Pages

મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

આપણાં કોઈપણ જાતના સ્વાર્થ માટે આપણે દેશનાં કાયદાનો કે સત્તાનો દૂરોપયોગ નહીં કરીએ, એવું મા ભારતીને વચન આપવું પડશે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


આપણાં કોઈપણ જાતના સ્વાર્થ માટે આપણે દેશનાં કાયદાનો કે સત્તાનો દૂરોપયોગ નહીં કરીએ, એવું મા ભારતીને વચન આપવું પડશે.


વંદે માતરમ્.

                 હે મા ભારતી તારા શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે તો 15 ઓગસ્ટ છે, અને ચારે બાજુથી, મેરા દેશ હે રંગીલા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, મા તુજે સલામ, વંદે માતરમ, અને બીજા પણ ઘણાં દેશભક્તિનાં નારા ગુંજવા લાગ્યા છે. ઈશ્વર કરે અને આ ભાવ સતત સૌનાં હૃદયમાં અકબંધ રહે.  15 ઓગસ્ટ, આઝાદ દિન, એટલે કે દેશ પ્રેમ વધારતો તહેવાર, આજે 15 ઓગસ્ટ 2023 છે, એટલે કે આઝાદ ભારતને 76 વર્ષ પૂરાં અંગ્રેજોની ગુલામી માંથી આપણે આઝાદ થયાં એ વાતને આજે 76 વર્ષ પુરા થયા, માટે આ દિવસ દરેક ભારતીય માટે ખાસ છે, ગયા વર્ષે વધુ ખાસ બનાવવાં માટે આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત હર ઘર તિરંગા, એટલે કે 13 અને 14 ઓગસ્ટે, દરેકે પોતાના ઘર પર પણ તિરંગો લહેરાવ્યો હતો. કેટલું સુંદર દ્રશ્ય હતું! તિરંગો એ આપણા દેશની શાન છે, અને દરેકે તેને માન સન્માન આપવું જ જોઈએ. આપણને એમ થાય કે 15 ઓગસ્ટ તો દર વર્ષે આવે છે, પણ આ બધા ગતકડા શું કામ કરવામાં આવ્યાં ?  આ આઝાદી કા અમૃત મહોત્સવ શું છે? આપ સૌની વાત એકદમ સાચી છે કે, દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરી અને આપણે ધ્વજને સલામી આપતા હોઈએ છીએ, અને એટલું સહજતાથી પછી ભૂલી પણ જતા હોઈએ છીએ, કે આ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આપણા નસીબમાં આવ્યું, એની માટે કેટલા જણને કુરબાની દેવી પડી છે. કેટકેટલી માતાઓ વિધવા થઈ, કેટલા બાળકો અનાથ થયાં, અને કેટલાય બેઘર થયાં, ત્યારે આપણને આ ધ્વજવંદન કરવાનું સદનસીબે મળ્યું છે, એટલે કે આઝાદી મળી છે. તો આજે આપણે ચિંતનમાં આઝાદ ભારત વિશે વાત કરી અને મા ભારતીનાં ચરણોમાં ચિંતન સમર્પિત કરી દેશપ્રેમને પ્રબળ બનાવીશું.


      આપણે તો એ ગુલામીના દિવસો સહન કરવા પડ્યા નથી, એટલા નસીબદાર છીએ, અને એ નસીબદારી, આપણને એ બલિદાન દેવાવાળાને યાદ રાખવાની અને સદા વંદન કરવાની ફરજ પાડે છે‌. પરંતુ હકીકતમાં એવું થતું નથી, માટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી થયું. એટલે કે દેશના એ વીર ક્રાંતિકારીઓ તેમજ આઝાદીની કોઈપણ લડતમાં ભાગ લેનારા કેટલાએ શહીદો તેમજ દેશવાસીઓ ના નામ ઇતિહાસના પાના પર નથી, પણ તેની કુરબાની એળે ન જાય માટે એવા વીર સપૂતોનું સ્મરણ કરી, તેને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. દેશમાં આ કાર્યક્રમ પુરા બે વર્ષ સુધી એટલે કે 2021 ની 12 માર્ચથી

શરૂ કરીને 2023 ના 12 માર્ચ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. 2021 ની બાર માર્ચે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાબરમતી ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, અને પુરા 75 સપ્તાહથી દેશના વિવિધ ભાગોમાં આ અંતર્ગત પ્રોગ્રામો થયો હતો. આ ઉપરાંત દેશની આઝાદીનાં મહત્વના ભાગ એટલે કે સાબરમતી જેલ, જલિયાવાલા બાગ, અને અંદમાન નિકોબારની જેલમાં અમૃત મહોત્સવની સાથે શરૂઆત થઈ હતી. સાબરમતી આશ્રમમાંથી નરેન્દ્ર ભાઈએ અમૃત મહોત્સવ માટે લીલી ઝંડી ફરકાવી હતી.


   આજે તો ભારત દેશ એ દુનિયામાં આઠમા ક્રમે છે, અને વિચારોની ગતિથી વૈજ્ઞાનિક અભિગમ રાખી તે વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે. એટલે 20 મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા તેમજ 21મી સદીમાં જન્મેલા ભારતીય નવયુવાનોએ ભારતની એ પરિસ્થિતિ ને જોઈ ન હોય તો, આઝાદીનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકાય? એની ખબર ન હોય, માટે આ અમૃત મહોત્સવ દ્વારા એમનામાં એ રીતનો દેશ પ્રેમ જગાવવાની આ પ્રક્રિયા હતી.પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજ સાથે ફોટો અપલોડ કરવો, એટલું દેશપ્રેમ માટે પર્યાપ્ત નથી,એ વાત દરેક ભારતીય એ યાદ રાખવાની છે. તો આપણને પ્રશ્ન થાય કે આપણે એવું શું કરી શકીએ, કે જેના કારણે આપણે આપણો દેશ પ્રેમ સિદ્ધ કરી શકીએ! શું દરેકે સરહદ પર યુદ્ધ કરવા જવું જોઈએ! તો જ આપણો દેશ પ્રેમ સિદ્ધ થાય? ના! દેશ પ્રેમ દેખાડવા માટે દરેકે સરહદે યુદ્ધ કરવું અનિવાર્ય નથી, પરંતુ એ શહીદની કુરબાની ભૂલી જવી, અથવા એ સૈનિકને ઘર પરિવાર છોડીને ત્યાં દેશની રક્ષા માટે 24 કલાક ખડે પગે ઊભા રહેવાનાં બલિદાનને એળે જવા દેવાનું નથી. આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કારોને ભૂલીને આપણે દેશને અંદરથી ખોખલો કરી રહ્યા છીએ, એ વાત દરેક ભારતીય એ સમજવાની જરૂર છે.  તેથી આપણી સંસ્કૃતિનું મૂલ્ય વધે તેવી પ્રવૃત્તિ કરવી કે વર્તણૂક કરવી, એ પણ દેશ પ્રેમ જ છે. આ ઉપરાંત દરેક દેશવાસી માટે આપણા મનમાં પ્રેમનો ભાવ હોવો પણ એટલો જ જરૂરી છે. ભારતમાં રહીને પણ ભારત દેશ સાથે દ્રોહ કરનારા સાથે આપણા સ્વાર્થ માટે રહેવું એ દેશદ્રોહ છે. દેશ જ્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ટેક્સ ચોરી કરવી, કે ભ્રષ્ટાચાર કરવો, લાંચ લેવી, રુશ્વત દઈને આપણું કામ કરાવવું, કે સત્તાનો ઉપયોગ કરી કોઈ પણ ને અન્યાય કરવો, સંવિધાન પર વગર કારણે સવાલો ઉઠાવવા, અને આંતર રાજ્કીય વેર વધે એવું કરવું, એ બધું વ્યાજબી નથી, એ બધાં દેશદ્રોહ છે. આ ઉપરાંત એક પરિવારને આર્થિક સામાજિક અને સ્વાસ્થની રીતે વ્યવસ્થિત ચલાવવો કેટલો મુશ્કેલ છે! એ દરેક જાણે છે, ત્યારે કોઈ પણ સરકાર પર આક્ષેપો કરી, અને તેનું કાર્ય વિચલિત કરવું એ પણ દેશદ્રોહ છે. આવું તો કેટલું એ નાનું મોટું છે કે જે કરીને આપણે આપણો દેશપ્રેમ સિદ્ધ કરી શકીએ, અને મા ભારતીની શાન વધારી શકીએ. 


     તો આઝાદીના આ અમૃત મહોત્સવ ભલે પૂરો થયો પણ આપણે સૌ આપણામાં એવી જ દેશભક્તિ જગાવી રાખીશું કે જે આપણને આપણી સંસ્કૃતિને વધુને વધુ ઉજ્જવળ બનાવવા માટે પ્રેરે. આપણાં જ અન્ય દેશવાસીઓ માટે આપણા હૃદયમાં સંવેદનાનું ઝરણું વહાવે, અને એમની મદદ માટે આપણો હાથ સદા તત્પર રહે. આપણા કોઈપણ જાતના સ્વાર્થ માટે આપણે દેશના કાયદાનો કે સત્તાનો ઉપયોગ નહીં કરીએ, એવું મા ભારતી ને વચન આપવું પડશે. ભારત દેશની સનાતનીય પરંપરા એ સૌથી પ્રાચીન પરંપરા છે, અને આજે વિશ્વ આખું એને અનુસરી રહ્યું છે. ત્યારે આપણે પાશ્ચાત્યના મોહમાં, એ સંસ્કૃતિને ભૂલી જવી એ યોગ્ય નથી. આપણી ફરજ છે કે આપણા સંતાનોને પણ આપણે આ બધું જણાવીએ, અને તેમનામાં પણ દેશ પ્રેમ જગાવીએ, જેથી કરીને આગલા વર્ષોમાં પણ ભારત ભૂમિના એ યુવાનો તેની ઉજવળતાને ભૂલે નહીં. ટૂંકમાં ઝીણી ઝીણી વાતો દરેકે સમજવાની છે, મારા એકના આચરણથી કંઈ નહીં થાય, એ વિચાર છોડીને દરેકે પહેલ કરવી પડશે, ત્યારે આ સુંદર મહોલ યથાવત રહેશે. એકતામાં બહુ તાકાત છે એણે આપણને કોરાના સામે ટકાવી રાખ્યા,  કોરોના કાળ દરમિયાન મોદીજીએ કહ્યું, થાળી વગાડો બધાએ કોઈ પણ દલીલ વગર થાળી વગાડી. પછી મોદીજી એ કહ્યું કે વગર દિપાવલીએ દીવા પ્રગટાવો, અને ફરી લોકોએ કોઈપણ દલીલ કર્યા વગર પોતાના આંગણામાં દીવાઓ પ્રગટાવ્યા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફરીથી મોદીજી બોલ્યાં હતાં કે હર ઘર તિરંગા, અને લોકોએ કોઈ પણ તર્ક વગર પોતાના ઘરમાં તિરંગો લહેરાવ્યો. ભારતની 140 કરોડ ઉપરની આબાદીમાં કોઈ એક વ્યક્તિનાં એક બોલ પર આવું થવું, એ કોઈ સામાન્ય ઘટના નથી,! એ તેની દેશ ભક્તિ કે દેશપ્રેમ દાખવે છે. સૌ માત્ર દેખાડવા પૂરતી દેશભક્તિ ન દાખવે, અને ખરેખર દેશ માટે કંઈક કરી શકે, એવી એક અનન્ય પ્રાર્થના મા ભારતીને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન જય સીયારામ અને જય હિન્દ.


    લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

બાંહેધરી :- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.