રાણી સુમિત્રા એ રામાયણનું મુખ્ય પાત્ર હોવા છતાં મૌન છે, પણ આ મૌન જ કદાચ એની અલભ્ય શક્તિનું કારણ છે. - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 14 ઑગસ્ટ, 2023

રાણી સુમિત્રા એ રામાયણનું મુખ્ય પાત્ર હોવા છતાં મૌન છે, પણ આ મૌન જ કદાચ એની અલભ્ય શક્તિનું કારણ છે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ‌ સવાર



રાણી સુમિત્રા એ રામાયણનું મુખ્ય પાત્ર હોવા છતાં મૌન છે, પણ આ મૌન જ કદાચ એની અલભ્ય શક્તિનું કારણ છે. 


હે ઈશ્વર.

    આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! જેમાં આપણે હમણાં ત્રેતાયુગના પ્રણેતા  ભગવાન શ્રી રામના જીવન આસપાસનાં ચરિત્ર દર્શન કરી રહ્યાં છીએ. સામાન્ય માનવીના જીવનથી લઈને ઊંચામાં ઊંચા હોદ્દા પર બિરાજમાન, કોઈપણ સિધ્ધ કે પ્રસિદ્ધ વ્યક્તિને પણ જાગૃતિની જરૂર પડતી હોય છે. જાગૃતિ વગર જીવનના તટસ્થતા કે નીતિ પૂર્વક જીવી શકવું શક્ય નથી. જાગૃતિ એ એક ઝબકતી જ્યોત છે, જે આપણા જીવન પથને અજવાળે છે, અને આપણને સતત સાચા-ખોટાનો ભેદ સમજાવે છે. પરંતુ ઘણી વાર એવું થતું હોય છે કે, જાગૃતિ પણ પૂરતી હોય અને સાચા ખોટાનો ભેદ પણ જાણતાં હોઈએ, છતાં ખોટું આચરણ થાય, અને એના ઘણા કારણો છે. એમાંનું એક કારણ મમતા પણ છે, મમતા અને મોહ આ બે વિકાર પણ છે, અને ગુણ પણ છે. જેનું દરેક સમયે  મૂલ્ય અલગ હોય છે, એટલે આપણી જીદ અથવા આપણો આગ્રહ, ક્યારેક આપણને ભારે પડી જાય છે, અને એને કારણે ખોટું આચરણ થઈ જતું હોય છે. આજે આપણે જાગૃતિનો અવતાર એવા લક્ષ્મણ શત્રુઘ્નની માતા રાણી સુમિત્રા વિશે ચિંતનમાં વાત કરીશું.


   રાણી સુમિત્રા એ રામાયણનું મુખ્ય પાત્ર હોવા છતાં મુક પાત્ર છે, અને એને કારણે ઘણાને ગેરસમજ પણ થઈ છે, કે તે કોઈ વિશિષ્ટ ગુણ ધરાવતા નથી, મારી માટે પણ આજે મુક પાત્ર ને બોલાવવું એટલે કે જેનો બહુ ઉલ્લેખ ન હોય તેના વિશે લખવું એ થોડું ટફ છે,પણ આ મૌન જ કદાચ એની અલભ્ય શક્તિ નું કારણ છે, જોઈએ હવે શું લખાય છે તે. રાણી સુમિત્રાએ રાજા દશરથના ત્રીજા રાણી હતાં, અને ભલે રાજા દશરથ એ પુત્ર કામના માટે તેમની સાથે લગ્ન કર્યા હતાં. પરંતુ તે સુંદર અને સહનશીલ તેમજ સંસ્કારી મહિલા હતાં. પતિનું માન સન્માન કરવું, અને તેની આજ્ઞા માનવી એ તેના આદર્શ ગુણોમાંનો એક ગુણ હતો, અને કદાચ આવા પૂર્ણ સમર્પણ ને કારણે જ ભારતીય નારીને સમર્પણની દેવી કહેવામાં આવે છે. આ ઉપરાંત પણ તે ઘણા ગુણ ધરાવતા હતાં, અને એ પૂર્ણ સત્યાગ્રહી પણ હતાં. રાણી સુમિત્રા એ કૌશલ્યા અને કૈકેયી ને પોતાની બેન માનતાં હતાં, અને આથી જ રાજા દશરથ પ્રત્યે તેમને કોઈ ફરિયાદનો ભાવ નહોતો. રાજા દશરથ પોતાની પ્રિય અને માનીતી રાણી કૈકેયી સાથે જ સમય વ્યતિત કરતા હતાં, અને રાણી સુમિત્રા કૌશલ્યાને પોતાની મોટીબેન સમજી તેની સેવામાં સમય પસાર કરતાં હતાં, તથા કૌશલ્યા અને કૈકેયી પણ તેને પોતાની બેન માનતા હતા. જ્યારે ઉંમરની મોટી અવસ્થા સુધી રાજા દશરથ ને પુત્ર પ્રાપ્તિ થઇ નહિ, ત્યારે તેઓ પોતાના મનની વાત ગુરૂ વશિષ્ઠને જણાવે છે, અને શૃંગી ઋષિ ના માર્ગદર્શન અનુસાર પુત્રકામેષ્ઠિ યજ્ઞ કરે છે. યજ્ઞ દેવતા પ્રસન્ન થાય છે, અને પ્રસાદનો ચરૂ રાજા દશરથને આપે છે. ખીર જેવો આ પ્રસાદ રાજા દશરથ રાણી કૌશલ્યા, અને કૈકેયીમાં વિભાજીત કરે છે, અને તે બંન્નેના હાથે એમાંથી થોડો થોડો ભાગ સુમિત્રા ને અપાવે છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ, અને તેથી કૌશલ્યા તથા કૈકેયીને એક એક પુત્ર જ્યારે સુમિત્રાને બે પુત્ર પ્રાપ્ત થાય છે.  


    ત્રણે રાણીઓ સમયાંતરે પુત્રને જન્મ આપે છે અને તેનું નામકરણ કરવામાં આવે છે કૌશલ્યાના પુત્રનુ નામ શ્રી રામ રાખવામાં આવે છે, જ્યારે કૈકેયીના પુત્રનું નામ ભરત એટલે કે સૌનું ભરણ પોષણ કરનાર રાખવામાં આવે છે, અને સુમિત્રાના પુત્રોના નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખવામાં આવે છે. આમ તો આ ચારે પુત્રોની દેખરેખ માતા સુમિત્રા જ કરતાં હતાં, અને બાળકો પણ સૌથી વધુ સમયે તેમની પાસે જ રહેતાં હતાં. કહેવાય છે કે ઘણી વખત બાળ રામ સુવે નહીં, તો કૌશલ્યા મા તેને સુમિત્રા પાસે લઈ જતાં અને કહેતા લે તારા પુત્રને સુવાડ! 


   ઘણા વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે તે આદર્શ અને સંસ્કારી હોવા છતાં મુક રહેતા હોય છે, અને એને કારણે તેની કદર થતી નથી. પરંતુ તે તેના સંતાનોને નામે તે ઓળખાવાનું પસંદ કરે છે. રાણી સુમિત્રા પણ આવુ જ વ્યક્તિત્વ ધરાવતાં હતાં, તે લક્ષ્મણ અને શત્રુઘ્નના માતા તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરતાં હતાં. તેમણે લક્ષ્મણ અને શત્રુઘ્નને શ્રીરામની સેવા માટે જ તમારો જન્મ છે, એવું નાનપણથી શીખવ્યું હતું. જ્યારે રાજા દશરથ ભગવાન શ્રી રામને વનવાસમાં જવાનો આદેશ આપ્યો, ત્યારે લક્ષ્મણ માટે આ વાત ન હોવા છતાં, તે ભગવાન શ્રીરામ સાથે જવાનો નિર્ણય કરે છે, અને આ માટે સુમિત્રા જ તેને કહે છે કે, હે પુત્ર જ્યાં રામ છે ત્યાં જ તારું આયોધ્યા છે, માટે તું તેની સાથે વનવાસમાં જા. ભગવાન શ્રી રામ જાણતાં હતાં કે પોતે આશીર્વાદ લેવા જશે, તો માતા ન્યાય માટે રાજા દશરથને પણ લલકારી શકે તેમ છે, માટે જ એકલાં લક્ષ્મણને મોકલે છે,અને જ્યારે રાવણ સાથે યુદ્ધ થાય છે, યુદ્ધનાં મેદાનમાં મેઘનાથનાં હાથે લક્ષ્મણજી મૂર્છિત થાય છે. ત્યારે સુમિત્રા ખૂબ જ ખુશ થાય છે, અને કહે છે કે, હે લક્ષ્મણ બસ તું આ જ રીતે પ્રભુ શ્રી રામની સેવા કરવા હંમેશા તત્પર રહેજે, તે મને પુત્રવતી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પણ આટલું જ નહીં આ સમાચાર મળતાં એમણે શત્રુધ્ન ને પણ લંકા પહોંચી પ્રભુ શ્રી રામની મદદ કરવા આદેશ આપ્યો હતો. તો આ છે રાણી સુમિત્રા, કે પછી માતા સુમિત્રા, કે એક બહુ ઉમદા અને ઉદાર વિચારો ધરાવતા મહીલા હતાં.


    ખુદની જાગૃતિ વગર જાગૃત પુરુષને જન્મ આપી શકાય નહીં, એ વાત રાણી સુમિત્રાનાં પાત્રમાંથી શીખવાની છે. એટલે કે તત્વતઃ કોઇ પણ પ્રકારની કલા કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો જાગૃતિ આવશ્યક છે, અને તો જ તે કલા કે વિદ્યા ત્યાં આગળ કાયમ ટકી શકે છે, અને પછી જે સિદ્ધિ મળે છે,એ શુદ્ધ પણ રહે તેનું જતન પણ થાય છે. શુદ્ધતા વગર સિદ્ધિ મળે તો પણ તેનું મૂલ્ય એટલું હોતું નથી, અથવા લાંબો સમય ટકતી નથી. કલાવાન કે વિદ્યાવાન માટે જ જાગૃતિની જરૂર છે એવું પણ નથી, આજના આ ભયંકર કળિયુગમાં તો સામાન્ય માનવીને પણ જીવનના જીવવા માટે સતત જાગૃત રહેવું પડે છે, પણ રહી શકાતું નથી, એ હકીકત છે. એક સામાજિક ઉદાહરણ જોઈએ તો, આ વાત વધુ સમજાશે. જેમકે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે,પણ એક સર્વે અનુસાર સૌથી વધુ દારુ ગુજરાતમાં જ પીવાય છે, અને એવું પણ નથી કે ગુજરાતીઓ એના નુકશાનથી અજાણ છે! આ વ્યસનની ઘણાંયે ઘણી મોટી કિંમત પોતાના સ્વજનને ગુમાવીને ચૂકવી છે. એટલે કે સાચા-ખોટાનો ભેદ સૌ જાણે છે, પણ હરક્ષણની જાગૃતિ રહેતી નથી, અને તેને કારણે અનાચરણ થાય છે. આપણા બુદ્ધ પુરુષો જાણતા હતા કે આ વ્યસન, વ્યક્તિનું પતન કરનાર છે, માટે તેની બંધી કરવામાં આવી છે,પણ જે હવે કહેવા માત્રનું રહી ગયું છે. જાગૃતિનો અભાવ નીતિ વગરનું જીવન જીવાડે છે, અને જ્યાં જાગૃતિ ન હોય ત્યાં ભ્રષ્ટાચાર સંભવ છે, એટલે આ રીતે આદર્શ કહી શકાય એવા સંસ્કારો ધરાવતી હોવા છતાં જાગૃતિ ના અભાવે ગુજરાતી પ્રજા આજે આંધળા અનુકરણમાં સૌથી આગળ છે,અને એક દિવસ એ તેના પતનનું કારણ પણ બની શકે છે. આપણે સૌ આપણી આવનારી પેઢીને જાગૃતિનું મહત્વ સમજાવી શકીએ, અને આવાં દુષણોથી બચાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


  બાંહેધરી :- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...