સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
શરીર સુખ માટે થઈને જે ભોગનું શરણું લીધું છે,એટલું સત્ય જો સમજાય જાય તો શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ જીવન જીવી શકાય!
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે, આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ. આજે મંગળવાર એટલે ગીતા જ્ઞાન નો દિવસ.જ્ઞાન વગર જીવન ક્યારેય મંગલતા પ્રાપત કરતું નથી,અને શ્રીમદ ભગવત ગીતા જેવું શુદ્ધ અને સિદ્ધ કરનારું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય! આજે સાંપ્રત સમયના સમાજનો દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે કોઈ સમસ્યાનો ભોગ બને છે, અને એ સમસ્યાનો જો લાંબા સમય સુધી ઉકેલ ન આવે તો, એનાથી માનસિક તણાવ અનુભવે છે. પરંતુ બહુ સૂક્ષ્મ રીતે ચિંતન કરવામાં આવે તો 70% સમસ્યાઓ એના પોતાના અજ્ઞાનને કારણે હોય છે, અને બાકીની 30 ટકા સમસ્યાઓ પોતાના આત્મવિશ્વાસની કમીને કારણે હોય છે. આપણે ભગવત ગીતાના માધ્યમથી મનુષ્ય કેવા પ્રકારના જ્ઞાન અને કેવા પ્રકારના અજ્ઞાનનો સામનો કરતો હોય છે, એ અર્જુનના માધ્યમથી જોઈએ છીએ. અર્જુન એ લગભગ કેટલાએ પ્રશ્નો ભગવાને કર્યા, અને ભગવાને એને કહ્યું કે તું કર્મયોગની રીતે કર્મ કર, કર્મ સન્યાસની રીતે કર્મ કર, જ્ઞાન યોગથી કર્મ કર, કે સાંખ્ય યોગનો સહારો લઈ, આ બધી જ મોહમાયા માંથી મુક્ત થઈ જા. દરેક જીવ જો એનાં પ્રારબ્ધમાં લખાયેલા કર્તવ્ય કર્મને અનુસરે તો એ કોઈપણ પ્રકારના બંધનોમાં બંધાતો નથી, અને એ ખુદ શાંતિનો અનુભવ કરે છે. સચ્ચિદાનંદ ઘન સ્વરૂપે પોતાનામાં જ ઈશ્વરને અનુભવે છે, પરંતુ અર્જુન છે કે હજી તેનું અજ્ઞાન સમાપ્ત થતું નથી. આપણા બધાની જિંદગી પણ મોટેભાગે અર્જુન જેમ કોઈને કોઈ પ્રકારના અજ્ઞાનથી જ ઘેરાયેલી છે, અને એ અજ્ઞાન જ્ઞાનરૂપી પ્રકાશનો જોઈએ તેટલો અનુભવ થવા દેતું નથી. કોઈ વધુ તો કોઈ ઓછા અંશે અજ્ઞાન ધરાવે છે, એ એક નિતાંત સત્ય છે, અને એની માટે અંતઃકરણ ચતુષ્કોણ જવાબદાર છે, એ પણ આપણે જાણીએ છીએ. તો બાકીના 30% ની વાત આપણે કરી તેમ આત્મવિશ્વાસની કમી, પણ અંતઃકરણ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો પ્રબળ બને, અથવા તો સામેવાળાનો અહમ કે પ્રભાવ બીજી વ્યક્તિને દુર્ભાવ કરવા માટે પણ પ્રેરે, અને આ રીતે અંધારામાં વધુને વધુ ગરકાવ થવાથી નિષ્ફળતાનો કે મૃત્યુનો ભય રહે છે, જેને કારણે આત્મવિશ્વાસ ડગમગી જાય છે. શ્રીમદ ભગવત ગીતાના પાંચમા અધ્યાયના 22 માં શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે, જે આ ઈન્દ્રીય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વભોગો છે, તે બધા વિષય માણસોને સુખરૂપ ભાસવા છતાં પણ નિઃશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંત વાળા એટલે કે એ અનિત્ય છે માટે હે કૌતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમાં આસક્ત રહેતો નથી.
ભગવાને કહેલું આ સત્ય આપણે સૌ જાણીએ છીએ, એટલે કે શરીર નાશવંત છે, અને મૃત્યુ શાશ્વત છે. મનુષ્ય દેહ રૂપે આવ્યા છીએ, એટલે એકને એક દિવસ આ દેહ છોડીને જવાનું છે. જે કંઈ આપણા પ્રારબ્ધ અનુસાર આપણે મેળવ્યું હશે તે બધું જ અહીં મૂકીને જવાનું છે. સગા સંબંધીઓ કે કોઈપણ પ્રકારની લેણાદેવી સાથે લઈને જઈ શકાતું નથી. દરેક પ્રકારના ભોગનું સુખ ક્યારેય કાયમ રહેતું નથી, એ હંમેશા શરીરની વૃદ્ધિ કરતા શરીરમાં રહેલા આત્મ પ્રકાશને ઢાંકવાનું કામ કરે છે, માટે તેનો સમ્યકતાથી ઉપયોગ કરવો. આટલી જાણકારી લગભગ દરેક પાસે છે અને વ્યવહારમાં આવા વાક્યોનો આપણે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, અને છતાં મોહમાયાથી મુક્ત થઈ શકાતું નથી, અને એટલે એ માત્ર જાણકારી બની રહી જાય છે, જ્ઞાન કહેવાતું નથી, અને એટલે જ એ અજ્ઞાન તરીકે કાયમ આપણા જીવનને દોરે છે અને મોહ માયામાં વધુ ને વધુ પ્રવૃત કરે છે.
ભગવાને ચોખ્ખું કહ્યું છે કે ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો સુખ સ્વરૂપ ભલે પાસે હોય પણ એ નિઃશંકપણે દુઃખના જ હેતુ છે. શારીરિક સ્વાસ્થય બગાડવા માટે આ બધા કારણભૂત છે, એ આપણે જાણીએ જ છીએ. જેમકે વધુ પડતું સ્વાદિષ્ટ ભોજન ખાવાથી કેટલીય પ્રકારના રોગ થાય છે, તો વધુ માત્રામાં ખાવાથી પણ રોગ થાય છે, અને એ જ રીતે ન ખાવાથી પણ થાય છે, પરંતુ એબોસીટી એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. ભોજનની રીતે તો માનવી ખાઉધરો થઈ જ ગયો છે, પરંતુ અન્ય બધી જ વાતે તેને પૂરું પડતું જ નથી! લોકો એને મહત્વકાંક્ષા કહે છે, પણ હકીકતમાં એ અસંતોષની એક એવી વૃત્તિ છે કે, જે તેને સંતોષ થવા દેતી નથી,ક્યારેય શાંત થવા દેતી નથી, બસ એ વિષય પ્રેરક ભોગ સમયના ક્ષણિક સુખને કાયમી કરવા માટે મનુષ્ય સતત મથતો રહે છે. એ રીતે એ દુઃખના હેતુઓને જ પોષણ આપી રહ્યો છે, અને આશ્ચર્યની વાત તો ત્યાં છે કે, લગભગ બધા જ જાણે છે, પણ કોઈને કોઈ રીતે એ વૃત્તિ પર સંયમન કરી શકતા નથી.
ઈશ્વરે જ્યારે મનુષ્ય દેહ આપ્યો ત્યારે જ એનું આયુષ્ય નક્કી કરીને મોકલ્યો હતો, અને એની સાથે સાથે બીજી ઘણી વસ્તુની નિયત માત્રા પણ નક્કી થઈ હોય છે, એવું આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે. શરીર મુખ્યત્વે રુપ, રંગ, રસ, ગંધ, સ્પર્શ ,અને સ્વર,એમ છ પ્રકારના ભોગથી આકર્ષાય છે. આમ છ પ્રકારના ભોગ ની માત્રા પણ એના જન્મ સમયે નિશ્ચિત કરવામાં આવી હોય છે. પરંતુ આપણે એ સત્ય જાણતા નથી, અને આપણી આ ખાઉધરી વૃત્તિને કારણે સતત એ છ પ્રકારના ભોગ ભોગવવા મથીએ છીએ, એને કારણે ક્યારેક એ માત્રા આપણા આયુષ્ય પહેલા જ પૂરી થઈ જાય, તો પ્રકૃતિ તરફથી એની પર સંયમન આવે એટલે કે કોઈને કોઈ પ્રકારનો વ્યાધિ કે રોગ આપણને લાગુ પડે અને ડોક્ટર એ છ ભોગરસ પર એક પર પ્રતિબંધ લાદે. મોટેભાગે રસ એટલે કે સ્વાદનું પલ્લુ જોખમકારક છે, અને સ્વાદના ચટાકા ને કારણે ન સાંભળ્યા હોય એવા રોગ આજે થતા જોવા મળે છે. ખાંડ બહુ ખાઈ લીધી તો ડાયાબિટીસ! ઉગ્ર બહુ રહ્યા તો બીપી! કારણ વગરના માનસિક તણાવને લઈને હું કરું કરીને ફર્યા એટલે હૃદય પર દબાણ વધ્યું હાટ ની બીમારી લાગુ પડી કે, પછી તળિયું તાવ્યુ વધારે ખાધું અને વેઈન બ્લોક થઈ ગઈ, કાંતો ખૂબ ખાધું એટલે એબોસીટી! આમ દરેક રોગ કોઈને કોઈ વિષય પ્રેરક ભોગના વધુ ને વધુ મેળવેલા સુખને કારણે જ હોય છે. બીજું બધું તો ન સમજાય, પણ આ શરીર સુખ માટે થઈને જે ભોગનું શરણું લીધું છે, એ જ આપણને આભવ સાગરમાં એટલે કે મોહ માયામાં ડુબાડી રહ્યું છે, એટલું સત્ય જો સમજાય જાય તો શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ જીવન જીવી શકાય! તેમ જ નિયત માત્રામાં ભોગ ગ્રહણ કરીને જીવીએ, તો જીવનનાં બાકીના આયુષ્ય ને સુખ, સંતોષ, તેમજ શાંતિપૂર્વક જીવી શકાશે. તો આપણે સૌ વિષય પ્રેરક ભોગ ગ્રહણ કરતાં પહેલાં આ સુખ ક્યાંક મારા દુઃખનું કારણ તો નથી ને? એટલું અવશ્ય વિચારી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.