Pages

શનિવાર, 18 જૂન, 2022

કુંભાર રત્ન:- એક નવી પહેલ

   

           પ્રજાપતિ એટલે એક એવો જ્ઞાતિ સમૂહ કે જેની જરૂર સમાજના દરેક વ્યક્તિને પડતી હોય છે. આ સમાજ કુંભાર સમાજ તરીકે પણ ઓળખાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક વ્યક્તિને કુંભારની જરૂર અચૂકપણે પડતી હોય છે. છેલ્લે તે વ્યક્તિની અસ્થીઓ પણ કુંભમાં સંગ્રહિત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કુંભનું અને તેને ઘડનાર કુંભાર એટલે કે પ્રજાપતિનું ઘણું મહત્ત્વ રહેલું છે. આ સમાજને કલા કારીગરી કુદરતે વારસામાં જ આપી છે. કુંભાર એટલે એક એવો વ્યક્તિ કે જે ધૂળમાંથી પણ પોતાની કલાનાં જોરે દરેક વર્ણના માનવીને ઉપયોગમાં આવે એવી કલાકૃતિઓ બનાવી શકે. તે માટીમાંથી માટલાં સિવાય પણ અનેક કલાકૃતિઓ બનાવી શકે છે. કુંભાર જે ચાક પર પોતાની કલાને નિખારે છે, એ ચાક ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું પ્રતિક પણ કહેવાય છે. અહીં તે ચાકડા વડે અનેક સર્જનાત્મક કાર્યો કરે  છે.             

           કોઈ પણ સમાજ ત્યાં સુધી વિકાસ નથી કરી શકતો જ્યાં સુધી તે પોતાના સમાજમાં રહેલાં યુવાવર્ગને આગળ આવવા પ્રોત્સાહિત ન કરે, જ્યાં સુધી તે સમાજના  કલાકારો, ગાયકો, લેખકો, કવિઓ, સમાજસેવકો, રમતવીરો અને સંતોને સન્માનિત કરી તેમની પ્રગતિમાં સહભાગી ન થાય ત્યાં સુધી સમાજની પ્રગતિ શક્ય નથી. કારણ કે, આ જ યુવાવર્ગ સમાજનું અને દેશનું ભવિષ્ય ઘડે છે.  સમાજની પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે સમાજના લોકો ઉપરોક્ત જણાવેલ મહાનુભાવોને સન્માનિત કરી તેમને પોતાના ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરે અને તેમને યોગ્ય મદદ કરીને યુવાવર્ગને નવી દિશા આપે. અતુલનીય સામર્થ્યથી ઉભરાતો યુવાવર્ગ માત્ર જે તે સમાજ માટે જ નહિ, પરંતુ સમગ્ર દેશ માટે પણ એક આશાનું કિરણ બની રહે છે. આવો યુવાવર્ગ ખરેખર દેશનું ભાવિ નક્કી કરે છે અને પોતાના સમાજની સાથે પોતાના દેશને પણ વિશ્વમાં ગૌરવ અપાવે છે.

         પોતે નામ કમાવા અને સમાચારોમાં ચમકવા માટે તો અનેક લોકો આગળ આવીને મદદ કરતાં હોય છે, પણ આજે એક એવી સંસ્થાની વાત કરવી છે જે નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે. આ સંસ્થા માત્ર કુંભાર સમાજ માટે જ નહિ, પરંતુ દરેક વર્ણ અને જ્ઞાતિના લોકો માટે કામ કરી રહી છે. આ સંસ્થા એટલે સાબરકાંઠા - અરવલ્લી જિલ્લાના પુનાસણ ગામે આવેલી અને અરવલ્લીની ગિરિકંદરાઓથી સુશોભિત સંસ્થા ' શ્રવણ સુખધામ પંચવટી'. આ સંસ્થા માનવસેવાના અનેક અભિયાનો ચલાવી રહી છે અને તેની સાથે જ અબોલ પશુપક્ષીઓની સેવા માટે ' વિહંગનો વિસામો ' નામનું મહાઅભિયાન પણ ચલાવી રહી છે. પ્રજાપતિ સમાજના ખરાં રત્નો કહેવાય એવા યુવા કલાકારો અને પીઢ લેખકોને આ સંસ્થાએ ' કુંભાર રત્ન થી સન્માનિત કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું બીડું ઝડપ્યું છે. 

       કુંભાર રત્ન સમગ્ર વિશ્વના કુંભાર - પ્રજાપતિ સમાજ માટે એક નવી પહેલ છે, જે શ્રવણ સુખધામ સંસ્થા અને તેના સંચાલક શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ એ શરૂ કરી છે. આ એવોર્ડ દ્વારા સમાજના યુવાવર્ગને આગળ આવવા અને પોતાની કલાને વધુમાં વધુ નિખારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ એવોર્ડ દ્વારા ઇન્દુ બેન એસ. પ્રજાપતિએ ફક્ત પ્રજાપતિ સમાજને જ નહિ, પરંતુ દરેક સમાજ, જ્ઞાતિ અને વર્ણના લોકોને પોતાના સમાજના યુવાવર્ગને અને સમાજના રત્નોને શોધીને તેમને પ્રોત્સાહન આપવાની પ્રેરણા પૂરી પાડી છે. 

        કુંભાર રત્નની પ્રથમ આવૃત્તિમાં શ્રવણ સુખધામ દ્વારા કેટલાંક સમાજ રત્નોને સન્માનિત કરવામાં આવ્યાં છે. જેમાં અરવલ્લી જિલ્લાના આકરુંદ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને પીઢ લેખકશ્રી ઈશ્વર પ્રજાપતિ, મોટિવેશનલ સ્પીકર, ઉત્તમ વક્તા, ઉદઘોષક અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર શ્રી કલ્પેશ પ્રજાપતિ ( રહિયોલી ), જેમની હાજરી માત્રથી સભામાં હાસ્યની છોળો ઉડે એવા સમર્થ હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર શ્રી કમલેશ પ્રજાપતિ, અરવલ્લી જિલ્લાના યુવા લેખકશ્રી પાર્થ પ્રજાપતિ, દિવ્યાંગ હોવા છતાં પણ પોતાની કલમ વડે સફળતાના શિખરો સર કરનાર લેખિકા કુમારી તરલીકા પ્રજાપતિ ( તત્વમસિ ), ટૂંક સમયમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રે નામના મેળવનાર શ્રી જીગ્નેશ પ્રજાપતિ, રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની મહિલા વોલીબોલ ટીમને જીત અપાવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારનાર કુમારી નેહા પ્રજાપતિ, જીવનના અનેક સંઘર્ષોને હસતાં હસતાં પાર કરીને આજે ગુજરાતના ગીત-સંગીતમાં ડંકો વગાડનાર લાલાવદર (રાજકોટ)ના વતની ગાયિકા કુમારી કિરણ પ્રજાપતિ તથા યુવાનોમાં નવા જોશ સાથે ઉત્સાહ ભરતાં એવા ભાવનગરના યુવા મોટિવેશનલ સ્પીકર શ્રી સંદિપ. જે. ડી. ને સંસ્થાના સંચાલક શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ અને એસ. કે. પ્રજાપતિ સાહેબ તેમજ પાટણ ગાદીના સંત શિરોમણી શ્રી પ્રમુખ દાદાના હસ્તે ચાકડાનાં પ્રતિક સ્વરૂપે કુંભાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ઇન્દુબેન પ્રજાપતિના સુપુત્રો એવા શ્રી હિરેન પ્રજાપતિ ( રખેવાળ ), ભાવેશ પ્રજાપતિ અને હંસરાજ પ્રજાપતિ અથાગ મહેનતની સુવાસ ભળેલી હતી. 

         આ ફક્ત એક ચાકડાનું પ્રતિક નથી, આ ફક્ત એવોર્ડ નથી, આ ખરાં અર્થમાં સમાજની સેવા છે, સમાજના યુવાનોની નસોમાં ભરવામાં આવતો જોશ છે. નિરુત્સાહી થયેલાં યુવાનો માટે પૂરતાં પ્રમાણમાં પ્રોત્સાહન પૂરો પાડતો ઑક્સિજન છે. યુવાનોને પોતાના માર્ગ ટકી રહેવા માટે મક્કમ બનાવતો પ્રાણવાયુ છે. આ ખરેખર તો કોઈ એક સમાજ માટે નહિ, પણ દરેક સમાજ માટે પ્રેરણસ્રોત છે. પ્રજાપતિ સમાજના નારીરત્ન ઇન્દુબેન પ્રજાપતિ પોતે એક પ્રેરણામૂર્તિ  છે. તેમણે આ નવી પહેલ દ્વારા સમાજને ઉમદા પ્રેરણા પૂરી પાડી છે. સમાજના સાચા રત્નોને શોધીને ચમક પ્રદાન કરીને સમાજમાં નવો પ્રકાશ ફેલાવનારા શ્રવણ સુખધામ પંચવટી સંસ્થાના સંચાલક શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ અને એસ. કે. પ્રજાપતિ સાહેબને હૃદયથી વંદન છે...

                                                                પાર્થ પ્રજાપતિ

                                                          ( વિચારોનું વિશ્લેષણ )


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.