમ મચાવી રહ્યું છે. તેમના આ ભજનો તેમના નાના બહેન કિરણબેનના સુમધુર કંઠે ગવાયેલાં છે. બંને બહેનોના સહકારથી રચાયેલી યૂ ટ્યુબ ચેનલ ' Kiran Prajapati Official ' અને ' KP Studio Official ' પર તેમના ગીતો મૂકેલાં છે. આ ચેનલ પર તેઓ નિયમિત પણે અપડેટ મૂકતાં રહે છે અને અવનવાં ગીતોનો રસ શ્રોતાગણને પીરસતાં રહે છે.
આજે હિરલ પ્રજાપતિ ભલે એક મોટાં કલાકાર હોય પણ તેમને તેમના જીવનમાં અનેક સંઘર્ષો વેઠ્યા છે. તેમનાં પરિવારે કારમી ગરીબીનો માર વેઠ્યો હતો. હિરલબેનના પરિવારે એવો પણ સમય જોયો છે કે જ્યારે તેઓ માટે એક ટાણું કરીને રહેતાં અને એક ટાણું ચણા કે મમરાં ખાઈને ચલાવી લેતા. પેટ પણ ખાલી અને તન પર સારા કપડાં પણ ન હતાં. જ્યારે પણ કોઈ જગ્યાએ બંને બહેનોને ગાવા જવાનું થતું તો પોતાની પાસે સારાં કપડાં કે શણગાર ન હોવાથી ગામમાં બીજી છોકરીઓ પાસે હાથ લંબાવતા અને કહેતાં કે, " તારા કપડાં થોડી વાર પહેરવાં આપને ! મારે સ્ટેજ પર ગાવા જવાનું છે." વિચારીને જ કંપારી છૂટી જાય એવી ગરીબી એમના પરિવારે જોઈ હતી. પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેઓ સિવણનું કામ પણ કરતાં હતાં. કુદરતને આટલું સ્વીકાર્ય ન હોય એમ તે હજુ પણ હિરલબેનની પરીક્ષા કરવા તત્પર હતી. તેમના પિતા નાનજીભાઈનું ૯ જુન, ૨૦૧૦ માં એક અકસ્માતમાં દુઃખદ અવસાન થયું. પરિવારનો મુખ્ય સ્તંભ એટલે પિતા. પિતાના અકાળે દેહાવસાન બાદ પોતાના પરિવારને તૂટતો બચાવવા પરિવારની સઘળી જવાબદારી બંને દીકરીઓ એવાં હિરલબેન અને કિરણબેને પોતાનાં ખભાઓ પર ઉપાડી લીધી.
કવિ લલિતની એક ખૂબ સુંદર પંક્તિ છે. " વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપત ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. " હિરલબેને પણ જ્યારે તેમનાં પર વિપત્તિ આવી ત્યારે ત્યારે વલખાં મારવાની જગ્યાએ મહેનત પર ધ્યાન આપ્યું. તેમને પોતાની કલાને નિખારવામાં સખત મહેનત કરી. અત્યંત દુઃખ વેઠ્યાં પછી કુદરતની કસોટીમાં પાર ઉતર્યાં. અહીં એક વાત કહેવી પડે કે હિરલબેનનો પરિવાર ભક્તિ સાથે સંકળાયેલો હોવાથી એમના દાદાની બંને દીકરીઓને આજ્ઞા હતી કે સંતવાણી અને ભજનો કરજો. તેથી હિરલબેને પોતાની કલમ વડે સુંદર ભજનોની જ રચના કરી. તેઓ ફિલ્મી ગીતો લખવાનો શોખ નથી ધરાવતાં. તેઓ જેટલાં સુંદર ભજનો લખે છે એટલું સુંદર ગાઈ પણ શકે છે. તેમનાં લખેલાં ભજનો તેમના સુમધુર કંઠે સાંભળવા એ પણ એક લહાવો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટથી માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કરેલા હિરલબેન પોતાની કારકિર્દી સાથે ઘર-પરિવાર પણ સુપેરે સંભાળી જાણે છે. તેમના લગ્ન ગાંધીનગર જિલ્લાના કડી તાલુકાના થોર ગામે વર્ષ ૨૦૧૮માં થયાં હતાં. હાલ તેઓ તેમનાં પતિ વિશાલ પ્રજાપતિ સાથે અમદાવાદમાં રહે છે. તેમને ભગવાને એક સુંદર દીકરો પણ આપ્યો છે. હિરલબેન આજે પણ પોતાના દીકરા અને ઘર-પરિવારને સંભાળવાની સાથે પોતાની કલાને સતત નિખારવામાં અને અવનવા ગીતો રચવામાં રચ્યાંપચ્યાં રહે છે. આજે પણ પોતાની કલા પ્રત્યે તેમની નિષ્ઠા અખંડ છે.
લેખક:- પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી
જવાબ આપોકાઢી નાખો