સંઘર્ષથી સફળતાની કેડી કંડારનાર :- કુમારી કિરણ પ્રજાપતિ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 19 જુલાઈ, 2021

સંઘર્ષથી સફળતાની કેડી કંડારનાર :- કુમારી કિરણ પ્રજાપતિ

નોંધ:- લેખના લેખક હિરેન પ્રજાપતિ ( રખેવાળ ) છે...
( કુમારી કિરણ પ્રજાપતિ ગાયિકા )

  એક પ્રસિદ્ધ પંક્તિ છે કે, " લહેરો સે ડર કર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરને વાલોં કી કભી હાર નહિ હોતી "

દરેકને પ્રવાહની દિશામાં જ તરવું છે, કારણ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવા માટે કુનેહ અને હિંમતની જરૂર પડે છે. પ્રવાહની દિશામાં સરળતા હોય છે જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં સંઘર્ષ હોય છે. લોકોને સંઘર્ષમય વાર્તાઓ વાંચવી ગમે છે પણ જ્યારે એ જ સંઘર્ષ તેમના પોતાના જીવનમાં આવે છે ત્યારે ભલભલા લોકો ગોથા ખાઈ જતાં હોય છે. જીવનમાં જ્યારે સંજોગો અનુકૂળ ન હોય, અનુકૂળતાનો પ્રવાહ આપણી વિરુદ્ધ હોય ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવનની નૌકાને આગળ હંકારવી કઠિન થઈ પડે છે. કેટલીક એવી વ્યક્તિઓ હોય છે કે જેઓ સંજોગો સામે ઝૂકી જવાને બદલે લડી લેવાનું વધુ પસંદ કરે છે અને પોતાના પુરુષાર્થના બળે પોતાની જીવન નૌકાને પાર ઉતારે છે. આવી વ્યક્તિઓનું જીવન સંઘર્ષ અને ત્યારબાદ મળેલી સફળતાથી મહેકતું હોય છે. આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ કે જેમનું જીવન પોતે એક સંઘર્ષગાથા છે. તે વ્યક્તિ એટલે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સંગીતની દુનિયાનો ઉગતો સિતારો કુમારી કિરણ પ્રજાપતિ.
( સ્ટુડિયોમાં ગીતને સૂર આપતા કુમારી કિરણ પ્રજાપતિ વનિતાબેન પટેલ સાથે )

કિરણ પ્રજાપતિનો જન્મ તા. ૨૭ જુલાઈ, ૧૯૯૨ ના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના લાલાવદર ગામે એક સામાન્ય પ્રજાપતિ કુટુંબમાં થયો હતો. પિતાશ્રીનું નામ નાનજીભાઈ ટપુભાઈ પ્રજાપતિ અને માતાનું નામ મંગુબેન છે. કિરણ પ્રજાપતિના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત એક મોટાંબેન અને બે નાના ભાઈઓ છે. કિરણ પ્રજાપતિએ ધોરણ ૧ થી ૭ નો અભ્યાસ પોતાના માદરે વતન કયૉ હતો અને ધોરણ ૮ થી ૧૦ નો અભ્યાસ કન્યા વિનય મંદિર જસદણ ખાતેથી કયૉ હતો. એસ. એસ. સી. ની પરીક્ષા ૨૦૦૬ માં પાસ કરી હતી. કિરણબેનને અભ્યાસમાં નાનપણથી બિલકુલ રસ નહોતો. તેમને ધંધામાં જ પહેલેથી રૂચિ રહેલી હતી એટલે તેમણે માંડ માંડ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે.
(સ્ટેજને શેયર કરતાં કુમારી કિરણ પ્રજાપતિ પૂજાબા ચોહાણ સાથે )

કિરણ પ્રજાપતિ આજે એક ગુજરાતના નામાંકિત ગાયિકા છે પણ તેમની જીવનગાથા અનેક સંઘર્ષ અને વેદનાઓથી ભરેલી છે. સંગીત અને સંતવાણી તેમને વારસામાં મળેલી અમૂલ્ય મહામૂલી ભેટ છે. કિરણ પ્રજાપતિની જીવનલીલા આંખમાં આંસુઓનાં વરસાદથી ભરેલી છે. તેમના પિતાશ્રી નાનજીભાઈ પ્રજાપતિ એ સમયે સુરતના હીરા ઉદ્યોગ ૫૦૦૦ ના માસિક વેતનથી કામ કરતા હતા પણ કુદરતને નામંજૂર હોય તેમ પોતાના માદરે વતનની મીઠી ભૂમિ પોકાર પાડતી હતી. સુરત શહેરને અલવિદા કરી પોતાના માદરે વતનમાં સ્થાઈ થઈ લાલાવદરમાં કરીયાણાની દુકાન કરી. પોતાના પરિવાર સાથે ગુજારો કરવા લાગ્યા. આ સમયે કિરણબેનનો અભ્યાસ જસદણમાં ચાલુ હતો સાથે સાથે અભ્યાસમાં રુચિ ના હોવાને કારણે તેઓ જસદણ ખાતે આવેલ દુલ્હન બ્યુટી પાર્લરમાં પોતે કામ શીખતા હતા અને પોતાને કંઈક કરવું છે તેવો મનમાં નિરધાર કરી ગાંઠ વાળેલી. સંગીત વારસામાં મળેલું એટલે ગાવાનો શોખ હતો. પીપળીધામના સવારામ બાપા તેમના ઘરે એમના સ્વર્ગીય ટપુદાદા સાથે ભજન કીર્તન અને સંતવાણી કરવા માટે લાલાવદર જતા હતા. એ સમયનો રામસાગર આજે પણ કિરણ પ્રજાપતિ પાસે પ્રસાદી રૂપે હયાત છે. કિરણબેન જસદણમાં આવેલ દુલ્હન પાલૅરમા કામ શીખતા અને રહેતા. એ સમયે એમના પિતાશ્રી એમને કોઈ પ્રોગ્રામ હોય તો જસદણથી લઈ આવતા અને સંતવાણીના ભજનો ગવડાવતા હતાં. સમય જતાં કિરણબેન પર મા સરસ્વતીની કૃપા થ‌ઈ અને તેમનો સૂર બાળ વયે ખુલ્યો પણ કુદરતને જાણે મંજૂર ના હોય તેમ પિતાશ્રીના ધંધામાં ખૂબ મોટું નૂકશાન થયું અને સમગ્ર પરિવાર પર આભ ફાટ્યું.

કિરણ પ્રજાપતિનો જીવનસંઘર્ષ

મા સરસ્વતીની કૃપાથી કિરણબેનનો સૂર ખીલ્યો. પિતાશ્રીને ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું હતું. તે જ અરસામાં કિરણબેને ભજન ગાવાની શરૂઆત કરી. પોતાના દાદાના ઘરે પ્રોગ્રામથી અને એ પછી ગામના ચોરે; પરંતુ સમય એવો કે કિરણબેનને ગાવાની કોઈ બક્ષીસ નહીં. સૌપ્રથમ જ્યારે ગામના ઓટલે ગાયું ત્યારે ૫૦ રૂપિયા ગોર તેમના ઉપર થયેલી. જેથી એ ૫૦ રૂપિયાની ગોર જીવનની પહેલી મૂડી હતી. ત્યારબાદ રામદેવ પીરની જગ્યા ગામ સતરંજની અંદર ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની ગોર સૌપ્રથમ કિરણબેન ઉપર થયેલો ત્યારે બાપ-દીકરીએ પૈસાને વારંવાર ગણતા અને રાજી થતાં. કિરણબેન ધોરણ ૧થી ગાતા હતા એટલે ગાવાનો શોખ તો હતો જ પરંતુ સ્ટેજ બીલકુલ પસંદ નહોતું. પિતાશ્રીના ધંધામાં મોટું નુક્સાન થયેલું એટલે દીકરી તરીકે સતત ચિંતિત રહેતા હતા. તેમની પાસે પહેરવા સારા કપડાં પણ નહોતાં. કોઈ સહેલીનાં કપડાં માંગી પહેરીને પ્રોગ્રામ કરવા જાય પણ જ્યારે બીજા લેડીઝ કલાકારને સ્ટેજ પર જોવે ત્યારે અંદરથી મનોમન દુઃખી થતા કે આમને પહેરેલાં કપડાં છે તેવા કપડાં કે શણગાર જેવું કાંઈ નથી. આમ મનમાંને મનમાં વિચારી સતત દુઃખી થતા અને પાછું એજ સ્ટેજ પર કે રંગમંચ પર આવું વિચારીને પબ્લિકને સૂર પીરસવાનું કામ તો માત્રને માત્ર કિરણ પ્રજાપતિ કરી શકે! કારણ કે મનમાં મૂંઝવણ સાથે દુઃખી થયેલા વ્યક્તિના ચહેરા પર કેવો ભાવ હોય અને એ દુઃખી ચહેરો બનાવટી હાસ્ય પાછળ છુપાવીને ઓડિયંસને કંઈક પીરસવાનું કામ ઘણું અઘરું હોય છે. પિતાશ્રીના જીવનની મજબૂરી અને એ કિરણ પ્રજાપતિની સમજણને લાખ લાખ વંદન અને એ પણ પાછાં સ્ત્રી ( દીકરી) તરીકે મનને દુઃખી કરીને ભૂલી જવું.

(નવરાત્રીના પ્રોગ્રામમાં સ્ટેજ પરથી સૂર રેલાવતા કિરણ પ્રજાપતિ )

આ તમામ સંઘર્ષની પરિસ્થિતિ વચ્ચે તારીખ આવી ૯-૬-૨૦૧૦ ને જેમ સૂરજ ઢળીને સંધ્યા થાય તેમ અચાનક અકસ્માતમાં પિતાશ્રીનું અવસાન થયું અને સમગ્ર પરિવારમાં અંધારપટ છવાયો.
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ વાત તેમણે દીકરી હોવાં છતાં સાબિત કરી બતાવી છે.

સામાન્ય કુટુંબ સાથે ગરીબી અને પિતાશ્રીનું મૃત્યુ એ કિરણબેનની સંઘર્ષ કહાની બની ગઈ. પોતાના પાસે રહેલી કળાનો સમય સાથે ઉપયોગ કરી પોતાના પરિવારની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું. કિરણબેન ખાસ કરી સંતવાણીના પ્રોગ્રામ કરતાં અને એમાં ભજનના નામ હતાં,

વીજળીના ચમકારે મોતીડાં પરોવો......
હે લક્ષ્મણ ઘડીક તો ઊભા રહો....

આમ આ બે ભજન ગાઈને પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેજ પસંદ ન હોવા છતાં પસંદ કરવું પડ્યું અને આ બે ભજન થકી તેમને સફળતા મળેલી છે.

કિરણ પ્રજાપતિને હરીરામ બાપાના સાનિધ્યમાં સતરંજ રામદેવપીરની જગ્યામાં જે કોળી સમાજની ગાદી માનવામાં આવે છે ત્યાં પ્રોગ્રામ કયૉ અને એ પણ સન....૨૦૧૦ ના વર્ષમાં પ્રથમ સ્ટેજ. કિરણબેને એકલા હાથે ઝઝૂમી ભવ્ય સંતવાણી પીરસી આબેહૂબ પ્રોગ્રામ કયૉ. વાડ વગર વેલો ના ચડે તેમ કિરણબેનના સૂરમાં તાકાત જોઈ કેસેટના જમાનામાં હરીરામ બાપાના માગૅદશૅન હેઠળ પ્રથમ કેસેટ ડી.જે.ના તાલે લેખકશ્રી (ગીતકાર) સંતરામ દેસાણી થકી અશોક સાઉન્ડમાંથી પ્રસ્તુત થઈ.

૨૦૧૫માં આલ્બમ નોન સ્ટોપ ગોવાલણએ પણ ભવ્ય સફળતા અપાવી. કેસેટ જ્યારે ઘરે ઘરે અને શેરીએ અને શહેરોમાં ગુંજતી થ‌ઈ. ત્યારબાદ સન ૨૦૧૭-૧૮માં સુરતની સૌથી ભવ્ય નવરાત્રીના આયોજન પ્રસંગે સુરત શહેરના ખેલૈયાઓને પોતાના સૂર થકી ઘેલા કરી સુરત શહેરની ઘરતીને ખેલૈયાઓના થનગનાટથી સતત બે વષૅ સુધી એકલા હાથે ધૂમ મચાવી હતી. આમ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તેમ કિરણબેન લગ્નગીતના પ્રોગ્રામની શરૂઆત કરી અને ચોટીલાથી લગ્નગીતનો પ્રોગ્રામ અદભૂત સફળતા અપાવી ગયો. અશોક સાઉન્ડ થકી સવજીભાઈ સતાણી અને ઓધવજીભાઈ સતાણીએ લગ્ન ગીતની કેસેટ ' સુરત શહેરનું સોનું ' પ્રસ્તુત કરી. કિરણ પ્રજાપતિના સૂરે કેસેટના જમાનામાં ૫૦થી વધુ કેસેટો પ્રસ્તુત કરવામાં આવી છે. તમામ ગીતોનું સંગીત આપનાર મનોજ-વિમલ છે. આમ પોતાના જીવનની સંઘર્ષ કહાની સાથે સાથે જેમ જેમ સફળતા મળતી થઈ અને સૂર્યનું કિરણ પ્રભાતે અજવાળું ફેલાવે છે તેમ તેમ કિરણબેનના સૂરના સથવારા થકી કિરણ પડ્યું અને ઓચિંતું અજવાળું પરિવારમાં થયું. પોતાના બંને ભાઈઓને ભણાવવાનુ કામ પણ કર્યું સાથે સાથે પોતાની મોટાં બહેન હિરલનાં લગ્નની જવાબદારી પણ તેમણે ઉપાડી. જો પરિવારમાં એક વ્યક્તિ સમજું હોય તો આખાં પરિવારને તારે છે, જેનું ઉતમ ઉદાહરણ કિરણ પ્રજાપતિ છે....
( પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર મનાવતા કુમારી કિરણ પ્રજાપતિ )
કિરણ પ્રજાપતિના સૂર સંગીતના જીવનની સફળતા પાછળ દુધરેજ વડવાળા જગ્યાના આશીર્વાદ રહેલા છે. કિરણ પ્રજાપતિને જીરો(૦)માંથી હિરો બનાવનાર તથા સૌથી વધુ પ્રોગ્રામ અપાવનાર માલધારી સમાજનો ખૂબ મોટો સપોર્ટ અને આશિર્વાદ રહેલો છે. આ વાત આટલાથી અટકતી નથી. કિરણબેનની ઉપર સમગ્ર પરિવારની જવાબદારી હતી તે તેમને નિભાવી છે. પોતાના પિતાશ્રીના દુઃખદ અવસાન બાદ તેમના પ્રેમની ઉણપ ન વતૉય તે રીતે હરહંમેશ પોતાના પરિવારને હૂંફ, પ્રેમ અને હિમંતની દાદ આપતા રહ્યા છે. સંગીત ક્ષેત્રે પોતાનાં સૂરને રેલાવતા ઘણા મોટા ગજાના નામાંકિત કલાકારો કે જેમનું નામ ગુજરાતના સૌરાષ્ટ્રમાં નામ છે તથા જેમનું દુનિયામાં નામ છે તેવા કલાકારો ગુલાબબેન પટેલ, પૂજાબા ચોહાણ, વનીતા પટેલ જેવા નામાંકિત કલાકારો સાથે તેમણે પ્રોગ્રામ કયૉ છે. ૫૦થી વધુ કેસેટો અને ૮૦૦ થી વધુ ગીતો કેસેટની દુનિયાથી લ‌ઈને સી.ડી. ડી વી ડી અને યૂ ટ્યુબના આજના સમયમાં તેમણે પોતાના સૂર થકી આપ્યાં છે. સંગીત ક્ષેત્રે કિરણબેન ગુરુ તરીકે રોકી જેસીંગને માને છે. તેમના સ્ટુડિયોનું નામ વ્રજ છે જે રાજકોટ ખાતે આવેલો છે. ગીતોના ટાઇટલ કવિ માન ઉપરાંત હાલના ટાઈટલ કિરીટ અગ્રવાત આપી રહ્યા છે.
( સૂર સાથે સાથે રંગોળીના અદભૂત ચિત્રો બનાવતા કિરણ પ્રજાપતિ )

કિરણ પ્રજાપતિના જીવનનો સૌથી યાદગાર પ્રસંગ સંગીત ક્ષેત્રેની કારકિર્દીમાં ગણીએ તો જ્યારે જુનાગઢ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્ત કમળો થકી સી ડી પ્રસ્તુત કરવામાં આવી તે તેમના જીવનની સૌથી અનેરી અને યાદગાર પળો હતી. કિરણબેન માત્ર સૂર સંગીત ક્ષેત્રે જ નહીં પણ એક સારાં ચિત્રો બનાવવાનાં આર્ટિસ્ટ પણ છે. તેઓ જમીન ઉપર રંગોળીના અદભૂત અને મનને મોહિત કરી દે તેવા ચિત્રો બનાવી જાણે છે. જેમણે પોતાના જીવનમાં મજબૂરી અને ગરીબીનો સામનો કયૉ છે તે કિરણબેન એક પ્રકૃતિ પ્રેમી પણ છે. જે કુદરતના ખોળે કુદરતી વાતાવરણને વધુ પસંદ કરે છે અને પોતાનું નામ બન્યા પછી પણ પોતાના ગીતોના શૂટિંગ કોઈ મોટા સ્ટુડિયો બંગલા, મોટેલો કે રીસોટૅમાં નહીં પણ કુદરતી વાતાવરણમાં કરવાનું વધુ પસંદ કરે છે. જે તેમના ગીતોમાં રજુ થયેલું શુટિંગ અને તસ્વીરો બોલે છે સાથે સાથે પોતે એક અબોલ જીવ પ્રેમી છે પ્રકૃતિ સાથે કુદરતનો ખોળો તેમને વધુ પસંદ છે .
( કુમારી કિરણ પ્રજાપતિ સાથે મોટાં બહેન હિરલ પ્રજાપતિ કોરસ સૂરને સથવારો આપતા નજરે પડે છે )

કિરણ પ્રજાપતિ પોતાના આંગળીના ટેરવે હાર્મોનિયમને એક રમકડાંની જેમ વગાડી જાણે છે. તે કહે છે કે કુદરતે સૂર સાથે બક્ષેલી આ અમૂલ્ય કળા છે. કિરણબેનને સંતવાણી સૂર અને સંગીત વારસામાં મળેલું છે. તેમનાં પરિવારમાં તેમના મોટાં બહેન હિરલ પણ સૂરના સારા એવા ગાયિકી છે સાથે સાથે ગીતકાર પણ છે. તેમણે થોડા એવા ગીતો પણ લખ્યા છે. જેનો સૂર કિરણબેને આપ્યો છે. જેની તસ્વીર બોલે છે કિરણ પ્રજાપતિની સાથે કોરસમાં. આ સાથે વિંછીયા તાલુકાને વિશિષ્ટ ગૌરવ અપાવનારા શ્રેષ્ઠીમાંના એક પ્રજાપતિ સમાજના દીકરી કિરણ પ્રજાપતિ છે, જેઓનું પાંચાળ ગૌરવ એવોર્ડથી એજયુકેટીવ મેજિસ્ટ્રેટશ્રી વિંછીયા તાલુકા દ્વારા સન્માનિત કરાયા હતાં. તેઓનો એક જીવનમંત્ર હતો કે મારા ગામ લાલાવદરને પણ લોકો ઓળખે જે એમને સંગીત સૂર થકી સાબિત કરી બતાવ્યું છે.
( પોતાના ગીતના શુટિંગ વખતે સ્ત્રી શણગારમાં આપેલી તસવીર)

આ સાથે શૂન્યમાંથી સજૅન કરનાર કિરણબેન દિવાળી અને મકરસંક્રાંતિ ( ઉતરાયણ) ના તહેવારનાં ખૂબ શોખીન છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં જન્મ થયો અને બાળપણ પણ એજ રીતે વિત્યું છતાં પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા મનમાં ગાંઠ વાળેલી કે પરિવારને કંઈક આપવું છે માટે જીવનમાં જોયેલી દરેક મુશ્કેલીનો સામનો કરી ઝાંસીની રાણીની જેમ તેઓ પોતાના જીવન ખૂબ સારી મંઝીલે પહોંચાડવા પોતે જીંદગીના દરેક ક્ષણે ક્ષણે લડત આપીને સંગીત સૂર ક્ષેત્રે એક મોટાં ગાયિકા તરીકેનું નામ સમગ્ર સમાજ સાથે દુનિયાને પુરું પાડ્યું છે. કિરણબેન પોતાનો ધ્યેય પ્રાપ્ત કરતાં કહે છે કે, મારા જીવનની એક એક વાત સંધષૅ અને સાહસથી ભરેલી છે. કિરણબેન માટે બોલીએ એટલું ઓછું પડે અને લખીએ તો પાનાનાં પાનાં ભરાય એક સુંદર પુસ્તકનું નિર્માણ થાય તેમ છે, છતાં ધ્યાન પર આવેલી જીવનની તમામ સંઘર્ષગાથાને આ આર્ટિકલ્સ ( લેખ) માં આવરી લેવાના પ્રયત્નો કર્યા છે.


                             ( દિવાળીના તહેવાર પર ચાહકોને શુભેચ્છા પાઠવતાં કુમારી કિરણ પ્રજાપતિ )

કિરણ પ્રજાપતિ જ્યારે કેસેટની દુનિયામાં પહેલી વખત સ્ટુડિયો જોયો ત્યારે સ્ટુડિયોમાં કહેવામાં આવ્યું કે આપની કેસેટમાં આપ નહીં ગાઈ શકો અને પોતે સફળતા નહીં પામી શકો. તેની જગ્યાએ આજે કિરણબેનની બે ચેનલો યુટ્યુબ પર ચાલી રહી છે જેનું નામ છે, ' કે.પી સ્ટુડિયો ' અને બીજી ' કિરણ પ્રજાપતિ ઓફીસયલ ' આ સાથે સૌથી વધુ વ્યુઝ ધરાવતા કિરણ પ્રજાપતિ સમાજના પહેલાં દિકરી છે. વધુ પ્રસિદ્ધિ અપાવનારા ગીતોમાં ' હાલો વનરાવનની વાટે ' અને ' આવી રુડી આંબલીયાની ડાળ ' ગીતે અદભૂત સફળતા કિરણબેનને અપાવી છે.
( પ્રકૃતિ સાથે આનંદ માણતા કિરણ પ્રજાપતિ પોતાના વિસ્તારમાં )

કિરણ પ્રજાપતિ આજે પણ જીવનમાં આવનારા તમામ સંઘર્ષને લડી લેવાના અને સમાજ તેમજ અઢારે આલમના સમાજમાં દાખલો બેસાડનારા એક દીકરી બન્યા છે અને જેના ભાગ રૂપે લેખકશ્રીએ કલમ થકી આ સંઘર્ષગાથાને જીવનનો એક ભાગ ગણી લખવી પડી છે. કિરણ પ્રજાપતિ માટે અરવલ્લીના જાણીતા લેખકશ્રી ઈશ્વર પ્રજાપતિએ પોતાના બ્લૉગ પર ' ચિંથરે વીટયુ રત્ન જીંદગી જિંદાબાદ ' માં પણ લખ્યું છે. આ સાથે લેખકશ્રી પાથૅ પ્રજાપતિ ( સાઠંબા )એ પણ ગાંધીનગર મેટ્રોના દૈનિક પેપરમાં અને પોતાના બ્લૉગ પર પણ લેખને લખેલો તથા અમદાવાદથી પ્રસિદ્ધ થતું મેગેઝિન હિલેરિયસમાં રચના પ્રસિદ્ધ થયેલી છે.

( પોતાના નિવાસસ્થાને સ્નેહીઓ તરફથી અપાર પ્રેમનું સન્માન ગ્રહણ કરતાં કુમારી કિરણ પ્રજાપતિ )

કિરણ પ્રજાપતિ એક એવા નારી શક્તિ છે, જે જીંદગીના સંઘષૅ અને સમયને કેવી રીતે સમજવો અને તેની સાથે લડી લેવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ડર કે આગે જીત હોતી હૈ અને કિરણ પ્રજાપતિ કહે છે કે જીવવા માટે જીગર જોવે છે, મરવા માટે તો તમારી કાયરતા જ કાફી છે. સાથે જણાવે છે કે ઊગતા સૂયૅને દરેક વંદન કરે છે પણ આથમતાને કોઈ નહીં. હું આથમતાને વંદન કરનારી દીકરી છું, ઊગતાને નહીં. જેનો દાખલો મારી સંઘર્ષ કહાની છે. જેમ કે કાળીચૌદશ પછી દિવાળી આવે છે, હોળી પછી ધુળેટી આવે છે અને રંગોના ગુલાલ ઊડે છે એમ મારા જીવનમાં પણ એક ઘોર કાળી રાત પછી દિવસ ઊગ્યો છે. સંધષૅ સાથે ભવિષ્યના પાઠ શીખનાર ગાયિકા આજે લાખો ચાહકોના પ્રેમથી એક મહાન ગાયિકાનું બિરૂદ મેળવી સફળ થયા છે.
જીવતું જાગતું જીંદગીનું દાખલારૂપી વ્યથાથી ભરેલું ઉદાહરણ એટલે કુમારી કિરણ પ્રજાપતિ.

લેખકશ્રી હિરેન પ્રજાપતિ રખેવાળની કલમે અરવલ્લીની ગિરિકંદરાઓ સાથે.........અસત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...