ધર્મની અને પ્રાકૃતિક સૌંદર્ય મઢ્યું સ્થળ :- કલેશ્વરી મંદિર - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 18 જુલાઈ, 2021

ધર્મની અને પ્રાકૃતિક સૌંદર્ય મઢ્યું સ્થળ :- કલેશ્વરી મંદિર


                         રજાઓ પડે એટલે લોકો ફરવા લાયક સ્થળ શોધવા લાગે છે. જો કોઈ એવું સ્થળ મળી જાય કે જે તમને ધર્મની સાથે પ્રાકૃતિક સૌંદર્યનું પણ રસપાન કરાવે તો કેવી મજા પડે? યુવાનો અને બાળકો તો ઠીક, પરંતુ દાદા-દાદીને પણ મજા પડે એવું એક તીર્થ આવેલું છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામ પાસે. લવાણા ગામથી થોડાંક જ અંતરે પ્રકૃતિના ખોળે રમતું અને આઘ્યાત્મિકની સાથે આપણાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવતું તીર્થ એટલે કલેશ્વરીમાતાનું મંદિર. અહીંનું મંદિર પરિસર ખૂબજ વિશાળ અને અનેક ઐતિહાસિક સ્મારકોથી સુશોભિત છે એટલે જ તે કલેશ્વરી સ્મારક સમૂહ કે કલેશ્વરીની નાળ તરીકે પણ ઓળખાય છે.



                        મંદિર પરિસરમાં પહોંચતાં જ લોકો પ્રકૃતિના ખોળે જઈ બેઠાં હોય, એવો અલૌકિક આનંદ અનુભવે છે. આ મંદિર પરિસર લોકોને વિજયનગરની પોળોની યાદ અપાવે છે. અહીં કલેશ્વરી માતાના મંદિરની સાથે-સાથે અનેક શિલ્પ સ્થાપત્ય, સુંદર કોતરણીવાળી બે વાવ, કૂવો, સુંદર સમચોરસ કુંડ, શિલ્પ ગેલેરી, શિકાર મઢી, ભીમચૉરી, અર્જુનચૉરી, ઘુમ્મટવાળું મંદિર તથા મંદિર પરિસરથી થોડાં જ અંતરે એક સુંદર ઝરણું પણ આવેલું છે, જે અતિ સૌંદર્યમયી અને મનમોહક છે.



                        ઐતિહાસિક તથ્યો પ્રમાણે આ સ્થળે લવણેશ્વરી તરીકે ઓળખાતી એક પ્રાચીન વસાહત હતી. અહીં આવેલું શિવમંદિર ૧૦મી સદીમાં બંધાયેલું હતું; જે કાળક્રમે ખંડેરમાં પરિવર્તિત થઈ ગયું હતું. પરિસરમાં એક સુંદર કુંડ છે, જેનું નિર્માણ ૧૧મી કે ૧૨મી સદીની આસપાસ થયું હોવાનું જાણવા મળે છે. સાસુ-વહુના નામ સાથે જોડાયેલી સુંદર કોતરણીવાળી બે વાવ અહીં આવેલી છે, જે આ મંદિર પરિસરનું મુખ્ય આકર્ષણ છે. વાવની દીવાલો પર નવગ્રહો, બલરામ, સપ્તમાત્રૂકા દેવીઓ, શેષશાયી શ્રીવિષ્ણુ, દેવી વૈષ્ણવી અને સપ્તર્ષિઓની પ્રતિમાઓ આવેલી છે; જે પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલી છે. મંદિર પરિસરમાં જે કુંડ આવેલો છે તે હિડિમ્બા કુંડ તરીકે ઓળખાય છે. ૧૧-૧૨મી સદીમાં ૨૨ ચો.મી.ના ઘેરાવામાં બનેલાં આ કુંડની રચના લેટ્રેઈટ પ્રકારના રેત પથ્થરોમાંથી થયેલી છે. કુંડની અંદર એક જ પથ્થરમાંથી કોતરેલી સુંદર પ્રતિમાઓ આવેલી છે, જે કુંડને સુંદરતા બક્ષે છે. ટેકરી પર આવેલી ભીમચૉરી અને અર્જુનચૉરી જવા માટે પગથિયાંનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ટેકરી પર એક સુંદર તળાવ નજરે પડે છે. અહીંનો પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત નજારો આંખોને શીતળતાનો અનુભવ કરાવે છે.


                        મૂળ મંદિરોનું નિર્માણ ઉત્તર ગુજરાતની મારું ગુર્જર સ્થાપત્યશૈલીમાં થયેલું છે; જેમાં થોડાં ઘણાં અંશે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનો પણ સમન્વય થયેલો જોવા મળે છે. કાળક્રમે ખંડેરમાં પરિવર્તિત થયેલાં આ મંદિરોનો જીર્ણોદ્ધાર તત્કાલીન લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ ઈ.સ. ૧૫૪૯માં કરાવ્યો હતો. ત્યારબાદ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં આ સ્થળ ખંડેરાવશેષ થઈ ગયું હતુ. ત્યારબાદ વખતસિંહે અહીં શિકાર મઢી નું નિર્માણ કરાવ્યું હતું.


                        કલેશ્વરી મંદિરનું જેટલું ઐતિહાસિક મહત્ત્વ છે એટલું જ ધાર્મિક મહત્ત્વ પણ છે. મહાભારતમાં જે હિડિમ્બા વનનો ઉલ્લેખ થયેલો છે તે વન અહીં આવેલું છે એવી લોકમાન્યતા છે. સ્થાનિકોના મત પ્રમાણે પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં જ રોકાયા હતાં અને ટેકરી પર જે ભીમચૉરી છે ત્યાં જ ભીમ અને હિડિમ્બાના લગ્ન થયાં હતાં એવી લોકવાયકા છે. અહીંનો આદિવાસી સમુદાય કલેશ્વરી માતા પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે. દર વર્ષે અહીં શિવરાત્રી અને ગોકુળઆઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહીસાગર જિલ્લાને સ્પર્શતી રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સીમાના આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. આ મેળામાં આદિવાસી સંસ્કૃતિનું મનમોહક દૃશ્ય ઊભું થાય છે, જે ખરેખર જોવા જેવું હોય છે. લોકો અહીં આદિવાસી નૃત્યનો પણ આનંદ માણે છે. કલેશ્વરી મંદિર પરિસર ખરા અર્થમાં અહીં આવનાર દરેક વ્યક્તિને ગુજરાતની ભવ્ય આદિવાસી સંસ્કૃતિના વારસાનો સુંદર પરિચય કરાવે છે. ચોમાસાના દિવસોમાં આ સ્થળની સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે. હરવા-ફરવાનાં શોખીન લોકોએ આ સ્થળની મુલાકાત અચૂક લેવી જોઈએ.


કઈ રીતે પહોંચશો?

            કલેશ્વરી મંદિર પહોંચવાનો રસ્તો ખૂબજ સરળ છે. અમદાવાદથી માત્ર ૧૫૦ કિમીના અંતરે આવેલું છે. આ સ્થળ પર રોડ માર્ગે જઈ શકાય છે. અમદાવાદથી મોડાસા અને ત્યારબાદ માલપુર થઈને લવાણા ગામ આવે છે. લવાણા ગામથી માત્ર પાંચ કિમીનું અંતરે આ પ્રાકૃતિક સૌંદર્યથી સુશોભિત મંદિર પરિસર આવેલું છે.

      પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...