શ્રાવણે શિવ શંકરનો મહિમા છે અનેરો, ચાલો આપણે પણ રત્નોનાં આસને આત્મલિંગની સ્થાપના કરી એને આરાધિયે. - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

શ્રાવણે શિવ શંકરનો મહિમા છે અનેરો, ચાલો આપણે પણ રત્નોનાં આસને આત્મલિંગની સ્થાપના કરી એને આરાધિયે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


શ્રાવણે શિવ શંકરનો મહિમા છે અનેરો, ચાલો આપણે પણ રત્નોનાં આસને આત્મલિંગની સ્થાપના કરી એને આરાધિયે. 


હે મહાદેવ. 

          આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે એટલે આપ સૌને પણ આ ભક્તિ ભાવ ભર્યા માસની ખૂબ ખૂબ વધાઈ. દરેકના જીવન શિવશંકર ભોળાનાથની ભક્તિથી તરબોળ થાય, આંતરિક અને બાહ્ય ધરામાં ભીનાશ અનુભવે. મોર કોયલના ખુશીના ટહુકા જેમ સૌનું જીવન ટહુકે. ઓમ નમઃ શિવાયના અંતરનાદથી ભક્તિ પૂર્ણરસની પરાકાષ્ઠા અનુભવે, એવી મારા અંતરની બધાને હાર્દિક શુભકામના. સૌના હૃદયનો ભાવ જોઈ અને એ ભોળો પ્રસન્ન થશે, એવા પરમ વિશ્વાસ સાથે આપણે સૌ આ શ્રાવણને વધાવીએ. 


           આમ તો આવા કેટલાય શ્રાવણ આજ સુધી આવ્યા અને ગયા પણ ક્યાંક આપણાં પાત્રમાં જ કોઈ છેદ છે એટલે ભક્તિ ટકી શકતી નથી છતાં દર વખત જેમ આખું જગત આપના શ્રીચરણોમાં આજે પૂરી શ્રદ્ધાથી વંદન કરી રહ્યું છે, અને આપના કલ્યાણનાં ભાવનું સ્મરણ કરી, જગતમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરે છે. શ્રાવણ આવ્યો અને સૌ ભક્તોને ભોળો ભગવાન અજન્મા આશુતોષ શંકર યાદ આવ્યો, આપ તો તે કૈલાશના હિમ શિખર પર બિરાજમાન છે, પરંતુ શ્રાવણમાં તે શિવાલયોમાં આવી વસે છે, એવી એક માન્યતા છે. લગભગ દરેક દેવ તેની મૂર્તિ સ્વરૂપે અને એના નિશ્ચિત ક્રિયાકાંડ વિધિથી પૂજાય છે, પણ એક ભગવાન શંકર છે કે જે સામાન્યથી સામાન્ય ભક્ત માટે સાવ સરળ રીતે ગામ શેરી મહોલ્લામાં નાનકડી ડેરી રૂપે પણ ઉપલબ્ધ છે. સ્વયંભૂ અને જ્યોતિર્લિંગ એમ બે પ્રકારના શિવલિંગ આપણે ત્યાં જોવા મળે છે, અને સદીઓથી ભક્તો આ શિવલિંગ પર પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરીને તેને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. પરંતુ દરેક જણ શિવાલયમાં જઈ શકતા નથી, તો એ પોતાના આત્મ લીંગની પૂજા કરી, અને આ શ્રાવણ ની ઉજવણી કરી શકે એવા સ્તોત્ર પણ છે. આદિ દેવ શંકરાચાર્ય ભગવાને સદીઓ પહેલા માનસિક પૂજા માટે એક સ્તોત્રની રચના કરી હતી. તેમાં નથી શિવાલયની જરૂર, શિવલિંગની નથી જરૂર, નથી દૂધ પાણી કે અન્ય કોઈ સાધન સામગ્રીની જરૂર, આ પૂજામાં કોઈ વસ્તુ પદાર્થની જરૂર પડતી નથી, અને છતાં પણ તે ખુબ જ શાંતિ આપનાર વ્રત કે અનુષ્ઠાન સાબિત થયું છે. આથી જ આપણે પણ આ વર્ષે આ જ રીતે શંકરની આરાધના કરીશું.


રત્નૈ કલ્પિતમાસનં હિમજલૈ: 

સ્નાન ચદિવ્યામ્બરં,

નાનારત્નવિભુષિતં,

મૃગમદામોદાકિતં ચન્દમ્

જાતિચમ્પકબિલ્વપત્રરચિતં

 પુષ્પ ચ ધૂપં ચ તથા,

દીપં દેવ દયાનિધે,

પશુપતે હ્યતકલ્પિતં ગૃહ્યતામ્........


         હે દેવાધિદેવ મહાદેવ આપને  રત્નોના કલ્પિત આસન પર બેસાડી, અને બરફ જેવા ઠંડા જળથી એ દિગંબર શિવને સ્નાન કરાવી, મઘમઘતા કસ્તુરી મિશ્રિત ચંદનથી ત્રિપુંડ કરી, ચંપા કે ધતૂરાના ફુલ અને બીલીપત્રથી તેની પૂજા કરી, ધૂપ દીપ વગેરે કરી અને એ પશુપતિ નાથની આરાધના કરવી. સુવર્ણ પાત્રમાં દૂધની ખીર, અન્ય પકવાન અને તાંબુલ એટલે કે પાન બીડા સહિતની સામગ્રી ધરી છે. આપના મનોરંજન માટે વીણા, મૃદંગ, ગીત, અને નૃત્યનો પણ પ્રબંધ કરેલો છે. હે મહાદેવ મારો આત્મા આપ છો, મારી બુદ્ધિ પાર્વતી છે, અને આપના ગણો છે તે મારો પ્રાણ છે. મારું શરીર એ શિવાલય, એટલે કે મંદિર છે.સંપૂર્ણ વિષય ભોગ એ મારી પૂજા છે, દિવસ રાત જે સતત હલનચલન થાય છે તે પ્રદક્ષિણા છે, અને નિંદ્રા એ સમાધિ છે.દિવસભરની મારી સંપૂર્ણ દિનચર્યાના કર્મો એ જ આપની આરાધના જ છે. મારા શબ્દો એ આપની સ્તુતિ સ્તવન છે. મારા મન બુદ્ધિ ચિત્ત, વાણી, કે પછી શરીરની કોઇપણ ઇન્દ્રિયથી જે કોઈ અપરાધ થયો હોય તેની માટે હું ક્ષમા યાચુ છું. તો હે શિવ મારી આ માનસિક પૂજા નો આપ સ્વીકાર કરો અને મને સદૈવ આપના ચરણોમાં રાખો. તો આ આદિ દેવ શંકરાચાર્ય ના શબ્દો છે, તેણે સંસારીની મર્યાદા ને જાણી ને એકદમ સીધીસાદી રીતે કંઈ રીતે આપણે તેને ભજી શકીએ એ દર્શાવ્યું છે. એક સંન્યાસી ને મોઢે સંસારી માટે આટલી સરળ રીતે શિવને પ્રસન્ન કરવાનું આ સ્તોત્ર ગાન ના સંસ્કૃત ઉચ્ચારણ પણ બહુ જ સુંદર છે.આપણે એ યાદ રાખવું ઘટે કે સદીઓ પહેલા જ્યારે ભગવાન શંકરાચાર્યે, આ સ્તોત્રની રચના કરી ત્યારે સંસારી જે રીતે જીવતો હતો તેનું આમાં વર્ણન છે. પરંતુ આજની આ પરિસ્થિતિ સાવ ભિન્ન છે, આપણી દૈનિક ક્રિયા ઓ હવે સાત્વિક રહી નથી કોઈ નું ખાનપાન બગડ્યું છે તો કોઈની માનસિકતા બગડી છે અને એને કારણે આપણું મન જે પરમાત્માની વિભૂતિ હતી એ હવે શુદ્ધ રહ્યું નથી એટલે કમસેકમ આપણે એવું જીવન તો જીવવું જ રહ્યુ કે જેની દિનચર્યા જ આરાધના બની જાય. જીવ જ્યારે શિવ સાથે તત્વતઃ રૂપે કે સ્વરૂપે કોઈપણ એક નાતે જોડાય પછી આપણે તેને પોકારવાનો છે. અને આ શ્રાવણે પહેલા ભક્તિથી તેને ભીંજવી, અને પછી આપણે પણ તેની સાથે ભીંજાવાનું છે.


            આપણે બધા જ જાણીએ છીએ કે શંકર એ, બધા જ દેવોમાં અતિશય ભોળા છે, અને તેથી જ તેને ભોળાનાથનું બિરુદ આપણે આપ્યું છે. એની ઉપાસના પણ સીધીસાદી અને પોતે પણ સાવ સીધાસાદા. તેની પાસે અથવા તેના ચરણે જવા માટે કોઈ જ લાયકાતની જરૂર નથી, કોઈ પણ જાતના જ્ઞાનની જરૂર નથી.તે ફક્ત ભાવથી રીઝનારો દેવ છે. તો આપણે સૌ આ શ્રાવણ એ  તેને આપણી સાત્વિક શ્રધ્ધાનું પુષ્પ ચડાવી અને પ્રસન્ન કરીએ.હર હર ભોલે!! હર હર ભોલે!! હરહર ભોલે!! બમબમ ભોલે!! બમબમ ભોલે!!બમબમ  ભોલે!! ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.ૐ નમઃ શિવાય બસ આ પંચાક્ષર મંત્ર પર્યાપ્ત છે. શ્રાવણમાં હવે આપણે ચિંતન થકી ભગવાન શંકરનો કોઈ ને કોઈ રૂપે મહિમા ગાઈ શું, એમાં ભોળાશંકર ના કોઈ નામનો શબ્દાર્થ હશે, કોઈ પંક્તિનો શબ્દાર્થ હશે, કે પછી તેની પૂજા-અર્ચના, કોઈ શ્લોક,કે ભજન, ગમે તેનો આધાર લઈને આ ચિંતન આવશે અને રોજ ભોળા શંભુ ને, યાદ કરી ને સૌને ભક્તિ રસથી તરબોળ કરશે. સદગુરુ ભગવાન આપણને શ્રાવણે શંકર ભક્તિથી છલોછલ ભરી શકે એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...