દરરોજ સવારે સાયકલની ઘંટડીનો
રણકાર સાંભળવા ઉત્સુક ૨તનમાસી પોતાની બેનની સાતમાં ધોરણમાં ભણતી દિકરી શોભા સાથે ગામમાં રહેતા. દૂરથી સાયકલની ઘંટડીનો અવાજ સાંભળી રતનમાસીએ આતુરતા ભર્યા સ્વરે કહ્યું,
"શોભા બેટા ટપાલ આવી લાગે છે. લઇ લેજે જરા."
શોભાએ ઘરમાંથી જ હોકારો ધર્યા "માસી એ ટપાલી નથી."
રતન માસીએ કહ્યું.
"અરે ભલે મને દેખાતું નથી પણ મને ઘંટડીના અવાજ પરથી ખબર પડે છે, હો !"
શોભા તરત જ બોલી,
"હા એ હાચુ માસી, પણ ગોવિદભાઈની સાયકલ એમનો દિકરો લઇ બજાર જતો લાગે છે."
એમના કાનેથી સડસડાટ જતી સાયકલ અને ધંટડીનો અવાજ ધીમે ધીમે દૂર હોસિયામાં ધકેલાવા લાગ્યો. ધ્રુજતા ધ્રુજતા હાથે ખાટલાની ઇસ પકડતા કહ્યું,
"હે બેટા શોભા, પાર્થનો કેમ કોઈ કાગળ.... હજુ આવ્યો નથી?
પાર્થને કઈ.....?"
"અરે માસી બસ !
શુભ શુભ વિચારો"
"તો ટપાલ કેમ હજુ....." એટલું કહેતા જ શોભાએ માસીની અંધારે પડેલી આખોમાં થતી ભિનાશ જોઇ લીધી. થોડા દિવસ પછી સાચે જ ફરી એ જ ઉત્સુકતાથી ઘંટડીનો રણકાર સાંભળ્યોને તરત માટીના ધરમાં થોભાયેલી કુંભી પકડી માસી બોલે એ પહેલા ગોવિદભાઈએ શોભાના હાથમાં એક નહી બે ટપાલ પકડાવી દીધી, ટપાલ સાથે મની ઓર્ડર પણ હતો.
હોશે હોશે ખોલતા જ લખ્યું હતું કે "પત્રનો આગળનો ભાગ જ માને સંભળાવજે...શોભા "
એટલું સમજી જતાં શોભાએ પત્ર વાંચવાની શરૂઆત કરી," હું ખૂબ મજામાં છું. મા સાયકલની ઘંટડી વાગી હશે ને તું ખુશ થઇ ગઇ હોઈશ નહી ને?
મને ખબર જ છે."
શોભા ઉત્સુકતાથી નીચે લીંપણ ઉપર જ પલાઠી વાળી બેસી ફરી વાંચવાનું શરૂ કર્યું,
"હું હવે કાયમ માટે તારી પાસે જ આવવાનો છું. કેમ કે અહી આ એલ.પી.જી ગેસ બનાવતી કંપની મને ખેતી કરવા જમીન સાથે મારૂ કામ જોઈ પેન્શન પણ આપવાની છે. પણ થોડો સમય જરૂર લાગશે. ત્યાં સુધી તારી તબિયત સાચવજે અને સાથે રૂપિયા પણ આંખના ઓપરેશન માટે મોકલ્યા છે. હું આવું એ પહેલા મા તારૂ આંખનું ઓપરેશન કરાવી લે જે. જેથી તું તારા દિકરાને જીવનમાં પહેલી વાર ખુલ્લી આંખે જોઈ શકે.
આપણે હમેંશા એકબીજાને નિરાંતે જોઇ શકીશુ.
બહું યાદ આવે છે, મા તારી !
કાંસાના વાટકામાં ખાઉ છું. ત્યારે એમાં સ્વાદ હજુંય તારી ચોળેલી રોટલી જેવો જ આવે છે. હું પત્ર લખતો રહીશને પૈસા પણ મોકલાવતો રહીશ. એવું કહેવાનું મન થાય છે કે ભવોભવ તુ જ મારી મા બની મલજે. રાત્રે શોભા જોડે ફાનસ બંધ નહી કરાવેતો ચાલશે. મારો કાગળ તુ કેવું સાંભળી રહી હોઈશ એ હું અહી સુધી જોઇ શકુ છું. મારી કોઈ સહેજ પણ ચિતા કરતી નહી .... પ્રણામ જ૯દી મળીશું. પાછા ફરવામાં વધુ સમય લાગે તો ચિતા કરીશ નહિ.
આવજો !"
કાગળ વાંચવાનો પુરો થયો કે તરત ૨તન માસીએ શોભા જોડેથી કાગળ લઇ છાતી સરખો ચાંપી લીધો. હવે
શોભા તરત પાછળના પાનાનું મનમાં વાંચવાનું ચાલું કરે એ પહેલા માસીને ઘરમાં પથારી ઉપર સુવાડી,
હળવેથી બાજુના ઓરડામાં સરકી ગઈ.
" શોભા તુ મજામાં હોઈશ,
તારા દિલ ઉપર પત્થર મુકી વાંચજે, હવે હું ક્યારેય પાછો ફરી શકુ એમ નથી. સતત આઠ મહીના સુધી ખૂબ દવાઓ લીધી. પણ કોઇ સુધારો થયો નથી. અને હવે બિલકુલ પથારીવશ થઈ ગયો છું. છેલ્લા સ્ટેજનું ફેફસાનું કેન્સર પણ હવે ચરમસીમાએ છે. શ્વાસ લેવામાં પણ ખૂબ તકલીફ છે."
શોભા તુરંત જ નીચે જમીન પર ફસડાઈ પડી અને આંખમાંથી અશ્રઓ રોકી શકી નહી. હ્રદયના ખૂણે ઉંડે ડુંસંકુ ભરાઇ ગયું. ફરી કાગળ વાચવાનું ચાલું કર્યું.
ડૉ.પુજારાએ પણ કહી દીધું છે કે માંડ હવે પંદર વીસ દિવસ જીવન યાત્રાના પસાર થાય તોય ઘણું છે.
મા માટે ઢગલો પત્રો લખી દીધા છે. જે મારા મકાન માલિક સમયાંતરે મોકલતા રહેશે એવી મને ખાતરી આપી છે. મારી અંતિમ વિધી પણ મે અહીંયા અંકલેશ્વર જ કરાવવા પુરેપુરો પ્રબંધ કરી દીધો છે. બસ બે હાથ જોડું છું. ક્યારેય પણ માને આ બાબતની ખબર ના પડે. આવતી કાલે જ મારી સંપૂર્ણ પુંજી લઈ મારા મકાન માલિક તને જ મળશે, જેમાંથી માની આંખનું ઓપરેશન કરાવજે.
દ્ષ્ટિ હોસ્પિટલના પ્રખ્યાત ડૉ. રવિ પટેલ જેઓ પંદર દિવસ પછી ઈન્ડીયા આવવાના છે. જે એક માત્ર માની આખોનું સફળ ઓપરેશન કરી શકે એમ છે. જેમની સાથે સંપૂર્ણ વાત ચીત કરી લીધી છે. બાના સફળ ઓપરેશન થશે જ, જેનો મને આનંદ છે, મને જીવનભર અફસોસ રહેશે કે માનું આપરેશન સફળ થશે તો પણ મને ક્યારેય જોઇ શકશે નહી. મારે માત્ર એ જ ઘંટડીના ગુંજતા રણકારના અહેસાસ થકી અને મારા લખેલા પત્રો થકી જ માને સદાય હસતા જીવંત રાખવાના છે. પત્રો સમાયાતરે નિયમિત આવતા જ રહેશે. તું પણ કાળજું કઠણ કરી વાંચતી રહેજે. મને ખબર છે કે તું અત્યારે રડી જ રહી હશે પણ પ્લીજ મારા માટે અને મા ના બાકી વધેલા જીવતર કાજે આટલું તો સહન કરવું જ પડશે. કેમ કે
હું મજબુર છું. માના માટે ઘરે આવું તો પણ પંદરેક દિવસમાં જ મારી જીંદગીની વિદાય નક્કી જ છે. મારા મૃત્યુ થકી માને જુરી જુરીને રિબાવીને વધેલી જીંદગીમાં જીવતા મારે માને મારવી નથી. મા ના અંતિમ શ્વાસ સુધી કે પછી પણ ક્યારેય આ બાબતની ખબર ના પડે. મારા મૃત્યુદિને બસ મનમાં માને હાથ જોડી વંદન કરી કહે જે કે, મને માફ કરી દે.
મા જીવે છે ત્યાં સુધી સાયકલની ઘંટડીનો રણકાર અને પત્રો ક્યારેય બંધ નહિ થવા દઉ, એ પ્રોમિસ કરૂ છું. બસ હવે રડવાનું બંધ કરી દે હું સમજી શકું છું. મા ને મારા ફરી પ્રણામ...."
શોભા ખુલી આંખે બંધ ફાનસ ઉપર પોતાની નજર રાખી એકી ટશે જોતા ફરી આંખોમાંથી પાણી વહેતા રોકી શકી નહી.
બીજા દિવસે ઓપરેશન માટેના રૂપિયા મળતા શોભા પોતાની જવાબદારી સાથે પંદર દિવસ પછી અમદાવાદ હોસ્પિટલ મા ને લઈને પહોંચી, સફળ આપરેશન થતા શોભા ખૂબ જ ખુશ થઇ ગઇ.
મા ને ઘરે લઈ ગયાના થોડાક જ દિવસમાં કાગળ થકી સમાચાર મળ્યા જે કાગળ શોભાને અંચબિત કરી ગયો. આવેલ કાગળ દ્વષ્ટિ હોસ્પિટલથી હતો, જેમાં પાર્થ કુમારે કરેલ આંખોના નેત્ર દાન માટે આભાર વ્યકત કરતો પત્ર એમના મુળ વતનના સરનામે હતો.
પત્ર વાંચવાનો પુરો કરે ના કરે ત્યાં તો શોભા ઝડપથી ઘરમાં દોડી ગઇ ને બાની આખો સામે જોતા જ સ્તબ્ધ બની ગઇ, જાણે પાર્થ જ મારી સામે જોઈ રહયો હોય, લાંબા સમય સુધી સુધી ભાવુંક બની જોતી જ રહી.
ત્યારે આંખો થકી જાણે પાર્થ કહી રહયો હતો કે હું તમારી સાથે જ છું. થોડાક જ દિવસમાં તો કંપનીમાંથી પણ મરણનું લાસ્ટ ડિકલેરશન સર્ટીફીકેટ પણ આવી ગયું. શોભા એકલી એકલી રસોડામાં જઇ પાર્થના છેલ્લા લખેલા પત્રને વાંચતી રડતી રહી. હવેથી દરરોજ શોભા માસીની આખો સામે એકીટશે જોયા જ કરે છે. જ્યારે માસીની આંખો દરરોજ પાર્થની રાહ... જોયા જ કરે છે.
અને કહ્યા કરે છે. " શોભા મારી આંખો ક્યારે પાર્થની આંખોને રૂબરૂ નજર સમક્ષ જોશે...''
બસ એ જ ઇંતજારે......
આજે પણ સમાયાંતરે સાયકલની ઘંટડીનો અવાજ અને પત્રો આવતા રહે છે. ભણેલા પાર્થે જાતે લખેલા એ જ પત્રો આજે પાર્થની આંખો અભણ બની બસ પોતાના જ અક્ષર જોતી જ રહે છે.
- કૌશિક ચૌહાણ
(અંતરના ઓડકાર)
✍️કાશની કલમે...
બાંહેધરી :- આથી હું ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
Kaushik chauhan. Idar
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.