Pages

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2023

ત્રિગુણ, ત્રિનેત્ર, અને ત્રિશૂલ ધારણ કરવાવાળા હે મહાદેવ! - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક ચિંતનની ક્ષણે

મિત્રો શુભ સવાર


ત્રિગુણ, ત્રિનેત્ર, અને ત્રિશૂલ ધારણ કરવાવાળા હે મહાદેવ! અમારી ખંડિત માનસિકતા દૂર કરવાં અમે આ બિલ્વ પત્ર અર્પણ કરીએ છીએ.


હે મહાદેવ.

        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.  જીવન સરિતા એ તેના રાગ બહુ આલાપ્યા, આત્મા નિરીક્ષણના ઘાટે બહુ લાંબુ એટલે કે લગભગ ત્રણ વર્ષ ઉપર ચિંતન ચાલ્યું,આ કરવું, આ ન કરવું, આમ જોવું, તેમ કરવું, આ વ્રત કરવું, નિયમ સંયમ રાખવા, અને ન જાણે કેટ કેટલું શીખ્યા, પરંતુ હવે આચરણ કરવાનો આ માસ આવી ગયો છે, માટે આપણી એ બધી જ જાણકારીનો અમલ હવે કરવાનો છે.સદગુરૂની કૃપા કોઈને ઉપદેશ આપતી નહોતી, તે સાર્વજનિક બોધ હતો. એટલે સૌ ભેગા મળીને આ શ્રાવણે કંઈક અલગ અથવા વિશેષ કરવાનો સંકલ્પ લઇ અને અનુષ્ઠાન પૂરું કરવું રહ્યું.


 હે દેવાધિદેવ મહાદેવ કૈલાશ પતિ આપના નામ મિત્રનાં સ્મરણથી કૈલાશ જેવી શીતળતા અનુભવાય છે, અને વામ ભાગે બિરાજમાન શક્તિનો અહેસાસ થાય છે. વક્રતુંડ મહાકાય એવા ગણેશ વિવેક રૂપે સદાય સાથ આપે છે, તો મોર ના વાહન પર બિરાજમાન ભગવાન કાર્તિકેય નું સ્મરણ થતાં અંગ અંગમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થાય છે. શ્રાવણિય આ માનસિક પૂજામાં આજે આપણે બિલીપત્ર ના મંત્ર નો ભાવાર્થ સમજીશું.


ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્

ત્રિજન્મ પાપસંહારમ એક બિલ્વ શિવાર્પણમ્.


          ત્રિગુણ, ત્રિનેત્ર, અને ત્રિશૂલ ધારણ કરવાવાળા, હે મહાદેવ, હું આપના ચરણે મારા આ ત્રિકાળ સ્વરુપ બિલ્વ પત્ર અર્પણ કરું છું, આપ તેનો સ્વીકાર કરી મને ત્રિગુણ અને ત્રિકાળના સંતાપ થી મુક્ત કરો.


        આપણે ત્યાં શંકરની પૂજા, અર્ચના, રુદ્રી કે લઘુગ્રહ, જે કોઈ પૂજા હોય તેમાં બિલ્વપત્રનું બહુ જ મહત્વ છે, અને આ બીલીપત્ર તે ત્રણ પાનનું એક પત્ર કેવી રીતે આપણે શંકરને મસ્તકે, એટલે શીવલીંગ ઉપર ચઢાવતા હોઈએ છીએ,અને સામાન્ય રીતે આપણે સૌ ખ્યાલ રાખતા હોઈએ છીએ, કે આ બીલીપત્ર એ ખંડિત ના હોય, અને એકી સંખ્યામાં તેને ચડાવવું એવી એક માન્યતા પ્રચલિત છે.તો ખંડિત એટલે કે આપની આસ્થા ખંડીત છે, તેવું પુરવાર થાય એમ સમજી અને બિલ્વપત્ર ખંડિત પૂજામાં લેવામાં આવતું નથી. તેમજ એકી સંખ્યાનું મહત્વ પણ એટલે દર્શાવાયું છે, કે પત્રની સંખ્યા એકી છે, એટલે કે ત્રણ ગુણ, ત્રણ કાળ, ત્રિશુલ ત્રિનેત્ર, ઉપરાંત અંગ પર ધારણ કરેલા એ ભુજંગ પણ એકી સંખ્યામાં દર્શાવાયા છે, ઉપરાંત અન્ય દેવતા કરતા શિવ તેની આ ત્રિનેત્ર થી જુદા છે, કારણ અન્ય કોઈ દેવી-દેવતાની ત્રણ આંખ દેખાડવામાં આવી નથી, અને ત્રણ એ એકી સંખ્યા છે, આથી એકી સંખ્યાનું મહત્વ છે, આમ તો ત્રણના ગુણાકારમાં જ શિવને બધું સમર્પિત થતું હોય છે. શિવ આપણું દુઃખ ઝડપથી સમજી શકે, તેનું એક કારણ એ પણ છે, કે તે ભલે કૈલાશે વસતાં હશે, પણ તે આપણી જેમ સંસારી છે. તેને પણ પરિવાર છે મા જગતજનની, આદ્યશક્તિ જગદંબા સ્વરૂપ પાર્વતી, અને ગણેશ કાર્તિક એમ તેનો પરિવાર છે.એટલે એક ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે કેવા કેવા વહેવારો, અને શું!! શું!! કરવું પડે, તે બધાથી જ તે જ્ઞાત છે. સદા શિવ શંકર તેની જટામાં નિર્મળ ગંગાને સમાવવાનું સામર્થ્ય ધરાવે છે, અને અંગે ઝેરી સર્પને ધારણ કરે છે, સામાજિક સંબંધો અંતે કેટલા વીશીલા એટલે કે ઝેરીલા છે તે આપણે ક્યાં નથી જાણતા, અને તેને બસ શૃંગાર જેમ જ આપણે ધારણ કરી, અને ફક્ત શોભા વધારવાની છે. તો ગતિ મતિને સ્થિર કરનાર, ગંગા ને તેણે જટામાં એટલેકે મસ્તકે ધારણ કરી છે, તે બતાવે છે કે બુદ્ધિની નિર્મળતા એ જ ગંગા છે. એટલે પોતાની વેશભૂષા અને આચરણ પરથી સદા શિવ શંકર આપણને જતાવી રહ્યા છે, કે સંસારી એ કેમ જીવવું.મને લાગે છે કે આ શ્રાવણ આપણે બે આંખેથી સમાજ અને ત્રીજી એ સમજણની આંખેથી શિવને અનુભવવાનો છે. શિવને જોવા જાણવાનો છે, અને પછી એ વૈરાગ્ય ભાવ મનમાં જગાડી એ શિવત્વને અંદર જ મહેસૂસ કરવાનું છે. આમ પણ જીવ સત્વ, રજસ, અને તમસ એ ત્રણ ગુણ ના ભાર થી સતત પીડાતો રહ્યો છે, એમાં આ કાળની મહામારી એટલે ત્રણેય ગુણ અને ત્રણેય કાળ સ્વરૂપ બીલીપત્ર ને શિવ શરણે સમર્પિત કરી એ, તો નિશ્ચિતપણે નિર્ભાર થઈ શકાય. પરંતુ આપણે છીએ કે આપણે બિલ્વ પત્ર ખંડિત નથી એ તો જોયું, પરંતુ આપણી માનસિકતા ખંડિત છે, આપણી શ્રદ્ધા હવે સાત્વિક રહી નથી, અને આપણું આ ભોગવાદી ચંચળ મન પણ હવે શુદ્ધ રહ્યું નથી, એનો આપણે કોઈ ઉપાય કરતા નથી! આજનાં કાળ પ્રમાણે માત્ર બિલ્વપત્ર ખંડિત નથી એ જોવું પર્યાપ્ત નથી. આપણી વિચારધારા ખંડિત નથી ને! આપણી માનસિકતા ખંડિત નથી ને! અને આપણું મન શુદ્ધ નથી, એ જોવું પણ જરૂરી બને છે.


     એટલે આ શ્રાવણે આપણી ખંડિત  માનસિકતા  નો ઉપાય કરો એવી પ્રાર્થના સાથે આપણે મહાદેવને શરણે જવાનું છે. શંકર એ સ્મશાનના દેવ છે, એટલે મૃત્યુ સમય સુધીના આપણા ડરને પણ તે ખત્મ કરનારા છે, અને ત્યાં સુધી એ આપણા ભાવનું રક્ષણ કરનારા છે. ઉપરાંત કામદેવને ભષ્મ કરનારા છે. આપણા વિષયભોગ ને જ તેની સેવા પૂજા અને આરાધના ગણાવતા એ ભગવાન શંકરાચાર્ય ને સ્મરી અને આપણી દૈનિક ક્રિયાઓ ને તેને અર્પણ કરી શકીએ, તેવી નિ:સ્વાર્થી અને પવિત્ર બનાવી રહી. જેથી કરીને અન્ય કોઈ આરાધના કરવી ન પડે. એટલે કે દિનચર્યા જ નીતિ, ઈમાનદારી, અને સચ્ચાઈ થી ભરેલી હોય, તેને ક્ષણેક્ષણ શિવનો સધિયારો છે જ,તેને માટે કોઈ વિશેષ તપ નિયમ સાધનાની તેને જરૂર રહેતી નથી, અને તેને બારે માસ શ્રાવણ જ રહે છે. એ નિત્ય તેની કૃપા માં ભીંજાયેલો રહે છે, અને તેની અંદરનું એ શિવત્વ હંમેશાં કલ્યાણનું કર્મ કરાવે છે.તો આપણે સૌ આ શ્રાવણે આમ ભાવક બની અને તેની ભક્તિ કરીએ અને આપણા શરીર રૂપી દેહમાં જ એ શિવનું દેવળ બનાવી, તેનો નિત્ય અભિષેક કરીએ, તેની પૂજા-અર્ચના કરીએ, તેને આપણા ભાગ્ય કે કર્મ નો ભોગ ધરીએ, અને ત્રિકોણ અને ત્રિકાળ સમર્પિત કરી ત્રણ જન્મ સુધી કર્મના સિદ્ધાંત ની મુક્તિને પામીએ. આપણે સૌ એ ઓમકાર ના નાદને અંતરથી મહેસૂસ કરી એ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે!! હર હર ભોલે!! હરહર ભોલે!! બમ બમ ભોલે!! બમ બમ ભોલે!! બમ બમ ભોલે!! નો સીધોસાદો મંત્ર સૌના અંતર ને આ શ્રાવણિય ચિંતન ભક્તિભાવની ધારાથી તરબોળ કરતો રહે એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


બાંહેધરી :- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.