નવી પેઢીને ધર્મનું જ્ઞાન આપવા ફિલ્મો નહિ, શાસ્ત્રો આપો - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 23 જૂન, 2023

નવી પેઢીને ધર્મનું જ્ઞાન આપવા ફિલ્મો નહિ, શાસ્ત્રો આપો




     હાલમાં એક ફિલ્મ આવી છે. ફિલ્મ સર્જકોનું કહેવું છે કે તે રામાયણ પર આધારિત ફિલ્મ છે. જે હોય તે, પણ ધર્મનું જ્ઞાન મેળવવા આપણે ફિલ્મોનો સહારો લેવાનો ક્યારથી શરૂ કરી દીધો? શું ફિલ્મોમાં દર્શાવેલું બધું જ સત્ય હોય છે? આજકાલ ફિલ્મોમાં શું બતાવવું અને શું ન બતાવવું એ સત્યને આધારે નહીં, પણ પ્રોડ્યુસરની પૈસાની લાલચને આધારે નક્કી થતું હોય છે. આજે આપણે આપણા ધર્મ અને શાસ્ત્રોને ખરેખર જાણવા ને સમજવા હોય તો શાસ્ત્રોમાં ડોકિયાં કરવાં જ પડશે...  


     એક સમય હતો, જ્યારે ઘરે ટીવી કે રેડિયો જેવા મનોરંજક ઉપકરણો ન હોવાના કારણે લોકો સાહિત્યની મદદથી જ્ઞાન મેળવતાં અને પોતાનો સમય પસાર કરતાં. એ સમયે દરેક ઘેર કોઈ ને કોઈ પુસ્તક જરૂર જોવા મળતું. લોકો રાત પડે ને પોતાને ગમતાં કવિઓની કવિતાઓ કે પોતાને ગમતાં લેખકોની વાર્તાઓ અને નવલકથાઓ વાંચતા. ઘરે ઘરે ભાગવત વાંચવામાં આવતું. બાળકોને રામાયણ અને મહાભારતનું જ્ઞાન આપવામાં આવતું. આપણા દાદાદાદીએ એ રીતે રામાયણ અને મહાભારતનું જ્ઞાન મેળવ્યું, આપણા માતાપિતાએ પોતાના માતાપિતા અને ટીવી સીરિયલોમાંથી જ્ઞાન મેળવ્યું. એ સમયની ટીવી સીરિયલો પણ ધર્મને માન આપતી અને ખૂબ સંશોધન બાદ બનાવવામાં આવતી. જેમ કે રામાનંદ સાગરની રામાયણ અને બી.આર. ચોપરાની મહાભારત. 

     આ ટીવી સીરિયલો પણ રામાયણ અને મહાભારતનું જ્ઞાન મેળવવાની સહેલી રીત બની ગઈ હતી. પણ આજે જમાનો પહેલાં જેવો નથી રહ્યો. આજે દરેક જગ્યાએ સત્યની સાથે પોતાનો અહમ અને પોતાનો વિકૃત દૃષ્ટિકોણ ભેળવીને વેચવાનો ધંધો ચાલે છે. આમાં, સાચું શું ને ખોટું શું એ આપણા બાળકોને કોણ સમજાવશે. આ વાચન વિમુખ પેઢીને શું ખબર કે રામ કેવા હતા, રામ કોણ હતા અને રામ શું હતા? આજના બાળકો તો ફિલ્મોમાં જોઈને જ રામની છબી પોતાના મનમાં કંડારી રહ્યાં છે. આ કેટલું યોગ્ય છે? 


શા માટે જરૂરી છે બાળકોને સમજાવવું કે રામ-કૃષ્ણ કોણ હતાં? 


     રામાયણ અને મહાભારત એ ફક્ત ધર્મગ્રંથ જ નથી, એ તો આ દેશની આત્મા છે. આપણી અમૂલ્ય વિરાસત છે. રામાયણ શીખવે છે કે એક પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ, દિયર-ભાભી વગેરે વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ. પિતાનું કર્તવ્ય શું હોય, પુત્રનું કર્તવ્ય શું હોય, ભાઈનું ભાઈ માટે શું કર્તવ્ય હોય અને એક પતિ તથા પત્નીનું એકબીજા માટે શું કર્તવ્ય હોયહોય. પરિવારની ભાવના કેવી હોય, પ્રેમ કેવો હોય, મર્યાદા કેવી હોય અને ધર્મ કોને કહેવાય. મહાભારત અને ભગવદ્‍ ગીતા એ તો મેનેજમેન્ટ અને રાજકારણના મહાન સ્રોત છે. આજના જમાનામાં આ ગ્રંથોની જરૂરિયાત પશ્ચિમના દેશોએ પણ સ્વીકારી છે. આ શાસ્ત્રો જ આપણને સમજાવે છે કે પરિવારમાં અને સમાજમાં કેવી રીતે રહેવું. જો આ શાસ્ત્રોનો દસમો ભાગ પણ આજની નવી પેઢી સમજી જાય તો તમારાં ઘર-પરિવારનાં અને સમાજના ૯૦% પ્રશ્નો તો આપમેળે જ સોલ્વ થઈ જાય. 


જાણો શાસ્ત્રોની દૃષ્ટિએ રામાયણના પાત્રો વિશે 


     ફિલ્મોમાં બતાવેલા રામ અને મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં જે રામનું વર્ણન કરેલું છે તે તદ્દન ભિન્ન છે. વાલ્મીકિ રામાયણમાં સુંદરકાંડના ૩૫માં સર્ગમાં ભગવાન શ્રીરામનું વર્ણન જોવા મળે છે. જ્યારે હનુમાનજી સીતામાતાને શોધતાં શોધતાં અશોકવાટિકામાં જાય છે અને સીતામાતાને પોતાનો પરિચય આપે છે, ત્યારે માતા સીતા ખાતરી કરવા સારુ હનુમાનજીને પૂછે છે કે, “જો તમને સાચે જ શ્રીરામે મોકલ્યાં હોય તો મને કહો કે રામ અને લક્ષ્મણ કેવા દેખાય છે?”ત્યારે હનુમાનજી ગદ્‍ગ‍‍દ્‍ થઈને ભગવાન રામનું વર્ણન કરતાં કહે છે કે,” પ્રભુ શ્રીરામ શ્યામ વર્ણી છતાં જગતમાં સૌથી સુંદર છે. રામજી અજાનબાહુ છે. તેમના ખભા અને ભુજાઓ અત્યંત વિશાળ છે. ગળાનું હાડકું માંસથી આવરિત છે. નેત્રોમાં થોડી થોડી લાલાશ છે. તેમના પેટ અને કંઠમાં ત્રીરેખા પડે છે. તેમના મસ્તક પર ચાર ભ્રમર છે. ચોવીસ આંગળના હાથથી માપીએ તો તેઓ ચાર હાથ લાંબા છે. પાર્શ્વભાગ, છાતી, પેટ, નાક, ખભા અને કપાળ- આ છ અંગો ઊભરેલાં છે. આંગળીઓના ટેરવાં, માથાના વાળ, રૂંવાડાં અને દાઢીના વાળ કોમળ છે. તેમના ચાર દાંત ચીકણા, પરસ્પર મળેલા અને તીક્ષ્ણ છે. આ સિવાય શરીરના જે અંગો જોડીમાં છે, તે પણ પરસ્પર સમાન છે.” 


     શ્રીરામ ખૂબ વિનમ્ર, પ્રેમાળ, શત્રુઓ પર પણ પ્રીતિ રાખનાર અને અત્યંત દયાળું હતાં. તેમના મુખ પર જવલ્લે જ ક્રોધ જોવા મળતો. તેઓ સદાય પ્રસન્ન ચિત્ત રહેતા હતા. હનુમાનજી લક્ષ્મણજીનું વર્ણન કરતાં કહે છે કે,”લક્ષ્મણજી પણ ખૂબ જ તેજસ્વી છે. તેમનામાં અને પ્રભુ શ્રીરામમાં ઝાઝો ફરક નથી. માત્ર એક જ ફરક છે કે તેમનો રંગ સુવર્ણ સમાન ગૌર છે, જ્યારે પ્રભુ શ્રીરામ શ્યામવર્ણી છે.” રામાયણમાં સીતામાતાનું પણ વર્ણન જોવા મળે છે. મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં સુંદરકાંડના ૧૮માં સર્ગ અને ૩૨માં શ્લોકમાં આ વર્ણન જોવા મળે છે. તેમાં સીતામાતાને કાળા વાળ, કાજળભર્યાં નેત્રો, પાતળી કમર અને કસાયેલા શરીરધારી સુંદર સ્ત્રી તરીકે વર્ણવ્યાં છે.’

 

     રામાયણના સુંદરકાંડના ૩૨માં સર્ગમાં હનુમાનજીનું પણ વર્ણન જોવા મળે છે. આ સર્ગના પહેલાં અને બીજા શ્લોકમાં કહ્યું છે કે,’ વિદ્યુત પૂંજની જેમ લાલાશ પડતો ભૂરો રંગ, સફેદ વસ્ત્રો પહેરેલા હનુમાન પર સીતાજીની દૃષ્ટિ પડી. તેમણે જોયું કે અરુણ કાંતિથી પ્રકાશિત એક વિનીત અને પ્રિયવાદી વાનર ડાળીઓની વચ્ચે બેઠો છે. તેના નેત્રો તપાવેલા સોનાની જેમ ચમકી રહ્યાં છે.’ હનુમાનજી અતિ બળશાળી હોવાની સાથે જ્ઞાનના મહાસાગર અને ખૂબ વિનમ્ર હતા. તેઓ પણ સદાય પ્રસન્ન ચિત્ત રહેતાં હતા. 


ગોસ્વામી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસામાં પણ હનુમાનજીનું ખૂબ જ સુંદર વર્ણન જોવા મળે છે. 

“મહાવીર બિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી,

કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેશા, 

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાજે,

સંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહાજગ બંદન,

વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરિબે કો આતુર...” 


     મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં રાવણનું પણ અનોખું વર્ણન જોવા મળે છે. જ્યારે હનુમાનજી રામકાજ પતાવીને, લંકાદહન બાદ શ્રીરામ પાસે પહોંચે છે, ત્યારે તેઓ તેમની સમક્ષ બધું જ વર્ણન કરે છે. રામાયણના સુંદરકાંડના ૧૦માં સર્ગમાં શ્લોક ૬ થી ૩૦ સુધી રાવણના વેશ અને રૂપનું સવિસ્તાર વર્ણન જોવા મળે છે. હનુમાનજી કહે છે કે,” હું જ્યારે માતા સીતાની શોધમાં લંકામાં ફરી રહ્યો હતો ત્યારે મને અચાનક એક મહેલ દેખાય છે. આ મહેલમાં રાવણ સૂઈ રહ્યો હતો. તે પલંગ પર કાળા મેઘ સમાન કાળા રંગનો, કાનમાં ચમકતાં કુંડળ ધારણ કરેલો, લાલ આંખોવાળો અને વિશાળ બાહુવાળો હતો. તેના આખા શરીર પર ચંદનનો લેપ કરેલો હતો, દિવ્ય અલંકારો ધારણ કરેલો કામી રાવણ જાણે પલંગ પર મંદરાંચલ પર્વત સૂઈ રહ્યો હોય તેવો લાગતો હતો. તેની બંને ભુજાઓ પર ઐરાવત હાથીના દાંત વાગવાનાં નિશાન હતાં, ખભા પર વજ્ર અને સુદર્શન ચક્ર વાગવાનાં નિશાન પણ હતાં. તેની છાતી માંસલ અને પહોળી હતી. તે સફેદ રેશમી ધોતી અને ખભે પીળો દુપટ્ટો ધારણ કરેલો હતો. તેનું મુખ ખૂબ સુંદર હતું.” અન્ય એક પ્રસંગમાં હનુમાનજી રાવણને જોઈને કહે છે કે, ‘રાવણમાં રૂપ, સૌંદર્ય, ધૈર્ય, કાંતિ જેવા તમામ લક્ષણ છે. જો તેનામાં અધર્મ અને અહમ ન હોત તો તે દેવલોકનો સ્વામી પણ બની ગયો હોત.’


     મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં રાવણના પુષ્પક વિમાનનું પણ વર્ણન જોવા મળે છે. સુંદરકાંડના આઠમા સર્ગમાં કહ્યું છે કે,’ વિશ્વકર્મા દ્વારા બનેલું પુષ્પક વિમાન ખૂબ સુંદર હતું. તે આકાશમાં ઉડવા માટે પ્રસિદ્ધ હતું. તેનો એવો કોઈ ભાગ ન હતો કે જે અમૂલ્ય રત્નોથી જડેલો ન હોય! એમાં અનેક બેઠકો હતી અને તેની ઝડપ વાયુથી પણ તેજ હતી.’ આવી રીતે શાસ્ત્રોમાં બધાં જ પ્રસંગો અને પાત્રોનું સવિસ્તાર વર્ણન આપેલું છે. આજકાલ ફિલ્મોમાં જે રીતે રામાયણ અને મહાભારતના પાત્રોને વર્ણવામાં આવે છે અને આજની વાચન વિમુખ પેઢીને બતાવવામાં આવે છે, તે ખરેખર દુઃખદ અને ધર્મના અપમાનજનક છે.


                                                                                      લેખક:- પાર્થ પ્રજાપતિ

                                                    (વિચારોનું વિશ્લેષણ) 


 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...