Pages

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

પિતા અને પુત્રીનો અતૂટ સંબંધ'- મોરી આકૃતિબા

લેખક: મોરી આકૃતિબા 

શીર્ષક: 'પિતા અને પુત્રીનો અતૂટ સંબંધ'


             પાદરગઢ નામનું નાનકડું ગામડું. જ્યાં કાળુભા પરમાર કરીને એક દરબાર રહે. જે ગામમાં મુખી તરીકે ઓળખાય છે. મોટી મૂળા જેવી મૂછો રાખનાર, ખમતીધર માણસ એ કાળુભા ગામના સારા-માઠા દરેક પ્રસંગે ખડે પગે રહે. ગામલોકો તેના પ્રેમાળ સ્વભાવના કારણે બાપુ કહી સંબોધે. 


              એ ખમતીધર માણસ કાળુભાને એકની એક દીકરી. પણ દીકરાને વટે, દીકરાની જરા પણ ખોટ ન વરતાવા દે એવી. નામ એનું લક્ષ્મીબા. કાળુભા તેને 'લખુડી' કહીને સંબોધે. કાળુભા ચડતા પ્હોરે પહેલા લખુડીને દીઠા પછી જ કામ આદરે .લખુડીને જોઈને જ કાળુભાને સુખનો સૂરજ ઊગે...


              વખત ઝડપભેર વીતવા લાગ્યો. લખુડી મોટી થઈ ગઈ. આથી ગામનાં લોકો કાળુભાને કહેતા : 'સારું સગપણ શોધી લખુને પરણાવો. લખુ મોટી થઈ ગઈ છે. 'પણ કાળુભા નિજાનંદમા રહીને પોતાનું કામ કર્યા રાખતા. લોકો વારે વારે કહેતાં અને કાળુભા તેને સાંભળતા. પણ, એકવાર તેમના પત્નીએ કહ્યું આપણી લખુ હવે ઉંમરલાયક થઈ છે. બંને જણાં આ વાતથી ગળગળા બની ગયા. કાળુભાએ લખુડી માટે સારું ઠેકાણું શોધવા સંબંધીઓ સાથે વાત કરી. 


              ટૂંક સમયમાં કાળુભાએ લખુડીનું સગપણ નજીકના ગામ વડિયામાં પટેલ તરીકે ઓળખાતા દાદભાના દીકરા સાથે નક્કી કર્યું. ત્રણેક મહિના પછી દીકરીનાં લગ્ન લીધાં. દીકરી વિદાયથી કાળુભાને અસહ્ય પીડા થઈ. પણ, સમાજમાં રહેવું અને સમાજના રીતરિવાજને કેમ અવગણવા? એ વિચારે મનને મનાવી અને કામમાં વ્યસ્ત બની જાય. 


            થોડા જ દિવસો વીતતાં ચોમાસું આવ્યુ. વાડીમાં કામનું ભારણ થોડું વધી ગયું. મેહુલાના આગમનથી મોરલાની માફક નાચતી રૂપકડી લખુડી કાળુભાને ખુબ જ યાદ આવતી. વાદળોની સાથે સાથે કાળુભાની આંખો પણ વરસતી જાય છે. 


              દીકરો ન હોવાથી કાળુભા લખુડીની યાદ આવતાં તેની ખૂબ જ ચિંતા કરે છે. વિચારોના વમળમાં ઘેરાઇ જાય છે. જેના કારણે કાળુભાના જીવનમાં પલટો આવે છે અને અનાયાસે હ્રદયરોગમાં સંપડાય જાય છે. વાડીને શેઢે બેઠા હતા અને છાતીમાં દુઃખાવો થાય છે. ઝટ સાથીદારને બોલાવી સારવાર માટે જાય છે. 

               નજીકના તળાજા ગામે સારવાર માટે તુરંત દાખલ થાય છે. દાક્તર કાળુભાને ખુબ જ કાળજી રાખવાનું જણાવે છે. દાક્તરની સલાહ અનુસરી થોડા દિવસ દવાખાનામાં જ સારવાર લે છે અને પોતાની લખુડીને મળવા માટે ખૂબ જ ગળગળા થઈ જાય છે. લખુડીના સસરાના ઘરે ફોન કરે છે. કાળુભાનો ફોન લખુડીના જેઠ ધનભા ઉપાડે છે. કાળુભા કહે છે; 'મારી લખુને મળવા માટે મોકલજોને, મારી તબિયત લથડી છે. એ આવશે તો જરા મન હળવું બનશે. ધનભા કહે છે હા જરૂર...' ને ફોન કાપી નાખે છે. 


              લખુડી કંઈ પૂછે એ પહેલાં જ ધનભા બોલે છે; 'તમારા બાપુની તબિયત લથડી છે. આ શરીર માંસ-હાડકાંનું થોડી ઘણી મથામણ આમય થાય! એમાં કંઈ મન હળવું કરવા ન જવાનું હોય. ખેતરે જઈ વખીડું લેવા મડો.'


               સસરાની ખોટ લખુડીને વર્તાય છે. મનમાં મનમાં ગણગણતી લખુ ચાલી જાય છે. 'ધનભા ઘરમાં મોટા હોવાથી તેનું મોટાપણું બતાવે છે'. લખુડી ખૂબ જ વિમાસણમાં મુકાઈ છે. એને એક-એક દા'ડો એક દસકા જેવો થઈ પડ્યો. લખુડીનું મન હાફળું-ફાંફળું થવા લાગ્યું. દિવસો આમ જ વિમાસણમાં પસાર થવા લાગ્યાં. લખુડીને માથે જાણે આભ ફાટ્યું હોય એમ એને લાગતું હતું. 

                છએક દિવસ પછી ફરી ફોનની ઘંટડી વાગે છે. લખુડી એ સાંભળતા તરસ્યા મૃગની માફક દોટ મૂકે છે અને ધનભા ફોન ઉપાડે એ પહેલા જ ફોન ઉપાડી લે છે. 'હાલો...' એમ લખુડી ઉચ્ચારે ત્યાં જ વળતો જવાબ આવે છે કે, 'લખુબહેનના પિતાજીએ મોટુ ગામતરું કર્યું છે. (લખુડી સ્તબ્ધ બની સાંભળે છે.) લખુબહેનને સંધ્યાટાણું થયા પહેલા લઈને આવજો. એમના પિતાજીએ અંતિમવેળાએ કહ્યું હતું કે 'મને અંતિમ સંસ્કાર મારી લખુ જ આપે'. આ સાંભળતાં જ ફોન હાથમાંથી પડી જાય છે અને સાથે લખુડી પણ...... (લખુડી પણ મૃત્યુ પામે છે.)


બાંહેધરી :- આથી હું, 'મોરી આકૃતિબા'ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.