ખેડા
જિલ્લાનાં ડાકોર પાસે આવેલાં સરનાલ ગામ નજીક એક એવું પ્રાચીન શિવાલય આવેલું છે કે
જે પ્રાકૃતિક ધન-સંપદાથી સંપન્ન હોવાની સાથે સાથે અહીં આવનાર દરેક શ્રદ્ધાળુને
ભારતના ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાનો સુંદર પરિચય કરાવે છે. મહી અને ગળતી નદીના
પવિત્ર સંગમ સ્થાન પર આવેલું આ સ્થળ ગળતેશ્વર મહાદેવ તરીકે જગપ્રસિદ્ધ છે.
આ મંદિર ૧૨મી સદીમાં નિર્માણ
પામ્યું હતું એમ મનાય છે. ગુજરાતમાં ચાલુક્યવંશનું શાસન હતું ત્યારે આ મંદિરનું
નિર્માણ થયું હતું. વિશિષ્ટ કોતરણી કરેલા અલંકૃત પથ્થરો વડે બનલું આ મંદિર માળવાની
ભૂમિજાશૈલીમાં બન્યું છે. આ પ્રકારની સ્થાપત્યશૈલી ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. મંદિરની દિવાલો
અને સ્તંભો સુંદર કોતરણીથી શોભાયમાન છે. ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવતાં
આ મંદિરની અંદરની બાજુએ આઠ સ્તંભો અને તેની ફરતે સોળ નાના નાના સ્તંભો આવેલા છે.
શિલ્પ સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ આ મંદિરની મહત્તાને ધ્યાનમાં રાખીને ભારતીય
પુરાતત્વ વિભાગે તેને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક જાહેર કર્યું છે.
દંતકથા પ્રમાણે આ સ્થળ ગાલવમુનિ
અને રાજા ચંદ્રહાસની કથા સાથે સંકળાયેલું છે. કહેવાય છે કે વર્ષો પહેલાં જ્યારે
અહીં ગાલવમુનિનો આશ્રમ હતો ત્યારે આ સ્થળ કુંતલપુર તરીકે પ્રસિદ્ધ હતું. અહીં રાજા
ચંદ્રહાસનું શાસન હતું. તેઓ ખૂબ ધાર્મિક અને પ્રતાપી રાજા હતા. તેમનો એક
દુષ્ટબુદ્ધિ નામનો મંત્રી હતો, જે ખૂબ લાલચુ હતો. તે રાજા
ચંદ્રહાસની હત્યા કરીને તેમનું રાજપાટ છીનવા માટે નિતનવા કાવતરાં ઘડતો રહેતો હતો.
એક દિવસ રાજા ચંદ્રહાસ સૂર્યકુંડ પાસે વિહાર કરી રહ્યા હતા ત્યારે તેણે રાજાને
કુંડમાં ડુબાડીને મારી નાખવા ધક્કો મારી દીધો. રાજા કુંડમાં ડૂબવા લાગ્યા અને
કુંડમાં ઊંડે સુધી પહોંચી ગયા. ત્યાં એમના હાથમાં એક કાળો પથ્થર આવ્યો અને તે
પથ્થરની સહાયતાથી તેઓ ઉપર આવી ગયા. કુંડની પાસે જ ગાલવમુનિ તપસ્યા કરી રહ્યા હતા.
રાજાએ બધી વાત તેમના ગુરુ ગાલવમુનિને કહી. ગાલવમુનિએ તે પથ્થર જોઈને કહ્યું કે,” આ કોઈ
સાધારણ પથ્થર નથી. આ ભગવાનનો શાલિગ્રામ છે. આ પથ્થરને હાથમાં રાખીને વ્યક્તિ
પોતાના બધા મનોરથ પૂર્ણ કરી શકે છે.” ગુરુની વાત સાંભળી રાજાએ શાલિગ્રામ પોતાના હાથમાં લઈને કલ્પના કરી કે, અહીં
એક શિવલિંગ ઉત્પન્ન થાય અને ગળતી નદી આ શિવલિંગનો નિરંતર અભિષેક કરતી આગળ વધે.
રાજાની કલ્પનાથી ત્યાં શિવલિંગ ઉત્પન્ન થયું. આ અદ્ભુત ઘટનાની સાબિતિરૂપે ગળતી
નદીનો એક પ્રવાહ આજે પણ આ શિવલિંગનો નિરંતર અભિષેક કરે છે.
પવિત્ર નદીઓના સંગમ પર સ્થિત આ શિવલિંગ
સ્વયંભૂ હોવાને કારણે ધાર્મિક રીતે ખૂબજ મહત્ત્વ ધરાવે છે. આ મંદિરે બારેમાસ
શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં આ મંદિર શ્રદ્ધાળુઓના
મહેરામણથી છલકાઈ જાય છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રી, જન્માષ્ટમી
અને શરદપૂર્ણિમાએ ભવ્ય મેળો ભરાય છે. મંદિર પરિસરમાં નાની નાની હાટડીઓનું ભવ્ય
બજાર ભરાય છે. નજીકમાં જ ગાલવમુનિનો આશ્રમ આવેલો છે, જે ખૂબજ
શાંતિનો અનુભવ કરાવે છે. અહીં સર્વેશ્વર મહાદેવનું શિવાલય પણ આવેલું છે, જ્યાં
ભોળાનાથની સાથે સાથે બીજા અનેક દેવી દેવતાઓ અને ઋષિમુનિઓના દર્શનનું સૌભાગ્ય
પ્રાપ્ત થાય છે.
ગળતી અને મહી નદીના પવિત્ર
સંગમે આવેલું આ શિવાલય પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. ખળખળ વહેતી નદી આ સ્થળની
સુંદરતામાં વધારો કરે છે. અહીં શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરવાની મજા માણે છે અને
નદીનાં પવિત્ર જળમાં સ્નાન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.
કઈ રીતે પહોંચશો?
અમદાવાદથી ૯૮ કિમીના અંતરે
આવેલું આ મંદિર, કપડવંજથી ૪૧ કિમી, નડિયાદથી ૫૦ કિમી અને ડાકોરથી માત્ર ૧૭ કિમીના અંતરે આવેલું છે. અમદાવાદથી
ડાકોર અને ત્યાંથી ગળતેશ્વર જવા માટે બસ અને ખાનગી વાહનો મળી રહે છે. મંદિર
પરીસરમાં ધર્મશાળા આવેલી છે. ત્યાં રહેવા-જમવાની સુવિધા છે.
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
Nice article
જવાબ આપોકાઢી નાખોFromMKBU
ખૂબ ખૂબ આભાર આપનો
કાઢી નાખો