Pages

શનિવાર, 19 ઑગસ્ટ, 2023

શિવાલયનો મહિમા ભાગ-૩ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક -શિવાલયનો મહિમા


ભારતનું કદાચ પહેલું એવું મંદિર હશે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ રૂપે શિવ અને શક્તિ બંને સાથે બિરાજમાન છે. 


     શ્રાવણિય ભક્તિનો રંગ જામતો જાય છે, અને શિવાલયોમાં ભગવાન ને રીઝાવવા ભીડ પણ થતી જોવા મળે છે, એટલે કે લોકો પોતાની આસ્થાનું સમર્પણ કરવાં મંદિરો તરફ જવા લાગ્યા છે. આમ પણ હાલમાં દરેક દેશ મંદીમા છે અને ઉપરથી મહાસત્તાની હોડમાં સતત યુદ્ધની રણનીતિ એ બે સમસ્યા છે. કોઈ પણ વૈશ્વિક સમસ્યાનું નિરાકરણ ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે!! અને એમાં પણ આ તો ભોળો ભંડારી એટલે રાય રંકના ભેદ કરતો નથી. તેમજ પુરાણો જોતાં તો એવું લાગે કે, મહાદેવ તો દેવ દાનવનાં ભેદ પણ જોતાં ન હતાં, અને તેથી જ કેટલાય અસુરોએ શિવનું તપ કરી વરદાન પ્રાપ્ત કર્યા હતાં. ભગવાન શંકર સ્વયં જ્યાં પ્રગટ થયાં છે, એવા લિંગ ને આપણે જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ, અને ભારતમાં પુરા 12 એવા જ્યોતિર્લિંગ આવ્યા છે. પ્રથમ દિવસે આપણે સોમનાથના જ્યોતિર્લિંગ વિશે વાત કરી હતી, આજે આપણે બીજા ક્રમે આવતું જ્યોતિર્લીંગ એટલે કે શ્રી શૈલે મલ્લિકાર્જુન વિશે વાત કરીશું.


  આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીને કિનારે આવેલું આ જ્યોતિર્લીંગ અદભુત સ્થાપત્યનો નમૂનો છે. આ ઉપરાંત નલ્લામલાઈની ટેકરી તેમજ ત્રણ નદીના સંગમ પાસે આવેલું આ શ્રી શૈલમ જ્યોતિર્લિંગ એ સમયની જાહોજલાલીની યાદ તાજી કરાવી જાય છે. આ મંદિરમાં શિવ પીઠ અને શક્તિપીઠ એમ બંને બિરાજમાન છે.ભારતનું કદાચ પહેલું એવું મંદિર હશે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ રૂપે શિવ અને શક્તિ બંને સાથે બિરાજમાન છે. મલ્લિકાર્જુન શબ્દનો અર્થ કરીએ તો મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ એવો થાય છે. જ્યોતિર્લિંગ સ્વરૂપે મલ્લિકાર્જુન અને શક્તિપીઠ રૂપે ભ્રમપરામ્બા બિરાજમાન છે. આ મંદિર પણ ખૂબ જ પ્રાચીન સમયનું હોવાથી અદભુત વારસો ધરાવે છે, આ ઉપરાંત આ મંદિર સાથે પણ બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે.


   શિવ પાર્વતીનાં બે પુત્ર છે, ગણેશ અને કાર્તિકેય. આ બંનેમાં લગ્ન પહેલાં કોના થશે, એ બાબતે એકવાર વિવાદ થયો, એટલે શિવજીએ સમાધાનનો રસ્તો દેખાડતાં કહ્યું કે, જે કોઈ પૃથ્વીની પરિક્રમા કરી પ્રથમ આવશે તેના લગ્ન પહેલા થશે. કાર્તિકે પોતાનું વાહન એટલે કે મોર લઈને પૃથ્વીના પ્રવાસે નીકળે છે, જ્યારે ગણેશજી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે, અને શંકર ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે તું સાચો વિદ્યાનો ઉપાસક છે,તું જીત્યો, અને ગણેશનાં લગ્ન રિદ્ધિ સિદ્ધિ સાથે કરાવવામાં આવે છે. કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરી પાછા આવે છે, અને જોવે છે કે ગણેશના લગ્ન તો થઈ ગયાં, અને એ પણ આ રીતે! એટલે તેઓ રિસાઈ જાય છે, અને માતા-પિતાને છોડી એટલે કે કૈલાસને છોડી ક્રોંચ પર્વતની ટેકરી એ આવીને વસે છે. અન્ય દેવતા કાર્તિકેયને મનાવવાની ઘણી કોશિશ કરે છે, શિવજી આ કામ નારદ મુનિને સોપે છે, નારદમુની પણ ભગવાન કાર્તિકેયને મનાવવાની કોશિશ કરે છે, પરંતુ તે માનતાં નથી. આથી પુત્ર વિયોગ સહન ના થતા શિવ પાર્વતી બન્ને ક્રોંચની ટેકરી પર આવવા નીકળે છે, અને માર્ગ યાદ રહે એ માટે માર્ગમાં આવતી ટેકરીઓ પર પોતાનું જ્યોતિ સ્વરૂપ મૂકે છે, અને એ રીતે આ શ્રીશૈલમની ટેકરી પર પોતાનું જ્યોતિ સ્વરૂપ મુકે  છે, શિવ પાર્વતી બન્ને જણાં પોતાના અસ્તિત્વની છાપ અહીં છોડે છે, પુરાણ મુજબ દક્ષ યજ્ઞમાં અડધા બળેલા સતીના શરીર ને લઈને ક્રોધાયમાન શંકર આ પૃથ્વી પર અહીંથી તહીં ફરે છે, અને તેના શરીરના અવયવો જ્યાં જ્યાં પડે છે, ત્યાં આગળ શક્તિપીઠનું નિર્માણ થયું છે. એટલે એ રીતે જોઈએ તો પણ અહીં શક્તિપીઠ પણ આવેલી છે.


    સ્કંદપુરાણમાં આ વિશે આખો એક અધ્યાય આવેલો છે, અને એ બીજી દંતકથા મુજબ મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા એવી  છે કે જેના અનુસાર શિવગણ નંદીએ અહીયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને ભ્રમરામ્બાના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લીંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચપાંડવ લિંગની સ્થાપના અહીયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતાં હતાં.


   હિન્દુ ધર્મ ગ્રંથોમાં 18 મહાશક્તિનો ઉલ્લેખ તેમજ વર્ણન જોવા મળે છે, અને એમાં ભ્રમરામ્બા એ શક્તિના સ્વરૂપનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિરમાં બે સુંદર ગોપૂરમ આવેલા છે, અને બરાબર મધ્યમાં મલ્લિકાર્જુન સ્વામીનું મંદિર આવેલું છે, જ્યારે બીજા ગોપૂરમમાં ભ્રમરામ્બા દેવીનું મંદિર છે. પૌરાણિક કથા અનુસાર અરુણાસુર નામના રાક્ષસે બ્રહ્માજીનું ખૂબ આકરું તપ કર્યું, અને બ્રહ્માજી પ્રસન્ન થતા તેણે એવું વરદાન માગ્યું, કે મને કોઈ બે પગ વાળુ કે ચાર પગ વાળું પ્રાણી મારી ન શકે, અને વરદાન મળતાં તેનો ત્રાસ વધી ગયો. આથી દેવો મા દુર્ગાના શરણે જાય છે, માતા દુર્ગા દેવોને આશ્વાસન આપે છે અને એ દૈત્યને મારવાનું નક્કી કરે છે. મા દુર્ગા છ પગ વાળા ભ્રમરો ને અરુણા સુરને મારવા મોકલે છે, અને આ ભ્રમરો અરુણા સૂરને મારી નાખે છે આથી તે ભ્રમરામ્બા તરીકે ઓળખાયા.


   લગભગ ૧૨મી સદીમાં બંધાયેલા આ મંદિરનું સ્થાપત્ય અદભુત છે, અને એ સમયના કલ્યાણ ચાલુક્ય વંશના શાસન દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત ઈસ્વીસન 1230માં કોકટિયા ગણપતિદેવીની બહેન મલયા દેવીએ મંદિરના હાલના ભાગનું નિર્માણ કર્યું છે, વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાયજી અને છત્રપતિ શિવાજી એ આ મંદિરના ગોપૂરમ બંધાવ્યા હતાં. ૭૦૦ મીટર લાંબી અને સો મીટર ઊંચી આ મંદિરની દીવાલ છે, અને અંદરની બાજુએથી જુદી જુદી મુદ્રાઓ કંડારવામાં આવી છે.


   શ્રી શૈલેષ મલ્લિકાર્જુન મંદિરમાં શિવ-પાર્વતી ઉપરાંત બ્રાસનો ઊંચો જોવા મળે છે અને પીપળાનું વૃક્ષ નીચે નાગ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ડાબી બાજુએ રામ ગર્ભ ગણપતિ અને જમણી બાજુએ મંદિરના રક્ષક વીરભદ્રની મૂર્તિ ઓ છે. મંદિરનું નાનું એવું કાળું શિવલિંગ સોનાનું આવરણ ધરાવે છે, અને મંદિરના પાછળના ભાગમાં પાંડવો દ્વારા સ્થાપિત પંચ પાંડવ નું મંદિર પણ છે, અને અહીં પાસે એક કૂવો છે, એમાંથી મંદિરના અભિષેક માટે જળ લેવામાં આવે છે.


   આ મંદિરના દર્શને જવા માટે બસ, ટ્રેન, અને પ્લેન ત્રણે સાધનો ઉપલબ્ધ છે. ટ્રેન દ્વારા જવું હોય તો અમદાવાદ થી, હૈદરાબાદ સિકંદરાબાદ, ભાવનગરથી ભાવનગર કાકીનાડા, અને રાજકોટ થી રાજકોટ સિકંદરાબાદ આમ ટ્રેનો અઠવાડિયામાં બે વાર મળે છે. તો આ કોરોના કાળ દરમિયાન ભગવાન શંકરના શિવાલયનો મહિમા જાણી અને આપણે આપણો ભક્તિભાવ વધારવાનો છે. બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે.


    લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.