ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાનકડાં ગામ વાગોસણાના વતની અને હાલ આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં રહેતા નીતિનભાઈ અંગ્રેજી વિષય સાથે ઉચ્ચ શિક્ષણની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. હાલ તેઓ આણંદમાં પોતાનું ગ્લોબલ લેન્ગવેજ સેન્ટર ચલાવે છે અને વિદેશ જવા મથતાં વિદ્યાર્થીઓને IELTS ( The International English Language Testing System ) ના ક્લાસ કરાવે છે. એક દિવસ પોતાનાં ગામ ચિખોદરાથી આણંદ જતી વખતે રસ્તામાં આવેલી ઝૂંપળપટ્ટી પાસે કેટલાંક બાળકોને જમીન પર માટીમાં અંગ્રજી મૂળાક્ષરો દોરીને લખતાં જોયા. ભણવાની તીવ્ર ઈચ્છા ધરાવતાં છતાં પણ ભણવા માટે અસમર્થ આવા બાળકોને જોઈને નીતિનભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમની અંદરનો શિક્ષક જાણે પોકારતો હોય એમ તેમણે એ જ ક્ષણે નિર્ધાર કરી લીધો કે મારે આ બાળકો માટે કંઈક કરવું છે. આ એક જ દૃઢ વિચારથી એમણે પોતાનો સેવાયજ્ઞ શરૂ કર્યો, જે આજે પણ અવિરત ચાલી રહ્યો છે.
( વિવિધ ચાર્ટ દ્વારા બાળકોને સમજાવતા નીતિનભાઈ )
શાળાકીય શિક્ષણ આજે ઘણું સુલભ થઈ ગયું છે અને દેશમાં સાક્ષરતા દર પણ વધી રહ્યો છે, પરંતુ સાથે સાથે એવા પણ બાળકો છે, જેમને ભણવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ કોઈક કારણોસર શાળાએ જઈ શકતાં નથી. તેમના માટે આજે પણ શાળાકીય શિક્ષણ ખૂબજ દુર્લભ છે. વિકાસથી ધમધમતાં શહેરોની આસપાસ આજે પણ ઘણા એવા સ્લમ વિસ્તારોમાં અસંખ્ય લોકો રહે છે જેમને બે ટંકનું ભોજન પણ નસીબ નથી હોતું, તો પછી શિક્ષણ અને સ્વાસ્થ્યની તો વાત જ દૂર રહી! એક સામાન્ય બાળક માટે સામાન્ય લાગતી પેન કે પેન્સિલ પણ આ બાળકો માટે અમૂલ્ય ચીજવસ્તુ બની રહે છે. આવા અસંખ્ય ગરીબ અને દિવ્યાંગ બાળકો માટે તારણહાર બનીને આવનાર એક શિક્ષક એટલે નીતિનભાઈ પ્રજાપતિ.
( નીતિનભાઈનું ગુરુકુળ )
નીતિનભાઈ પ્રજાપતિ કોઈ સરકારી કે ખાનગી શાળાના શિક્ષક નથી કે તેમને તેમના આ કાર્ય માટે પગાર મળવાનો હતો. છતાં પણ એક પગારદાર શિક્ષક કરતાં પણ વધુ ધગશ અને મહેનતથી તેઓ આ બાળકોને અક્ષરજ્ઞાન આપે છે. પોતાની દિનચર્યાનો એક અલાયદો ભાગ તેમણે આવા ગરીબ અને દિવ્યાંગ બાળકોને સમર્પિત કરી દીધો છે. નીતિનભાઈના પિતાશ્રી આત્મારામ પ્રજાપતિ પોતે એક શિક્ષક હતા અને તેમની પણ મહેચ્છા હતી કે તેમના બાળકો તેમનો આ શિક્ષણ વારસો આગળ ધપાવે. તેમના પિતાની ઈચ્છા અને સાથે સાથે પોતાની સેવાભાવી વૃત્તિને કારણે આજે નીતિનભાઈ અનેક ગરીબ અને વંચિત પરિવારોમાં એક આશાનું કિરણ બનીને આવ્યા છે.
( શિક્ષણ લેતા નાના ભુલકાઓ )
પ્રજ્ઞાચક્ષુ, શ્રવણ ન કરી શકતાં, મૂકબધીર, દિવ્યાંગ તેમજ અત્યંત ગરીબી હેઠળનાં બાળકોને સરળતાથી સમજાવી શકાય એવી સરળ રીતથી તેઓ આ શિક્ષણકાર્ય કરી રહ્યા છે. તેમને પોતાના હાથે ૧૦૦૮ જેટલાં ટી. એલ. એમ ( ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ ) બનાવ્યા છે. તેઓ અનેક ચાર્ટ, ચિત્રો અને ફળફૂલ તથા લાકડાનાં રમકડાં દર્શાવીને અત્યંત સરળતાથી બાળકોને સમજાવે છે. પ્રજ્ઞાચક્ષુ બાળક સ્પર્શીને તથા બહેરું બાળક જોઈને સમજી શકે એવી અજાયબ રીતથી તેઓ ભણાવે છે. ગરીબ બાળકોને શિક્ષણમાં રસ અને રુચિ કેળવાય તે માટે હાથબનાવટ, શિક્ષણના ફ્લેશકાર્ડ અને ડ્રોઈંગનો પણ ઉપયોગ કરે છે. આ રીતે અત્યંત સરળતાથી ભાર વિનાનું ભણતર આપી તથા જ્ઞાન સાથે ગમ્મત કરતાં કરતાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભણાવે છે અને ભાવિ પઢીને શિક્ષણથી સજ્જ કરવાનું ઉમદા કાર્ય કરે છે. તેઓ કોઈ સુથાર નથી છતાં પણ બાળકો માટે મટીરિયલ્સ પોતાના હાથથી જ બનાવવાની ભાવનાને કારણે ક્યારેક લાકડાના રમકડાં બનાવતાં બનાવતાં હાથમાં ખીલા કે હથોડી પણ વગાડી ચૂક્યા છે. તેમના દ્વારા બનાવાયેલાં શૈક્ષણિક સાધનોની સરાહના ઘણી બધી સામાજિક સંસ્થાઓ તેમજ સરકારશ્રીના માહિતી નિયામક ખાતાએ પણ કરી છે. કેટલીક શૈક્ષણિક સાધનો બનાવતી કંપનીઓ તથા લાકડાંના રમકડાં બનાવતી કંપનીઓએ પણ નીતિંભાઈનો સંપર્ક સાધ્યો હતો, પણ તે આ સાધનો વેચવામાં માનતા નથી. તેઓ અઠવાડિયામાં બે દિવસ બાળકોને વિવિધ રમતો રમાડે છે અને અનેક રચનાત્મક કાર્યો કરાવે છે જેથી બાળકોનો સર્વ સમાવેશી વિકાસ થાય.
નીતિનભાઈ જેટલું ધ્યાન બાળકોના શિક્ષણનું રાખે છે તેટલું જ ધ્યાન તેમના સ્વાસ્થ્યનું પણ રાખે છે. તેઓ પોતાના ખર્ચે બાળકોને અલ્પાહાર આપે છે. તેમના માટે પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરે છે અને તેમની શિક્ષણ જરૂરિયાતની સામગ્રી પણ પૂરી પાડે છે. આ બધું જોતા લાગે કે તેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા હશે, પરંતુ તેઓ આવી કોઈ જ સંસ્થા સાથે જોડાયેલા નથી. તેઓ આ સેવાયજ્ઞ પોતાની મૂડી ખર્ચીને ચલાવે છે અને દાનનો એક પણ રૂપિયો લેતા નથી. છતાં પણ જો કોઈ દાન કરવાની જીદ કરે તો બાળકોને સીધા જ અપાવી દે છે. નીતિનભાઈનું ગણિત સીધું સાદું છે. તેમનું માનવું છે કે લોકો રજાના દિવસે કે નવરાશના સમયે મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા જાય કે હોટેલમાં જમવા જાય તો પણ ૨૦૦૦ રૂપિયા આરામથી વપરાય જાય. નીતિનભાઈ આવી જાહોજલાલી કરતાં નથી. તેઓ આવા ૨૦૦૦ રૂપિયા બચાવે છે જેનાથી તેમના ૪૦ બાળકોનો ચાર દિવસનો નાસ્તો આવી જાય છે. તેમના આવા અદભુત આયોજનના કારણે તેમને ક્યારેય પોતાના સેવાકાર્યમાં નાણાકીય તંગી પડી નથી. બાળકોને તકલીફ ન પડે અને પોતાને કોઈ પાસે હાથ લંબાવો ન પડે તે માટે તેઓ પોતાનું સમગ્ર જીવન ખૂબ સાદાઈથી જિવ્યા છે. તેમના સેવાયજ્ઞમાં તેમના પરીવારે ખૂબજ સાથ અને સહકાર આપ્યો છે.
( વિવિધ ચાર્ટ દ્વારા બાળકોને સમજાવતા નીતિનભાઈ )
નીતિનભાઈ એ કોઈ સંસ્થામાં નથી છતાં પણ તેઓ પોતે એક સંસ્થાની ગરજ સારે છે. તેઓ માત્ર શિક્ષક નથી પણ પોતે એક હરતી ફરતી શાળા છે. તેઓ જ્યાં હોય ત્યાં તેમનું શિક્ષણ કાર્ય ચાલુ કરી દે છે. ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે એક તંબુ તાણીને ખુલ્લા આકાશ નીચે શરૂ કરેલી તેમની આ શાળા જાણે કોઈ ગુરુકુળ હોય એમ ભાસે છે. તેમના આ ગુરુકુળમાં શરૂઆતમાં બાળકો આવતાં ખચકાટ અનુભવતા હતા. એમને થતું કે આ સાહેબને જરૂર કોઈ ફાયદો થતો હશે, નહિતર આજે મફતમાં કોણ ભણાવે? પરંતું ધીરે ધીરે બાળકોને પણ નીતિનભાઈની પરોપકારી વૃત્તિનો પરિચય થયો અને એક પછી એક બાળકો એમની આ ગુરુકુળ જેવી ખુલ્લી શાળામાં જોડાતા ગયાં. શરૂઆતમાં ચાર કે પાંચ બાળકો આવ્યાં અને આજે તેમના એક વર્ગમાં ૫૦૦થી વધુ બાળકો તેમના વિદ્યાદાનનો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ આણંદ જીલ્લામાં હાડગુડ પાસેના પાતોડપુરા, એકતાનગર સ્લમ વિસ્તાર અને ગામડી પાસેના ગામોટપુરાના અનેક ગરીબ પરીવારોના બાળકોને વિનામુલ્યે અક્ષરજ્ઞાન આપી ચુક્યા છે. અત્યારસુધી અસંખ્ય બાળકો તેમના આ મહાનકાર્યનો લાભ ઉઠાવી ચૂક્યા છે. પોતે વન મેન આર્મી કહેવાય એવા નીતિનભાઈ સતત બે દશકાથી અવિરતપણે આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. તેમની શાળામાં એક પણ દિવસનું વેકેશન નથી પડ્યું. બાળકોને ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ વિષયનું અક્ષરજ્ઞાન આપતા નીતિનભાઈ એક પણ દિવસ રજા પાડ્યા વગર તેઓ ખડે પગે ગરીબ બાળકોના ઉદ્ધાર માટે આ કાર્ય કરી રહ્યા છે.
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
વાહ ખુબ સરસ..
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર આપનો
કાઢી નાખોMangal Dhash (Google)
જવાબ આપોકાઢી નાખોઆપ કે ભીતર બેઠા પરમાત્મા ને સત્ સત્ નમન વંદન
ખુબ ખુબ આભાર આપનો
કાઢી નાખો