અબોલ પ્રેમ- હરેશ ભટ્ટ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

અબોલ પ્રેમ- હરેશ ભટ્ટ

 લેખક - હરેશ ભટ્ટ 

શિર્ષક -- 'અબોલ પ્રેમ"

--------------------------------


     આજે શહેરના સમાજમાં ઘેર ઘેર એક જ ચર્ચા ચાલતી હતી " સાંભળ્યું? ઓલા સવિતા બહેનની શાલીની એક બહેરા મૂંગા છોકરા સાથે લગન કરવાની છે, અરે હું એમ કહું છું કે બહેરા મૂંગાની શાળામાં ભણાવતી હતી એ બરાબર હતું એક પ્રકારનું માનવતા ભર્યું ઉમદા કામ કહેવાય પણ એનો અર્થ એવો તો નહિ જ ને કે એવા છોકરા સાથે લગન કરી લેવાય? શાલીની તો સાંભળતી અને બોલાતી છે પાછી દેખાવડી પણ છે એને તો સારા છોકરા મળી જાત પણ આવું કરાય? ભલે બધા કહે છે કે છોકરો સારો દેખાવડો છે પણ બહેરો મૂંગો તો ખરો જ ને? આવા ને શુકામ પસંદ કર્યો?" તો વળી બીજા તો એમ કહે કે એના માં બાપ પણ કેવા? ઈ લોકો પણ શાલિનીને સમજાવે નહિ? જોકે કહે છે કે એના પિતા જશુભાઈએ એને સમજાવી હતી પણ કોણ જાણે શાલિનીએ શું સમજાવ્યા હશે રામ જાણે કે એ માની ગયા , અરે સમાજના વડીલોને તો પૂછવું જોઈએને? " 


     લોકો તો વાતો કર્યા કરે , વળી પાછા મશ્કરા લોકો કે રૂપાળી શાલિનીની પાછળ લાળ પાડતા કે એને પરણવા થનગનતા જુવાનીયાઓ તો કહે કે સારુને આમ તો લગભગ પતિ દેવો અમથા પણ પત્ની સામે કાંઈ બોલી શકતા હોઈએ નહિ એમાં આ તો અમસ્તોય બહેરો મુંગો સાંભળવું નહિ અને બોલવું પણ નહિ શાલિનીને સારૂં , શાંતિ. એક વાત તો છે જ ને કે પ્રેમ જેની સાથે થાય એ આમ જ થઇ જાય એમાં કોઈ ખામી હોય તોય વાંધો નહિ પ્રેમ આંધળો છે એ સાંભળ્યું છે પણ આ તો પ્રેમ બહેરો મુંગો , સામાન્ય સંજોગોમાં જ્યારે પ્રેમ થાય ત્યારે આમ બધું સારું લાગે પણ અમુક વસ્તુ એટલે કે ખામી લગન પછી ખબર પડે પણ આમાં તો પહેલી નજરે જ દેખાય એવી ખામી છે તોય આવું? દેખાય છે કુવો છે તોય પડવાનું? હશે જેવા નસીબ શાલિનીના. 


     શાલીની બહુ જ મજાની છોકરી એનું રૂપ જુવો તો કોઈ પણ પુરુષ એને જોયા કરે પરણેલા હોય તો નિસાસા નાખે કે આપણે શોધતા હતા ત્યારે આ ક્યાં હતી? અને કુંવારા એમ વિચારે કે આ મળી જાય તો ભવ સુધરી જાય. એક તો નમણી રૂપાળી, દેખાવડી અને લાંબા વાળ , બહુ જ પ્રમાણ સર ઉંચાઈ ઘાટીલું શરીર અને એમાય એનું નિર્દોષ સુંદર સ્મિત, વળી પાછી સારી ગાયિકા અને નૃત્યાંગના અને અત્યંય લાગણીશીલ, નમ્ર અને વિવેકી, કેટલી બધી ખૂબીઓ પછી તો ઘણાનું ઘણું લુંટાઈ ગયું હોય એવું લાગેને? કેટલાય છોકારાઉને તો કોળીયો ગળે નહિ ઉતરતો હોય . શાલીની જશુભાઈ અને સવિતા બહેનની એકની એક દીકરી એમને ય કોડ હોયને કે દીકરીને સારો છોકરો મળે સુખી થાય. એટલે જ તો એને સારું ભણાવી. શાલીની ને પ્રોફેસર થવું હતું એટલે એવું જ ભણવાનું વિચાર્યું એ ભણી પછી એને મન હતું કે કોઈ વિશેષ તાલીમ લેવી જોઈએ જેથી કાંઇક જુદું થાય એમાં વળી એને કોણ જાણે કેમ બહેરા મૂંગાને ભણાવવાની તાલીમ વિષે માહિતી મળી અને એ ભણી , એમાં તો સાંકેતિક ભાષા શીખવાની હોય તો જ ભણાવી શકો. એને એમાં રસ પડ્યો અને એણે તો એ જ તાલીમ લીધી ત્રણ વર્ષ અને સફળ થઇ પછી એ જ બહેરા મૂંગાની શાળામાં ભણાવવા માંડી એ વખતે તો હજી યુવાનીમાં પગ મુક્યો જોકે પરણવાની ઉમર તો થઇ જ ગયેલી 22 વર્ષ, પણ એને નહોતું કરવું એ જ્યારે એ શાળામાં તાલીમ માટે લાગી ત્યારે ત્યાં એક દેવ નામનો છોકરો ભણતો હતો એય રૂપકડો હતો જેને હેન્ડસમ કહી શકાય એવો એ છેલ્લા વર્ષમાં હતો પણ બધી જ ખૂબીઓ બહેરો મુંગો હતો એટલું જ બાકી અભિનય સરસ કરે પાછો નમ્ર અને વિવેકી, એ વિદ્યાર્થી હતો તોય ફાજલ સમયમાં શાલિનીને સાંકેતિક ભાષા શીખવે એટલે શાલિનીને ઝડપથી આવડવા માંડ્યું પછી તો શાલીની બધા સાથે સાંકેતિક ભાષામાં વાતો કરે, હસી મજાક કરે, એ લોકોની આપવીતી સંભાળે સમજે એમના પરિવાર વિષે પૂછે, જાણે એટલે એ તો બધાની પ્રિય થઇ ગઈ.. 


     શાલીની અને દેવ ઘણી વાર એકલા વાતો કરે અવાજ તો આવે નહિ , સાંકેતિક ભાષા જ હોય, એમાં સ્મિત, દુખ, ગુસ્સો, અણગમો એવા બધા જ ભાવ હોય, દેવ અભિનય બહુ જ સરસ કરે. એક વાર એ શાળાના વાર્ષિક કાર્યક્રમમાં એણે બહેરા મૂંગાને કેવી તકલીફ પડે, સમાજ કઈ રીતે એને જુવે, કેવી એની અવગણના થાય વગેરે લાગણી વ્યક્ત કરતો એક પાત્રિય અભિનય કર્યો અને એ વખતે ત્યાં હાજર બધા જ રોઈ પડેલા અને અભિનય પત્યો ત્યારે રોતા રોતા ઉભા થઇ તાલિયો થી વધાવી લીધેલો (સ્ટેન્ડિંગ એવિએશન) શાલીની ભાવ વિભોર થઇ ગયેલી દેવ પણ ઈચ્છતો હતો કે શાલીની વિશેષ રૂપે અભિનંદન આપે એટલે એ નજીક ગયો એ વખતે શાલીની એને ભેટી પડી , આ બધા એ જોયું. આ જ પ્રેમના અંકુર ફૂટવાની સંજ્ઞા. દેવ જાણતો હતો કે શાલીની તો સાંભળી અને બોલી શકે છે અને હું તો બહેરો અને મૂંગો છું , ભલે હું પૈસા પાત્ર સુખી ઘરનો છું મારા બાપાને ફેક્ટરી છે પણ કોઈ બોલાતી સાંભળતી છોકરી થોડી બહેરા મૂંગાને જીવન સાથી બનાવે? મારે સાપન ના જોવાય. એ કે શાલીની એક બીજા પ્રત્યેની લાગણી વ્યક્ત નહોતા કરતા। .


     દેવ ભણી નીકળી ગયો એના પિતાને તો ફેક્ટરી ચલાવવાની હતી એટલે દેવને વિશેષ તાલીમ માટે પરદેશ મોકલ્યો (ત્યાં પણ બહેરા મૂંગા માટે વિશેષ ભણવાનું છે એ જાણ્યું છે) જતા પહેલા એ શાલિનીને મળવા તો આવ્યો જ એણે કહ્યું કે હું જાઉં છું ત્રણ વર્ષમાં તો પાછો આવી જઈશ તમે અહીં રહેજો, લગ્ન કરો તો કહેજો. આ બધું જ સાંકેતિક ભાષામાં કહ્યું શાલિનીએ એટલું જ કહ્યું કે તું પાછો આવ પછી પરણીશ પણ કાગળ લખતો રહેજે. દેવે ખુશીના ભાવ સાથે હા પાડી એ હા માં પણ સપના વણાઈ ગયા.


     શાલિનીને ખરેખર દેવ સાથે પ્રેમ થઇ ગયેલો હા એના કરતા બે વર્ષ નાનો હતો પણ તો શું? શાલીની દેવને બહુ જ મીસ કરતી હતી , આમ રાહ જોતા જોતા ત્રણ વર્ષ નીકળી ગયા ખબર પણ ના પડી. એક દિવસ એ એકલી શિક્ષકોના રૂમમાં બેઠી હતી ત્યારે એના પ્રિન્સીપાલ એની પાસે આવ્યા અને શાલિનીના હાથમાં એમનો મોબાઈલ આપ્યો , શાલીની કહે શું કરું? તો એ કહે જો કોઈ તારી સાથે વિડીયો ચેટ કરવા માગે છે.. શાલિનીએ જોયું તો સામે દેવ એણે એની ભાષામાં હાય હલો કર્યું ખબર અંતર પૂછ્યા પછી લગ્ન માટે કોઈ છોકરો મળ્યો? તો શાલીની કહે મેં પ્રયત્ન જ નથી કર્યો, તો દેવ કહે "હું આવતા અઠવાડિયે ત્યાં આવું છું , તું મારી સાથે લગ્ન કરીશ? " શાલિનીની આંખો ભરાઈ ગઈ , દેવને થયું કે એ એટલા માટે રોવે છે કે એ બોલાતી સાંભળતી છે અને હું મૂંગો ઈચ્છા હોય તોય હા ના પાડી શકે એટલે રોવે છે ત્યાં શાલીની એ કહ્યું કે 'મને થોડો સમય જોઈએ અઠવાડિયામાં કેમ કરું?" દેવ કહે ના કહેવા સમય જોઈએ? માં બાપની મંજુરી લેવા સમય જોઈએ? " તો શાલીની કહે કે "મેં ક્યા ના પાડી હું કરીશ જ , મેં તને તું ગયો ત્યારે પણ કહેલું કે તું આવ પછી કરીશ એ તારી સાથે જ કરવાની ઈચ્છા હતી પણ મને સમય મારા કપડા બીજી તૈયારી માટે જોઈએ , માં બાપ તો ના નહિ પાડે અને બીજા શું કહેશે એની મને ચિંતા નથી" આ પછી બંને રડતા હતા, ખુશ હતા. એ પરણ્યા અને અત્યંત ખુશ અને શુખી છે કારણ આ શુદ્ધ અબોલ પ્રેમ હતો.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...